(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)
(ગતાંકથી આગળ)
અક્ષયપાત્ર
પાંડવોએ દ્રૌપદીની સાથે વન તરફ પ્રસ્થાન કર્યું. નાગરિકો ખુલ્લેઆમ ભીષ્મ, દ્રોણ, વિદુર વગેરેની નિંદા કરતાં કરતાં તેમની પાછળ ચાલવા લાગ્યા. યુધિષ્ઠિર તેમનો પ્રેમભાવ જોઈને અભિભૂત થઈ ગયા. તેમણે બધાને પાછા જવા માટે અનુરોધ કર્યો. તે લોકો ખૂબ જોરથી વિલાપ કરતાં કરતાં નગર તરફ પાછા ફર્યા અને પાંડવો પોતાના રથમાં સવાર થઈને ગંગાકિનારા તરફ ચાલી નીકળ્યા. નદીના પવિત્ર જળમાં સ્નાન કર્યા બાદ તેઓએ રાતના સમયે વૃક્ષોની નીચે આરામ કર્યો. કેટલાક બ્રાહ્મણો પણ તેમની સાથે ત્યાં આવી પહોંચ્યા હતા. તે લોકોએ આગળ ઉપર પણ તેમની સાથે યાત્રા કરવાનો આગ્રહ કર્યો.
યુધિષ્ઠિરે તેમને સમજાવતાં કહ્યું, ‘આપ લોકો મહેરબાની કરીને ઇન્દ્રપ્રસ્થ પાછા ચાલ્યા જાઓ. હું તમારા લોકોની જેવી સેવા કરવા ઇચ્છું છું, તેવી હવે નહીં કરી શકું. જંગલોમાં રહીને વનવાસીનું જીવન વિતાવવું પણ કોઈ આસાન વાત નથી. એટલા માટે આપ સૌ લોકો કૃપા કરી અમને અમારા નસીબ પર છોડી પાછા ચાલ્યા જાઓ.’ પરંતુ તે વિદ્વાન બ્રાહ્મણો પોતાના સંકલ્પ પર અડગ હતા. તે લોકો પાંડવોની સાથે રહીને તમામ કષ્ટ સહન કરવા માટે તૈયાર હતા. યુધિષ્ઠિર ખૂબ દુઃખી હતા કે તેમની પાસે તે લોકોને ખવડાવવા માટે પણ કશું જ ન હતું. તેમણે પોતાના ભાઈઓ અને પુરોહિત ધૌમ્ય સાથે આ બાબતે વિચાર કર્યો.
ધૌમ્યનું કહેવું હતું કે સહાયતા માટે તેમણે સૂર્યદેવતાની ઉપાસના કરવી જોઈએ. તેઓ બોલ્યા, ‘સૂર્ય જ પૃથ્વીના સમસ્ત ભોજ્ય પદાર્થો અને ધનના સ્વામી છે. જો સાચા દિલથી તેમને પ્રાર્થના કરો તો તે અવશ્ય તમારી રક્ષા કરશે.’ તેમની સલાહ માનીને યુધિષ્ઠિરે ભક્તિભાવપૂર્વક સૂર્યદેવતાના સ્તોત્રનો પાઠ કર્યો. સૂર્યદેવતા તેમની પ્રાર્થનાથી સંતુષ્ટ થઈને તેમની સામે પ્રગટ થયા અને બોલ્યા, ‘હું તમારાથી પ્રસન્ન છું. તમે જે કંઈ પણ ઇચ્છો તે બધું જ હું તમને આપીશ. હું તમારા લોકો માટે હવેનાં ૧૨ વર્ષ માટે ભોજનની વ્યવસ્થા કરી દઉં છું. આ ત્રાંબાના પાત્રને સંભાળો. આ અક્ષયપાત્ર છે અને પ્રતિદિન આ પોતાની મેળે ખાદ્ય પદાર્થોથી ભરાઈ જશે. દ્રૌપદી જ્યાં સુધી પોતે તેમાંથી કશું નહીં ખાય, ત્યાં સુધી તે ભરેલું રહેશે. પણ જો એક વાર આ પાત્રમાંથી દ્રૌપદી કશું ખાશે, તો તે દિવસ માટે આ પાત્ર ખાલી થઈ જશે. પરંતુ પછીના દિવસ માટે ફરીથી ભોજ્ય પદાર્થોથી ભરેલું મળશે.’
