ઝાંઝવાનાં જળ

‘મિથ્યા માયા-મોહ એવાં, ઝાંઝવાનાં જળ જેવાં’ આ ઉક્તિ અનુસાર જૂનાગઢથી ભુજ જતી વખતે માર્ગમાં સ્વામી વિવેકાનંદને કચ્છના નાના રણમાં અદ્‌ભુત અનુભવ થયેલો તે અંગે લંડનમાં ‘સાચો અને આભાસિક માનવ’ વિષય પર આપેલા પ્રવચનમાં પોતે વર્ણન કરેલું – ‘એક વાર પશ્ચિમ ભારતમાં અરબ સાગરના કિનારા પરના રણપ્રદેશમાં થઈને હું મુસાફરી કરી રહ્યો હતો. એ રણપ્રદેશમાંથી હું દિવસોના દિવસો સુધી પગપાળા મુસાફરી કરતો. પરંતુ દરરોજ હું સુંદર સરોવરો, તેમની આસપાસ વૃક્ષો અને તેય ઊંચી ટોચવાળાં અને હાલતાં ચાલતાં જોતો, ત્યારે મને નવાઈ લાગતી. મને થતું કે ‘આ કેવું સુંદર દેખાય છે! છતાં લોકો આને મરુભૂમિ કહે છે!’ આશરે એક મહિના સુધી મેં પ્રવાસ કર્યો; દરમિયાન રોજ આ રમણીય સરોવરો, વૃક્ષો અને વનસ્પતિઓ જોયા કર્યાં. એક દિવસે મને બહુ જ તરસ લાગી; સરોવર પાસે જવા નીકળ્યો. પરંતુ ત્યાં પહોંચ્યો કે તરત જ તે અદૃશ્ય થઈ ગયું. સાથે જ એક ચમકારો મારા મગજમાં થયો : ‘અરે, જેને વિશે હું આજ સુધી વાંચતો હતો તે મૃગજળ આ જ!’ તેની સાથે જ એ વિચાર પણ આવ્યો કે આ આખો મહિનો, રોજ રોજ હું મૃગજળ જ જોયા કરતો હતો અને છતાં તે મૃગજળ છે એમ જાણતો ન હતો! બીજે દિવસે સવારમાં મેં તો પાછું મારું પર્યટન શરૂ કર્યું. વળી પાછું એ સરોવર દેખાયું ખરું, પરંતુ એ સાથે જ એ વિચાર પણ આવ્યો કે એ તો મૃગજળ છે, ખરું સરોવર નહિ. આ સંસારનું પણ તેમ જ છે, આપણે બધા આ સંસારના મૃગજળમાં દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ, વરસોનાં વરસો સુધી, એ મૃગજળ છે એમ જાણ્યા વિના ફર્યા જ કરીએ છીએ. એક દિવસે એ ભ્રમ ભાંગશે, પણ વળી પાછો એ આવશે. શરીર પૂર્વકર્મના પ્રભાવ નીચે રહેશે એટલે મૃગજળ પાછું દેખાશે. જ્યાં સુધી આપણે કર્મોથી બદ્ધ છીએ ત્યાં સુધી આ સંસાર આપણે અનુભવવો પડવાનો જ; સ્ત્રીપુરુષો, પશુઓ, વૃક્ષો, આપણી આસક્તિઓ અને ફરજો વગેરે આપણે અનુભવવાં પડશે; પરંતુ ત્યારે પૂર્વનું બળ નહિ રહે. નવીન જ્ઞાનના પ્રભાવે કર્મનું બળ તૂટી જશે, તેમાંનું ઝેર નીકળી જશે. એનું સ્વરૂપ બદલાઈ જશે, કારણ કે તેની સાથે જ એ વિચાર પણ આવે છે કે આપણે હવે સંસારને ઓળખી ગયા છીએ, સત્ય અને મિથ્યા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ આપણને સમજાઈ ગયો છે.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૫, પાના નં. ૨૭૩; આવૃત્તિ જુલાઈ, ૨૦૦૯)

