એક હતો રાજા. તે પોતાના દેશમાં આવતા સંન્યાસીને એક પ્રશ્ન પૂછતો: ‘સંન્યસ્તાશ્રમ મોટો કે ગૃહસ્થાશ્રમ?’
ઘણા સાધુઓએ રાજાના પ્રશ્નોનું સમાધાન કરવા પ્રયાસ કર્યો પણ રાજાના મનનું સમાધાન થયું નહિ.
કોઈ કહે: ‘સંન્યસ્તાશ્રમ મોટો.’ રાજા કહે: ‘એની સાબિતી શી છે?’
એ સાબિતી ન આપી શકે એટલે રાજા એને પરણાવીને ગૃહસ્થજીવન ગાળવાની આજ્ઞા કરતો.
જે લોકોએ ગૃહસ્થાશ્રમ મોટે છે એવો મત આપ્યો, પણ તેઓ એની સાબિતી ન આપી શક્યા, તેઓને પણ રાજાએ પરણાવી દીધા; અને સાચો ગૃહસ્થાશ્રમ કોનું નામ, એનો અનુભવ કરવા કહ્યું.
આખરે એક યુવાન સંન્યાસી આવ્યો. રાજાએ તેને પણ એ જ સવાલ પૂછ્યો: ‘સંન્યસ્તાશ્રમ મોટો કે ગૃહસ્થાશ્રમ?’
સંન્યાસીએ જવાબ આપ્યો: ‘રાજાજી, પોતાની રીતે બંને સરખા મહાન છે.’
રાજા કહે: ‘મને સાબિત કરી આપો.’
સંન્યાસીએ જવાબ વાળ્યો: ‘હું તમને સાબિત કરી આપીશ. પણ એ માટે તમારે મારી સાથે થોડા દિવસ આવવું પડશે, અને હું રહું છું તેમ રહેવું પડશે. હું કરું તે કરવું પડશે. બોલો, એમ કરવા તમે તૈયાર છો? તો હું અવશ્ય તમને સાબિત કરી આપીશ.’
રાજાએ કબુલ કર્યું અને પોતાના રાજ્યની બહાર સંન્યાસીની સાથે તે ચાલી નીકળ્યો.
બંને ચાલતાં ચાલતાં એક મોટા રાજ્યમાં આવી પહોંચ્યા. ત્યાં રાજધાનીમાં મોટો ઉત્સવ થઈ રહ્યો હતો. રાજા અને સંન્યાસીએ નોબત તથા ઢોલ શરણાઈના સૂર સાંભળ્યા. લોકો સારાં સારાં કપડાં પહેરી શેરીઓમાં ભેગા થયા હતા અને એક મોટું જાહેરનામું વંચાઈ રહ્યું હતું.
શું બની રહ્યું છે તે જોવા માટે રાજા અને સંન્યાસી ત્યાં ઊભા રહ્યા.
ઢંઢેરો પીટનાર જોરશોરથી જાહેર કરી રહ્યો હતો: ‘જે કોઈને રાજકુમારી વરમાળા પહેરાવશે તેને કુંવરી તથા રાજ્ય બંને મળશે.’
એ રાજકુમારી દેશ આખામાં સૌથી વધુ સ્વરૂપવતી હતી. એના પિતાને તેના સિવાય બીજું એકેય સંતાન ન હતું. તેથી એને પરણનાર, રાજકુમારી ઉપરાંત એના પિતાના રાજ્યનો રાજા થવાનો હતો. પરંતુ હજી સુધી રાજકુમારીને કોઈ યોગ્ય પતિ મળ્યો ન હતો. અનેક વાર આવો સ્વયંવર કરવામાં આવ્યો હતો, પણ રાજકુમારીને મનગમતો પુરુષ મળ્યો ન હતો.
આ વખતનો સ્વયંવર ભારે ભપકાદાર હતો. પહેલાંના કરતાં ઘણા વધારે લોકો બનીઠનીને રાજકુમારીને વરવા એકઠાં થયાં હતાં.
રિવાજ પ્રમાણે રાજકુમારી સભામંડપમાં આવી. મંડપમાં એક પછી એક રાજકુમારને જોતી તે પસાર થઈ ગઈ, પણ કોઈ તેને પસંદ ન પડ્યો. પ્રથમની માફક આ સ્વયંવર પણ નકામો જશે એમ સૌને લાગ્યું. રાજકુમારીના માતાપિતા પણ નિરાશ થઈ ગયા.
સભામંડપની બહાર નીકળીને રાજકુમારીએ ત્યાં ઊભેલા લોકોના સમૂહની તરફ એક નજર ફેંકી.
