શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું.
૭-૮ મે, સવારના ૮ થી સાંજના ૭ વાગ્યા સુધી શ્રીમંદિરમાં રામકૃષ્ણ મઠ, મુંબઈના સચિવ સ્વામી સર્વલોકાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ ભક્તજનો અને સંન્યાસીઓ દ્વારા શ્રીરામકૃષ્ણ કથામૃત પાઠયજ્ઞનું આયોજન સર્વપ્રથમવાર થયું હતું.
સવારે ૮ વાગ્યે કથામૃતમાંથી વાચન, ૮.૩૦ વાગ્યે ધ્યાન, ૯ વાગ્યે ભજન, ૯.૩૦ વાગ્યે સ્વામી સર્વલોકાનંદજી મહારાજનું વ્યાખ્યાન, ૧૦.૩૦ વાગ્યે વાચન, ધ્યાન, ભજન, ૧૨ વાગ્યે પ્રસાદ. ૨.૩૦ વાગ્યે વાચન, ૩ વાગ્યે ધ્યાન, ૩.૩૦ વાગ્યે ભજન, ૪ વાગ્યે વક્તવ્ય, ૫ વાગ્યે વાચન, ૫.૩૦ વાગ્યે ધ્યાન, ૬ વાગ્યે ભજન, વક્તવ્ય, સંધ્યા આરતી, રાત્રે પ્રસાદ.
૮ થી ૧૪ મે, ૨૦૧૧ સુધી ‘રામકૃષ્ણ પુરાણ’ (કથા-ગાન)નું સાંજના ૭.૩૦ થી ૯.૦૦ સુધી શ્રીમંદિર નીચેના હોલમાં નલીનભાઈ શાસ્ત્રીના પુરાણ વાચન અને જીતુભાઈ અંતાણીના ગીતસંગીત સાથે આયોજન થયું હતું.
સ્વામી સર્વલોકાનંદજી મહારાજ તથા સ્વામી ધ્રુવેશાનંદજીના વરદ્ હસ્તે દીપ પ્રાકટ્ય દ્વારા રામકૃષ્ણ પુરાણનો શુભારંભ થયો હતો.
રવિવાર તા. ૧૫ મેના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમમાં દુર્ગા સપ્તશતી હવન, પૂજા તથા સત્સંગનું આયોજન થયું છે. જેમાં રામકૃષ્ણ મઠ-મિશન, બેલુર મઠના ટ્રસ્ટી સ્વામી તત્ત્વવિદાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ સવારે ૬.૦૦ કલાકે વિશેષ પૂજા, હોમ, ૯.૦૦ કલાકે શ્રીમંદિરના પ્રવેશદ્વારમાં શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજ અને સ્વામી રાઘવેશાનંદજી મહારાજના હસ્તે શ્રી હનુમાનજી તથા શ્રી ગણેશજીની પ્રતિમા તથા નંદીજી અને કચ્છપની પ્રતિમાઓનું પ્રતિષ્ઠાપન થયું હતું. દુર્ગા સપ્તશતી હવન બાદ ઉપસ્થિત ૧૫૦૦ જેટલા ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો.
તા. ૧૫મીએ સાંજે ૭.૩૦ વાગ્યે શ્રીમંદિર નીચેના હોલમાં શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ્ હસ્તે ‘યશસ્વી વિદ્યાર્થી જીવન અને સ્વામી વિવેકાનંદ’ પુસ્તકનું વિમોચન થયું હતું. જે નાના વિદ્યાર્થીઓ માટે વિશેષ રૂપે તૈયાર થયેલ છે. પુસ્તક સસ્તાદરે પ્રાપ્ત બને તે માટે શ્રી સુરમ્યભાઈ મહેતા તથા પરિવારજનોએ આર્થિક સહાય આપેલ છે. આ પુસ્તકનું લેખનકાર્ય પ્રો. જ્યોતિબહેન થાનકીએ કર્યું છે. તે દિવસે ‘શ્રીરામકૃષ્ણદેવની દિવ્ય શક્તિ શ્રીમા સારદાદેવી’ વિષય પર સ્વામી સુહિતાનંદજી, સ્વામી સત્યરૂપાનંદજી, સ્વામી રાઘવેશાનંદજી, સ્વામી આદિભવાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી અવ્યયાત્માનંદજીએ પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં.
