(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)

(ગતાંકથી આગળ)

અર્જુનનું ભગવાન શિવ સાથે યુદ્ધ

શ્રીકૃષ્ણ ચાલ્યા ગયા પછી યુધિષ્ઠિર અન્ય લોકોની સાથે આગળ વધ્યા અને દ્વૈતવનમાં જઈ પહોંચ્યા.

ત્યાં રોજ વેદપાઠ કરતા અનેક વિદ્વાન બ્રાહ્મણો આવ્યા કરતા હતા. તે લોકો પાંડવોની સાથે ધર્મનાં સૂક્ષ્મ તત્ત્વો અંગે ચર્ચા કરતા રહેતા હતા અને આ યુધિષ્ઠિરના હૃદયને અત્યંત પ્રિય લાગતું હતું. દ્રૌપદીને પડેલાં દુઃખોના કારણે એક દિવસ ભીમ બહુ ચિંતિત હતા.

તેઓ બોલ્યા, ‘આ પ્રકારે તપોવનમાં નિવાસ કરીને આપણને શું મળશે? દુર્યોધને આપણું રાજ્ય છીનવી લીધું છે. હવે આ પ્રકારના વચનનું પાલન કરીને અથવા તોડીને ભલા શું ફરક પડવાનો છે? માત્ર ધર્મને માટે જ અપનાવેલો ધર્મ બહુ દુઃખ-કષ્ટ આપે છે. આપણે લોકો વનમાં હજુ સુધી તેર મહિના વિતાવી ચૂક્યા છીએ. મનીષીઓનું કહેવું છે કે એક મહિનો એક વર્ષ સમાન હોય છે. હે યુધિષ્ઠિર, તમે હમણાં શત્રુઓનો નાશ કરવાનો નિર્ણય લો. ક્ષત્રિયોને માટે યુદ્ધમાં ભાગ લેવાથી વધુ મહત્ત્વનું કોઈ કર્તવ્ય નથી.’ પરંતુ યુધિષ્ઠિર પોતાના આદર્શ પર અડગ રહ્યા. તેમની દૃઢ માન્યતા હતી કે જીવન ધર્મ આધારિત જ જીવવું જોઈએ. તે જ સમયે ત્યાં મહાતપસ્વી વ્યાસદેવ આવી પહોંચ્યા.

તેઓએ કહ્યું, ‘હે યુધિષ્ઠિર, હું જાણું છું કે તમારા મનમાં શું વિચાર ચાલી રહ્યો છે. તમે કર્ણ, દુર્યોધન વગેરેના શૌર્યની બાબતમાં વિચાર કરી રહ્યા છો. યોગ્ય સમયે અર્જુન તમારા શત્રુઓનો સંહાર કરશે. હું તમને ‘પ્રતિસ્મૃતિ’ નામનું જ્ઞાન દઉં છું, જેના દ્વારા તમે તમારા બધા જ શત્રુઓનો નાશ કરી શકશો. આ જાણે કે સફળતાનો મૂળમંત્ર છે. અર્જુનને અસ્ત્ર-શસ્ત્રોની પ્રાપ્તિ માટે રુદ્ર, વરુણ, કુબેર અને યમની પાસે મોકલી દો.’ આટલું કહીને વ્યાસદેવ તે લોકો પાસેથી વિદાય લઈ ચાલ્યા ગયા.