જૂનાગઢથી સ્વામીજીએ ભુજ ભણી પ્રયાણ કર્યું ત્યારે ભુજના દીવાન શ્રી મોતીલાલ લાલભાઈ હતા, જેઓ દીવાન શ્રીહરિદાસજીના લંગોટિયા દોસ્ત હતા. એટલે તેમના પરનો પરિચય-પત્ર લઈ સ્વામીજી આવ્યા અને થોડા દિવસો તેમની સાથે રહ્યા હતા. અહીં ભુજના દીવાન સાથે પણ સ્વામીજીએ દેશની આર્થિક, ઔદ્યોગિક અને ખેતી વિષયક સમસ્યાઓ વિશે અને આમજનતામાં કેળવણીના પ્રચાર વિશે વાતચીત કરી. દીવાનજીએ તેમનો પરિચય કચ્છના મહારાવ સાથે કરાવ્યો. તેઓ પણ સ્વામીજીથી અત્યંત પ્રભાવિત થઈ એમના શિષ્ય બની ગયા.

શ્રી મોતીલાલ લાલભાઈનો જન્મ અમદાવાદમાં ૧૯ મે, ૧૮૪૨ના રોજ થયો હતો. તેઓ સાઠોદરા નાગર બ્રાહ્મણ હતા. તેમની માતાનું નામ યમુનાબાઈ હતું. તેઓ બાળપણથી જ વિદ્યાભ્યાસમાં અત્યંત તેજસ્વી હતા. તેમના અંગ્રેજી અક્ષર ખૂબ સુંદર હતા. અંગ્રેજી ભાષાનું તેમનું જ્ઞાન ઉત્કૃષ્ટ હોવાથી સૌ પ્રથમ તેમણે ૧૮૫૯માં ભાવનગર રાજ્યમાં અંગ્રેજી ક્લાર્ક તરીકે કાર્યારંભ કર્યો. ત્યાર બાદ અમદાવાદ કલેક્ટર ઑફિસમાં જોડાયા. ૧૮૬૩માં ખેડાના સિનિયર આસિસ્ટન્ટ જજની ઓફિસમાં તેમની નિયુક્તિ થઈ. ૧૮૬૫માં અમદાવાદમાં જજ સાહેબના હેડક્લાર્ક તરીકે તેઓએ કાર્યભાર સંભાળ્યો. ૧૮૬૭ના ફેબ્રુઆરી માસમાં તેઓની ખેડાના જજ તરીકે નિમણૂક થઈ. ત્યાર બાદ ૧૮૬૯માં નડિયાદના સબ-ઓર્ડિનેટ જજ તરીકે તેઓ નિમણૂક પામ્યા અને ૧૮૭૩ સુધી ત્યાં કાર્યરત રહ્યા બાદ બોરસદમાં જજ બન્યા. વળી ૧૮૭૬માં કચ્છમાં ઉપપ્રધાન (નાયબ દીવાન) બન્યા. અંતે ૧૮૭૮માં જંબુસરના સબજજ બન્યા. તેમની ન્યાયબુદ્ધિ, બહુમુખી કુશળતા, પ્રામાણિકતા, નિષ્પક્ષપાતતા, સરળ સ્વભાવ, વગેરે શુભ ગુણોને લીધે તેઓ જે જે યુરોપિયન તથા દેશી સદ્‌ગૃહસ્થોના પરિચયમાં આવ્યા તેઓએ તેમના વિશે ઉચ્ચ અભિપ્રાય આપ્યો છે. તેમને આડંબર અને સંભ્રમ લગારેય પસંદ ન હતાં. તેઓ હરિદાસ વિહારીદાસ દેસાઈ તથા મણિભાઈ જશભાઈ સાથે ઘનિષ્ઠ પરિચયમાં હતા.

