શ્રીકૃષ્ણના પરમ સખા અર્જુનના હૈયામાં એક વાર અભિમાને પ્રવેશ કર્યો. પોતાના સખા અને પ્રભુ પ્રત્યેનાં પોતાનાં પ્રેમ અને ભક્તિની તોલે કોઈ આવી શકે નહીં એમ એને લાગ્યું. સર્વજ્ઞ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના હૃદયની આ વાત જાણી ગયા અને એક દિવસ એને પોતાની સાથે ફરવા લઈ ગયા. જરાક ચાલ્યા ત્યાં, અર્જુને એક વિચિત્ર બ્રાહ્મણની પડખે તલવાર લટકતી હોવા છતાં તેને ઘાસ ખાતો જોયો. એને પવિત્ર વ્યક્તિ તરીકે અને વિષ્ણુના પરમ ભક્ત તરીકે અર્જુન એને ઓળખતો હતો અને, ભક્ત તરીકે કોઈને જ ઈજા ન પહોંચાડવી એ તેની ફરજ હતી. લીલું ઘાસ હોય તો એ સજીવ હોય એટલે, એ સૂકું, નિર્જીવ ઘાસ ખાતો અને પોતાનો નિર્વાહ કરતો. છતાં એ તલવાર રાખતો. આ વિસંવાદિતા જોઈ અર્જુને શ્રીકૃષ્ણ તરફ ફરીને પૂછ્યું : ‘આમ કેમ?’ ઘાસના તણખલા સુધી કોઈને પણ ઈજા પહોંચાડવાના વિચારનો આ માણસે ત્યાગ કર્યો છે છતાંય, મૃત્યુ અને ધિક્કારના પ્રતીક સમી તલવાર એ રાખે છે!’ પ્રભુ કહે : ‘તું એને જ પૂછી જો.’ પછી અર્જુન એ બ્રાહ્મણ પાસે ગયો અને બોલ્યો : ‘મહારાજ, કોઈ જીવંત પ્રાણીને આપ ઈજા પહોંચાડતા નથી ને સૂકા ઘાસ ઉપર નિર્વાહ કરો છો. તો પછી આ તાતી તલવાર શા માટે ધારણ કરો છો?’ બ્રાહ્મણ : ચાર વ્યક્તિઓને મારે મળવાનું થાય તો તેમને શિક્ષા કરવા.
અર્જુન : એ ચાર કોણ કોણ છે?
બ્રાહ્મણ : પહેલો છે બદમાશ, નારદ.
અર્જુન : કેમ? એણે શું કર્યું છે?
બ્રાહ્મણ : અરે, એની હિમ્મત તો જુઓ; પોતાનાં ગીત ગાઈ ગાઈને એ મારા પ્રભુને સતત જાગતા રાખે છે. ભગવાનના સુખસગવડની એને કંઈ પડી નથી. દિવસ રાત, ગમે ત્યારે, પોતાનાં સ્તવનોથી અને પ્રશંસા વચનોથી એ પ્રભુની શાંતિમાં ખલેલ પહોંચાડે છે.
અર્જુન : બીજી વ્યક્તિ કોણ છે?
બ્રાહ્મણ : ઉદ્ધત દ્રૌપદી.
અર્જુન : એનો શો વાંક છે?
બ્રાહ્મણ : એ બાઈની અવિચારી ધૃષ્ટતા તો જુઓ! મારો પ્રભુ જમવા બેસતા હતા ત્યારે જ છો ને એણે બોલાવ્યા, પાંડવોને દુર્વાસાના શાખમાંથી બચાવવા એમને તરત કામ્યક વન દોડી જવું પડ્યું અને દ્રૌપદીની ઉદ્દડંતા એટલી હદે ગઈ કે, મારા પ્રભુને દ્રૌપદીના ગંદા એઠવાડનો અંશ ખાવો પડ્યો હતો.
અર્જુન : ત્રીજું કોણ?
બ્રાહ્મણ : નિષ્ઠુર પ્રહલાદ. એટલો તો એ ક્રૂર હતો કે, મારા પ્રભુને તાતી તેલ કઢામાં પડતાં, હાથીના પગ નીચે ચગદાતાં અને લોહસ્તંભ ફાડી બહાર આવતાં એક ક્ષણ પણ એણે વિચાર ન કર્યો.
અર્જુન : ને ચોથું કોણ?
બ્રાહ્મણ : અર્જુન, હલકર.
અર્જુન : કેમ, એનો શો અપરાધ છે?
બ્રાહ્મણ : એનું પાતક તો જુઓ. કુરુક્ષેત્રના મહાયુદ્ધમાં એણે મારા વહાલાને પોતાના રથના સારથી બનવાનું હલકું કામ સોંપ્યું હતું.
આ રાંક બ્રાહ્મણની ભક્તિ અને એનો પ્રેમ જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો અને તે જ પળે તેનો ગર્વ અદૃશ્ય થઈ ગયો અને, પોતે પ્રભુનો પ્રિયતમ ભક્ત છે એ વિચાર તજી દીધો.
Your Content Goes Here




