શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

ચૈતન્ય મહાપ્રભુ જયંતી ઉત્સવ (ધૂળેટી)

હોળી-ધુળેટીના દિવસે આવતી ચૈતન્ય મહાપ્રભુજીની જયંતી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે મંદિરમાં ઉજવવામાં આવી. આ નિમિત્તે સવારે સંન્યાસીવૃંદ અને ભકતવૃંદ દ્વારા ભજન-કીર્તન સાથે મંદિરની પ્રદક્ષિણા અને સાંજે શ્યામનામ સંકીર્તન અને ચૈતન્ય મહાપ્રભુનાં જીવન અને સંદેશ વિષે પ્રવચન રાખવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત સ્વામી સુહિતાનંદજી મહારાજની મુલાકાત

શ્રીમત સ્વામી સુહિતાનંદજી મહારાજ તા. ૨૮.૦૩.૨૦૨૨ના રોજ રાજકોટ પધાર્યા અને તા. ૨૯.૦૩.૨૦૨૨ના રોજ ઈચ્છુક ૭૩ ભક્તોને મંત્રદીક્ષા આપી. પરમપૂજનીય મહારાજે તા.૩૦.૦૩.૨૦૨૨ના રોજ શ્રીરામકૃષ્ણદેવના ચિત્રને જૂના મંદિરમાં પ્રસ્થાપિત કર્યું. આ ચિત્ર શ્રી કરુણાશંકર જોશીએ ૧૯૩૫માં બનાવ્યું હતું અને ૧૯૩૫થી ૧૯૭૯ સુધી ત્યાં જૂના મંદિરમાં રોજ શ્રીરામકૃષ્ણદેવની પૂજા થતી હતી. તા.૦૬.૦૪.૧૯૭૯ના રોજ નવીન મંદિરમાં પ્રતિસ્થાપન પછી ઠાકુરના શયનગૃહમાં રાખવામાં આવ્યું હતું, જ્યાં તેની રોજ પુષ્પ અને ધૂપથી પૂજા કરવામાં આવતી.

પૂજ્ય મહારાજે તે ચિત્રને જૂના મંદિરમાં પુન: પ્રસ્થાપિત કરી આરતી કરી અને અર્ઘ્ય અર્પણ કર્યો અને ત્યારબાદ સંન્યાસીઓએ વૈદિક મંત્રોચ્ચાર કર્યો. તે જ દિવસે સાંજે લગભગ ૧૫૦ ભક્તોએ સ્થળ પર અને લગભગ ૩૦૦ ભક્તોએ ઓનલાઈન હાજર રહી પૂજ્ય મહારાજના આશીર્વચનોનો લાભ લીધો. આ પ્રસંગે સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે સ્વાગત વક્તવ્ય આપ્યું હતું.

પુસ્તક વિમોચન

પૂજ્ય મહારાજે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદની આત્મકથા’, ‘સ્વામી અભેદાનંદ’, ‘સ્વામી તુરીયાનંદ’, અને ‘સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યો’ —એ ચાર પુસ્તકોનું વિમોચન પણ કર્યું.

તા. ૦૪.૦૪.૨૦૨૨ના રોજ શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજે સુંદર કોતરણીવાળા રાજસ્થાની બંસીપત પથ્થરમાંથી બનાવેલા મંદિરની સામેના નવા મુખ્ય પ્રવેશદ્વારનું ઉદ્‌ઘાટન કર્યું.

રામનવમી

૧૦.૦૪.૨૦૨૨, રામનવમીના પાવન દિવસે રાજકોટમાં ભગવાન શ્રી રામની વિશેષ પૂજા અને રામનામ સંકીર્તન કરવામાં આવ્યું. સાંધ્ય આરતી બાદ રામભજન પણ કરવામાં આવ્યાં.

કોરોના રાહતકાર્ય

તા. ૨૦.૦૩.૨૦૨૨થી તા. ૩૦.૦૩.૨૦૨૨ દરમિયાન ૫ કિ. ઘઉં, ૩ કિ. ચોખા, ૧ કિ. દાળ, ૧ કિ. ખાંડ, ૧ કિ. મીઠું, ૧ સાબુ અને ૧ બોક્ષ માચીસ સાથેની ૩૦૦ રાશનકીટનું ધરમપુરના જરૂરિયાતમંદ લોકોને અને કચ્છના લોકોને ૨૦૦ રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું.

ઉપરાંત ઉપરોક્ત સમય દરમિયાન કચ્છની ૪૦ જેટલી શાળાઓમાં ૧૩૬૪૨ માસ્ક અને ૪૦૦ લીટર સેનીટાઈઝારનું પણ વિતરણ કરવામાં આવ્યું.

