(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)

(ગતાંકથી આગળ)

વિદુરનું દૂતના રૂપમાં જવું

ધૃતરાષ્ટ્રે પાસા રમવાનું આયોજન કરવા માટે એક નવો મહેલ બનાવવાનો આદેશ આપ્યો. વિદુરને જ્યારે આ બાબતે સૂચના મળી ત્યારે તેઓ તાત્કાલિક  ધૃતરાષ્ટ્ર પાસે જઈ પહોંચ્યા અને વિનંતી કરી, ‘મહારાજ, આ જુગારના ખેલની અનુમતિ ન આપો. આ ચોક્કસ જ અસીમ ઘૃણાને જન્મ આપીને તમારા વંશનો વિધ્વંશક સાબિત થશે.’ પરંતુ ધૃતરાષ્ટ્રે કહ્યું, ‘જો દેવતાગણ પ્રસન્ન થાય તો કોઈ અનિષ્ટ નહીં થાય. એક મિત્રતાપૂર્ણ જુગારની આ સ્પર્ધામાં ભલા શું તકલીફ હોઈ શકે. પછી દ્રોણ, ભીષ્મ અને તમારા જેવા લોકોની ઉપસ્થિતિમાં આપણા પર કોઈ પણ સંકટ નહીં આવી શકે. હું ઇચ્છું છું કે તમે ઇન્દ્રપ્રસ્થ જાઓ અને મારા તરફથી યુધિષ્ઠિરને આમંત્રણ આપી આવો.’

દુઃખી હૃદય સાથે વિદુર ઇન્દ્રપ્રસ્થ તરફ ચાલી નીકળ્યા. તેમને જોઈને યુધિષ્ઠિર ખૂબ જ આનંદ પામ્યા. તેમણે વિદુરનું ઉમળકાભેર સ્વાગત કર્યું. યુધિષ્ઠિરે તેમને ધૃતરાષ્ટ્ર અને અન્ય લોકોની કુશળતાના સમાચાર પૂછ્યા. વિદુરે યોગ્ય ઉત્તર આપતાં કહ્યું, ‘દુર્યોધને પાસાની રમત માટે એક નવું ભવન બનાવ્યું છે અને ધૃતરાષ્ટ્રની ઈચ્છા છે કે તમે તમારા ભાઈઓ અને દ્રૌપદીની સાથે હસ્તિનાપુર જાઓ. ત્યાં તમે થોડો સમય તમારી પ્રિય જુગારની રમતમાં પણ સમય વિતાવી શકશો.’

ધૃતરાષ્ટ્રના આ સંદેશમાં યુધિષ્ઠિરને કોઈ ષડ્યંત્રનો આભાસ થયો. આમ તો બહારથી તો આ સંદેશ સરળ લાગી રહ્યો હતો. તેમણે વિદુરને પૂછ્યું, ‘કાકા, જુગારનો ખેલ મોટેભાગે ઝઘડો ઉત્પન્ન કરનાર હોય છે. બુદ્ધિમાન વ્યક્તિએ તેનાથી દૂર રહેવું જોઈએ. આ વિષયમાં હું આપનો મત જાણવા માગું છું. આપનો શું વિચાર છે? શું અમારે માટે જુગાર રમવો યોગ્ય છે?’

વિદુરે ઉત્તર આપ્યો, ‘બધા જ એ વાતને જાણે છે કે જુગારનો ખેલ દુર્ભાગ્યનું કારણ છે. મેં પોતે પણ આ વિચારનો યથાશક્તિ વિરોધ કર્યો હતો. પરંતુ ધૃતરાષ્ટ્રે મારી વાત બિલકુલ ન સાંભળીને તેમણે મને તમને આમંત્રણ આપવાનો આદેશ કર્યો અને એટલા માટે હું અહીં આવ્યો છું. તમને જે યોગ્ય લાગે તે કરો.’

આ ચેતવણી મળવા છતાં યુધિષ્ઠિર જો કે ધૃતરાષ્ટ્રની અવગણના નહોતા કરવા માગતા, તેથી પોતાના ભાઈઓ અને દળ-બળની સાથે હસ્તિનાપુર ગયા.