ભારતનાં દેશી રજવાડાઓના રાજવીઓમાંના એક કચ્છના મહારાવ-ખેંગારજી બહાદુર સુસંસ્કૃત, પ્રગતિશીલ અને મેધાવી રાજા હતા, જેમને (૧૮૮૭માં) ઇંગ્લેન્ડની મુલાકાત દરમિયાન મહારાણી સાથે મુલાકાત-વાર્તાલાપ કરવાનું સન્માન મળેલું. આ સમયે મહારાવને અનેક ખિતાબો—રાવ, ધ નાઈટ અને ભારતીય સામ્રાજ્યના ગ્રાન્ડ કમાન્ડર (ઉચ્ચ સેનાપતિ)—એનાયત કરવામાં આવેલા. તેમણે કન્યા-કેળવણીમાં ખૂબ જ ઊંડો રસ દાખવ્યો હતો; અનેક પ્રમાણભૂત અંગ્રેજી પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું અને લોક-કલ્યાણનાં અનેક કાર્યો સિદ્ધ કર્યાં હતાં.

સ્વામીજીથી ત્રણ વર્ષ ઉંમરમાં નાના હોવાથી, તેમની બંને વચ્ચે ગાઢ મિત્રતા થાય એ સ્વાભાવિક છે. સ્વામીજીની પ્રભાસની મુલાકાત સમયે બંનેને ફરીથી મળવાનું બન્યું અને બંને વચ્ચે લાંબી ચર્ચા થયેલી. સ્વામીજીના ચુંબકીય વ્યક્તિત્વથી મહારાવ ભારે પ્રભાવિત થયેલા અને તેમના વિશાળ જ્ઞાનથી ઘણું જ આશ્ચર્ય અનુભવેલું. તેમણે કહ્યું: ‘સ્વામીજી, અનેક પુસ્તકોના વાંચન પછી માથું ભમવા લાગે, તેમ તમારી સાથે વાર્તાલાપ-ચર્ચાઓ કર્યા પછી મારું મગજ બહેર મારી જાય છે. તમે આ બધી શક્તિનો કેવી રીતે ઉપયોગ કરશો? જ્યાં સુધી તમે આશ્ચર્યજનક કાર્યો નહીં કરો ત્યાં સુધી તમે અટકશો નહીં.’ સ્વામીજી શિકાગોની ધર્મસભામાં ભાષણ આપી જગપ્રસિદ્ધ થયા એ પહેલાં એક કુશળ ઝવેરીની જેમ કચ્છના મહારાવે સ્વામીજીની પ્રતિભા પારખી લીધી હતી.

પ્રભાસ અને સોમનાથની મુલાકાત કરી સ્વામીજી જૂનાગઢ ગયા અને ત્યાંથી દ્વારકા ગયા. દ્વારકાથી સ્વામીજી બેટદ્વારકા ગયા અને ત્યાંથી સ્ટીમર દ્વારા અરબી સમુદ્ર પાર કરી માંડવી પહોંચ્યા. કચ્છના મહારાવના નિમંત્રણને માન આપીને આમ સ્વામીજી ફરી માંડવી પહોંચ્યા. ત્યાર પછી કચ્છના મહારાવે કચ્છનાં અનેક તીર્થસ્થાનોનાં દર્શનની સુંદર વ્યવસ્થા કરી આપી.

સ્વામીજીની માંડવી ખાતેની મુલાકાતના સંદર્ભમાં આપણને અહીં આપેલ વ્યક્તિઓનાં સંસ્મરણોમાંથી ઉલ્લેખ મળી આવે છે.

તે વખતના કચ્છ રાજ્યના ચિઠ્ઠી ખાતાના અધિકારી સ્વ. શ્રી હરિલાલ અંબાશંકર ધોળકિયાની ડાયરીમાં નીચે પ્રમાણેનો ઉલ્લેખ મળી આવે છે-

“હાટકેશ્વર મંદિરમાં યુવાન બંગાળી સ્વામી ઊતરેલ છે. તેમનું પૂર્વાશ્રમમાં નરેન્દ્રનાથ નામ હતું. હાલ વિવેકાનંદ નામ છે. બહુ જ પ્રતિભાશાળી છે. બહુ જ નામ કાઢશે.”

