(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)
(ગતાંકથી આગળ)
પરમેશ્વર શ્રીકૃષ્ણે તાત્કાલિક તેની પ્રાર્થના સાંભળી અને એક અલૌકિક ઘટના ઘટવા લાગી. દ્રૌપદીએ જે સાડીથી પોતાનું શરીર ઢાંકી રાખ્યું હતું, તે સાડીને દુ:શાસન એક તરફથી ખેંચતો જતો હતો, પરંતુ તે સાડીનો બીજો છેડો આવી જ રહ્યો ન હતો. તે સાડીને જેમ જેમ ખેંચતો રહ્યો, તેમ તેમ વિવિધ રંગોમાં તેની લંબાઈ વધતી જતી રહી હતી. દુ:શાસને ખેંચેલી સાડીનો ઢગલો કરી દીધો અને થાકીને લોથપોથ થવા લાગ્યો. અંતે તે એકદમ થાકીને જમીન પર બેસી પડ્યો. આ અલૌકિક ઘટનાએ સમગ્ર સભાને સ્તબ્ધ કરી દીધી. આ કરુણ ઘટનાથી એ પ્રમાણિત થઈ ગયું કે જો કોઈ અનન્ય ભાવથી પરમાત્મા ઉપર નિર્ભર થઈ જાય, તો પરમાત્મા દરેક રીતે તેની રક્ષા કરતા હોય છે.
દુ:શાસનના આ નિર્લજ્જ આચરણને જોઈને ભીમ પોતાની મુઠ્ઠી વાળી ક્રોધથી કાંપી રહ્યો હતો. તેણે જોરથી બૂમ પાડી અને એક ભયંકર પ્રતિજ્ઞા કરી. ‘હે ક્ષત્રિયો, ધ્યાનપૂર્વક મારા આ શબ્દોને સાંભળો, જે ભૂતકાળમાં કોઈએ ઉચ્ચાર્યા નથી અને ભવિષ્યમાં પણ કોઈ ઉચ્ચારશે નહીં. જો હું મારી પ્રતિજ્ઞા પૂરી ન કરી શકું તો હું મારા પિતૃઓના સ્વર્ગલોકથી વંચિત થઈ જાઉં. નજીકના ભવિષ્યમાં જે યુદ્ધ થશે, તેમાં હું મારા ખાલી હાથોથી દુ:શાસનની છાતી ફાડી નાખીશ અને તેનું લોહી પી જઈશ.’ આ અમંગલસૂચક શબ્દો સાંભળીને સમગ્ર સભા ભયથી કાંપી ઊઠી. દુર્યોધનનું આ પાપપૂર્ણ આચરણ જ ભવિષ્યમાં સંપૂર્ણ કૌરવવંશના વિનાશનું કારણ સાબિત થયું.
દુર્યોધને દ્રૌપદીની ઉપસ્થિતિમાં ખૂબ જ અશોભનીય રીતે પોતાની જમણી જાંઘ પરથી વસ્ત્ર હટાવી લીધું હતું. તે જોઈને ભીમે ક્રોધથી ઘોષણા કરી દીધી હતી, ‘જો આવનાર યુદ્ધમાં ભીમે આ જાંઘને તોડી ન નાખી, તો તે તેમના પૂર્વજોના લોકમાં નહીં જાય.’ ભીમના ક્રોધની સળગતી આગથી જાણે કે ચિનગારીઓ નીકળી રહી હતી. ભીમની આ બંને પ્રતિજ્ઞાઓ સાંભળીને ધૃતરાષ્ટ્ર ભયથી આતંકિત થઈ ઊઠ્યા. તેમણે પાંડવોને દુર્યોધનનાં દાસત્વથી મુક્ત કરવામાં જ ભલાઈ સમજી અને તેમને બધું જ પાછું આપી દીધું, કે જે તેઓ જુગારમાં હારી ચૂક્યા હતા.
યુધિષ્ઠિરનું ફરી જુગાર રમવું
ત્યારબાદ યુધિષ્ઠિર પોતાના ભાઈઓ અને દ્રૌપદીની સાથે હસ્તિનાપુર પરત આવ્યા. પરંતુ દુર્યોધન, કર્ણ તથા શકુનિએ અંદરોઅંદર મસલત કરી અને તેઓ એકસાથે ધૃતરાષ્ટ્ર પાસે ગયા. તેઓ બહુ જ મીઠા અને ચાલાકીપૂર્ણ શબ્દોમાં બોલ્યા, ‘મહારાજ, પાંડવો જો મુક્ત થઈ ગયા, તો તે અમારો વિનાશ કરી નાખશે. અર્જુન અને ભીમ પહેલેથી જ અમને તિરછી નજરોથી જોઈ રહ્યા છે. શું તમે વિચારો છો કે તેઓ અમને ક્ષમા કરી દેશે? અમને હજુ વધુ એક વાર જુગાર રમવાની તક આપો. એક વખત હારવાવાળો ૧૨ વર્ષ માટે વનવાસ અને ત્યાર પછીના એક વર્ષ માટે અજ્ઞાતવાસમાં જશે. રમતમાં અમે તેમના પર વિજય પ્રાપ્ત કરી તેમને જંગલમાં મોકલી દઈશું. આ ૧૩ વર્ષ દરમિયાન અમે લોકો યુદ્ધમાં તેમનો સામનો કરવા માટેની તૈયારી કરી લઈશું.’
