(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)
(ગતાંકથી આગળ)
તરત જ સભામાં બધી તરફથી ‘ધિક્કાર’, ‘ધિક્કાર’, અને ‘છી, છી, છી’ના અવાજો ઊઠવા લાગ્યા. વધુ ભાવુક લોકો રડવા લાગ્યા. કેટલાક અન્ય લોકોને પરસેવો છૂટવા લાગ્યો અને તેમને એવું લાગવા માંડ્યું કે જાણે કે પ્રલય થવાનો હોય.
વિદુર ઊભા થઈ ગયા અને બોલ્યા, ‘દુર્યોધન, શું તું પાગલ થઈ ગયો છો કે પોતાના જ સર્વનાશને આમંત્રણ દઈ રહ્યો છો?’ પરંતુ દુર્યોધન કોઈની પણ સલાહ સાંભળવા માટે તૈયાર ન હતો. તે દુ:શાસન તરફ ફરીને બોલ્યો, ‘તું જા અને દ્રૌપદીને ઘસડીને અહીં લઈ આવ.’ દુ:શાસન તાત્કાલિક દ્રૌપદીની પાસે ગયો અને બોલ્યો, ‘હે દ્રૌપદી, સાંભળો મને રાજાનો આદેશ મળ્યો છે કે હું તને દરબારમાં લઈ જાઉં, જેથી તું અમારી દાસીનું કામ સંભાળી શકે.’
આ સાંભળીને દ્રૌપદીના પગ નીચેથી જાણે કે ધરતી ખસી ગઈ. તેમને બહુ આઘાત લાગ્યો અને ચોધાર આંસુએ રડવા લાગ્યાં. તે અંતઃપુર તરફ દોડ્યાં, જેથી ગાંધારીના ઓરડામાં પહોંચીને પોતાને સુરક્ષિત મહેસૂસ કરી શકે. પરંતુ દુ:શાસને વધુ આગળ જવા ન દીધાં. તેણે દ્રૌપદીના વાળ પકડ્યા અને ઢસડતો ઢસડતો સભાગાર તરફ લઈ જવા માંડ્યો. તેમના વાળ વિખરાઈ ગયા. પોતાની પીડા અને અસહાયતાથી તેમણે પાંડવો તરફ જોયું, પરંતુ તે લોકો શરમથી માથું નમાવીને બેસી રહ્યા. તેઓ બોલ્યાં, ‘મહારાજ, ભરતના આ વંશજોને ધિક્કાર છે! હવે તેઓ સાચા ક્ષત્રિય નથી રહ્યા, હવે તો તેમણે જુગારમાં પોતાનું સન્માન પણ ખોવાનું આરંભ કરી દીધું છે. હું અહીંયાં બેઠેલા વરિષ્ઠ-વૃદ્ધ લોકોને પણ ધિક્કારું છું, જેઓ અહીંયાં બેસીને પોતાની આંખોથી મને આ પ્રકારે અપમાનિત થતી જોઈ રહ્યા છે. મારા પ્રશ્નનો ઉત્તર કોણ આપશે? કોણ મને કહેશે કે મને દાવ પર લગાવવાનો અધિકાર મારા પતિને કોણે આપ્યો?’
સભાગૃહમાં સર્વત્ર શાંતિ છવાઈ રહી અને બધા લોકો પોતાનું માથું ઝુકાવીને બેસી રહ્યા. કોઈમાં પણ સાહસ ન હતું કે તે દ્રૌપદીના પ્રશ્નોના ઉત્તરમાં એક શબ્દ પણ બોલી શકે. અંતે ભીષ્મ પિતામહ બોલ્યા, ‘હે સૌભાગ્યવતી, ધર્મની ગતિ ઘણી સૂક્ષ્મ છે અને તેને સમજવી કઠિન છે. તમે જે પ્રશ્ન ઉઠાવ્યો છે તેનો સાચો ઉત્તર દેવા માટે હું અસમર્થ છું.’ દ્રૌપદી જોરથી વિલાપ કરતાં પોતાના અસહાય પતિઓ તરફ જોઈ રહ્યાં હતાં, પરંતુ દુ:શાસન તેમના પ્રતિ કઠોર અને અનુચિત શબ્દોનો પ્રયોગ કરતો રહ્યો. હવે ભીમથી ન રહેવાયું. તે યુધિષ્ઠિર તરફ જોતાં બોલ્યા, ‘ભાઈ, જ્યારે તમે તમારી બધી જ સંપત્તિ હારી ગયા, ત્યારે મને દુઃખ નહોતું થયું; તમે જ્યારે અમને સૌને પણ હારી ગયા ત્યારે પણ મને ક્રોધ ન આવ્યો; પરંતુ દ્રૌપદીને દાવ પર લગાવીને તમે એક અક્ષમ્ય પાપ કર્યું છે.’ પછી તેઓ સહદેવની તરફ જોઈને બોલ્યા, ‘હે સહદેવ, થોડોક અગ્નિ લઈ આવો, પહેલાં મારે યુધિષ્ઠિરના હાથ બાળી નાખવા છે.’ પરંતુ અર્જુને ભીમને આશ્વાસન આપતાં કહ્યું, ‘ભીમ, આ ક્રોધ બતાવવા માટેનો સમય નથી. યુધિષ્ઠિર આપણા મોટાભાઈ છે અને તેમની આજ્ઞાનું પાલન કરવું એ જ આપણું કર્તવ્ય છે.’ અર્જુનના આ શબ્દો સાંભળીને ભીમ શાંત થઈ ગયા.
શ્રીકૃષ્ણની કૃપા
કર્ણે પણ જોયું કે પાંડવોને અપમાનિત કરવાની આ સૌથી ઉત્તમ તક છે, કારણ કે તેમના કારણે જ એક વાર તેને અપમાનિત થવું પડ્યું હતું. તેણે દુ:શાસનને કહ્યું કે તે પાંચેય પાંડવોનાં રાજકીય વસ્ત્રો ઉતારી લે અને દ્રૌપદીને પણ નિર્વસ્ત્ર કરી દે. આ સાંભળીને પાંડવો પોતપોતાનાં વસ્ત્ર ઉતારીને જમીન પર ફેંકવા લાગ્યા. દુ:શાસન ઊભો થયો અને સૌની નજર સામે દ્રૌપદીની સાડી પકડીને ખેંચવા લાગ્યો. અશ્રુપૂર્ણ આંખો સાથે દ્રૌપદીએ મદદની આશામાં બધા તરફ જોયું. પરંતુ કોઈ પણ તેમને બચાવવા માટે આગળ ન આવ્યું. દ્રૌપદી ઊંચા અવાજે શ્રીકૃષ્ણને પોકારીને તેમની પાસે પોતાની લાજ બચાવવા માટે પ્રાર્થના કરવા લાગ્યાં, ‘હે ગોવિંદ, આ સંકટથી મારી રક્ષા કરો.’ આ પ્રકારે રડતાં રડતાં દ્રૌપદીએ બંને હાથથી પોતાનો ચહેરો ઢાંકી લીધો અને શ્રીકૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યાં.
Your Content Goes Here




