શ્રીરામકૃષ્ણ આશ્રમમાં, શ્રીમાનો ૧૫૦મો જન્મજયંતી મહોત્સવનો સમાપન સમારોહ

શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવનો સમાપન સમારોહ ૧૭-૧૮-૧૯ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ યોજાયો હતો. આ ત્રિદિવસીય સમારોહના પ્રથમ દિને યુવશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦૦ જેટલા યુવાનોની ઉપસ્થિતિમાં આ શિબિરનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચારથી થયો. પ્રાસંગિક પ્રવચનમાં સ્વામી જિતાત્માનંદજીએ સંગીતના સથવારે ૐના રટણ દ્વારા ભીતરની શક્તિઓનું જાગરણ કરવા કહેલ. ૐના રટણ સાથે ધ્યાન દ્વારા રાજર્ષિ, દેવર્ષિ કે બ્રહ્મર્ષિની કક્ષાએ ઉન્નતિ સાધી શકાય છે. રામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુરના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી અસક્તાનંદજીએ વિદ્યાર્થીઓના જીવનના હૃદયપરિવર્તનની વાત કરીને વ્યક્તિ પોતાના મૂળભૂત સ્વરૂપ ચિદાનંદ રૂપને ઓળખે એ આજના યુગની આવશ્યકતા છે. રામકૃષ્ણ મિશન, જયપુરના અધ્યક્ષ સ્વામી પૂજ્યાનંદજીએ પશુ કરતાં માનવ જીવનની શ્રેષ્ઠતા અને શ્રેયસ્કર્તાની વાત કરી હતી. નાભિમાંથી નીકળતા ૐ દ્વારા હૃદયમાં વસતા શક્તિ સ્વરૂપ શ્રીમાને પ્રગટ કરવા સૌને હાકલ કરી હતી. રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ધ્યાન એકાગ્રતા વિશે વિદ્યાર્થીઓના જિજ્ઞાસા ભર્યા પ્રશ્નોના ઉત્તર આપીને ઉચ્ચ વિચારોના સદાગ્રહી બનવાની હાકલ કરી હતી. સિકંદર અને સંન્યાસીની મુલાકાત અને તેમની વચ્ચે થયેલા સંવાદની રસપ્રદ વાત કરીને તેમણે જણાવ્યું હતું કે જે મન જીતે છે તે જગત જીતે છે. સ્વામી સર્વસ્થાનંદજીએ શ્રીમાના ઉપદેશોમાંથી વાચન કર્યું હતું.

૧૭મી સાંજે ૫.૩૦ થી ૬.૧૫ સુધી શ્રી જિતુભાઈ અંતાણી અને એમના વૃંદના માતૃભક્તિસભર ભજનો રજૂ થયાં હતાં. ત્યાર પછી ૬.૧૫ કલાકે ‘વિવિધ રૂપે શ્રીમા શારદાદેવી’ એ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિનું વિમોચન શ્રીમત્‌ સ્વામી અસક્તાનંદજી મહારાજના અને ગુજરાતી આવૃત્તિનું વિમોચન સ્વામી પૂજ્યાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું. ગુજરાતી ભાષાંતરકાર શ્રી દુષ્યંત પંડ્યા અને શ્રી મનસુખભાઈ મહેતાનું બંને સંન્યાસીઓએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. શ્રી ઉમાકાંતભાઈ પંડિતે આભારવિધિ કરી હતી. ત્યાર બાદ નિકુંજવિહારી રાસલીલા મંડળી, વૃંદાવને રજૂ કરેલ શિવ ધનુષ્યભંગ અને સીતાવિવાહની પ્રસંગકથાનું નાટ્યાત્મક દર્શન ભાવિકોના મનને હરી ગયું.

