(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

પાપ અને પુણ્ય

પ્રશ્નઃ સારું અને ખરાબ અથવા પુણ્ય અને પાપની શું છે વ્યાખ્યા અને ઓળખ?

ઉત્તરઃ સારું-ખરાબ કે પુણ્ય-પાપનો પરિચય આપવો કઠિન છે. સામાન્ય વ્યાખ્યા આ રીતે આપી શકાય છે — ‘આપણે બીજા પાસે પોતાના માટે જે વાતની અપેક્ષા રાખીએ છીએ, એ જ આપણે બીજા પ્રત્યે કરીએ, તો એ સારપ કે પુણ્યની શ્રેણીમાં આવે છે. અને આપણે બીજા પાસે પોતાના માટે જે નથી ઇચ્છતા, એ જો આપણે બીજા સાથે કરીએ, તો એ ખરાબ કે પાપની કોટિમાં આવે છે.

પ્રશ્નઃ બધા ધર્મો અને નીતિશાસ્ત્ર પાપ-પુણ્ય વિષયક જટિલ વિચારો ધરાવે છે. શું તમે પાપ-પુણ્યની સાદી અને સરળ વ્યાખ્યા કરી શકો છો?

ઉત્તરઃ પાપ-પુણ્યની સરળ વ્યાખ્યા એક ધર્મશાસ્ત્રના શ્લોક દ્વારા કરવામાં આવી છે — ‘परोपकारः पुण्याय, पापाय परपीड़नम्’ — ‘પરોપકાર જ પુણ્ય અને પરપીડન પાપ છે.’ કેટલાક અતિવાદી લોકો પરપીડનનો એવો અર્થ કાઢે છે કે ક્યારેય કોઈને દુઃખ જ ન આપવું. એથી ઘણા લોકો શંકા કરે છે કે તો પછી ચોર, ડાકુ, હત્યારા, લંપટ, વ્યભિચારી વગેરે દુરાચારી લોકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? એમને સજા આપવી શું પરપીડન નથી? એનો જવાબ એ છે કે અન્યાયનો પ્રતિકાર અને અન્યાયીનું દમન થવું જ જોઈએ અને એ ‘પરપીડન’ નથી, ‘પરોપકાર’ છે.

ત્રણ પ્રકારનાં કર્મો માનવામાં આવે છે —

(૧) સામાન્ય કર્તવ્ય (૨) પુણ્ય-કર્મ અને (૩) પાપ-કર્મ.

વ્યક્તિ સદાય સમાજ સાથે જોડાયેલી હોય છે. એના વિચારો અને કર્મોનો પ્રભાવ સમાજ પર પણ પડે છે. તે જ્યારે પોતાના માટે તથા પરિવારના સદસ્યોના જીવનનિર્વાહ માટે ઉચિત માર્ગનો આધાર લઈને પોતાની જીવન-યાત્રા નક્કી કરે છે, ત્યારે એમનું આ કર્મ સામાન્ય કર્તવ્ય અંતર્ગત આવે છે. જો અનુચિત માર્ગનો સહારો લે, તો તે પાપ-કર્મ કરે છે અને સમાજને પણ અધોગતિ તરફ ધકેલી દે છે. જે કર્મ વ્યક્તિ અને સમાજની અવનતિ કરે છે, એ પાપ-કર્મની કોટિમાં આવે છે.

બીજી તરફ, જે કર્મોથી વ્યક્તિ અને સમાજની ઉન્નતિ થાય છે, એને પુણ્ય-કર્મ કહે છે. ભર્તૃહરિએ પોતાના ‘नीतिशतकम्‌’ (૬૪)માં આ ત્રણ પ્રકારની વ્યક્તિઓનું વર્ણન અતિ સુંદર રીતે કર્યું છે –

एते सत्पुरुषाः परार्थघटकाः स्वार्थान् परित्यज्य ये
सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये ।
तेऽमी मानुषराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये
ये तु घ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमह॥

