સારાભાઈ કુટુંબનાં ધનવાન છતાં વિનમ્ર, અદના સેવક જેવાં ઋજુ અને સામાન્ય જનમાં ભળી જવાની અદ્‌ભુત સહજ-સરળતા ધરાવતાં અનસૂયાબહેનના પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ.

સત્તરેક વર્ષની વયે એમના હાથમાં સ્વામી વિવેકાનંદનું પુસ્તક રાજયોગ આવી ચડ્યું. પ્રારંભનું ‘સંન્યાસીનું ગીત’ એમની પ્રેરણામૂડી બની ગઈ. એ કાવ્યનો જબરો પ્રભાવ એમનાં મનહૃદય પર પડ્યો અને એ ચિરકાળ સુધી ટકી રહ્યો. એ કાવ્ય કંઠસ્થ કરીને તેનું વારંવાર રટણ પણ કરતાં રહ્યાં. ૐ તત્‌ સત્‌નું ધ્રુવ વાક્ય એમના હૃદયમાં દિવ્ય સ્પંદનો જગાડતું.

ત્યાર પછી એમણે સ્વામીજીનું સાહિત્ય ઘણા આદરભાવથી વાંચ્યું. ત્યાગ-વૈરાગ્યની ભાવનામાં એનું મન ડૂબી ગયું. સ્વામી વિવેકાનંદને એમણે મનોમન પોતાના માર્ગદર્શક માની લીધા. વૃદ્ધાવસ્થા પર્યંત સ્વામીજીના આધ્યાત્મિક લેખોનું વાચન એમના જીવનનું અનુશીલન બની ગયું. ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત’ – સ્વામીજીનું આ મંત્રવાક્ય એમના જીવનનો ધ્રુવમંત્ર બની ગયો. તેઓ હંમેશાં વિનમ્રભાવે ગુરુજનો, સંતો, નિષ્ઠાવાન, સેવકો અને સંસ્કારી સજ્જનોનો સમાગમ સદ્‌ભાવ અને ઉમળકાથી કરતા અને એમની પાસેથી જીવનને પોષે તેવું આધ્યાત્મિક ઉન્નતિ કરનારું ભાથું પણ મેળવતાં.

અનસૂયાબહેનનો જન્મ ૧૮૮૫ના નવેમ્બરની ૧૧મીના રોજ અમદાવાદમાં થયો હતો. પિતાનું નામ સારાભાઈ અને માતાનું નામ ગોદાવરીબા હતું. સારાભાઈ કેલીકો મિલના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ હતા એ આપણે સૌ જાણીએ છીએ. ગુજરાતમાં સારાભાઈ પરિવાર કોઈનાથી અજાણ્યો ન હોઈ શકે.

એમના જૈન સાધ્વી થવાના વિચારને સારા ભાઈના મિત્ર સર ચિનુભાઈને ત્યાં આવેલા એરુલકરે છોડાવીને એમને વિલાયત જઈને ડાક્ટર થવાની અને લોકોની તેમજ બહેનોની સેવા કરવાની સલાહ આપી. એ પ્રમાણે તેમણે ડાક્ટરીનો અભ્યાસ કરવા જવાનું નક્કી કર્યું. વિલાયતમાં અભ્યાસ કરતી વખતે લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ જેવા દેશનેતાઓનાં પ્રવચનો સાંભળતાં. યુરોપમાં પણ પોતાની વિવેકબુદ્ધિ જાગ્રત રાખીને અંગ્રેજોથી અંજાઈ ન જતાં. મહાત્મા ગાંધીના સંપર્કથી એમનું જીવન વ્યક્તિલક્ષી મટીને સમષ્ટિના માનવસમાજના યોગક્ષેમના વિચાર કરતું થઈ ગયું. 

પોતે શું કરવું એની મનોમુંઝવણ અનુભવતાં અનસૂયા બહેનને ભાઈ અંબાલાલે ચાલીમાં રહેતા મજૂરોનાં બાળકોને શિક્ષણ આપવાની સલાહ આપી. એમને પોતાનાં નાનપણનાં બહેનપણી બાળવિધવા જશોદા બહેનનો સાથ આ કાર્યમાં મળ્યો અને અમરપુરામાં એક શાળા સ્થાપી. મજૂર બાળકો માટે આવી શાળા આખા ભારત દેશમાં શરૂ કરવાનું શ્રેય અનસૂયાબહેનને ફાળે જાય છે. આ બાળશાળા અમદાવાદ અને હિંદની રાષ્ટ્રિય મજૂર ઉત્કર્ષ-પ્રવૃત્તિનું ઉદ્‌ગમ સ્થાન પણ બની ગઈ. અનસૂયાબહેન મજૂરો અને ગરીબ લોકો માટે જીવતી જાગતી હાઈકોર્ટ બની ગઈ. મજૂરોની શક્તિને ઢંઢોળીને રણચંડીસમાં અનસૂયાબહેને ૧૯૧૭ની ૪ ડિસેમ્બરના મિલમજૂર આંદોલનના નેતા બનીને મજૂરોની દુનિયામાં એક નવપ્રભાત જગાડ્યું. મજૂરો પણ ઉદ્યોગના સહમાલિક બને એવા ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા એમણે અથાક પ્રયત્નો કર્યા. ૧૯૨૦માં મજદૂર મહાસંઘની સ્થાપના થઈ અને તે દિવસથી અનસૂયા બહેનને એમનાં પ્રમુખ બનાવવામાં આવ્યાં. જીવ્યા ત્યાં સુધી તેઓ આ સંસ્થાના પ્રમુખ સ્થાને રહ્યાં.

અનસૂયાબહેને ‘મિલમજૂર સંઘ’ નામની જૂનામાં જૂની અને મોટામાં મોટી મજૂર યુનિયનની સંસ્થા ૧૯૨૦માં સ્થાપી હતી. ગાંધીજીએ સ્થાપેલી મિલમજૂરોની અને અનસૂયા બહેને પરિપક્વ બનાવેલી આ સંસ્થા ‘સેવા’એ નામે ૧૯૭૨માં સ્વરોજગારમાં જોડાયેલી બહેનોની સંસ્થા બની. આ સંસ્થા સાથે ઈલાબહેન ભટ્ટનું નામ જોડાયેલું છે. તેઓ મૃદુ ક્રાંતિકારી તરીકે જાણીતાં છે. સેલ્ફ એમ્પ્લોઈ વિમેન્સ એશોસિયેશનની સ્થાપના કરીને તેઓ ગ્રામીણ વિકાસ ક્ષેત્રે ઔદ્યોગિક સાહસનાં પ્રણેતા બન્યાં છે.

Total Views: 193

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.