‘વિવેકાનંદ રિસર્ચ સેન્ટર’નું મંગલ ઉદ્‌ઘાટન અને સમર્પણવિધિ

રામકૃષ્ણ મિશન, સ્વામી વિવેકાનંદ – પૈતૃક નિવાસ સ્થાન અને સાંસ્કૃતિક કેન્દ્ર, કોલકાતામાં ભારત સરકારના માનવ સંસાધન ખાતાના સન્માનનીય મંત્રીશ્રી અર્જુનસિંહજીના વરદ હસ્તે ૨૦મી જુલાઈના રોજ ‘વિવેકાનંદ રિસર્ચ સેન્ટર’નું મંગલ ઉદ્‌ઘાટન થયું હતું. શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગીતાનંદજી મહારાજે ‘વિવેકાનંદ રિસર્ચ સેન્ટર’ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ શુભ પ્રસંગે રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ, આસિ. સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજ, શ્રીમત્‌ સ્વામી જિતાત્માનંદજી, શ્રીમત્‌ સ્વામી આત્મપ્રિયાનંદજી અને અન્ય સંન્યાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ધો.૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ધો.૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થી – સન્માન સમારોહ ૨૭ જુલાઈ, ૨૦૦૫ના રોજ ૧૦૦૦ જેટલાં વિદ્યાર્થી ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં મિશનના રમણીય અને પવિત્ર વાતાવરણમાં યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્ટાફ એકેડેમિક કોલેજના નિયામક શ્રી ડો, ભદ્રાયુ વછરાજાનીએ ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટેનાં લેખન-વાચન અને ચિંતનનાં આયોજન વિશે માર્ગ દર્શન આપ્યું હતું. તેમજ કાર્ય કરવું, થયેલાં કાર્યની ચકાસણી અને ફરી કાર્યયોજના એ વિશે વિગતવાર ઉદાહરણો આપીને પરીક્ષાની પૂર્વ તૈયારી વિશે માર્ગદર્શન આપ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે વિદ્યાર્થીઓને વિવિધ દૃષ્ટાંતો આપીને અધ્યયન નિષ્ઠા, આત્મશ્રદ્ધામાં વૃદ્ધિ કરવાની વાત કરી હતી. તેમજ પોતાના વ્યક્તિત્વ વિકાસમાં આત્મશ્રદ્ધા દ્વારા જ વૃદ્ધિ કરી શકાય છે તેમ તેઓશ્રીએ જણાવ્યું હતું. શ્રી મનસુખભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને શ્રદ્ધા, સદાચરણ, એકાગ્રતાની વાત વિવિધ ઉદાહરણ દ્વારા રજૂ કરી હતી. ભૂતપૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ વિદ્યાર્થીઓને પ્રેરક પ્રવચન આપ્યું હતું. રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીએ સર્વનું સ્વાગત કર્યું હતું અને વિદ્યાર્થીઓને પ્રેરક વચનો કહ્યાં હતાં. કાર્યક્રમનો પ્રારંભ બહેનોનાં ભજનગીતથી થયો હતો. પારિતોષિક મેળવનાર વિદ્યાર્થીઓનાં વક્તવ્યો પણ હતાં. વક્તવ્યો પછી તેજસ્વી વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો તેમજ સ્વામી વિવેકાનંદની છબિ આપવામાં આવ્યાં હતાં. જાડેજા નરેન્દ્ર સિંહે આભારવિધિ કરી હતી. કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓને તેમજ ઉપસ્થિત શિક્ષણ – વાલીઓને પ્રસાદ આપવામાં આવ્યો હતો.

રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર

રામકૃષ્ણ મિશન — વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા જિલ્લાના શિક્ષકોની યોજાયેલ શિબિરમાં ભાવનગર યુનિ.ના ઉપકુલપતિ ડો. શ્રી નરેશવેદે સ્વામી વિવેકાનંદના કેળવણી વિષયક વિવિધ વિચારોને આવરી લઈને શિક્ષકનાં કર્તવ્ય વિશે તેમજ કાર્યનિષ્ઠા વિશે પ્રેરક પ્રવચન આપ્યું હતું. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું : ‘શિક્ષકે જ્યોતિર્ધર બનીને મૂલ્યનિષ્ઠ શિક્ષણ દ્વારા ચરિત્ર્યવાન મનુષ્યોનું ઘડતર કરવું જોઈએ. કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનું શ્રેષ્ઠ કલ્યાણ શિક્ષક દ્વારા જ શક્ય છે. એ તેને જ કરવું રહ્યું.’ અંતે પ્રશ્નોત્તરી અને પ્રતિભાવોનો રસપ્રદ કાર્યક્રમ પણ હતો.

રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા એસ.એસ.સી. અને હાયર સેકંડરી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિગ્રી પરીક્ષાઓમાં જવલંત સિદ્ધિઓ મેળવનાર પોરબંદરના ૧૧૭ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ ૩૧મી જુલાઈના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં અતિથિ વિશેષ ભાવનગર યુનિ.ના ઉપકુલપતિ ડો.શ્રી નરેશ વેદના હસ્તે પ્રમાણપત્રો, મોમેન્ટો અને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યાં હતાં. ડો. વેદે યુવાનોને સ્વામીજીના વિચારો દ્વારા શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરવા વિશે મનનીય પ્રવચન આપ્યું હતું. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વિદ્યાર્થીઓને ઉત્તેજતાં ‘ઊઠો, જાગો, અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો’ જેવા વિચારો પર પ્રવચન આપ્યું હતું. આ સમારંભમાં સ્કૂલ તથા કોલેજોના આચાર્યશ્રીઓ, પોરબંદર શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા ખાતે મૂલ્યનિષ્ઠ શિક્ષણ વિશે સેમિનાર

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ ખાતે શહેરની અંગ્રેજી માધ્યમની સ્કૂલોના આચાર્યોનો એક સેમિનાર ૨૨ જુલાઈના રોજ સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી યોજવામાં આવ્યો. ગુજરાત સરકારના મધ્યાહ્‌ન ભોજન અને શાળાઓની કચેરીના કમિશ્નર શ્રીમતી સુનયના તોમરે શૈક્ષણિક પ્રગતિની સાથો સાથ બાળકોનો સર્વાંગીણ વિકાસ, મૂલ્યનિષ્ઠ શિક્ષણ પણ સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો, રામકૃષ્ણ મિશનના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદે પોતાના પ્રવચનમાં ચારિત્ર્ય નિર્માણ, માનવ ઘડતર અને સમાજ અને રાષ્ટ્ર ઘડતરની કેળવણીની વાત કરી હતી. સેમિનારમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધ મકવાણાએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. ઉપસ્થિત વિવિધ શાળાઓના આચાર્યોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

સાંજે ૪ વાગ્યે ૨૦૦૪-૦૫ના વર્ષ દરમિયાન વડોદરા કેન્દ્રના ગુજરાત બોર્ડના પ્રથમ દશ ક્રમાંકે ઉત્તીર્ણ થનાર ૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 

શિક્ષણ કમિશ્નર શ્રીમતી સુનયના તોમરના વરદ હસ્તે વિદ્યાર્થીઓને શીલ્ડ તથા પુસ્તકો એનાયત થયાં હતાં. તેમણે વિદ્યાર્થીઓને સ્વામીજીના આદર્શોને જીવનમાં ઉતારવાનું જણાવ્યું હતું.

સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના અમર સંદેશ ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ને જીવનમાં ઉતારીને સ્વાતંત્ર્યવીરોની જેમ દેશદાઝના રંગે રંગાઈને રાષ્ટ્રદ્ધાર અને સર્વ કલ્યાણ – સર્વ સેવાના કાર્યમાં લાગી જવા સજ્જ થવા જણાવ્યું હતું.

જિલ્લા શિક્ષણ અધિકારી નૈષધ મકવાણાએ પણ આ પ્રસંગે પોતાનું મનનીય પ્રવચન આપ્યું હતું.

શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ઉપલેટા દ્વારા નવનિર્મિત શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિરનો સમર્પણવિધિ

૨૨ જૂન, બુધવારે સવારે ૮.૫૦ વાગ્યે શ્રીરામકૃષ્ણ મિશન – વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજના વરદ હસ્તે શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેવાસમિતિ ઉપલેટા દ્વારા નવનિર્મિત શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિરનો સમર્પણવિધિ સંપન્ન થયો હતો. આ પ્રાર્થના મંદિરના નિર્માણમાં ૬.૫ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. ઉપલેટાની ધર્મપ્રેમી જનતા તેમજ ઉપલેટાના અમેરિકાવાસી લોકોના દાનથી આ સ્વપ્ન સાકાર થયું છે. આ સમર્પણ સમારોહમાં રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી; લીંબડીના સેક્રેટરી સ્વામી આદિભવાનંદજી; પોરબંદર અને વડોદરાના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાનાં પ્રવચનો ભાવિકજનો સમક્ષ આપ્યાં હતાં. આ પ્રસંગે વિશેષ પૂજા, ભજન, સ્તોત્રપાઠ, હવન, ભોગ આરતી અને પ્રસાદ વિતરણના કાર્યક્રમો યોજાયા હતા.

વિવેકાનંદ વિદ્યાલય, ધાણેટીના સ્થાપનાદિનની ઉજવણી

તા. ૧૫-૮-૦૫ના રોજ વિવેકાનંદ વિદ્યાલય, ધાણેટી ખાતે ૫૮મા સ્વાતંત્ર્ય પર્વ અને વિવેકાનંદ વિદ્યાલય સ્થાપનાદિન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી થયો હતો. શ્રી શામજીભાઈ બાલાસરાનાં નિદર્શન હેઠળ વેદાંત સોસાયટી, સેક્રેમેન્ટોના અધ્યક્ષ સ્વામી પ્રપન્નાનંદજીના વરદ હસ્તે ધ્વજવંદન થયું હતું. આ પર્વે ગ્રામ જનોને વિશેષ આનંદ એ વાતનો હતો કે જેમણે આ વિદ્યાલયનું ઉદ્‌ઘાટન કરેલ તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી આજે અહીં ઉપસ્થિત હતા. સ્વામી પ્રપન્નાનંદજી, સ્વામી જ્યોતિર્ઘનાનંદજી તથા સ્વામી સર્વસ્થાનંદજી આ મંગલકારી પર્વ નિમિત્તે અત્રે ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત સરસ્વતીવંદના અભિનયથી થઈ. આચાર્યશ્રી બકુલેશભાઈ ધોળકિયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું તથા ‘વિવેકાનંદ વિદ્યાલય’ની દશ વર્ષોની પ્રગતિયાત્રા વર્ણવી હતી. વૃક્ષસંરક્ષણ પ્રહસન, ઈશ્વરસ્મરણ ગીત, ૧૫મી ઓગસ્ટ પર વક્તવ્ય, શિવસ્તુતિ, વિશ્વમાતા શ્રી શ્રીમા શારદામણિદેવી – એકાંકી, ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.દેશભક્તિગીત પ્રતિયોગિતાના પ્રથમક્રમે વિજેતા ગીતો રજૂ થયા હતા. ધો. ૧૦માં આ વર્ષમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને મામુઆરાના ઉદ્યોગપતિ શ્રી વાલાભાઈ છાંગા તરફથી સ્વામી વિવેકાનંદની મુદ્રાવાળા અંકિત રજતશિલ્ડ અપાયા હતા. જે ઉપસ્થિત સ્વામીજીઓના હસ્તે વિદ્યાર્થીઓને એનાયત કરાયાં હતાં. સ્વામી પ્રપન્નાનંદજી મહારાજે પોતાના પ્રવચનમાં સ્વામીજીના પુસ્તકોમાંથી પ્રેરણાદાયી ઉદ્ધરણો ટાંક્યાં હતાં. આ પ્રસંગે સરપંચશ્રી આલાભાઈ છાંગા, રામકૃષ્ણ સેવાસમિતિના ટ્રસ્ટીશ્રીઓ રાણાભાઈ ડાંગર, કેશવભાઈ ગોર, નારણભાઈ ડાંગરે સંન્યાસીઓનું શાલ તથા ફૂલહારથી સન્માન કર્યું હતું.

Total Views: 208

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.