(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)
(ગતાંકથી આગળ)
દુર્યોધનની ઈર્ષા
ખૂબ જ ભવ્યતાથી રાજસૂય યજ્ઞનું અનુષ્ઠાન પૂરું થયું. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર પાસેથી વિદાય લેતાં તેમને સલાહ આપી, ‘ખૂબ સાવધાની અને ધૈર્ય સાથે તમારી પ્રજાનું પાલનપોષણ કરજો. જેમ આકાશનાં વાદળ બધાં જ પ્રાણીઓનો આશ્રય છે, જેવી રીતે વિશાળકાય વૃક્ષ પક્ષીઓનો આશ્રય છે અને જેમ ઇન્દ્ર બધા જ દેવતાઓનો આશ્રય છે, તે જ રીતે તમે તમારા બધા જ મિત્રો, સંબંધીઓ અને પ્રજાનો આશ્રય બની જજો.’
યજ્ઞ પૂરો થઈ ગયા બાદ પણ રાજા દુર્યોધન શકુનિ મામાની સાથે ઇન્દ્રપ્રસ્થમાં પાંડવોના મહેલમાં જ રહી ગયો. તે મય દ્વારા બનાવવામાં આવેલ મહેલની સુંદરતા અને ભવ્યતા જોઈને વિસ્મિત થઈ ગયો હતો. તે એ સ્થળ પર આવ્યો, જે સ્ફટિક પથ્થરથી બનાવવામાં આવ્યું હતું. તેણે તેને જળકુંડ સમજીને પોતાનાં વસ્ત્રો ઊંચાં કર્યાં. પરંતુ પછી પોતાની ભૂલ સમજીને તે મનમાં અને મનમાં શરમાઈ ગયો. એક સ્થળ પર કમળોથી સુશોભિત સરોવર હતું, તેને પણ સ્ફટિક દ્વારા બનાવવામાં આવેલું હોવાનું સમજીને તે આગળ વધતો તેમાં પડી ગયો. તેનાં બધાં વસ્ત્રો ભીનાં થઈ ગયાં. ભીમ અને અન્ય લોકો ખૂબ જોરથી હસી પડ્યા. એક બંધ દરવાજાને તે ખુલ્લો સમજીને તેને પસાર કરતાં તેના માથા પર ઈજા થઈ. આવી રીતે તેણે એક ઉઘાડા દરવાજાને બંધ સમજી અને હાથથી તેને ખોલવાનો પ્રયત્ન કરતાં તે નીચે પડી ગયો. તેને ચારે બાજુએથી હસવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ભીમ, દ્રૌપદી અને અન્ય લોકો તેની દુર્દશા પર હસી રહ્યાં હતાં. ક્રોધથી ધ્રૂજતો તે એ સભાગારની બહાર નીકળી ગયો. ત્યાર બાદ તરત જ તેણે પાંડવો પાસેથી વિદાય લીધી અને પોતાના સૈન્યની સાથે હસ્તિનાપુર પરત આવ્યો. દુર્યોધનનું હૃદય શરમ અને ક્રોધથી ઊકળી રહ્યું હતું. તે આત્મહત્યા કરી લેવા ઇચ્છતો હતો. પરંતુ શકુનિએ તેને સાંત્વના દેતાં કહ્યું કે તે લોકો જલદી જ પાંડવોને પરાજિત કરવાનો કોઈ ઉપાય શોધી કાઢશે. તે બોલ્યો, ‘આ લોકો બહુ શૂરવીર છે, એટલે યુદ્ધ કરીને આપણે તેમને ક્યારેય હરાવી શકીશું નહીં. પરંતુ એક ઉપાય સૂઝી રહ્યો છે. યુધિષ્ઠિરને જુગાર રમવાનો બહુ શોખ છે, પરંતુ તે તેના દાવપેચોથી અજાણ છે. તું તો જાણે છે કે હું એ કળામાં નિપુણ છું. આ સંસારમાં એવું કોઈ પણ નથી કે જે જુગારના ખેલમાં મને હરાવી શકે. તું યુધિષ્ઠિરને પાસાની રમત માટે આમંત્રણ આપ. તું તેને પોતાનું સમગ્ર રાજ્ય દાવ પર લગાવી દેવા માટે પ્રેરિત કર. પરંતુ પાસા રમવાનું નિમંત્રણ મોકલતા પહેલાં તારે તારા પિતાની અનુમતિ લેવી જોઈશે.’
દુર્યોધનને સાથે લઈને શકુનિ ધૃતરાષ્ટ્ર પાસે ગયો અને બોલ્યો, ‘મહારાજ, ઇન્દ્રપ્રસ્થથી પરત આવીને દુર્યોધન ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યો છે.’ આ સાંભળીને ધૃતરાષ્ટ્ર દુઃખી થઈ ગયા. તેમણે ખૂબ સ્નેહપૂર્વક દુર્યોધનને પૂછ્યું, ‘પુત્ર, તારા શોકનું કારણ શું છે?’ દુર્યોધને ઉત્તર આપ્યો, ‘યુધિષ્ઠિરની સમૃદ્ધિને જોઈને મારી હતાશા અસહ્ય થઈ ગઈ છે. તેણે હજારો લોકોને મૂલ્યવાન ભેટ આપી અને તેની આ ઉદારતાના ફળસ્વરૂપ તેને ખૂબ પ્રસિદ્ધિ મળી છે. સેંકડો રાજા તેની પાસે આવતા-જતા રહે છે. રાજસૂય યજ્ઞ દરમિયાન તેણે પુષ્કળ રત્ન ઝવેરાતનું દાન કર્યું છે. તેની વિપુલ સમૃદ્ધિ અને લોકપ્રિયતાને કારણે અશાંતિથી મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. શકુનિ મામા પાસા રમવામાં ઉસ્તાદ છે. આપ તેમને યુધિષ્ઠિરની સાથે જુગાર રમવાની અનુમતિ આપો કે જેથી તે પાસાના માધ્યમથી પાંડવોનું તમામ ધન અને ઐશ્વર્ય જીતી શકે.’ પરંતુ ધૃતરાષ્ટ્રે કહ્યું, ‘મારી સમજમાં એ નથી આવતું કે તું જે કહી રહ્યો છે તે યોગ્ય છે કે અયોગ્ય. મને થોડો સમય આપ, હું વિદુર સાથે ચર્ચા કરીને તને મારો નિર્ણય કહીશ.’
દુર્યોધન તાત્કાલિક બોલી ઊઠ્યો, ‘વિદુર ક્યારેય રાજી નહીં થાય. હું તેને જાણું છું. જો તમે અનુમતિ નહીં આપો તો હું આત્મહત્યા કરી લઈશ. મારા મૃત્યુ પછી તમે વિદુરની સાથે મળીને સામ્રાજ્યનો ઉપભોગ કરતા રહેજો.’ પોતાના પુત્રના મૃત્યુની કલ્પનામાત્રથી ધૃતરાષ્ટ્ર વિચલિત થઈ ગયા. આ ષડ્યંત્રને અનુમતિ આપવા સિવાય હવે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
(ક્રમશઃ)
Your Content Goes Here




