ઈશ્વર પ્રાપ્તિનો ઉપાય : બાળકના જેવી શ્રદ્ધા અને વ્યાકુળતા
“અનુરાગ આવે તો ઈશ્વરપ્રાપ્તિ થાય. ખૂબ વ્યાકુળતા જોઈએ. ખૂબ વ્યાકુળતા હોય તો આખું મન ઈશ્વરમાં પરોવાયેલું રહે.”
“એક માણસને એક દીકરી હતી. બહુ જ નાની ઉંમરમાં એ છોકરી વિધવા થઈ. બિચારીએ વરનું મોં ક્યારેય જોયું ન હતું. બીજી છોકરીઓનો વર આવે તે જુએ. એટલે એક દિવસ તેણે પોતાના બાપને પૂછ્યું : ‘બાપા, મારો વર કયાં ?’ તેનો બાપ કહે, ‘દીકરી ! તારો વર ગોવિંદ. તેમને બોલાવે તો તે દર્શન દે.’ તે છોકરી એ વાત સાંભળીને ઓરડામાં બારણાં વાસીને ગોવિંદને બોલાવે અને કહે, ‘ગોવિંદ, તમે આવો, મને દર્શન આપો, તમે કેમ આવતા નથી ?’ નાની બાલિકાનું એ રુદન સાંભળીને ભગવાન રહી શક્યા નહિ. આવીને તેને દર્શન દીધાં.
“આવી બાળકની જેવી શ્રદ્ધા ! બાળક માને જોવા માટે જેવું આતુર થાય, તેવી આતુરતા જોઈએ. એ આતુરતા આવે તો ઈશ્વર-દર્શનનો અરુણોદય થઈ ચૂક્યો સમજવો. ત્યાર પછી સૂર્ય ઊગવાનો જ ! એ આતુરતાન પછી તરત જ ઈશ્વર-દર્શન.
“જટિલ બાળકની એક વાત છે. જટિલ બાળક રોજ પાઠશાળાએ જતો. પાઠશાળાએ જવાનો રસ્તો વચમાં થોડાક ગીચ જંગલમાં થઈને જતો. ત્યાં થઈને જતાં તેને ડર લાગતો, તેણે પોતાની માને કહ્યું. એટલે મા બોલી : ‘બેટા, તારે બીવું શું કામ ? તું તારે મધુસૂદનને બોલાવજે.’ છોકરાએ પૂછ્યું, ‘મધુસૂદન કોણ ?’ માએ જવાબ આપ્યો કે, ‘મધુસૂદન તારો મોટો ભાઈ થાય.’ એ પછી એકલા રસ્તે જતાં જેવી બીક લાગવા માંડી કે તરત તે બાળકે બૂમ મારી, ‘ભાઈ મધુસૂદન !’ પરંતુ ક્યાંયથી કોઈ આવતું નથી. એટલે ઊંચેથી રડીને કહેવા લાગ્યો કે, ‘ક્યાં છો, ભાઈ મધુસૂદન ? તમે આવોને ! મને બહુ બીક લાગે છે !’ નાના છોકરાનું રુદન સાંભળીને ભગવાન રહી શક્યા નહિ. તેમણે આવીને કહ્યું : ‘આ રહ્યો હું. ડરે છે શા માટે ?’ એમ કહીને સાથે જઈને પાઠશાળાના રસ્તા સુધી પહોંચાડી દીધો, અને કહ્યું કે, ‘તારે બીવું નહિ. તું જ્યારે બોલાવીશ ત્યારે હું આવીશ !’ આવી બાળકની શ્રદ્ધા અને આવી વ્યાકુળતા !
“એક બ્રાહ્મણને ઘેર દેવ-સેવા હતી. એક દિવસ કંઈક કામ પ્રસંગે તેને પરગામ જવું પડ્યું. જતી વખતે તે પોતાના નાના દીકરાને કહી ગયો કે, ‘આજ તું ઠાકોરજીને ભોગ ધરાવજે.’ સમય થતાં છોકરાએ ઠાકોરજીને ભોગ ધરાવ્યો. પણ ઠાકોરજી તો મૂંગા બેઠા છે, બોલે નહિ કે ચાલે નહિ; ને ખાય પણ નહિ. છોકરાએ ઘણી વાર સુધી બેઠાં બેઠાં જોયું કે, ઠાકોરજી તો ઊઠતા નથી. તેને પાકી ખાતરી હતી કે, ઠાકોરજી આવીને આસન પર બેસીને જમશે. એટલે તે વારેવારે કહેવા લાગ્યો કે, ‘ભગવાન ! આવો અને જમી લો, બહુ વાર થઈ. હવે મારાથી બેસાતું નથી.’ તો ય ભગવાન તો બોલતા નથી. છોકરાએ રડવાનું શરૂ કર્યું ને કહેવા લાગ્યો કે, ‘ભગવાન, બાપુ તમને ખવરાવવાનું કહી ગયા છે, તે તમે કેમ આવતા નથી ? મારે હાથે કેમ ખાતા નથી ?’ વ્યાકુળ થઈને જેવો તે ઘડીક રડ્યો, તેવા જ ભગવાન હસતા હસતા આવીને આસન પર બેસીને જમવા લાગ્યા. ઠાકોરજીને જમાડીને જેવો તે મંદિરમાંથી બહાર આવ્યો એટલે ઘરનાં માણસોએ પૂછ્યું : ‘ભોગ દેવાઈ રહ્યો ? તો હવે બધું લઈ આવ.’ છોકરાએ જવાબ આપ્યો કે, ‘હા, દેવાઈ રહ્યો, ઠાકોરજી બધું જમી ગયા !’ ઘરનાં માણસો કહેવા લાગ્યાં કે, ‘અરે એ શું ?’ છોકરાએ સરળતાથી જવાબ આપ્યો કે, ‘કેમ, ઠાકોરજી તો જમી ગયા !’ એટલે મંદિરમાં જઈને જોયું તો સૌ નવાઈ પામ્યાં.”
[શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ 1, પૃ. સં. 340-342]
Your Content Goes Here