ભુજ, આદિપુર, ધાણેટી અને બીદ્રા

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજની મુલાકાત

તા. ૩૧.૦૩.૨૦૨૨ના રોજ પૂજ્યપાદ સ્વામી સુહિતાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, ભુજ (સૂચિત) પહોંચી તા. ૦૨.૦૪.૨૦૨૨ના કચ્છના ૬૯ ભક્તોને મંત્રદીક્ષા આપી. તેના પહેલાંના દિવસે તા.૦૧.૦૪.૨૦૨૨ના રોજ ભુજ કેન્દ્રના પ્રાર્થનાખંડમાં પૂજ્ય મહારાજે આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું જેનો ૧૨૫ ભક્તોએ લાભ લીધો.

પૂજ્ય મહારાજે રામકૃષ્ણ સેવા મંડળ, બીદ્રા (માંડવી)ની મુલાકાત લીધી અને ત્યાં વિવિધ સેવાપ્રવૃત્તિઓ તેમને બતાવવામાં આવી.

તા. ૦૩.૦૪.૨૦૨૨ના રોજ સાંજે પૂજ્યપાદ સ્વામી સુહિતાનંદજી મહારાજે રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ની મુલાકાત લીધી. લગભગ ૧૭૫ ભક્તો અને સમર્થકોને તેમનાં આશીર્વચનનો લાભ મળ્યો.

તા. ૦૪.૦૪.૨૦૨૨ના રોજ પૂજ્ય મહારાજે રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા સંચાલિત વિવેકાનંદ વિદ્યાલય, ધાણેટીની  મુલાકાત લીધી. પૂજ્ય મહારાજનું ત્યાં ધાણેટીના વિદ્યાર્થીઓ અને ભક્તો દ્વારા રૂઢિગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પૂજ્ય મહારાજે શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક ભક્તોને આશીર્વચન પાઠવ્યાં.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર

તા. ૮.૪.૨૦૨૨ના રોજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૯૭ દર્દીઓનું નિદાન કરીને તેમાંના ૩૫ દર્દીઓને ઓપરેશન કરી આપવામાં આવ્યાં હતાં.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા

તા. ૦૫.૦૪.૨૦૨૨ના રોજ પૂજ્યપાદ સ્વામી સુહિતાનંદજી મહારાજે વડોદરા પહોંચી તા. ૦૭.૦૪.૨૦૨૨ અને તા. ૦૮.૦૪.૨૦૨૨ના રોજ ૧૫૧ ભક્તોને મંત્રદીક્ષા આપી.

સ્થાપના દિવસની ઉજવણી

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સ્થાપના દિવસની ઉજવણી તા. ૧૦.૦૪.૨૦૨૨ (રામનવમી)ના રોજ પૂજ્ય સ્વામી સુહિતાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં વિશેષ પૂજા, ભક્તિગીત, હોમ અને પુષ્પાંજલી દ્વારા કરવામાં આવી. તે જ દિવસે પૂજ્ય મહારાજે દંતચિકિત્સા વિભાગનું ઉદ્‌ઘાટન કર્યું.

સાંજે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું. સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજના સ્વાગત પ્રવચન બાદ પૂજ્ય સ્વામી સુહિતાનંદજી મહારાજે આશીર્વચન પાઠવ્યાં. આ પ્રસંગે સ્વામી નિખિલેશ્વરાનંદ, સ્વામી ધ્રુવેશાનંદ વગેરે મહારાજે વક્તવ્ય આપ્યું. સ્વામી પ્રભુસેવાનંદ, સ્વામી ગુણાશ્રયાનંદ, સ્વામી આત્મદિપાનંદ, સ્વામી સુખાનંદ, સ્વામી મંત્રેશાનંદ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રામકૃષ્ણ મઠ, અમદાવાદ

