(‘ટ્રિબ્યુન મીડિયા સર્વિસીઝ, આઈ એન સી, અને ધ સ્ટાર્સ સ્ટાફ’માંથી ઈશ્વર વિષેની વૈશ્વિક સંકલ્પનાની આ રસપ્રદ પ્રશ્નોત્તરી સર્વધર્મ સમભાવને વરેલા ભાવિકજનોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ – સં.)
મારા એક મિત્ર ‘આપણે બધા ધર્મોમાંથી સારું સારું લઈને તે બધાંનું સંયોજન એક ધર્મમાં કરવું જોઈએ’ એમ માનનારા વર્ગના છે. મને એ વિચાર બહુ સારો લાગે છે. તમે શું માનો છો? એચ. સી.
ધ રેવરેન્ડ બિલ્લી ગ્રેહામ
જો દરેક ધર્મ (ખ્રિસ્તી ધર્મ સહિત) માત્ર માનવતાપૂર્ણ વિચારો અને ઈશ્વર વિષેનાં અનુમાનો જ ધ૨ાવતો હોય – તો હા, તેમાંથી ખરાબ વિચારોને હાંકી કાઢવા અને સારા વિચારોનું સંયોજન કરવાનો કોઈક અર્થ છે – હા, પણ એક પ્રશ્ન છે કે એ વિચારો સાચા છે એ તમે કેમ જાણી શકો?
પણ, અન્ય ધર્મો અને ખ્રિસ્તીધર્મ વચ્ચે એક નિર્ણયાત્મક ઉલ્લેખ તફાવત છે. તે તમારે ધ્યાનમાં રાખવો જોઈએ. તફાવત એ છે કે ખ્રિસ્તીધર્મ દૃઢતાથી પ્રતિપાદન કરે છે કે આપણે ભગવાનને શોધવા માટે કે ભગવાન કેવો છે, તેના વિષે અનુમાનો કરવાની જરૂર નથી; કેમ કે ભગવાને પોતાની જાતને આપણી સમક્ષ પ્રકટ કરી છે. જો આ સાચું હોય (અને મને ખાતરી છે કે એ સાચું છે) તો એ જ ફેરફાર છે. તો પછી ભગવાને પોતાની જાત વિષે જે પ્રકટ કર્યું છે, તે શીખી લેવાનું આપણું ધ્યેય હોવું જોઈએ અને પછી આપણે આપણી જાતને તે સત્ય સાથે પ્રતિબદ્ધ કરવી જોઈએ.
શું ભગવાને એની જાતને આપણી સમક્ષ પ્રકટ કરી છે? બાઈબલની શરૂઆતથી માંડીને અંત સુધી એક જ ગુંજન કરતો જવાબ મળી આવે છે ‘હા’ તેણે આ કામ વિવિધ રીતે કર્યું છે. આપણી કલ્પના પણ અવરોધાઈ જાય એવી શ્રેષ્ઠ રીતે એ કામગીરી કરી છે. તેણે (-ભગવાને) ઈસુ ખ્રિસ્તનો દેહ ધરીને માનવ-સ્વરૂપ ધારણ કરી લીધું છે. બાઈબલ કહે છે, ‘ભગવાનને કદી કોઈએ જોયો નથી, પણ તેનો એકમાત્ર પુત્ર ભગવાન છે, એ પોતાના પિતાની સાથે છે અને તેણે જ તેનો પરિચય કરાવ્યો છે. (જોહન ૧:૧૮)
ભગવાન કેવો છે તે તમારે જાણવું છે? બાઈબલનાં પૃષ્ઠોમાં જે રીતે ખ્રિસ્ત પ્રકટ થયા છે તેને જોઈ લો; કારણ કે તે અદેશ્ય ભગવાનનું મૂર્ત સ્વરૂપ છે.’ (કોલોસિયન્સ ૧:૧૫) અને ભગવાન કેવો છે તે બતાવવા માટે જ નહીં, પણ આપણને આપણાં પાપોમાંથી ઉગારી લેવા માટે અને ભગવાન સાથે આપણું બંધુત્વ પ્રસ્થાપિત થાય એ માટે તેનું આગમન થયું. આજે ખ્રિસ્ત તરફ વળો, કેમ કે તે જ એકમાત્ર ‘માર્ગ છે, સત્ય છે અને જીવન છે.’
