એક માન્યતા અનુસાર દ્વારકા નામ સંસ્કૃત શબ્દ द्वार પરથી ઊતરી આવ્યું છે, જેનો અર્થ ‘દ્વાર’ અથવા ‘પ્રવેશદ્વાર’ થાય છે, અને પ્રત્યય का એ સ્થળ દર્શાવે છે. આમ દ્વારકા શબ્દનો અર્થ ‘દરવાજાઓનું શહેર’ થાય છે.

આ નામ મહાભારત અને હરિવંશ જેવા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં જોવા મળે છે. એ ગ્રંથોમાં દ્વારકાને અનેક દરવાજાઓવાળા, કિલ્લાવાળા દરિયાકાંઠાના શહેર તરીકે વર્ણવવામાં આવ્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણે તેમના મામા—મથુરાના અત્યાચારી રાજા—કંસનો વધ કર્યો. આથી કંસના સસરા મગધનરેશ જરાસંધ શ્રીકૃષ્ણ સાથે વેરભાવ રાખીને યાદવો પર વારંવાર આક્રમણ કરવા લાગ્યા. આથી વારંવારનાં આક્રમણોથી વ્રજભૂમિની રક્ષા કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે નવા સ્થળે વસવાટ કરવાનો નિર્ણય લીધો. આ માટે તેમણે કુશસ્થળી પર પસંદગી ઉતારી. કુશસ્થળીમાં આવતાં પહેલાં શ્રીકૃષ્ણે કુશાદિત્ય, કર્ણાદિત્ય, સર્વાદિત્ય અને ગૃહાદિત્ય નામના અસુરો સાથે યુદ્ધ કરીને તેમનો નાશ કરીને સમુદ્રતટ પર દ્વારકાનું નિર્માણ કર્યું.

શ્રીમદ્ ભાગવત જણાવે છે કે દ્વારકાનું નિર્માણ કરતાં પહેલાં શ્રીકૃષ્ણે સમુદ્રને ૧૨ યોજન જમીન આપવાની અને જળને ખસેડી લેવાની વિનંતી કરી. આથી સાગરદેવે જગ્યા આપી. ત્યાર પછી વિશ્વકર્માજીએ દ્વારકાનું નિર્માણ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકાનગરી વસાવીને તેને પોતાની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું.

શ્રીકૃષ્ણના જીવનની ઘણી મહત્ત્વની ઘટનાઓ દ્વારકાનગરીમાં જ બની, જેમ કે રુક્મિણીહરણ તથા વિવાહ, જાંબવતી, રોહિણી, સત્યભામા, કાલિન્દી, મિગવિન્દા, સત્યા, નાગ્નજિતી, સુશીલામાદ્રી, લક્ષ્મણા, દતા સુશલ્યા વગેરે સાથે વિવાહ, નરકાસુર વધ, પ્રાગ્જ્યોતિષપુર વિજય, પારિજાતહરણ, બાણાસુરવિજય, ઉષા-અનિરુદ્ધ વિવાહ, મહાભારત યુદ્ધ-સંચાલન, દ્રૌપદીનું ચીરહરણથી રક્ષણ, શિશુપાલ-વધ વગેરેનો સમાવેશ થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં દ્વારકાની ભૌતિક સમૃદ્ધિ સફળતાના શિખરે હતી. પાછળથી યાદવો ભોગવિલાસમાં ડૂબી જતાં અનેક ઘટનાઓ બનવા લાગી, જેમ કે યાદવોએ પિંડતારણ ક્ષેત્રમાં રહેતા ઋષિઓને હેરાન કર્યા. આથી ઋષિઓએ યાદવોને શ્રાપ આપ્યો. ઋષિઓના શ્રાપથી શ્રાપિત યાદવો કાળક્રમે નાશ પામવા લાગ્યા અને ભગવાન શ્રીકૃષ્ણે પોતાની લીલા સંકેલવા માંડી.