મઠની નવી જમીનનું ભૂમિપૂજન

ભૂમિપૂજન કાર્યક્રમમાં ગામેગામથી વિશાળ માનવ મેદની ઊમટી પડી હતી. અન્નપૂર્ણા તિથિના શુભ દિવસે ગામની શાળાની કન્યાઓએ અને ગ્રામજનોએ ઉત્સાહભેર સામૈયું કરી મઠ-મિશનના સ્વામીજીઓનું સ્વાગત કર્યું હતું. ભૂમિપૂજનના વિધિ દરમિયાન જાણીતા ગાયક શ્રી નિરંજનભાઈ પંડ્યા તથા શ્રી નિકુંજભાઈ નિરંજનભાઈ પંડ્યાએ ભજનો રજૂ કરીને ભક્તિસભર વાતાવરણ ખડું કર્યું હતું. સ્વાગત-પ્રવચનમાં રામકૃષ્ણ મઠ, અમદાવાદના નવનિયુક્ત અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદજીએ સહુનું સ્વાગત કરતાં શ્રીરામકૃષ્ણદેવ, મા શારદામણિદેવી તથા સ્વામી વિવેકાનંદના રામકૃષ્ણ સંઘનું દર્શન તથા ભાવ સરળ શબ્દોમાં ગ્રામજનોને સમજાવ્યાં હતાં. અને આ મઠના નિર્માણમાં ગામલોકોની મોટી સહભાગીદારી હોવાનું જણાવ્યું હતું. તાજેતરમાં જેમણે મૂલ્યવાન યોગદાન આપ્યું એવા ગણમાન્ય વ્યક્તિઓને સ્વામી વિવેકાનંદની નયનરમ્ય છબી તથા વિવેકાનંદ સાહિત્યનાં પુસ્તકો વડે સ્વામીજીઓના વરદ હસ્તે સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ગુજરાતના વનમંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ મઠ-મિશનની સાથે પોતાનો જૂનો નાતો હોવાનું જણાવી અત્યાર સુધીનાં રાહતકાર્યોને યાદ કરી સેવાની તત્પરતાને વંદનીય ગણાવી આ ગામ અને તાલુકાને ભાગ્યશાળી ગણાવ્યાં હતાં. આ પ્રસંગે સાણંદ-બાવળાના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલે ગામમાંથી મઠની જમીન તરફ જતો રસ્તો પાકો બનાવી આપવા માટે પૂરતા પ્રયત્નો કરશે એવી જાહેરાત કરતાં લોકોએ એને વધાવી લીધી હતી. આ પ્રસંગે રામકૃષ્ણ કુટિર, અલ્મોડા (ઉત્તરાખંડ)ના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીએ સાત દાયકાથી સેવાયેલ સપનાને સાકાર થતું જણાવ્યું હતું અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે જે રીતે મોટી સંખ્યામાં દેશ-વિદેશથી ભકતોએ લેખંબા ગામના ગુગલ મેપ લોકેશનની માગણી કરી છે તે જોતાં રામકૃષ્ણ મઠના આવવાથી હવે લેખંબા ગામ વૈશ્વિક નકશામાં સ્થાન પામ્યું છે. સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અરવિંદસિંહ વાઘેલા, સાણંદ નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી સ્નેહલબહેન કેયૂરભાઈ શાહ તથા સરપંચ શ્રી અભિસિંહ રૂપાભાઈ; રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજી; રામકૃષ્ણ મઠ (સૂચિત), ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી; રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી ગુણાશ્રયાનંદજી; રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી ઈષ્ટમયાનંદજી; રામકૃષ્ણ મઠ (સૂચિત), આદિપુર-કચ્છના અધ્યક્ષ સ્વામી મંત્રેશાનંદજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી સુખાનંદજીએ રામચરિતમાનસના આધારે ભગવાન રામના પ્રાગટ્ય સમયનાં દર્શન સૂર્યને થયાં, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય સમયનાં દર્શન ચંદ્રને થયાં એ સંદર્ભ વર્ણવી ભગવાન શ્રી રામકૃષ્ણદેવના પ્રાગટ્ય સમયનાં દર્શન સૂર્ય અને ચંદ્ર બંનેને થયાં હતાં એ પ્રસંગનું રસપાન સંગીતમય શૈલીમાં કરાવ્યું હતું.

કાર્યક્રમના આયોજન માટે સક્રિય રહેલા સાણંદના અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ પટેલે ઉપયોગી થનાર વિશેષ લોકોનો આભાર પ્રગટ કર્યો હતો. સ્વામી મંત્રેશાનંદજીએ જમીન સંપાદન કરવામાં મદદરૂપ થનારા વ્યક્તિઓ તેમજ ગ્રામજનો અને ગુજરાતભરમાંથી આવેલા ભક્તો અને શુભેચ્છકો પ્રત્યે ધન્યવાદની લાગણી વ્યક્ત કરી આભારદર્શન કર્યું હતું.

લેખંબામાં નિર્માણાધીન આ સંકુલમાં શ્રીરામકૃષ્ણ સાર્વજનિક મંદિર, સભાગૃહ, શૈક્ષણિક સંકુલ, વિદ્યાર્થીગૃહ, તબીબી સુવિધાઓ અને વિવેકાનંદ મ્યુઝિયમ અંદાજે રૂપિયા ૭૫ કરોડના ખર્ચે તૈયાર થશે. આ સંસ્થાને આપવામાં આવતું તમામ દાન ૮૦ જી હેઠળ કરમુકત છે. આ માટે ‘રામકૃષ્ણ મઠ અમદાવાદ’ના નામે ચેક કે ડ્રાફટ મોકલી શકાશે. વધુ વિગતો માટે ૭૦૧૬૭૯૩૧૨૬ પર ફોન કરી શકાશે અથવા વેબસાઈટ ahmedabad.rkmm.org પર ઓનલાઈન ડોનેશન આપી શકાશે.

Total Views: 818

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.