પ્રસંગ વિવિધા
ધાણેટી (કચ્છ) : ૨૬મી નવેમ્બર, ૨૦૧૯, મંગળવારના રોજ ધાણેટીમાં શ્રીરામકૃષ્ણ સેવાસમિતિ દ્વારા સંચાલિત વિવેકાનંદ વિદ્યાલયના નવા પ્રાર્થનાખંડનું ઉદ્ઘાટન થયું હતું.
અંજાર (કચ્છ) : ૨૮મી નવેમ્બર, ૨૦૧૯ ગુરુવારના રોજ શ્રીરામકૃષ્ણ શારદા સેવાશ્રમ, અંજારની નવી ભૂમિ પર શિલાન્યાસ-વિધિ સંપન્ન થયો. તે જ દિવસે વિશેષ પૂજા-અર્ચના પણ થયાં હતાં.
રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વૃંદાવન : ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ૨૮નવેમ્બર, ૨૦૧૯ના રોજ ૧૧ :૩૦ કલાકે સંસ્થાની હોસ્પિટલના નવનિર્મિત ‘શારદા બ્લોક’નું મંગલ ઉદ્ઘાટન ર્ક્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને ત્રિમૂર્તિને પુષ્પાંજલી અર્પણ કરીને થયો હતો. ઉત્તરપ્રદેશનાં સન્માનનીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રીયોગી આદિત્યનાથ, અન્ય પ્રધાનશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી તત્ત્વવિદાનંદજી મહારાજ ઉપસ્થિત હતા.
આ ‘શારદા બ્લોક’માં ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રાર્થનાસ્થાન, નારી શલ્યચિક્સિા વોર્ડ, બે માૅડ્યુલર આૅપરેશન થિયેટર્સ, ઈમરજન્સી વોર્ડ, મેટરનીટી વોર્ડ, લેબરરૂમ વગેરેની વ્યવસ્થા થઈ છે. પહેલે માળે ૨૨ પથારીવાળું ICU યુનિટ, પેડિયાટ્રિક વોર્ડ, દાખલ થયેલ બાળકો માટે રમતગમત ખંડ, ખાનગી કેબિન્સ, કેન્સર વોર્ડ, કેન્સર ડે-કેર યુનિટની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ભોંય તળિયે MRI, CT, DR એક્સરે, CSSD અલ્ટ્રા સાઉન્ડ, ફાર્મસી, હોસ્પિટલ સ્ટોર, કાૅન્ફરન્સ હાૅલ, મેડિકલ રેકોર્ડ ડિપાર્ટમેન્ટ, કેફેટરીયા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.
એ જ દિવસે સાંજે ૪ :૦૦ વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્વામી મુક્તિનાથાનંદજી મહારાજે ICU યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાંજે પ :૦૦ વાગ્યે ઓક્સિજન પ્લાંટના એક્સ્ટેન્શન વિભાગનું ઉદ્ઘાટન એટલાસ કોપકો ઇન્ડિયા લી. ના જનરલ મેનેજર શ્રીકોન્રાડ લેથામના વરદ હસ્તે થયું હતું. સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી, રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, સ્વામી તત્ત્વવિદાનંદજી અને અન્ય મહાનુભાવોએ સમગ્ર હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર પછી ઉપર્યુક્ત ચારેય મહાનુભાવોએ સ્વામી વિવેકાનંદ સભાખંડમાં ઉપસ્થિત શ્રોતાજનોને સંબોધ્યા હતા.
માતાના મઢ (કચ્છ) : ૧૨૫ વર્ષ પહેલાં મા આશાપુરાના મંદિરનાં દર્શને સ્વામી વિવેકાનંદ આવ્યા હતા તેની સ્મૃતિ રૂપે માતાના મઢ, જાગીર ટ્રસ્ટ, કચ્છ દ્વારા અપાયેલ ભૂમિ અને ફંડની મદદથી ‘સ્વામી વિવેકાનંદના જીવન અને ઉપદેશ’ પર આધારિત પ્રદર્શન માટેના ભવનનો શિલાન્યાસવિધિ ૨૯મી નવેમ્બર, શુક્રવારના રોજ થયો હતો.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સેરેબ્રલ પાલ્સી-ડેની ઉજવણી
શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર, રાજકોટ દ્વારા ૮મી ડિસેમ્બર, રવિવારે દિવ્યાંગ બાળકો માટે સેરેબ્રલ પાલ્સી-ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ વાર્ષિક ઉત્સવમાં ૫૦ મીટર દોડ, ફેન્સી ડ્રેસ શો, ટેલેન્ટ શો તથા ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓમાં ૨૫૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ, પૂજાબહેન પટેલ તથા ભાવનાબહેન જોષીપુરા ઉપસ્થિત હતા. કાર્યક્રમના અંતે વિજેતા બાળકોને ઇનામ તથા ભાગ લેનાર દરેક બાળકને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.