આટલું કહીને સૂર્યદેવતાએ તામ્રપાત્ર યુધિષ્ઠિરને આપી દીધું અને પોતે અંતર્ધ્યાન થઈ ગયા. યુધિષ્ઠિરે તે પાત્ર દ્રૌપદીના હાથમાં આપ્યું. તે દિવસે દ્રૌપદીએ થોડું ખાવાનું બનાવીને તેમાં રાખ્યું; તાત્કાલિક તે પાત્ર સ્વાદિષ્ટ ભોજનથી સંપૂર્ણ ભરાઈ ગયું. યુધિષ્ઠિરે સર્વપ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ત્યારબાદ પોતાના અન્ય ભાઈઓની સાથે ખાવા બેઠા. અંતમાં દ્રૌપદીએ ભોજન કર્યું કે તરત જ તે પાત્ર તે દિવસ માટે ખાલી થઈ ગયું.
હવે યુધિષ્ઠિર ધૌમ્ય અને અન્ય બ્રાહ્મણોની સાથે કામ્યક વન તરફ ચાલી નીકળ્યા.
વિદુરનું પાંડવોને આવીને મળવું
પાંડવો વનમાં રહેવા માટે ચાલ્યા ગયા બાદ ધૃતરાષ્ટ્રે વિદુરને બોલાવીને પૂછ્યું, ‘હવે આપણે શું કરવું જોઈએ?’ પરમ જ્ઞાની વિદુર બોલ્યા, ‘હું તો કેવળ એક જ સલાહ આપી શકું છું, પરંતુ હું નથી જાણતો કે આપને મારી વાત પસંદ આવશે કે નહીં. પાંડવોને પાછા બોલાવીને તેમનું રાજ્ય તેમને પાછું આપી દો. જો તમે એમ નહીં કરો, તો પછી તમારા બધા જ પુત્રોનો વિનાશ જોવા માટે તૈયાર રહો. મારી તો આ જ સલાહ છે. હવે આપની જેવી ઇચ્છા હોય તેમ કરો.’
વિદુરની વાતો સાંભળીને ધૃતરાષ્ટ્ર ગુસ્સે થઈ ગયા. તે કડવા શબ્દોમાં બોલ્યા, ‘તમે તો હંમેશાં પાંડવોનું જ ભલું જુઓ છો, અમારા લોકોનું હિત ક્યારેય નથી વિચારતા. હું પાંડવોના સુખને માટે પોતાના પુત્રોનું સુખ ભલા કેવી રીતે ત્યાગી શકું? તમારે તો મને દિલાસો આપવો જોઈએ, પરંતુ તમે તો મને આ અસંભવ કાર્ય બતાવીને મારા દિલને દુઃખ પહોંચાડી રહ્યા છો. હું તમારી ઉપસ્થિતિ સહન નથી કરી શકતો. તાત્કાલિક અહીંથી ચાલ્યા જાઓ.’ આ કઠોર વાત કહીને પછી ધૃતરાષ્ટ્ર પોતાના સિંહાસન પરથી ઊઠ્યા અને વિદુરને ત્યાં જ છોડીને પોતાના અંતઃપુરમાં ચાલ્યા ગયા. વિદુર પણ તાત્કાલિક પાંડવોને મળવા માટે વનની યાત્રા માટે નીકળી પડ્યા.
ત્યાં સુધી પાંડવો ગંગાકિનારેથી ચાલીને કામ્યક વનમાં જઈ પહોંચ્યા હતા. વિદુર ત્યાં પહોંચીને તે લોકોને મળ્યા. વિદુરને જોઈને યુધિષ્ઠિર બહુ આનંદિત થયા. પાંડવોને વનમાં અત્યંત અભાવપૂર્ણ જીવન વિતાવતા જોઈને વિદુર દુઃખી થઈ ગયા. તેમણે પોતાના અને રાજાના વિચારો વચ્ચેના મતભેદની વાત કહી.
આ તરફ વિદુરના ચાલ્યા ગયા પછી ધૃતરાષ્ટ્રને પસ્તાવો થયો અને તેઓ બેભાન થઈને પડી ગયા. ભાન આવતાં જ તેમણે પોતાના સારથિ સંજયને બોલાવ્યો અને કહ્યું, ‘તું તાત્કાલિક જઈને વિદુરને પાછા લઈ આવ. તે પોતે જ એક ન્યાય-દેવતા સમાન છે.’ આટલું કહીને રાજા જોરથી રડવા લાગ્યા. સંજય વનમાં જઈ પહોંચ્યા અને વિદુરને રાજાના મનની સ્થિતિ કહી. વિદુરને પોતાના મોટાભાઈ પ્રત્યે પણ ખૂબ પ્રેમ હતો. આથી તેમણે પાંડવોને આશીર્વાદ દીધા પછી તેમની પાસેથી વિદાય લીધી અને પોતાના જયેષ્ઠ ભાઈની પાસે હસ્તિનાપુર પરત આવ્યા.
(ક્રમશઃ)
Your Content Goes Here