(જોહન ૧૪:૬)
સૈયદ ઈ. હસન, પીએચ.ડી, ઈસ્લામિક રીસર્ચ ફાઉન્ડેશન
તમારા મિત્રે જે વિચાર સૂચવ્યો છે, તેનો અમલ ક૨વાની કોઈ જરૂર હોય એમ મને લાગતું નથી; કેમ કે એ વિચારને વાસ્તવિક્તામાં પલટી નાખ્યું છે – હું ઈસ્લામધર્મનો ઉલ્લેખ કરી રહ્યો છું.
ઈસ્લામ ખુદાના સંદેશવાહકો દ્વારા માનવોને મોકલવામાં આવેલા દિવ્ય પયગામોની પરાકાષ્ઠાનો પ્રતિનિધિ છે. આ સંદેશવાહકોમાં નોહ, અબ્રહામ, મોઝીઝ, ઈસુ, અને મહંમદનો સમાવેશ થાય છે (એ બધાને શાન્તિ મળો.) મહંમદ પયગંબર (તેમને શાન્તિ મળો)ને ઉદ્દેશીને ખુદાએ કુરાનમાં કહ્યું છેઃ ‘આજે મેં તમારા માટે તમારા ધર્મને પૂર્ણતા બક્ષી છે અને તમારા પર કરેલી રહેમને પણ પૂર્ણ કરી છે અને તમારા માટે ઈસ્લામને ધર્મ તરીકે પસંદ કર્યો છે. (૫:૩)
કુરાન એ બધા દિવ્ય સંદેશાઓનો પ્રતિનિધિ સંગ્રહ છે. પ્રાચીન સંદેશાઓ ૫૦૦૦ થી ૧૦,૦૦૦ વરસ પહેલાં પ્રકટ થયા હતા. એ વખતે દુનિયા નાની હતી અને લગભગ ૫૦ લાખની વસતી હતી. આપણા યુગની છઠ્ઠી શતાબ્દીમાં છેલ્લો સંદેશો આવ્યો. ત્યારે જગતની વસતી ૨ અબજની થઈ ગઈ હતી. પ્રાચીન સંદેશાઓમાં લોકોના એક નાનકડા સમૂદાય સાથે સંબંધ ધરાવતા સાદા જીવનના મૂળભૂત સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા હતા.
ગમે તેમ પણ કેટલાંક હજાર વરસો વીતી ગયાં પછી, માનવસંસ્કૃતિની ઉત્ક્રાંતિ એવા તબક્કે પહોંચી હતી, જ્યારે વધારે વિસ્તૃત કાનૂનો અને વિગતવાર માર્ગરેખાઓની જરૂર પડે એમ હતી. આ રીતે કુરાનમાં અને હદીથમાં માનવજીવનના દરેક પાસા સાથે સંબંધ ધરાવતા નિયમો અને કાનૂનો આપણે મળી આવે છે. અહીં વ્યક્તિગત આરોગ્યને લાગુ પડતી ખાસ માર્ગદર્શક રીતભાતોથી માંડીને લગ્ન, છૂટાછેડા, વારસાહક્ક, મિલકત ધરાવવાની બાબતો, માબાપ થવાની બાબતો, ખોરાકને લગતી જરૂરિયાતો, ધંધાઉદ્યોગને લગતા વ્યવહારો અને અન્ય બધી બાબતો વિષે નીતિનિયમો આપવામાં આવ્યા છે.
અહીં આપણને પશુઓ તથા વૃક્ષો સાથે પણ માયાળુ વર્તન દાખવવાનું કહેવામાં આવ્યું છે. અને સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે આપણે ધરતીનો દુરુપયોગ ન કરવો જોઈએ અને તેની આંતરિક સંપત્તિને વેડફી ન નાખવી જોઈએ.
આપણે તો હમણાં હમણાં જ પર્યાવરણની રક્ષા અને જાળવણી ક૨વાની જરૂરિયાત વિષે જાગૃત થયા છીએ. ઈસ્લામે પોતાના અનુયાયીઓને આ વાત ૧૪૫૦ વર્ષ પહેલાં કરી હતી.
