(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)

(ગતાંકથી આગળ)

મૈત્રેયનો શાપ

વિદુરના પરત આવવાથી દુર્યોધનને જરા પણ આનંદ ન થયો. તેણે દુ:શાસન, કર્ણ અને શકુનીને બોલાવ્યા અને કહેવા લાગ્યો, ‘વિદુર પાંડવોની પાસે ગયા હતા અને ત્યાંથી પાછા આવ્યા છે. મને તેનું કોઈ કારણ સમજમાં આવતું નથી. બની શકે કે તેમણે મારા પિતાજીને આ બાબતે સમજાવી લીધા હોય કે પાંડવોને પાછા બોલાવીને તેમનું રાજ્ય તેમને સોંપી દેવામાં આવે. જો કોઈ પણ કારણસર પાંડવો પાછા આવે, તો હું તેમને સુખ-સમૃદ્ધિમાં જોવાને બદલે આત્મહત્યા કરી લેવાનું વધુ પસંદ કરીશ.’ કર્ણે કહ્યું, ‘જો તેઓ પાછા આવે, તો આપણે એકવાર ફરી તેમને જુગારના દાવમાં ફસાવીને હરાવવા પડશે. અથવા તો હમણાં જ ચાલો, આપણે તેમને હરાવીને મારી નાખીએ અને આ સમસ્યાને કાયમ માટે સમાપ્ત કરી દઈએ.’ બધાએ તાળીઓ વગાડીને આ સલાહનું સ્વાગત કર્યું. તે લોકો વનમાં જઈને પાંડવો પર ચડાઈ કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે વ્યાસદેવે આવીને તેમને મનાઈ કરી. તેઓ ધૃતરાષ્ટ્ર પાસે જઈને બોલ્યા, ‘પાંડવોને વનમાં મોકલીને તમે પહેલેથી જ તમારું પોતાનું અને તમારા પુત્રોનું મોટું નુકસાન કર્યું છે. આ નિર્વાસિત રાજકુમાર હવે પછીના તેર વર્ષ સુધી પોતાનો ક્રોધ દબાવી રાખશે અને ત્યારબાદ તેઓ વનવાસથી પરત આવીને તમારા સમગ્ર સામ્રાજ્યને ધ્વસ્ત કરી નાખશે. તમે જ આ બધા અન્યાયોનું મૂળ છો. પોતાના પુત્રોને કાબુમાં રાખો, નહીં તો તેઓનો જલદી જ વિનાશ થશે.’

વ્યાસદેવના ચાલ્યા ગયા પછી કૌરવોની રાજ્યસભામાં મહર્ષિ મૈત્રેયનું આગમન થયું. ધૃતરાષ્ટ્ર્રે જ્યારે સાંભળ્યું કે તેઓ વન તરફથી આવી રહ્યા છે, ત્યારે તેમણે પાંડવોના વિષયમાં જિજ્ઞાસા પ્રગટ કરી.  મૈત્રેય બોલ્યા, ‘હા, મારી તેમની સાથે મુલાકાત થઈ ગઈ છે. હકીકતે આ જ કારણે મારું અહીં આવવું થયું છે. પાંડવોને દેશનિકાલ આપીને તમે પોતાની કુબુદ્ધિનો પરિચય આપ્યો છે.’ તેમણે દુર્યોધન તરફ જોયું અને બોલ્યા, ‘હું તમારી જ ભલાઈ માટે સલાહ આપવા આવ્યો છું. આજની દુનિયામાં પાંડવો જ સૌથી પ્રબળ યોદ્ધા છે. તે લોકો અત્યાર સુધીમાં હિડિમ્બ, બક અને કિર્મીર નામના રાક્ષસોનો વધ કરી ચૂક્યા છે.’

દુર્યોધને તેમની સલાહ પર જરા પણ ધ્યાન ન આપ્યું. તે તો પોતાની જાંઘ ઠોકતો અને પગના અંગૂઠાને કાઢીને જમીન પર રગડતો રહ્યો. તેનું આ અસભ્ય વર્તન જોઈ મૈત્રેય ગુસ્સે થઈ ગયા. તેમણે શાપ આપતા કહ્યું, ‘યુદ્ધના સમયે ભીમ પોતાની ગદાથી તારી આ જાંઘને ચૂર-ચૂર કરી નાખશે. જાંઘ તૂટ્યા પછી તારું મૃત્યુ થઈ જશે. ધૃતરાષ્ટ્રે ઋષિને શાંત કરવાનો પ્રયાસ કર્યો. મૈત્રેય બોલ્યા, ‘જો દુર્યોધન પાંડવોની સાથે સંધિ કરી લે, તો મારો આ શાપ વિફળ જશે. નહીં તો મારો શાપ અવશ્ય ફળશે.’

મૈત્રેયે જે કિર્મીર રાક્ષસનો ઉલ્લેખ કર્યો હતો તે બાબતે ધૃતરાષ્ટ્રને આ સમગ્ર ઘટના જાણવા માટે ઈચ્છા થઈ. તેમણે વિદુરને તેનું સવિસ્તાર વર્ણન કરવાનું કહ્યું. વિદુર બોલ્યા, ‘આ ભીમની અસાધારણ ઉપલબ્ધિની કથા છે. જ્યારે પાંડવો કામ્યક વનની તરફ અગ્રસર થઈ રહ્યા હતા, ત્યારે એક દિવસ અડધી રાતના સમયે એક શક્તિશાળી રાક્ષસ તેમના માર્ગમાં આવીને ઉભો રહી ગયો. તે બહુ જ ભયંકર દેખાઈ રહ્યો હતો. યુધિષ્ઠિરે તેનો પરિચય પૂછ્યો. રાક્ષસે કહ્યું, ‘હું બકાસુરનો ભાઈ કિર્મીર છું. હું અહીંનાં જનાવરો અને ભૂલ્યા-ભટક્યા મનુષ્યને મારીને મારું પેટ ભરું છું. હવે બતાવો તમે કોણ છો?’ યુધિષ્ઠિરે પોતાનો અને પોતાના ભાઈઓનો પરિચય આપ્યો. ભીમનું નામ સાંભળીને જ કિર્મીર ઉછળી પડ્યો અને બોલ્યો, ‘હું હિડિમ્બ અને બકના મૃત્યુનો બદલો લેવા માટે આતુર છું. હિડિમ્બ મારો મિત્ર અને બકાસુર મારો ભાઈ હતો. આજ હું ભીમને મારીને તેમની ઈચ્છા પૂરી કરીશ.’ ભીમે તાત્કાલિક એક વૃક્ષને મૂળમાંથી ઉખાડી અને ગદાની જેમ ઉપાડીને તે રાક્ષસને લડવા માટે પડકાર આપ્યો. બંને વચ્ચે ખૂબ જ ભયાનક યુદ્ધ થયું. અંતે ભીમે તે રાક્ષસને પોતાના ગોઠણ વચ્ચે દબાવી અને તેનું ગળું મરોડીને તેને મારી નાખ્યો. આવી રીતે કિર્મીરનો અંત થઈ ગયો.’ કથા સાંભળીને ધૃતરાષ્ટ્ર ભયથી આક્રાંત થઈને વિચારમાં પડી ગયા.

(ક્રમશઃ)

Total Views: 49

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.