(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)

(ગતાંકથી આગળ)

શ્રીકૃષ્ણ દ્વારા શિશુપાલનો વધ

ભીષ્મનો આ નિર્દેશ સાંભળીને યુધિષ્ઠિરે આવેલા અતિથિઓમાંથી સૌથી પહેલાં કોની પૂજા કરવી જોઈએ તે વિષયમાં તેમને જ કહેવા કહ્યું. ભીષ્મે જરા પણ સંકોચના ભાવ વગર ભગવાન શ્રીકૃષ્ણના નામનું સૂચન કર્યું. શ્રીકૃષ્ણને સન્માનિત કરવાની વાત સાંભળીને યુધિષ્ઠિર ખૂબ ખુશ થયા, કારણ કે તેઓ જ તેમના માટે બધું જ હતા. ભીષ્મના આદેશથી શ્રીકૃષ્ણને પ્રથમ પૂજા દેવા માટે સહદેવ આગળ વધ્યા. પરંતુ શ્રીકૃષ્ણને આ વિશેષ સન્માન દેવાઈ રહ્યું હતું તે કેટલાક રાજાઓને પસંદ નહોતું આવ્યું. ચેદિનરેશ શિશુપાલે તેને પોતાનું અપમાન સમજ્યું અને તેના માટે ચૂપ બેસવું અસંભવ થયું. તેથી તે ઊભો થઈ ગયો અને બરાડો પાડીને બોલ્યો, ‘કૃષ્ણને જ શા માટે? શું અન્ય રાજાઓ તેનાથી ઓછા યોગ્ય છે? તમે લોકો બાળક છો, ધર્મની વાત નથી સમજતા, કારણ કે ધર્મની ગતિ અત્યંત સૂક્ષ્મ છે. કૃષ્ણ શું અમારા સૌની સરખામણીમાં મોટા છે? નહીં! જ્યારે તેના પિતા વસુદેવ અહીં બેઠા છે, તો કૃષ્ણ આ પૂજાનો કેવી રીતે સ્વીકાર કરી શકે? જો તમે વિચારતા હો કે તે જ સૌથી મોટા સહાયક છે, તો પછી દ્રુપદના વિષયમાં તમારો શું વિચાર છે? જો તમે તેને ગુરુભાવથી જોતા હો, તો પછી દ્રોણનું સ્થાન શું છે? શું કૃપાચાર્ય, દુર્યોધન અને અશ્વત્થામા પ્રથમ પૂજા માટે યોગ્ય નથી? તો પછી કૃષ્ણ તો એક યાદવમાત્ર છે, એક એવી જાતિ, જે એક શાપને કારણે ક્યારેય રાજાના પદની હકદાર ન થઈ શકે. જો પહેલેથી જ તમારો ઇરાદો કૃષ્ણને સન્માનિત કરવાનો હતો, તો પછી તમે અન્ય રાજાઓનું અપમાન કરવા માટે તેમને આમંત્રણ આપ્યું હતું?’

શિશુપાલે હવે શ્રીકૃષ્ણ તરફ જોયું અને પૂછ્યું, ‘ઓ કૃષ્ણ, જે પૂજાને તમે યોગ્ય નથી તેને ગ્રહણ કરતા તમને શરમ નથી આવતી?’