શ્રીકૃષ્ણ દ્વારકા પર આવનારા સંકટને પારખીને યાદવોને લઈને પ્રભાસક્ષેત્ર (હાલના સોમનાથ)માં રહેવા ચાલ્યા ગયા. બીજી બાજુ શ્રીકૃષ્ણે દ્વારકાને છોડી દેતાં સમુદ્રનાં પાણી દ્વારકા પર ફરી વળ્યાં. જાણે કે સમુદ્રે આપેલી ભૂમિ પાછી ન લઈ લીધી હોય! કાળાંતરે ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભને શૂરસેન દેશનો રાજા બનાવ્યો. મોટા થયા બાદ વજ્રનાભ દ્વારકા આવ્યા અને તેમણે શ્રીકૃષ્ણની સ્મૃતિમાં એક સુંદર વિશાળ મંદિરનું નિર્માણ કર્યું, જે આજનું વિદ્યમાન જગતમંદિર દ્વારકા.

દ્વારકાધીશનું મંદિર ગોમતી નદીના જ કિનારે છે. ગોમતી ઘાટ પરથી ૫૬ સીડીઓ ચડીને મુખ્ય મંદિરમાં પ્રવેશ કરી શકાય છે, જેને સ્વર્ગદ્વાર કહેવામાં આવે છે. ગોમતી નદીના સામેના કિનારે પંચાનંદતીર્થ છે. આ સ્થળની વિશેષતા એ છે કે ચારે બાજુ સમુદ્ર હોવા છતાં તેના પાંચ કૂવાઓમાં મીઠું પાણી મળે છે. પાંડવોએ આ કૂવાઓનું નિર્માણ કરાવ્યું હોવાનો ઉલ્લેખ છે. ગોમતી નદીનો જે સ્થળે સમુદ્ર સાથે સંગમ થાય છે, તે સ્થળે સમુદ્રનારાયણ અથવા સંગમનારાયણ મંદિર છે. આ સ્થળ પાસે જ ચક્રતીર્થ આવેલું છે, જ્યાંથી ચક્રાંકિત શિલાઓ પ્રાપ્ત થાય છે. વિષ્ણુપુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ અસુરોનો નાશ કરીને સુદર્શનચક્રને આ સ્થળે પાણીમાં નાખીને શુદ્ધ કર્યું હતું.

દ્વારકા જતા શ્રદ્ધાળુઓની એવી માન્યતા છે કે બેટ દ્વારકાની યાત્રા વગર દ્વારકાની યાત્રા અધૂરી ગણાય છે. બેટ દ્વારકા જ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી. બેટ દ્વારકામાં પાંચ મોટા મોટા મહેલ છે. પ્રથમ મહેલ શ્રી કૃષ્ણનો છે જે સૌથી ભવ્ય છે. તેની ઉત્તરે રુક્મિણી તથા રાધા મહેલ જ્યારે દક્ષિણે સત્યભામા અને જાંબવતીના મહેલ આવેલા છે. આ પાંચેય મહેલ અત્યંત સુંદર છે.

આવી પાવન ભૂમિ દ્વારકામાં સ્વામી વિવેકાનંદ ગુજરાતના પરિભ્રમણ દરમિયાન પધાર્યા હતા.

દ્વારકામાં દિવ્યદર્શન

સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત ભારતનું ભ્રમણ કર્યું તેમાંથી સૌથી વધુ સમય ગુજરાતમાં ગાળ્યો, એ ગુજરાતનું ગૌરવ છે. અજમેરથી અમદાવાદ, વઢવાણ, લીંબડી, ગિરનાર, જૂનાગઢ થઈ પોરબંદર ગયા અને  ત્યાંથી દ્વારકા તરફ તેમણે પ્રયાણ કર્યું. દ્વારકામાં સ્વામી વિવેકાનંદજીએ જોયું કે પ્રાચીન દિવસોનું દ્વારકા હવે રહ્યું નથી. જે સ્થાને એક દિવસ અતીત ભારતવર્ષના ભગવાન શ્રીકૃષ્ણે રાજય કર્યું હતું, જે પવિત્ર ભૂમિ સતત પ્રબળ યાદવ વીરગણોનાં ચરણોથી કંપાયમાન થતી તે જ સ્થળે મહાસાગરના નીલ જલતરંગો ક્રીડા કરી રહ્યા હતા. સ્વામીજી વિચારવા લાગ્યા, “અરે… રે … તે પ્રાચીન દિવસો તો ચાલ્યા ગયા, તે પ્રાચીન ગૌરવ તો લુપ્ત થઈ ગયું!”