૧૯૩૮માં માંડવી-કચ્છમાં શ્રીરામકૃષ્ણ પરમહંસના ભક્ત સ્વર્ગસ્થ શ્રી નાનાલાલ વોરાએ જણાવ્યું હતું કે તેમના ઘર સામે (અત્યારે આચાર્ય નાનાલાલ વોરા માર્ગ) મામલતદારનું ઘર છે, ત્યાં સ્વામી વિવેકાનંદ એમની કચ્છ-માંડવીની મુલાકાત વખતે ઊતરેલા.

દૈનિક સમાચારપત્ર ‘કચ્છ મિત્ર’માં ‘આરપાર’ કટાર અંતર્ગત શ્રી ચાંપશીભાઈ ઠક્કર લખે છે—

સ્વામી વિવેકાનંદજી કચ્છ પધારેલા ત્યારે મોટી વિરાણી ગામની લોહાણા મહાજન વાડીની ધર્મશાળામાં તેઓએ રાત્રી રોકાણ કર્યું હતું, એવો ઉલ્લેખ છે. સ્વામી વિવેકાનંદ આ ધર્મશાળામાં સ્વામી આત્મારામ પાસે રોકાયા હતા, અને ત્યાંથી નારાયણ સરોવર, માતાના મઢ ગયા હતા.

માંડવી-કચ્છના બિદડા ગામના શ્રી શ્રીનંદન મુખરજી પોતાનાં સંસ્મરણમાં જણાવે છે કે—

તેઓ ૨૯મી માર્ચ, ૨૦૧૭ના રોજ શ્રી કાંતિસેન શ્રોફ પાસે સ્વામી વિવેકાનંદની માંડવી મુલાકાત વિશે જાણવા માટે ગયા, ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમના બાળપણની સ્મૃતિમાં છે કે તેમના પરિવારજનો તેમને કહેતા હતા કે જ્યારે સ્વામી વિવેકાનંદ રાજ્યના અતિથિ તરીકે માંડવી આવ્યા ત્યારે તેઓ શેઠ દામોદરજીની હવેલીમાં રોકાયા હતા, જે માંડવીનું તે વખતનું સૌથી મોટું નિવાસસ્થાન હતું.

ગુરુભાઈનો પીછો

સ્વામીજીની એકલાઅટૂલા ફરવાની ઇચ્છાને માન આપી તેમના ગુરુભાઈ સ્વામી અખંડાનંદજીએ તેમની પાસેથી દિલ્હીથી વિદાય તો લીધી હતી પણ તેમણે કહ્યું હતું, ‘જો તમે પાતળમાં જશો તો ત્યાંથી પણ તમને શોધી કાઢીશ.’ અને ખરેખર તેમણે સ્વામીજીનો પીછો કર્યો. પોતાના બંગાળી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં આ ખોજયાત્રાનું રસપ્રદ વર્ણન તેમણે કર્યું છે. આ ગ્રંથમાંથી સ્વામીજીના ગુજરાત-ભ્રમણ વિશે પણ વધુ માહિતી મળે છે.

દિલ્હીથી જયપુર થઈને સ્વામી અખંડાનંદજી સ્વામીજીની શોધમાં અજમેર આવ્યા. ત્યાં ખબર મળ્યા કે સ્વામીજી અમદાવાદ ગયા છે. એટલે તેઓ પુષ્કર ભણી ચાલ્યા. ત્યાં સ્વામી ત્રિગુણાતીતાનંદજી સાથે તેમનો ભેટો થઈ ગયો.

