(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)

(ગતાંકથી આગળ)

શ્રીકૃષ્ણની પ્રતિજ્ઞા

પાંડવોના વનવાસના સમાચાર જાણીને વૃષ્ણિ, ભોજ અને અંધક વંશના લોકો, કૈકેય રાજ્યના કુમાર અને દ્રૌપદીનાં સગાં-સંબંધી તેમને મળવા માટે આવી પહોંચ્યાં. શ્રીકૃષ્ણને સામે રાખીને તેઓ યુધિષ્ઠરની ચારે તરફ બેસી ગયા.

શ્રીકૃષ્ણે ક્રોધિત થઈને કહ્યું, ‘દુર્યોધન, કર્ણ, શકુની અને દુ:શાસનના લોહીનું ધરતી પાન કરશે. ચાલો, આપણે લોકો પણ તે બધાને મારી નાખીએ અને યુધિષ્ઠિરને રાજસિંહાસન પર બેસાડી દઈએ. દુરાચારી પાપીઓનો નાશ જ ન્યાયપૂર્ણ ધર્મ છે.’

અર્જુને તે બધાને શાંત કરતાં ભગવાન શ્રીકૃષ્ણના પાછળના કેટલાય જન્મો દરમિયાન તેમણે કરેલાં સત્કર્મોનું સ્મરણ કરાવ્યું અને કહ્યું કે આ બધી ઘટનાઓ તેમને નારદજી પાસેથી જાણવા મળી છે. શ્રીકૃષ્ણ અર્જુનની વાત સાંભળીને બહુ પ્રસન્ન થયા.

તેઓ બોલ્યા, ‘હે અર્જુન, તું મારો છો અને હું તારો છું. મારું બધું જ તારું પોતાનું છે. જે કોઈ તારા પ્રત્યે દ્વેષભાવ રાખશે તે મારા પ્રત્યે પણ દ્વેષભાવ રાખે છે અને જે તારો અનુરાગી હશે તે મારો પણ અનુરાગી છે. તું નર છો અને હું નારાયણ છું. તેં એક ખાસ ઉદ્દેશ્ય માટે મનુષ્યરૂપે જન્મ લીધો છે. તું મારા થકી છો, હું તારા થકી છું. આપણી બંને વચ્ચે કોઈ ભેદ નથી.’

આ જ સમયે દ્રૌપદી ત્યાં આવ્યાં અને નારાજગી ભરેલા શબ્દોમાં શ્રીકૃષ્ણને કહ્યું, ‘હે પ્રભુ, ઋષિઓનું કહેવું છે કે તમે પ્રજાપતિ એટલે કે આ સંસારના નિર્માતા છો. તમે જ વિષ્ણુ છો. તેઓ કહે છે કે તમે જ સનાતન પુરુષ છો અને તમે બધી દિશાઓને તમારા શરીર દ્વારા આવૃત કરી રાખી છે. તમે બધા જીવોના પરમેશ્વર છો. તમને મારા પ્રત્યે ખૂબ સ્નેહ ભાવ છે, એટલા માટે મારાં સમગ્ર દુખ-કષ્ટ તમારી સમક્ષ રાખું છું. હે કૃષ્ણ, શા માટે મને ઘસડીને સભાગૃહમાં લાવવામાં આવી? ભીમના બળને ધિક્કાર છે, અર્જુનના ગાંડીવને ધિક્કાર છે! શું સનાતન ધર્મ એ ઘોષણા નથી કરતો કે એક પતિએ પોતાની પત્નીના સન્માનની રક્ષા કરવી જોઈએ?’

આટલું કહીને દ્રૌપદીએ પોતાના હાથથી પોતાનો ચહેરો ઢાંકી દીધો અને આંસુ વહાવવા લાગ્યાં. ત્યાર પછી તેઓ પોતાનાં આંસુ લૂછતાં લુછતાં અને વારંવાર ડૂસકાં ભરતાં ફરી કહેવા લાગ્યાં,

‘હે કૃષ્ણ, મારા માટે ન તો મારા પતિઓ, ન પુત્રો અને ન પિતાનું કોઈ અસ્તિત્વ છે. તમે પણ મારા નથી, કારણ કે તમે ચૂપચાપ બેઠા છો.’

દ્રૌપદીની આ વાતો સાંભળીને શ્રીકૃષ્ણે તેમને સાંત્વના દેતાં કહ્યું, ‘હે દ્રૌપદી, હું તમને સાવ સાચું કહું છું; જેમ અત્યારે તમે રડી રહ્યાં છો, તેવી જ રીતે તમને નારાજ કરવાવાળાઓની પત્નીઓ બાણોથી ચારણી થઈ ગયેલા પોતાના પતિઓના મૃતદેહોને રણક્ષેત્રમાં પડેલા જોઈને વિલાપ કરશે. ત્યાર પછી તમે જ મહારાણી બનશો.’

દ્રૌપદીએ નજર ઉઠાવીને અર્જુનની તરફ જોયું. અર્જુન બોલ્યા, ‘હે દ્રૌપદી, રડો નહીં. શ્રીકૃષ્ણે જે કંઈ કહ્યું છે, તેવું જ થશે.’

ધૃષ્ટદ્યુમ્ને પણ કહ્યું, ‘હું દ્રોણને મારીશ, શિખંડી ભીષ્મને મારશે, ભીમ દુર્યોધનને મારશે અને કર્ણનું મૃત્યુ અર્જુનના હાથે થશે.’ જ્યારે આ બધું કહેવાઈ રહ્યું હતું તે સમયે બધાની દૃષ્ટિ શ્રીકૃષ્ણ ઉપર હતી.

શ્રીકૃષ્ણ બોલ્યા, ‘જો હું દૂર દ્વારકામાં ન રહેતો હોત, તો આ બધું ન થાત. મેં જુગારની રમતના દોષ બતાવીને એ રમત જ બંધ કરાવી દીધી હોત. પરંતુ તે સમયે હું શિશુપાલના પુત્રના આક્રમણનો ઉત્તર દેવા અને તેનો વધ કરવા માટે સાલ્વ નગરીમાં ગયેલો હતો. દ્વારકા પરત આવીને મને તમારા લોકોના દુર્ભાગ્યના સમાચાર મળ્યા અને હું ખૂબ ચિંતાને કારણે સીધો અહીં ચાલ્યો આવ્યો.’

થોડી વાર પછી તેમને દ્વારકા પરત ફરવાનું હતું. યુધિષ્ઠિર અને ભીમે તેમના પ્રતિ સન્માન સહિત પ્રીતિ દર્શાવીને, અર્જુને તેમને આલિંગન કરીને, નકુલ-સહદેવે તેમને પ્રણામ કરીને અને દ્રૌપદીએ તેમની વંદના કરીને તેમને વિદાય આપી.

(ક્રમશઃ)

Total Views: 40

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.