દ્વારકામાં આવી સ્વામીજી એક સાધારણ ભિક્ષુક સંન્યાસીની જેમ રહેવા લાગ્યા. પોરબંદરના રાજમહેલમાં નિવાસ કર્યા પછી પણ તેમની સાદગી અને તિતિક્ષાની ભાવના અકબંધ રહી હતી. દ્વારકાધીશનાં દર્શન કરી સ્વામીજી ભાવવિભોર થઈ ગયા. તેઓ અવારનવાર ધ્યાનમાં લીન થઈ જતા, ક્યારેક ભૂતકાળની ભારતની કીર્તિનું સ્મરણ કરતા તો ક્યારેક નિરાશાજનક ભયંકરતાને લીધે તેમનું દુ:ખી હૃદય અનંત અંધકારમાં ડૂબી જતું.

સાગરને કિનારે બેસી સ્વામીજી પ્રબળ પ્રવાહ-વેગનું અવલોકન કરતા અને વિચારતા કે સમુદ્રનાં આવાં મોજાંના પ્રબળ પ્રવાહની જેમ આવેલ વિદેશી સભ્યતાના પ્રબળ પ્રવાહને કેવી રીતે રોકી શકાય. સાગરનાં મોજાંને નિહાળતાં ભવિષ્યના ગર્ભમાં શું સમાયેલું છે, આ દેશમાંથી વિદેશી પ્રભાવ દૂર થશે કે કેમ, એવા વિચારોમાં ખોવાઈને સ્વામીજી આત્મ-વિસ્મૃત થઈ જતા.

દ્વારકામાં સ્વામીજીને આદિશંકરાચાર્યે ચાર તીર્થોમાં સ્થાપેલ મઠોમાંના એક મઠ શારદાપીઠમાં આશરો મળ્યો હતો. મઠના મહંતજીએ તેમનો આદરપૂર્વક સત્કાર કર્યો અને તેમને રહેવા માટે એક નિર્જન ઓરડો આપ્યો, એ નિર્જન સ્થળમાં સ્વામીજી વિચારતા, “એક સમયે આ મઠ વિદ્યાર્જન માટે કેવું શ્રેષ્ઠ સ્થળ હતું! આ સ્થળમાં કેટકેટલાંય વર્ષોથી કેટકેટલાય સંન્યાસીઓએ તપસ્યા કરી છે, પણ આજે આ મઠની કેવી દુર્દશા થઈ છે!”

આવા અનેક વિચારો કરતાં સ્વામીજીનું ભાવનાશીલ હૃદય અત્યંત વ્યાકુળ થઈ જતું! કેટલીય વાર અશ્રુઓથી તેમનાં યુગલનેત્રો ભરાઈ જતાં. પણ સ્વામીજી કેવળ અશ્રુપાત કરીને અટકતા નહિ, પરંતુ દેશની આ દુર્દશા કેવી રીતે દૂર થઈ શકે તેની રાત-દિવસ ચિંતા કરતા. ચિંતાનો જાણે કોઈ આદિ કે અંત નહોતો. તેઓ દિશાહીન, કિનારાહીન ચિંતાસાગરમાં જાણે એક સુકાની વગરની નૌકાની જેમ તણાઈ જતા. પરંતુ એક દિવસ અચાનક કિનારો હાથ લાગ્યો. તેઓ જ્યારે શારદાપીઠના એ નિર્જન ઓરડામાં બેઠા હતા ત્યારે તેમને એક દિવ્ય દર્શન થયું—તેમણે એક મહાન પ્રકાશપુંજનાં દર્શન કર્યાં.

ભારતના ઉજ્જ્વળ સોનેરી ભવિષ્યનાં દર્શન કરી સ્વામીજી ગદ્‌ગદ થઈ ગયા. દ્વારકાથી સ્વામીજી બેટ દ્વારકા ગયા અને ત્યાંથી સ્ટીમર દ્વારા અરબી સમુદ્ર પાર કરી માંડવી પહોંચ્યા. કચ્છના મહારાવના નિમંત્રણને માન આપીને સ્વામીજી માંડવી પહોંચ્યા. ત્યાર પછી કચ્છના મહારાવે કચ્છનાં અનેક તીર્થસ્થાનોનાં દર્શનની સુંદર વ્યવસ્થા કરી આપી.

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.