ત્યાંથી તેઓ અજમેર આવ્યા અને ૧૫ દિવસથી વધુ ત્યાં રોકાયા અને સ્વામી ત્રિગુણાતીતાનંદજીની સેવા કરી, કારણ કે તેઓ માંદા પડી ગયા હતા. ત્યાંથી બિયાવર અને આબુ થઈ તેઓ અમદાવાદ ગયા. ત્યાં તેમને ખબર મળ્યા કે સ્વામીજી વઢવાણ ગયા છે. અમદાવાદથી તેઓ ડાકોર ગયા, ત્યાંથી વડોદરા અને ભરૂચ થઈને ખંભાતના અખાતે ગયા અને નર્મદાસંગમમાં સ્નાન કર્યું.

આ પછી વડોદરામાં લગભગ પંદરેક દિવસ રહીને અમદાવાદ તથા ત્યાંથી તેઓ વઢવાણ ગયા. વઢવાણ જંક્શનમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે વિવેકાનંદ નામના એક મહાપંડિત જૂનાગઢમાં છે. જૂનાગઢ પહોંચીને તેમને ખબર મળ્યા કે સ્વામીજી તો ૪-૫ દિવસ અગાઉ જ પોરબંદર થઈને દ્વારકા જવા નીકળી ગયા છે. દ્વારકા જઈને તેમણે સાંભળ્યું કે સ્વામીજી બેટદ્વારકા ગયા છે. ત્યાં પહોંચીને તેમને ખબર પડી કે કચ્છના મહારાવે પ્રભાસમાં તેમને નિમંત્રણ આપેલ હોવાથી સ્વામીજી કચ્છ માંડવી ગયા છે. અહીં કચ્છના મહારાવે કચ્છનાં નારાયણ સરોવર, આશાપુરા (દેવીનું મંદિર) વગેરે અન્ય તીર્થધામોની મુલાકાતે જવા સ્વામીજી માટે બધી જ વ્યવસ્થા કરી હતી. આટઆટલી ભાગદોડ કરવા છતાં સ્વામીજીને શોધી ન શકવાથી તેમની વ્યાકુળતા એટલી વધેલી કે ત્યાંનાં બધાં તીર્થોની યાત્રા કર્યા વગર જ તેઓ માંડવી જવા નીકળી પડ્યા. ત્યાં જઈને સાંભળ્યું કે સ્વામીજી નારાયણ સરોવર ભણી ગયા છે.

માંડવીમાં રાતવાસો કરી તેઓ પગપાળા નારાયણ સરોવર ભણી ગયા અને રસ્તામાં તેઓ ડાકુઓના હાથમાં સપડાઈ ગયા. સદ્‌નસીબે તેમની જીવનરક્ષા થઈ. નારાયણ સરોવર માંડ-માંડ પહોંચ્યા પછી જ્યારે સ્વામી અખંડાનંદજીએ જાણ્યું કે સ્વામી વિવેકાનંદજી તો અન્ય રસ્તે આશાપુરાદેવીનાં દર્શને જવા નીકળી ગયેલ છે, ત્યારે તેઓ નિરાશ થઈ ગયા અને તાવમાં પટકાઈ ગયા. તોય તેમણે પોતાની ખોજયાત્રા થંભાવી નહિ.

નારાયણ સરોવરના મહંતે ઘોડાની વ્યવસ્થા કરી આપી. તેના પર બેસી તેઓ આશાપુરા પહોંચ્યા. ત્યાં ખબર કાઢતાં જાણ્યું કે સ્વામીજી માંડવી તરફ ગયા છે. એક રાત ત્યાં રોકાઈને તેઓ માંડવી તરફ રવાના થયા. ક્યારેક ઘોડા પર, ક્યારેક તો ઊંટ પર, તો ક્યારેક વળી પગપાળા, આમ તેઓ માંડવી પહોંચ્યા. સમાચાર મળ્યા કે સ્વામીજી એક ભાટિયાને ઘેર રહેલા છે. તરત જ તેઓ ત્યાં પહોંચી ગયા. જઈને તેમણે જોયું કે સ્વામીજી હવે પહેલાંના જેવા નથી રહ્યા. રૂપલાવણ્યે ઓરડાને અજવાળતા બેઠેલા સ્વામીજીને જોઈને સ્વામી અખંડાનંદજી ચોંકી ગયા.