કહેવાનો મુદ્દો એ છે કે ઈસ્લામના કાનૂનો એક નિશ્ચિત સમાજના અમુક ભૌગોલિક વિસ્તારના, અમુક સમયગાળાના લોકો માટે જ ન હતા. હકીકત તો એ છે કે એ કાનૂનો સમગ્ર માનવજ્ઞતિ માટે છે અને દેશકાળની મર્યાદાઓને ઓળંગી જાય તેવા છે.
અરવિંદ ખેતિયા, હિન્દુ, ઈજનેર
સ્વામી વિવેકાનંદના ‘વૈશ્વિક ધર્મનો આદર્શ’ નામક પ્રવચન પર તેમનો પ્રત્યુત્તર આધારિત છે. આ પ્રવચન પાસાડેના કેલિફોર્નિયામાં સને ૧૯૦૦માં આપવામાં આવ્યું હતું.
ધર્મના નામે લોકો પ્રેમની વાતો કરે છે, પણ તેમનું વર્તન તો ધિક્કારનું હોય છે; તેઓ વાતો કરે છે શાન્તિની પણ યુદ્ધો લડ્યા કરે છે; તેઓ વાતો કરે છે સારવાર કરવાની પણ જીવનના દરરોજના વ્યવહારમાં આયોજન કરે છે લોકોને મારી નાખવાનાં. આ બધાનું કારણ રાજકારણ અને અથવા ધર્માંધતાને નામે જાણીતો માનસિક રોગ છે. આ કમનસીબ વાસ્તવિક સ્થિતિ આપણને વૈશ્વિક ધર્મના કોઈક સ્વરૂપનો વિચાર કરવા પ્રેરે છે. પણ જેમ બધા મોટા ધર્મો વિવિધ સંપ્રદાયો (કે ફિરકાઓ)માં વહેંચાઈ ગયા છે, તેમ માનવસ્વભાવને લીધે ગમે તે નવા વિચારની પણ એ જ દશા થશે.
ઈશ્વરનો સાક્ષાત્કારણ એ બધા ધર્મોનું સાચું લક્ષ્ય છે. આથી બધા ધર્મોમાં ભગવાન વિષે એક વૈશ્વિક વિભાવના છે જ. આ તો એવું છે કે જો કે બધાં માણસો અલગ અલગ છે પણ તે છતાં યે માણસજાતિ વિષેની વૈશ્વિક વિભાવના અસ્તિત્વ ધરાવે છે. આપણે ખરેખર જરૂર છે વૈશ્વિક રીતે બધા ધર્મોને અપનાવી લેવાની અને વેદાન્તના ઉપદેશ પ્રમાણે તો આ બધા એક જ સત્ય તરફ લઈ જતા જુદા જુદા માર્ગો છે.
બધા ધર્મોની સ્વીકૃતિના વિચાર પાછળ રહેલી ભાવનાને વર્ષો પૂર્વે ઋગ્વેદે વ્યક્ત કરી હતી : ‘સત્ય એક છે, સંતો એને જુદાં જુદાં નામો આપે છે;
આ આદર્શનો પડઘો ભગવદ્ગીતામાં પણ સંભળાય છે. તેમાં પરમતત્ત્વના મૂર્તિમાન સ્વરૂપ ભગવાન કૃષ્ણ ઘોષણા કરે છે : ‘મોતીના હારમાં રહેલા દોરાની પેઠે હું દરેક ધર્મમાં રહેલો છું; જ્યારે જ્યારે તમને માનવજાતિને પાવિત્ર્ય બક્ષતી કોઈક અસામાન્ય પવિત્રતા અને શક્તિનાં દર્શન થાય ત્યારે જાણજો કે હું ત્યાં રહેલો છું.
જ્યારે આપણે ભગવાનની વૈશ્વિકતાના આ સત્યને ઓળખીશું ત્યારે આપણે બીજા બધા ધર્મો વચ્ચે રહેલા ઐક્યના મુદ્દાને જોઈ શકીશું. પછી ધાર્મિક સતામણી કે અસહિષ્ણુતાને માટે કોઈ સ્થાન નહીં રહે. તેને બદલે માણસ જાતિને તેના સાચા દિવ્ય સ્વરૂપને ઓળખવામાં મદદરૂપ બની રહે એ રીતે બધા ધર્મોનું બળ કેન્દ્રિત થઈ જશે.
અનુવાદક : શ્રીચંદુભાઈ ઠકરાલ
Your Content Goes Here