સામાન્ય લોકોના ટોળામાં સૂર્ય સમાન તેજસ્વી એક યુવાન સંન્યાસી ઊભો હતો.
રાજકુમારીએ એ યુવાન સંન્યાસીને જોયો કે તરત તે દોડી અને તેના ગળામાં વરમાળા પહેરાવી દીધી.
યુવાન સંન્યાસીએ ગળામાંથી વરમાળા કાઢીને ફેંકી દેતાં કહ્યું: ‘આ શી મૂર્ખામી! હું તો સંન્યાસી છું. મારે લગ્ન સાથે લેવાદેવા નથી.’
આ શબ્દો રાજકુમારીના પિતાને કાને પડ્યા, એટલે તે દોડીને પાસે આવ્યો. એને લાગ્યું કે આ ગરીબ સાધુ રાજકુમારીને પરણતાં અચકાય છે. તેણે કહ્યું: ‘મહારાજ, આ મારી કુંવરી સાથે આપને મારું અર્ધું રાજપાટ મળશે અને મારા મૃત્યુ પછી આખું રાજ તમને મળશે.’ આમ કહીને કુંવરીના પિતાએ વરમાળા ઉપાડીને ફરી સંન્યાસીના ગળામાં પહેરાવી.
એ યુવાન સંન્યાસી પહેલાંની પેઠે જ બોલી ઊઠ્યો: ‘રાજા, હું સંન્યાસી છું. લગ્નને અને મારે શું લાગેવળગે?’
આમ કહીને યુવાન સંન્યાસી ઉતાવળે પગલે ત્યાંથી ચાલી નીકળ્યો.
હવે રાજકુમારી તો પોતાના મનથી યુવાન સંન્યાસીને વરી ચૂકી હતી. એણે કહ્યું: ‘જો પરણું તો એમને જ પરણું, નહિતર પ્રાણ તજું.’ એમ કહીને તે પણ એની પાછળ ચાલી.
હવે આ ક્ષણે રાજાને પોતાની સાથે લઈ આવનાર સંન્યાસીએ રાજાને કહ્યું, ‘ચાલો, આપણે પણ સારા એવાઅંતરે પાછળ પાછળ જઈએ.’ એમનાથી સારા એવાઅંતરે પાછળ રહીને આ રાજા અને સંન્યાસી એમની પાછળ ચાલવા લાગ્યા.
રાજકુમારીને પરણવાનો ઇન્કાર કરનાર યુવાન સાધુ ઘણે દૂર સુધી ઉતાવળે ચાલીને અંતે એક જંગલમાં પ્રવેશ્યો. રાજકુમારી પણ તેની પાછળ હતી. પેલો રાજા અને આપણો સંન્યાસી પણ એમની પાછળ પાછળ જતા હતા. યુવાન સાધુ આ જંગલના ભોમિયા હતા. આ જંગલના એક અજાણ માર્ગેથી ઝડપથી પસાર થઈ, થોડીવારમાં તો અદૃશ્ય થઈ ગયા. રાજકુમારી તેને શોધી શકી નહિ. ઘણા લાંબા સમયની શોધ પછી રાજકુમારી થાકીને એક ઝાડ નીચે બેસી ગઈ અને રડવા લાગી. કારણ કે આ વનનો માર્ગ એને માટે સાવ અજાણ્યો હતો.
આગળ કેવો તમાશો થાય છે તે જોવા પાછળ પાછળ આવતા રાજા અને સંન્યાસીએ રાજકુમારીનું રુદન સાંભળ્યું એટલે તેમને દયા આવી અને બંને તેની પાસે આવ્યા.
એ લોકોએ કહ્યું: ‘રડો નહિ. આ વનમાંથી બહાર નીકળવાનો રસ્તો તમને અત્યારે જડશે નહિ. વળી અંધારું થવા આવ્યું છે, માટે આ ઝાડ તળે આરામ કરો. સવારે તમને અમે માર્ગ બતાવશું.’
રાજકુમારી શાંત બની અને પાછળ આવતા રાજા અને સંન્યાસીના કહેવા પ્રમાણે એક મોટા વૃક્ષ નીચે જઈને બેઠી. રાજા અને સંન્યાસીએ પણ એ વૃક્ષ તળે એક બાજુ મુકામ કર્યો.
હવે બન્યું એવું કે, એ વૃક્ષ ઉપર માળામાં એક પક્ષીનું જોડું રહેતું હતું. તેમને ત્રણ બચ્ચાં હતાં. માણસોનો અવાજ સાંભળીને પક્ષીએ નીચે જોયું, તો ઝાડ નીચે ત્રણ જણ બેઠાં હતાં.