ધૃતરાષ્ટ્રે ફરી એક વાર પાંડવોને બોલાવવા માટે દૂત મોકલ્યો. દ્રોણ, વિદુર અને અન્ય લોકોએ તેનો વિરોધ કર્યો, પરંતુ ધૃતરાષ્ટ્ર પોતાની જીદ પર અડગ રહ્યા. પાંડવોએ ફરી એક વાર જુગાર રમવા માટે હસ્તિનાપુર આવવું પડ્યું. શકુનિએ દાવ વિશેના નિયમો બતાવતાં એ પણ કહી દીધું કે જો હારવાવાળા વનવાસના ૧૩મા વર્ષ દરમિયાન ઓળખાઈ જશે તો તેમને દંડના રૂપમાં ફરી એક વાર બાર વર્ષનો વનવાસ થશે.
રમત ફરીથી શરૂ થઈ અને શકુનિએ બાજી જીતી લીધી. પાંડવો પોતાના લાંબા વનવાસ માટે તૈયાર થઈ ગયા. દુ:શાસને ઘોષણા કરી, ‘હવે દુર્યોધનનું એકછત્ર સામ્રાજ્ય સ્થાપિત થઈ ગયું છે. પાંડવોનો સર્વનાશ થઈ ચૂક્યો છે.’ દુ:શાસનના આ શબ્દો સાંભળીને ભીમ દોડીને તેમની પાસે જઈ પહોંચ્યા અને બોલ્યા, ‘જે રીતે તું તારા કડવા શબ્દોથી અમારું કલેજું ચીરી રહ્યો છે, તે જ રીતે યુદ્ધના સમયે હું તારું હૃદય ફાડી નાખીશ.’ જ્યારે પાંડવો સભાગૃહની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે દુર્યોધન ઉપહાસ કરતાં ભીમની શાનદાર ચાલની નકલ કરવા લાગ્યો. આથી ભીમે તેની તરફ ફરીને કહ્યું, ‘હું મારી ગદાથી દુર્યોધનને મારી નાખીશ. તેને જમીન પર પછાડીને ગરદન પર પગ રાખીશ અને સિંહની જેમ દુ:શાસનનું લોહી પી જઈશ. અર્જુન કર્ણનો અને સહદેવ શકુનિનો વધ કરશે. ભલે હિમાલય પોતાના સ્થાનેથી ચલિત થઈ જાય, ભલે સૂર્ય પોતાનાં કિરણોને સમેટી લે, ભલે ચંદ્રમા પોતાની શીતળતાનો ત્યાગ કરી દે, પરંતુ અમે લોકો અમારી પ્રતિજ્ઞા પૂરી કરવામાં પીછેહઠ નહીં કરીએ.’ યુધિષ્ઠિર બોલ્યા, ‘હું તમારા સૌની પાસેથી વિદાય લઉં છું. પરંતુ પરત આવ્યા બાદ હું એક વાર ફરી તમને લોકોને મળીશ.’ દ્રૌપદી કુંતીની પાસે ગયાં અને આશીર્વાદ લીધા. જ્યારે પાંડવો સાથે દ્રૌપદી ચાલી નીકળ્યાં, ત્યારે ધૃતરાષ્ટ્રના મનમાં ચિંતાનો ઉદય થયો. તેમણે વિદુરને બોલાવીને પૂછ્યું, ‘પાંડવો કેવી રીતે ગયા?’
વિદુરે ઉત્તર આપ્યો, ‘યુધિષ્ઠિરે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો, ભીમની ભુજાઓ ફરકી રહી હતી, સહદેવ પોતાનું મોઢું ઘસી રહ્યો હતો, અર્જુન માર્ગમાં માટી વિખેરતો યુધિષ્ઠિરની પાછળ ચાલી રહ્યો હતો અને નકુલ પોતાના આખા શરીર પર ધૂળ ઘસી રહ્યો હતો. દ્રૌપદી પોતાના ખુલ્લા વાળમાં પોતાનો ચહેરો છુપાવી અને રડતાં રડતાં રાજાની પાછળ પાછળ ચાલી રહ્યાં હતાં. નગરના લોકો જોરથી રડતાં રડતાં તેમનું અનુસરણ કરી રહ્યા હતા. જ્યારે પાડવો જઈ રહ્યા હતા, ત્યારે વાદળ વિનાના આકાશમાં વીજળી ચમકી રહી હતી અને પૃથ્વી કાંપી રહી હતી. હે રાજા, તે સમયે જોવામાં આવેલ આ અસામાન્ય તથા ભયંકર લક્ષણ એ વાતનું સૂચક છે કે તમારા અનુચિત આદેશ પ્રમાણે આવું કાર્ય કરવાના ફળરૂપે ભરત વંશનો વિનાશ થવાનો છે.’ બંને વચ્ચે આવી વાતો ચાલી રહી હતી ત્યારે અન્ય ઋષિઓ સાથે દેવર્ષિ નારદે સભાગૃહમાં પ્રવેશ કર્યો. તેમણે પણ ભયંકર શબ્દોમાં ભવિષ્યવાણી કરી, ‘દુર્યોધનની ભૂલને કારણે આજથી ૧૪ વર્ષ પછી ભીમ તથા અર્જુનની શક્તિ દ્વારા કુરુવંશનો સંહાર થઈ જશે.’ આટલું કહીને નારદ તથા અન્ય ઋષિઓ ચાલ્યા ગયા. હવે દ્રોણે પણ ધૃતરાષ્ટ્રને દુર્યોધનના દુષ્કર્મોના પરિણામના વિષયમાં સાવધાન કર્યા. આ બધું સાંભળીને તેઓ ચિંતિત અને શોકમગ્ન થઈ ગયા.
(ક્રમશ:)
Your Content Goes Here