થોડા સમય પછી યુધિષ્ઠિરે અર્જુનને એકાંતમાં બોલાવ્યા અને કહ્યું, ‘તમે જાણો છો કે ભીષ્મ, દ્રોણ, કર્ણ અને કૃપાચાર્ય દરેક પ્રકારના અસ્ત્ર-શસ્ત્રોના પ્રયોગમાં કુશળ છે. મને વ્યાસદેવ પાસેથી એક મંત્ર મળ્યો છે. હું તમને એ મંત્ર શિખવાડી દઉં છું, કે જેથી તમે દેવતાઓને પ્રસન્ન કરી શકો. ઇન્દ્રની પાસે બધાં જ દિવ્ય અસ્ત્ર વિદ્યમાન છે. તમે તેમની પાસે જાઓ અને તપસ્યા કરી તેમને સંતુષ્ટ કરીને એ શસ્ત્રોને પ્રાપ્ત કરો.’ અર્જુને પોતાના ભાઈઓ અને દ્રૌપદી પાસેથી વિદાય લીધી અને ત્યાં ઉપસ્થિત બધા જ મુનિઓના આશીર્વાદ લઈને ઇન્દ્રને મળવા માટે રવાના થયા.

અનેક ભયંકર પ્રદેશોને પાર કરીને દિવસ-રાત ચાલીને તેઓ હિમાલયમાં સ્થિત ઇન્દ્રના નિવાસ સ્થાન ઇન્દ્રકિલા નામના પર્વત પર જઈ પહોંચ્યા. આકાશવાણી થઈ, ‘થોભી જાઓ.’

અર્જુને ચારે તરફ દૃષ્ટિ ફેરવી તો જોયું કે વૃક્ષની નીચે એક મહાન તપસ્વી બેઠેલા છે. તેમનો દેહ દેદીપ્યમાન હતો. તપસ્વીએ અર્જુનને કહ્યું, ‘વત્સ, આ પ્રદેશમાં તમે ધનુષ-બાણ લઈને કેમ આવ્યા છો? અહીં અસ્ત્ર-શસ્ત્રોની કોઈ જરૂર નથી. આ શાંતિપ્રિય બ્રાહ્મણોનું ક્ષેત્ર છે અને અહીંયાં ભય અને હિંસાને માટે કોઈ સ્થાન નથી. તેથી તમે હથિયારોને ફેંકી દો.’ પરંતુ અર્જુને પોતાનાં ધનુષ અને બાણોને વધુ મજબૂતીથી પકડી લીધાં.

તેઓ બોલ્યા, ‘હું હસ્તિનાપુરના સ્વર્ગીય મહારાજ પાંડુનો પુત્ર અર્જુન છું. હું તો આનાથી પણ વધારે અસ્ત્ર-શસ્ત્રોની પ્રાપ્તિ માટે અહીં આવ્યો છું.’ તપસ્વીએ પોતાની ઓળખાણ આપી અને કહ્યું, ‘હે અર્જુન, હું ઇન્દ્ર છું. હું તમારા પર પ્રસન્ન છું. તમે મારી પાસેથી કોઈ પણ વરદાન માગી લો, હું તમને તે પ્રદાન કરીશ.’

આ વાત સાંભળીને અર્જુન રોમાંચિત થઈ ગયા. તેમણે આદરપૂર્વક ઇન્દ્રને પ્રણામ કર્યા અને કહ્યું, ‘હું અસ્ત્ર-શસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી અહીં આવ્યો છું. આપ કૃપા કરીને મારી આ ઇચ્છા પૂર્ણ કરો.’ ઇન્દ્રે ઉત્તર આપ્યો, ‘સાંભળ વત્સ, દિવ્ય અસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમારે સૌથી પહેલાં ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત કરવો પડશે. તેથી તપસ્યા કરીને તમે ભગવાન શિવને પ્રસન્ન કરો.’ અર્જુનને આટલું કહીને ઇન્દ્રે ત્યાંથી પ્રસ્થાન કર્યું.

ઇન્દ્રની સલાહ પ્રમાણે અર્જુન કઠોર તપસ્યામાં લીન થઈ ગયા. એ દિવસોમાં તેઓ કેવળ વૃક્ષો પરથી પડેલાં પાંદડાં અને ફળો જ ખાતા. પહેલા મહિને તે દર ત્રણ રાત્રી પછી એક વાર ભોજન કરતા. બીજા મહિને દર છ રાત્રી પછી અને ત્રીજા મહિને તે એક પખવાડિયા પછી માત્ર એક જ વાર ભોજન કરતા. ચોથો મહિનો આવ્યો ત્યારે હાથ ઉપર ઉઠાવીને કેવળ વાયુનું જ સેવન કરવા લાગ્યા; અને કોઈ આધાર ન હોવાને કારણે તે માત્ર પોતાના પગના અંગૂઠા પર જ ઊભા રહેવા લાગ્યા.