ત્યાર પછી પણ શિશુપાલ વિવિધ અપશબ્દો દ્વારા શ્રીકૃષ્ણનું અપમાન કરતો રહ્યો. અંતમાં એ ખૂબ ક્રોધપૂર્વક સભાગૃહ છોડીને ચાલ્યો ગયો. યુધિષ્ઠિર તેની પાછળ દોડ્યા અને તેને સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. તેઓ બોલ્યા, ‘તેં શ્રીકૃષ્ણને માટે ખૂબ કઠોર શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેં ભીષ્મ પિતામહનું અપમાન કર્યું છે. તું જરા વડીલોની તરફ જો, જેઓ કૃષ્ણની પૂજાનું સમર્થન કરી રહ્યા છે.’ ભીષ્મે વચ્ચે હસ્તક્ષેપ કરતાં કહ્યું, ‘જે વ્યક્તિ શ્રીકૃષ્ણનો મહિમા જ સમજી નથી શકતી, તેમની સાથે સમય બરબાદ કરવાની શી જરૂર? એ કેવળ તમારા માટે જ નહીં પરંતુ ત્રણેય લોકો દ્વારા પૂજા પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે. જેમ મંત્રોમાં ગાયત્રીનું સ્થાન છે, એ જ રીતે મનુષ્યમાં તેમનું સ્થાન છે. જ્યાં સુધી શિશુપાલની વાત છે, તેની તરંગી  અને નકામી વાતો પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી.’

ત્યાર બાદ સહદેવ ઊભા થઈને બોલ્યા, ‘મેં યોગ્ય કાર્ય જ કર્યું છે. અમારા માટે તો શ્રીકૃષ્ણ જ સર્વસ્વ છે. તેઓ અમારા મિત્ર અને માર્ગદર્શક પણ છે. જો તમને શ્રીકૃષ્ણનું સન્માનિત થવું યોગ્ય ન લાગતું હોય, તો હું તમારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર છું. જે લોકો શ્રીકૃષ્ણની પૂજા થતી જોવા નથી માગતા, તેઓ જીવતા હોવા છતાં મૃત્યુ પામેલા જ જાણી શકાય.’

શિશુપાલના વિરોધની ઉપેક્ષા કરીને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવી. શિશુપાલ બરાડા પાડતો રહ્યો, ‘તમે લોકો અહીંયાં શું કરી રહ્યા છો? ચાલો, આપણે આ લોકોની સાથે યુદ્ધ કરી લઈએ.’ હવે શ્રીકૃષ્ણ સમજી ગયા કે શિશુપાલ દુષ્ટતા કરવા તત્પર થઈ ગયો છે. આ પરિસ્થિતિથી અસ્વસ્થ થઈને યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહ તરફ જોયું.

ભીષ્મ બોલ્યા, ‘સિંહોની સામે કૂતરાં ભસી રહ્યાં છે, તેમને ભસવા દો; તમે તમારું કર્તવ્ય પૂરું કરો.’ હવે શિશુપાલને ભીષ્મ ઉપર ક્રોધ થયો. તે ખૂબ જ અસભ્ય શબ્દોમાં તેમની નિંદા કરવા લાગ્યો. શિશુપાલ હજી બોલી જ રહ્યો હતો કે શ્રીકૃષ્ણે વચમાં હસ્તક્ષેપ કરતાં કહ્યું, ‘અત્યાર સુધી હું તેને ૧૦૦ વખત ક્ષમા કરી ચૂક્યો છું, કારણ કે મેં તેની માને વચન આપ્યું હતું કે હું તેના ૧૦૦ અપરાધોને ક્ષમા કરી દઈશ, પરંતુ તેનાથી વધુ જરા પણ નહીં. હવે તેના મૃત્યુનો સમય આવી ગયો છે.’

આ શબ્દોની સાથે જ તેમણે પોતાનું સુદર્શન ચક્ર ફેંકીને શિશુપાલનું માથું ધડથી અલગ કરી નાખ્યું. શિશુપાલના શરીરમાંથી એક જ્યોત નીકળીને શ્રીકૃષ્ણના શરીરમાં પ્રવેશી ગઈ. પાછલા જન્મમાં શિશુપાલ ભગવાન વિષ્ણુનો જ એક સેવક હતો અને શાપગ્રસ્ત થઈને તેણે માનવશરીર ધારણ કરવું પડ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા તેને મુક્તિ પ્રાપ્ત થઈ. યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને નિર્દેશ આપ્યો કે તેઓ યોગ્ય રાજકીય સન્માન સાથે રાજા શિશુપાલની અંતિમ ક્રિયા સંપન્ન કરે.

(ક્રમશઃ)

Total Views: 11

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.