દુર્યોધનનું આત્મઘાતી કૃત્ય

હસ્તિનાપુર પહોંચીને પાંડવોએ ધૃતરાષ્ટ્રના મહેલમાં પ્રવેશ કર્યો. વડીલોને યોગ્ય સન્માન આપ્યા બાદ તેઓ પોતપોતાના નિર્ધારિત સ્થાન પર બેસી ગયા. સૌથી પહેલાં શકુની બોલ્યા, ‘હે યુધિષ્ઠિર,  સભાગૃહ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે. ચાલો, આપણે લોકો પાસા ફેંકીને આપણી રમતનો આરંભ કરીએ.’ યુધિષ્ઠિરે કહ્યું, ‘જુગાર રમવો એ પાપ છે. તેમાં કોઈ પણ રીતની નૈતિકતા નથી હોતી. તમે તમારા છળ-કપટથી યુક્ત રમત દ્વારા અમને હરાવવા માટે આટલા વ્યાકુળ કેમ છો?’ શકુની બોલ્યા, ‘યુધિષ્ઠિર જ્યારે બે વ્યક્તિ યુદ્ધ કરે છે, ત્યારે જે વધુ બળવાન અને બુદ્ધિમાન હોય છે, તે જ વિજયી થાય છે. કોઈ પણ રમતમાં હરિફ હરાવવાની ઇચ્છા જ મુખ્ય વાત છે, તેના ઉપાયો ગમે તે હોય. વિજયી થવું એ જ તો હંમેશાં અંતિમ લક્ષ્ય હોય છે. પરંતુ આમ છતાં તમે મારી સાથે રમવા માટે ડરતા હો, તો પીછેહઠ કરી શકો છો.’ યુધિષ્ઠિર બોલ્યા, ‘હે શકુની, જ્યારે મને પડકાર મળ્યો છે, ત્યારે હું પીછેહઠ નહીં કરી શકું. ભાગ્ય જ સૌથી પ્રબળ વસ્તુ છે. બોલો, મારે કોની સાથે રમવાનું છે?’

દુર્યોધન તરત જ વચમાં બોલી ઊઠ્યો, ‘હે રાજા, મારા તરફથી મારા મામા શકુની રમશે.’ યુધિષ્ઠિર બોલ્યા, ‘બીજાના માધ્યમથી જુગાર રમવો એ અનુચિત છે. આમ છતાં જો તમારી આ જ જીદ હોય તો આ નિયમને તોડવામાં મને કોઈ પરેશાની નથી. ચાલો, રમતનો આરંભ કરીએ.’

ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, દ્રોણ અને અન્ય અનેક સન્માનનીય વડીલ લોકો ખેદપૂર્વક આ સમગ્ર રમત જોતા રહ્યા. સર્વપ્રથમ મોતી અને સોનાનો હાર દાવ પર લગાવ્યો. ધૂતારા શકુનીએ પાસા ફેંક્યા અને તે જીતી લીધું. ત્યારબાદ યુધિષ્ઠિરે પોતાનો ખજાનો દાવ પર લગાવ્યો. શકુનીએ ફરીથી દાવ જીતી લીધો. શકુની ખાસ કરીને કપટથી બનાવવામાં આવેલા પાસાથી રમી રહ્યા હતા, એટલે તે દરેક દાવ જીતતા જ ગયા. તેના ફળસ્વરૂપે યુધિષ્ઠિર એક પછી એક કરીને પોતાનું સમગ્ર ધન, રાજ્ય, સેવક, ભાઈઓ અને અંતમાં પોતાની જાતને પણ હારી બેઠા. અંતમાં, શકુનીએ તેમને પોતાની પત્ની દ્રૌપદીને પણ દાવ પર લગાવવા માટે ઉત્સાહિત કર્યા. તેઓ તેને પણ હારી ગયા.

પાંડવોનો સર્વનાશ થતો જોઈને દુર્યોધનની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. તે વિદુર તરફ વળીને બોલ્યો, ‘દ્રૌપદી હવે અમારી છે. જાઓ, તેને અહીં લઈ આવો. હવેથી તે અમારા ઘરમાં ઝાડુ લગાવવાનું કામ કરશે.’

(ક્રમશઃ)

Total Views: 10

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.