રસ્તાની આખી રામકહાણી અખંડાનંદજી પાસેથી તેમણે સાંભળી. સાંભળીને તેમને ડર પેઠો કે આ ગંગાધરે (સ્વામી અખંડાનંદજીનું પૂર્વાશ્રમનું નામ) આટઆટલી આફત વહોરીને, જીવને જોખમે મને પકડી પાડ્યો છે. તે હવે કેમેય કરીને મારો સાથ છોડશે નહિ. તેમણે સ્વામી અખંડાનંદજીને કહ્યું, ‘મેં એક મનસૂબો ઘડેલો છે. તમારામાંથી (ગુરુભાઈઓમાંથી) કોઈ પણ જોડે રહેવાથી એને પાર પાડી નહિ શકું.’

સ્વામી અખંડાનંદજીએ વાત કાને ન ધરી ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘જો, હું બગડી ગયો છું, મારો સંગ તજી દે.’ સ્વામી અખંડાનંદજીએ કહ્યું : ‘ભલેને તમે બગડી ચૂક્યા, હું તો તમને ચાહું છું! તમારા ચારિત્ર જોડે એને શી લેવા કે દેવા? પણ તમારા કામની આડે હું નહિ આવું. તમને મળવાને માટે વ્યાકુળ થઈ ઊઠેલો, એ ઇચ્છા પૂરી થઈ છે, હવે તમે એકલા જઈ શકો છો.’ સ્વામીજી એ સાંભળીને રાજીના રેડ થઈ ગયા. બીજે જ દિવસે તેઓ ભુજ જવા રવાના થઈ ગયા. સ્વામી અખંડાનંદજી તે દિવસે તેમની સાથે ન ગયા, પણ બીજે દિવસે ભુજ ગયા. થોડા દિવસો તેઓ સ્વામીજી સાથે ભુજના પ્રાગમહેલમાં કચ્છના મહારાવના અતિથિરૂપે રહ્યા.

સ્વામીજીએ સ્વામી અખંડાનંદજીને ત્યારે કહ્યું હતું કે, ‘રાજા આપણી ઘણી વધારે પડતી કાળજી લે છે અને આપણે અહીં વધુ રોકાઈએ તો સંભવ છે કે લોકોને તે આંખમાં કણાની જેમ ખૂંચે. પચ્ચીસ વર્ષો પહેલાં એક આનંદ આશ્રમ નામે બંગાળી સાધુ ભુજ આવેલા અને રાજ્યમાં અનેક સુધારાઓ કરવામાં સહાયભૂત બન્યા હતા. પણ રાજ્યના અધિકારીઓને આવા સુધારાઓ જરાય પસંદ ન હતા. આનંદ આશ્રમ તેમને આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. તેમના દુશ્મનોએ ખોરાકમાં ઝેર ભેળવી દઈને તેમને મારી નાખ્યા હતા. આપણું પણ આવું જ દુર્ભાગ્ય બની શકે. એટલે કાલે સવારે જ અહીંથી રવાના થઈ જઈએ.’

એટલે બંને ભુજથી માંડવી આવીને પંદર દિવસ રહ્યા. આ પછી સ્વામીજી પોરબંદર ગયા. સ્વામી અખંડાનંદજી પાંચ-સાત દિવસ પછી પોરબંદર ગયા. ત્યાં થોડા દિવસ એક સાથે રહ્યા પછી તેઓ જેતપુર, ગોંડલ અને રાજકોટ થઈ જામનગર ગયા. ત્યાં તેઓ લગભગ એક વર્ષ રહ્યા હતા.

Total Views: 133

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.