૧૮મીએ સવારે ૮.૦૦ વાગ્યે શાળા-કોલેજોનાં ૧૩૦૦ જેટલાં વિદ્યાર્થિનીઓ માટેની શિબિરનો પ્રારંભ કણસાગરા શાળાના ગીતવૃંદે શ્રીમાના ભજનો અને વૈવિધ્ય સભર લયસૂર સાથે શ્રીશંકરાચાર્યનું નિર્વાણાષ્ટકમ્‌ રજૂ કર્યાં હતાં. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વિવેકાનંદની વાણીને સ્ત્રીઓના સશક્તીકરણની આધારશિલા ગણાવી હતી. જ્યોતિબહેન થાનકીએ શ્રીમાના જીવનપ્રસંગોની આજના નારી જીવનના સંદર્ભે વિગતે મૂલવણી કરી હતી. શિક્ષણ કમિશ્નર સુનયનાબહેન તોમરે બહેનોને સ્વનિર્ભર, સ્વમાન અને કપરો પથ લઈ પોતાનું જીવનઘડતર કરવા અને સશક્ત મહિલા રૂપે બહાર આવવા અપીલ કરી હતી. અમદાવાદના પોલીસ અધિકારી શ્રી અજયકુમાર તોમરે ફ્રાંસના મહિલા જ્હોન ઓફ આર્કના શૌર્યની વાત કરીને પુરુષ સાથેની નારીસમાનતાની ભીખ ન માગવા માટેની સલાહ આપી. સ્વામી અસક્તાનંદજીએ આધ્યાત્મિક ભારતમાં શ્રીમા શારદાદેવીના પ્રદાનની વાત કરીને સ્ત્રીઓએ સાચા અર્થમાં સ્ત્રી અને માતા બનવા શીખ આપી હતી. સ્વામી પૂજ્યાનંદજીએ શ્રીમાને સર્વયુગનાં મહાનારી ગણાવ્યાં હતાં. ઈશ્વરના માતૃસ્વરૂપની વાત કરીને તેમણે કહ્યું હતું કે નારીઓ માતૃસ્વરૂપ ઈશ્વરના પ્રતિનિધિ છે. આ પ્રસંગે શ્રી ગુલાબભાઈ જાની, રજનીકાંત ભટ્ટ, મમતાબહેન રાવલ, જ્યોતિબહેન થાનકી અને સોનલબહેન શાહે પ્રાસંગિક વક્તવ્યો આપ્યાં હતાં. સિસ્ટર નિવેદિતા શાળાના બાળકોએ ‘અમઝદ પણ મારો દીકરો છે’ એ નાટક રજૂ કર્યું હતું. સ્વામી જિતાત્માનંદજીએ પોતાના પ્રવચનમાં આજની નારીઓ શ્રીમાના આદર્શ માતૃસ્વરૂપને નજર સમક્ષ રાખીને ચાલશે તો સમગ્ર વિશ્વ એમને જરૂર એક વખત નમવાનું છે.

૧૮મી સાંજે ૫.૩૦ થી ૬.૧૫ સુધી હિરાણી કોલેજનાં ભાઈબહેનોએ શાસ્ત્રીય ભજનસંગીતનો ભાવમય કાર્યક્રમ સૌએ માણ્યો હતો. નિકુંજવિહારી રાસલીલા મંડળી, વૃંદાવન દ્વારા શ્રીકૃષ્ણરાધાનો મયૂરપંખ નૃત્ય અને ભક્ત પ્રહ્‌લાદનું નાટક ભાવિકોએ મન ભરીને માણ્યું હતું.

૧૯મીની ભક્તજનોની શિબિરનો પ્રારંભ ‘પ્રકૃતિ પરમામ્‌’થી થયો હતો. સ્વામી જિતાત્માનંદજીએ શ્રીમાના જીવનપ્રસંગો વર્ણવીને માતૃભાવ દ્વારા શાંતિ સ્થાપવાની વાત કરી હતી. સ્વામી અસક્તાનંદજીએ શ્રીમાએ રામકૃષ્ણદેવે સોંપેલી આધ્યાત્મિક સંચાલનની જવાબદારી કેવી રીતે નીભાવી તેની વાત કરી. સ્વામી પૂજ્યાનંદજીએ શ્રીમાના જીવનસંદેશને ટાંકીને ઘરેલુકામ કરતાં કરતાં પણ ઈશ્વરમય કેવી રીતે રહેવાય અને સંન્યાસીઓને, સંસારીઓને માર્ગ કેવી રીતે બતાવાય તેની વાત કરી. પુષ્પાબહેન મહેતા અને મમતાબહેન રાવલે પોતાનાં વક્તવ્યો રજૂ કર્યાં. કાર્યક્રમના અંતે શારદાદેવીના જીવન-સંદેશ અંગેની ફિલ્મ ભક્તોએ નિહાળી હતી.

સાંજે ૫.૩૦ વાગ્યે રવીન્દ્રનાથનો બાંસુરીવાદનનો કાર્યક્રમ ભાવિકજનોએ રસપૂર્વક માણ્યો હતો. ૬.૩૦ વાગ્યે નિકુંજવિહારી રાસલીલા મંડળી, વૃંદાવન દ્વારા ભક્ત સુદામાનું નાટક અને કૃષ્ણગોપીઓની વ્રજની હોળીનો પ્રસંગ ભાવિકોએ માણ્યા હતા.

રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા યોજાયેલ કાર્યક્રમો

શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા શ્રીમા શારદાદેવીનો ૧૫૦મો જન્મજયંતી મહોત્સવનો ત્રીજો તબક્કો શાનદાર રીતે ઉજવાયો. આ ઉત્સવના ભાગ રૂપે તા. ૧૮-૧૯-૨૦ નવેમ્બર,’૦૪ના રોજ અનુક્રમે શ્રીમા શારદાદેવી સંસ્કાર ધામ, તુંબડા; શ્રીરામકૃષ્ણ સંસ્કારધામ, ભારવાડા અને શ્રીરામકૃષ્ણ સંસ્કારધામ, વડાળા ખાતે સરઘસાકારે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કારધામ ખાતે ગામના અગ્રણીઓ અને ગ્રામજન સમૂહની એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ડો. રજનીબહેન ગોહેલ, ગુરુકુળ મહિલા કોલેજના ઉપાચાર્ય શ્રી જ્યોતિબહેન થાનકી અને પોરબંદર આશ્રમના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ શ્રીમા શારદાદેવીના જીવનસંદેશ વિશે પ્રવચનો આપ્યાં હતાં.

આશ્રમના પ્રાંગણમાં ૨૧ નવેમ્બરના રોજ આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી તથા રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી સત્યરૂપાનંદજીએ ભાવવાહી પ્રવચનો આપ્યાં હતાં. ૨૨ નવેમ્બરના રોજ વિવિધ સ્કૂલ-કોલેજના યુવાનોની યુવશિબિરનું આયોજન થયું હતું. જેમાં પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં યુવાનોના પ્રશ્નોનું સ્વામી સત્યરૂપાનંદજીએ સચોટ માર્ગદર્શન આપ્યું હતું. 

આ ત્રણેય દિવસે સાંજે ૫.૩૦ થી ૬.૩૦ દરમિયાન ‘શ્રીમા શારદાદેવીના જીવન-સંદેશની આજના યુગમાં પ્રાસંગિકતા’ પર સ્વામી સત્યરૂપાનંદજીએ શ્રીમાના જીવનનાં વિવિધ પાસાં, ઘટનાઓ, ઉપદેશોને વણીલઈને લોકોને સરળભાષામાં પ્રવચન આપ્યું હતું. ૨૧ નવેમ્બરે શ્રીજિતુભાઈ અંતાણીએ સુમધુર અને ભાવવાહી સ્વરે શ્રીમા, શ્રીઠાકુર અને સ્વામીજીનાં ભક્તિગીતો દ્વારા લોકોને ભાવવિભોર બનાવ્યાં હતાં.

નેત્રયજ્ઞ તથા પ્રાકૃતિક ચિકિત્સા કેમ્પ

૧૮ નવેમ્બર,૨૦૦૪ના રોજ રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા બળેજ મુકામે નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન થયેલ જેમાં ૧૫૪ દર્દીઓને તપાસવામાં આવેલ અને ૧૫ દર્દીઓનાં ઓપરેશન કરવામાં આવેલ. ૧૨ ડિસેમ્બરે રાણાવાવ મુકામે નિ:શુલ્ક નેત્રયજ્ઞમાં ૨૩૦ દર્દીઓની ચકાસણી થઈ અને ૩૭ દર્દીઓનાં ઓપરેશન થયાં. ૧૩ ડિસેમ્બરે પોરબંદર મુકામે પ્રાકૃતિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સાંધાનો દુ:ખાવો, મધુપ્રમેહ, બ્લડપ્રેશર, કમરનો દુ:ખાવો, શ્વાસની તકલીફ, પેરેલિસિસ વગેરે રોગોથી પીડાતાં ૯૮ દર્દીઓને મેગ્નેટિક થેરેપી, વ્યાયામ-પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા સારવાર માટેનું નિ:શુલ્ક માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલ.

રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ગાંધીનગર

રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ગાંધીનગરમાં ૨૮ નવેમ્બરના રોજ શ્રીરામકૃષ્ણ મિશન, રાયપુરના સચિવ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજનું વર્તમાન યુગમાં શ્રીમાના જીવન અને સંદેશની પ્રાસંગિકતા’ વિશે વ્યાખ્યાન યોજાયું. આ પ્રસંગે સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે પણ પોતાનું પ્રવચન આપ્યું. સ્વાગત પ્રવચન શ્રીરજનીકાંત ભટ્ટે અને આભારવિધિ વિવેક કાપડિયાએ કરી હતી. શ્રીમા શારદાદેવીની સાર્ધશતાબ્દિ પ્રસંગે સ્વામી સત્યરૂપાનંદ અને સ્વામી નિખિલેશ્વરાનંદના રાજકોટ, પોરબંદર, લીંબડી, બરોડા, અંકલેશ્વર, સૂરત, ધરમપુર, જુનાગઢ અને ઝઘડિયામાં પ્રવચનો યોજાયાં હતાં.

Total Views: 166

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.