ભર્તૃહરિ પુણ્યકર્મીને સત્પુરુષ, સામાન્ય કર્મીને સામાન્ય અને પાપકર્મીને માનવ-રાક્ષસ કહે છે. પાપકર્મીની એક અન્ય શ્રેણી પણ તેઓ બતાવે છે, જે માનવ-રાક્ષસથી પણ નિમ્ન કક્ષાની છે, જેનું નામકરણ તેઓ કરી શકતા નથી. તેઓ કહે છે — ‘એક તો સત્પુરુષ હોય છે, જે પોતાનો સ્વાર્થ ત્યાગીને બીજાના હિતમાં લાગેલા રહે છે; બીજી કોટી સામાન્ય પુરુષોની છે, જે ત્યાં સુધી જ બીજાની ભલાઈ કરે છે, જ્યાં સુધી એના પોતાના સ્વાર્થને ધક્કો નથી લાગતો; ત્રીજી કોટિમાં માનવ-રાક્ષસ આવે છે, જે પોતાના સ્વાર્થ સાધવા માટે બીજાનું ગળું દબાવવામાં પણ અચકાતો નથી; પરંતુ જે અકારણ જ બીજાના હિત પર કુઠારાઘાત કરે છે, તેને કઈ કોટિમાં રાખવા,એ હું નથી જાણતો.

પ્રશ્નઃ શું રાગ-દ્વેષ જીવનનું અભિન્ન અંગ છે? શું એનું નિરાકરણ કરી શકાય છે? જો હા, તો કઈ રીતે?

ઉત્તરઃ વ્યાવહારિક સત્ય એટલે કે દેહ-મનના સ્તર પર આ રાગ-દ્વેષ જીવનનું અભિન્ન અંગ જ કહેવાય છે. પરંતુ કેમ કે, ભારતમાં પારમાર્થિક સત્યની પ્રાપ્તિ જ આદર્શ રહ્યાં છે, એટલે સત્યાનુભૂતિની અવસ્થામાં આ રાગ-દ્વેષ જીવનમાંથી સંપૂર્ણપણે નીકળી જાય છે. સત્યની અનુભૂતિની સ્થિતિમાંથી નીકળીને વ્યવહારની સ્થિતિમાં આવીને મનુષ્ય જ્યારે સંસારમાં વ્યવહાર કરે છે, ત્યારે રાગ-દ્વેષ એના જીવનમાં ફરી દેખાય છે, પરંતુ એ રાગ-દ્વેષ જાણે પાણી પર અંકિત કરેલી રેખા જેવા હોય છે, બળેલા દોરડા સમાન હોય છે, પારસનો સ્પર્શ પામીને બનેલી સોનાની તલવાર સમાન હોય છે. પાણી પર ખેંચેલી રેખા દેખાય છે અને ક્ષણભરમાં ભૂંસાઈ પણ જાય છે. બળેલું દોરડું આકારમાં દોરડા જેવું જ લાગે છે, પણ બાંધવામાં સમર્થ નથી હોતું. તલવાર સોનાની બની ગઈ, તો પણ કાપવાનું કામ કરી શકતી નથી. જ્ઞાનીનો રાગ-દ્વેષ પણ એવો જ હોય છે.

રાગ-દ્વેષનું નિરાકરણ જ્ઞાનના અભ્યાસ અને સતત ચિંતન-મનન દ્વારા કરી શકાય છે. આ અભ્યાસ પણ યોગની અંતર્ગત જ આવે છે.

જીવનનો ઉદ્દેશ્ય

પ્રશ્નઃ શું જીવનનું કોઈ પ્રયોજન છે? જો છે, તો એ શું છે અને એની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે છે?

ઉત્તરઃ જીવનનું ચોક્કસ એક પ્રયોજન છે અને તે છે પોતાનામાં નિહિત શક્તિઓની અભિવ્યક્તિ. મનુષ્યમાં બ્રહ્મભાવ કે ઈશ્વરત્વ નિહિત છે. એનું પ્રકટીકરણ કરવું એ જીવનનું લક્ષ્ય છે. માનવ-મન જેટલું અંતર્મુખી અને એકાગ્ર થાય છે, એને જીવનના આ લક્ષ્યની એટલી જ પ્રતીતિ થાય છે.