તેમની કઠોર તપસ્યાથી ભયભીત થઈને ઋષિમુનિ ભગવાન શિવ પાસે ગયા અને તેમને કહ્યું, ‘અર્જુનની તપસ્યાના તાપથી પૃથ્વીમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. આપણે તેમને રોકવા પડશે.’ ભગવાન શિવે કહ્યું, ‘હું અર્જુનના સંકલ્પથી પરિચિત છું. તમે લોકો નિશ્ચિંત ભાવથી પરત ચાલ્યા જાઓ. હું તેમની પાસે જાઉં છું.’

ભગવાન શિવે શિકારીનું રૂપ ધારણ કર્યું અને હાથમાં સુંદર ધનુષ લઈને શિકારીની પત્નીનું રૂપ ધારણ કરેલ પાર્વતીની સાથે ત્યાં જઈ પહોંચ્યા. તે જ સમયે એક જંગલી સુવર અર્જુન તરફ દોડી આવ્યું. અર્જુને તાત્કાલિક ગાંડીવથી તેની તરફ નિશાન સાધ્યું. બીજી તરફ શિકારીના વેશમાં ભગવાન શિવે પણ પોતાના પિનાક ધનુષ્યથી તીર સાધ્યું. અર્જુને હસતાં હસતાં શિકારીને પૂછ્યું, ‘તમે કોણ છો? તમારી પત્નીને સાથે લઈને આ વનમાં કેમ ફરી રહ્યા છો? તમે મારા દ્વારા માર્યા ગયેલા સુવર ઉપર તીર કેમ ચલાવ્યું?’

શિકારીએ ઉત્તર આપ્યો, ‘અમે લોકો આ વનમાં જ નિવાસ કરીએ છીએ. તમે તો વનવાસી નથી દેખાતા. સુવર તો મારા જ તીરનું શિકાર બન્યું છે.’

આ વાતને લઈને વિવાદ ઊભો થયો અને તરત જ બંને વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. અર્જુન શિકારીની વીરતાની સામે ટકી શક્યા નહીં. શિકારીએ તેમનું ધનુષ્ય છીનવી લઈને અર્જુનને પોતાના હાથમાં જકડી લીધા. અર્જુન સહાયતા માટે ભગવાન શિવને પોકારવા લાગ્યા. અચાનક જ તેમને જ્ઞાન થયું કે સ્વયં મહાદેવે જ એક શિકારીનો વેશ ધારણ કરી રાખ્યો છે. તેઓએ હાથ જોડીને ભગવાન શિવને પ્રણામ કર્યા.

મહાદેવ બોલ્યા, ‘હું તમારી તપસ્યા અને વીરતાથી સંતુષ્ટ છું. હું તમને પાશુપત નામનું એક અમોઘ અસ્ત્ર આપી રહ્યો છું. તેમાંથી એક સાથે ઝેરીલા સર્પો સમાન હજારો તીર, ભાલાઓ અને ગદાઓ નીકળે છે. તમને સત્વર અન્ય શસ્ત્રોની પ્રાપ્તિ પણ થશે.’

ત્યારબાદ શિવ અને પાર્વતી પોતાના સાચા સ્વરૂપમાં અર્જુન સમક્ષ પ્રગટ થયાં. અર્જુને ધન્યતા અનુભવી. મહાદેવ બોલ્યા, ‘હવે ઇન્દ્ર પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો.’ આટલું કહીને શિવ તથા પાર્વતી ત્યાંથી અંતર્ધાન થઈ ગયાં.

(ક્રમશઃ)

Total Views: 3

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.