‘ભારતીય નીતિશાસ્ત્ર અને આધુનિક વ્યવસ્થાપન’ પર શિબિર
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હાૅલમાં ૧૧મી ડિસેમ્બર, બુધવારે સવારે ૯ :૦૦ થી સાંજે ૬ :૦૦ વાગ્યા સુધી યોજાયેલ Indian Ethos and Modern Management શિબિરમાં બહોળી સંખ્યામાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મેનેજમેન્ટ તજ્જ્ઞ, લેખક ડૉ. રાધાકૃષ્ણન્ પિલ્લાઈએ જણાવ્યું હતું કે મહેનત કરવાથી જ સફળતા મળે છે, બેસી રહેવાથી કંઈ મળતું નથી. સ્વામી વિવેકાનંદજીનાં કાર્યો અને વૈદિક કાળના સિદ્ધાંતોથી પ્રેરાઈને એમસીએમ-મેનેજમેન્ટ બાઈ કલેક્ટીવ વિઝડમ સંસ્થાને એક મોડલ તરીકે વિકસાવનારા સુરેશ પ્રભુએ કહ્યું હતું, વિદેશમાં લોકો છ દિવસ કામ કરીને સાતમે દિવસે ધાર્મિક બને છે. ભારતમાં લોકો કામની સાથે હંમેશાં ધર્મને સાથે રાખે છે. વિદેશમાં ગળાકાપ હરિફાઈ છે, આપણે ત્યાં સહકારનો ભાવ છે. આપણે આપણું સત્ત્વ જાળવીને જીવવું જોઈએ. VILGના સ્થાપક ડાયરેક્ટર એમ. સત્યકુમારે વિવેકાનંદજીના કર્મ-ભક્તિ-જ્ઞાન, અને રાજયોગ એ સાર્વત્રિક સફળતાનો પાયો છે એ વિશે વિશદ ચર્ચા કરી હતી. સનટેક બિઝનેસ સોલ્યુશનના ચીફ મેન્ટોરીંગ ઓફિસર અને મેમ્બર વિજય મેનને કહ્યું હતું કે આજના યુવાનોએ બાહ્ય સંસ્કૃતિના રંગે રંગાવાને બદલે ભારતીય સંસ્કૃતિ સાથે લગાવ વધારવો પડશે અને તો જ એમને સફળતા મળશે. આવડત જોવાતી નથી પણ સંનિષ્ઠા જોવાય છે, એ માટે આધ્યાત્મિક વાંચન કરતા રહો. સ્વામી વિવેકાનંદજી દ્વારા સ્થાપિત અદ્વૈત આશ્રમ, માયાવતીના અધ્યક્ષ સ્વામી શુદ્ધિદાનંદજીએ સેવકભાવે નેતૃત્વ કરવાની વાત સ્વામી વિવેકાનંદના ઉપદેશો સાથે કરી હતી. ઇન્ડિયન યૂથ આઈકોન તરીકે ઓળખાતા શરદ સાગરે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદના મેનેજમેન્ટ વિશેના વિચારોને અપનાવશો તો તમને ધારી સફળતા મળશે. માઠી દશામાંથી રસ્તો કાઢવો એ સાચંુ મેનેજમેન્ટ. ભારતીય સંસ્કૃતિને સાથે લઈને ચાલવાથી સાચો રસ્તો મળશે.
જપયજ્ઞ : ૧૭ ડિસેમ્બર, મંગળવારે સવારે પ :૦૦ વાગ્યાથી ૧૮ ડિસેમ્બર, બુધવારે સવારે ૭ :૦૦ વાગ્યા સુધી શ્રીમંદિરમાં જપયજ્ઞનું આયોજન થયું હતું.
શ્રીમા શારદાદેવીનો ૧૬૭મો પાવનકારી તિથિપૂજા-મહોત્સવ : ૧૮ ડિસેમ્બર, બુધવારના સવારે ૫ :૦૦ વાગ્યાથી બપોરના ૧૨ :૩૦ સુધી શ્રીમા શારદાદેવીની ૧૬૭મી પાવનકારી તિથિપૂજાના મહોત્સવમાં સવારે મંગળ આરતી, સ્તોત્ર પાઠ, ધ્યાન, વેદપાઠ; વિશેષ પૂજા અને સપ્તશતીપાઠ; ‘શ્રીમા શારદાદેવી’ના પુસ્તકમાંથી વાચન; અંધમહિલા વિકાસગૃહ, રાજકોટનાં બહેનો દ્વારા ભજન; હવન, પુષ્પાંજલિ-ભજન અને કીર્તનનું આયોજન થયું હતું. ભોગ-આરતી બાદ ૧૨ :૩૦ વાગ્યે પ્રસાદ વિતરણમાં ૨૦૦૦ ભાવિકજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજે શ્રીમંદિરમાં શ્રીમાનામ સંકીર્તન અને ત્યાર પછી ૭ :૩૦ કલાકે શ્રીમાના જીવનસંદેશ વિશે પ્રવચનના કાર્યક્રમનો લાભ ભાવિકજનોએ લીધો હતો.
ક્રિસમસ ઈવ : ૨૪ ડિસેમ્બર, મંગળવારે સાંજે ૭-૧૫ કલાકે શ્રીમંદિરમાં ક્રિસમસ ઈવના ઉપલક્ષ્યમાં વિશેષ પૂજા, ક્રિસમસ કેરોલ્સગાન, બાઇબલ પાઠ અને ત્યાર બાદ ‘ઈશુ ખ્રિસ્તના જીવન અને સંદેશ’ વિશે પ્રવચનોનો કાર્યક્રમ યોજાયો હતો.
નારાયણસેવા : ૨૯ ડિસેમ્બર, રવિવારે સવારે ૯ થી ૧૧ સુધી નારાયણ સેવાનો વિશેષ કાર્યક્રમ રહ્યો હતો.
નેત્રયજ્ઞ : ૧૩ ડિસેમ્બરના રોજ રામકૃષ્ણ મિશન, પાેરબંદરમાં ૧૧૨ દર્દીઓની નેત્રચિકિત્સા થઈ હતી. તેમાંથી ઓછી આવકવાળા ૩૪ દર્દીઓનાં ઓપરેશન વિનામૂલ્યે ડૉ. કે.એ.ગરેજાની આેજસ્ આઈ હોસ્પિટલમાં કરવામાં આવ્યાં હતાં.
Your Content Goes Here