તા. ૧૫ થી ૧૯ મે સુધી દરરોજ સાંજે ૭.૩૦ વાગ્યે શ્રી મંદિરના નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન, રાયપુરના સચિવ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે ભગવદ્ ગીતાના અધ્યાય-૬ પર વક્તવ્યો આપ્યાં હતાં.
તા. ૧૫ થી ૨૨ મે, રામકૃષ્ણ મિશન, બેલગામના સચિવ સ્વામી રાઘવેશાનંદજી મહારાજ તથા સત્યરૂપાનંદજી મહારાજની નિશ્રામાં જપયજ્ઞનું આયોજન થયું છે.
૨૦, ૨૧ તથા ૨૨ના રોજ સાંજે ૭.૩૦ કલાકે શ્રીમંદિર નીચેના હોલમાં જાહેરસભાનું આયોજન થયું છે. જેમાં અનુક્રમે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વિશે ડો. લત્તાબહેન દેસાઈ, સ્વામી સુખાનંદજી મહારાજ, અધ્યક્ષ સ્થાનેથી સ્વામી સત્યરૂપાનંદજી મહારાજનાં વ્યાખ્યાનોનો લાભ ભાવિકોએ લીધો હતો. ૨૧મીની જાહેરસભામાં ‘શ્રીરામકૃષ્ણ અને સારદાદેવી’ વિશે સ્વામી સત્યરૂપાનંદજી મહારાજનું અધ્યક્ષીય વ્યાખ્યાન તેમજ પ્રો. જ્યોતિબહેન થાનકી અને સ્વામી સુખાનંદજી મહારાજનાં વ્યાખ્યાનો ભાવિકોએ માણ્યાં હતાં. ૨૨મીની જાહેરસભામાં ડો. નિવેદિતા બક્ષી, સ્વામી સુખાનંદજી અને સ્વામી સત્યરૂપાનંદજીના ‘ધર્મ અને શ્રીરામકૃષ્ણદેવ’ વિશેનાં વ્યાખ્યાનો ભાવિકોએ માણ્યાં હતાં.
૨૨ મેએ, શ્રીમંદિર નીચેના હોલમાં અગાઉથી નોંધાયેલા ભક્તજનો માટે એક આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં સ્વામી સુખાનંદજી, સ્વામી જ્ઞાનેશાનંદજી અને સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે ભક્તોને શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામીજીનાં જીવન-સંદેશ તેમજ ધ્યાન, એકાગ્રતા અને નામસ્મરણનો મહિમા સમજાવ્યો હતો.
રામકૃષ્ણ મિશન, લીંબડીનું અનન્ય સેવાઝરણું
ઝાલાવાડની રૂખીસૂકી ધરતીના લોકો માટે પીવાના પાણીની તંગીને દૂર કરવા અને ગ્રામ્ય લોકોને પેયજળ મળી રહે તે માટે શ્રીરામકૃષ્ણ જલધારા યોજના હેઠળ રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા અત્યાર સુધીમાં ૫૭ ગ્રામ્ય તળાવોનાં ખોદકામ થયાં છે અથવા બાંધી આપવામાં આવ્યાં છે. આ વર્ષે ઊંટડીચોકી સીમમાં ૫૮મું તળાવનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના કૃષિ વન વિભાગના મંત્રી શ્રી કિરિટસિંહ રાણા અને સ્વામી આદિભવાનંદજી મહારાજના વરદ્ હસ્તે થયું હતું. અહીં તળાવના કિનારે મેલડી માતાનું મંદિર છે અને ત્યાં હજારો ભક્તો આવે છે, એમને બારે માસ પીવાનું પાણી મળી રહે એવી યોજના છે.
Your Content Goes Here