એ પરગજુ પંખીએ પોતાના માદાને કહ્યું: ‘આપણે આંગણે મહેમાન આવ્યાં છે. શિયાળાની ઠંડીમાં તેઓ થરથરતાં બેઠાં છે. આપણે શું કરવું? આપણી પાસે દેવતા તો નથી!’
આમ કહને એ નરપક્ષી ઉપલી ડાળે ચડ્યો અને તેણે ચોમેર નજર કરી. જોયું તો દૂર જંગલમાં દવ લાગેલો હતો. એ ઊપડ્યો અને તેમાંથી એક સળગતી કરાંઠી ચાંચમાં ઉપાડી લાવ્યો. નીચે પાંદડાનો ઢગલો પડ્યો હતો એના પર તે નાખી. તરત જ તાપણું થયું, સંન્યાસી અને રાજા આજુબાજથી કરાંઠીઓ વગરે ભેગું કરીને તાપણામાં નાખ્યું. એ રીતે એ લોકોની ઠંડી તો ઊડી.
પણ પેલા પક્ષીથી રહેવાતું ન હતું. એણે ફરી પોતાની માદાને પૂછ્યું: ‘હવે આપણે શું કરીશું? આ લોકો ભૂખ્યાં છે. આપણી પાસે કશું જ ખાવાનું નથી. આપણે ગૃહસ્થી છીએ. ઘેર આવેલાંને જમાડવાનો આપણો ધર્મ છે. બીજું તો કંઈ નથી, એટલે હું મારી જાતે જ આગમાં પડી એમની ભૂખ ભાંગું.’
આમ કહી તેણે બળતા તાપણામાં પડતું મૂક્યું. રાજાએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ એટલામાં તો એ બળીને ભડથું થઈ ગયો.
હવે, પક્ષીની માદાએ વિચાર કર્યો: ‘ત્રણ મહેમાનોને એક પક્ષીથી કેમ પૂરું
થશે? મારા પંખીરાજની જેમ મારે પણ મહેમાનનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ. મારા શરીરથી જ તેમની ભૂખ ભાંગું.’
આમ વિચાર કરી તે પણ બળતામાં પડી. તેને પણ કોઈ બચાવી ન શક્યું.
હવે, પેલાં નાનાં બચ્ચાઓએ જોયું કે, ‘મહેમાનો માટે બે પક્ષીઓનો ખોરાક પૂરતો નથી. આપણાં માબાપનું અધૂરું કામ આપણે પૂરું કરવું જોઈએ. આપણાં શરીર પણ ભલે મહેમાનોના ખપમાં આવે.’
આમ વિચાર કરી ત્રણે બચ્ચાં તાપણામાં પડ્યાં અને સળગી મર્યાં.
પક્ષીઓના આ અદ્ભુત સમર્પણથી ચકિત બનેલા રાજા, રાજકુંવરી કે સંન્યાસી કોઈ એ પક્ષીઓને ખાઈ શક્યું નહિ. તેમણે ભૂખ્યાં રાત પસાર કરી.
સવારે સંન્યાસીએ રાજકુમારીને તેના નગરનો માર્ગ બતાવ્યો. રાજકુમારી સંન્યાસીનો પ્રભાવ જોઈને જ પાછી ફરી અને પોતાના નગર તરફ ચાલી ગઈ.
સંન્યાસી રાજાની સાથે તેની રાજધાનીમાં આવ્યો.
પછી સંન્યાસીએ રાજાને કહ્યું: ‘રાજાજી, તમે જોઈ શક્યા કે દરેક જણ પોતાના સ્થાને મહાન છે. જો તમારે ગૃહસ્થાશ્રમમાં રહેવું હોય તો પેલાં પક્ષીઓની માફક રહો. કોઈ પણ પ્રસંગે બીજાને માટે પોતાની જાતનો અને સર્વસ્વનો ભોગ આપવા તૈયાર રહો.
તમારે જો સંન્યાસીનું ત્યાગી જીવન ગાળવું હોય તો પેલા સંન્યાસી માફક સર્વસ્વનો ત્યાગ કરવા તત્પર રહો. જેને મન સુંદર સ્ત્રી, રાજપાટ, ધનદોલત, વિલાસ વૈભવ કોઈ વિસાતમાં નથી, તે જ સંન્યાસી થઈ શકે. ગૃહસ્થનું જીવન પણ ભોગને અર્થે નથી, સેવા અને બલિદાનને માટે છે.
ગૃહસ્થી કે સંન્યાસી, બંને પોતપોતાને સ્થાને મહાન છે. પણ એકનો ધર્મ તે બીજાનો નથી.’
Your Content Goes Here