પ્રશ્નઃ જીવનનો ઉદ્દેશ્ય શું છે?

ઉત્તરઃ જીવનનો ઉદ્દેશ્ય છે—દેહ અને મનથી ઉપર ઊઠીને આત્માને જાણી લેવો—આત્મારૂપી પરમ સત્યનો અનુભવ કરી લેવો.

સ્વામી વિવેકાનંદે આ જ વાતને આ રીતે વ્યક્ત કરી છે— ‘પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. ધ્યેય છે બાહ્ય તેમજ આંતરપ્રકૃતિ પર કાબૂ મેળવીને અંદર રહેલા આ પરમાત્મભાવને પ્રગટ કરવો. એ તમે કર્મ દ્વારા કે ઉપાસના દ્વારા કે યોગ દ્વારા કે તત્ત્વજ્ઞાન દ્વારા કરો—એક દ્વારા કે એકથી વધારે દ્વારા કે આ બધાં દ્વારા કરો—અને મુક્ત થાઓ. ધર્મનું સમગ્ર તત્ત્વ આ છે. સિદ્ધાંતો કે સાંપ્રદાયિક માન્યતાઓ કે કર્મકાંડ કે શાસ્ત્રગ્રંથો કે મંદિરો કે મૂર્તિઓ એ બધાં ગૌણ વિગતો માત્ર છે.’

પ્રશ્નઃ જેને શાસ્ત્રોએ માનવ-જીવનનું એકમાત્ર લક્ષ્ય માન્યું છે, તે ‘મોક્ષ’ શું છે? શું આ લક્ષ્યને પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાં વ્યક્તિ સ્વાર્થી નથી બની જતી? મોક્ષકામી વ્યક્તિ બીજાની સેવા ભલા કેવી રીતે અને શા માટે કરશે, જ્યારે તે જાણે છે કે એથી એનું મન વિક્ષિપ્ત થઈ જશે?

ઉત્તરઃ મોક્ષ મનની એવી સ્થિતિ છે, જ્યાં બધા દ્વંદ્વ સમાપ્ત થઈ જાય છે. તે મન પરના વિજ્યની અવસ્થા છે. મન અને દ્વંદ્વ—બંનેને એક દૃષ્ટિએ પર્યાયવાચી માની શકાય છે. દ્વંદ્વનું સમાપ્ત થવું જ મનનું પણ સમાપ્ત થવું છે. શાસ્ત્રોએ એનો ‘અમના મન’ ની સ્થિતિ તરીકે પણ ઉલ્લેખ કર્યો છે. સામાન્ય સ્થિતિમાં મન બહુ ચંચળ રહે છે, એમાં સતત સંકલ્પ અને વિકલ્પ ઊઠતા રહે છે. જે સ્થિતિમાં મનની ચંચળતા દૂર થઈ જાય, તે પણ મોક્ષનો એક ઉદ્દેશ્ય છે. એટલે કહેવાયું છે –

मन: एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः ।
बन्धाय विषयासक्तं मुक्त्यै निर्विषयं स्मृतम् ॥
(अमृतबिन्दु उपनिषद, २)

‘મન જ મનુષ્યના બંધનનું કારણ છે અને સાથે જ મોક્ષનું પણ. જ્યારે તે ચંચળ બને છે અને બહારના વિષયો તરફ દોડે છે, ત્યારે બંધનનું કારણ બને છે, પરંતુ જ્યારે તે પોતાની ચંચળતા ત્યાગીને નિર્વિષય બને છે, અર્થાત્‌ આત્માને પોતાનો વિષય બનાવે છે, ત્યારે મોક્ષનું સાધન બની જાય છે.’ તેથી એ સિદ્ધ થાય છે કે મોક્ષ એ અવસ્થા છે, જ્યાં મન કામ અને સંકલ્પથી રહિત થઈને નિર્વિકલ્પ બની જાય છે.

હવે પ્રશ્ન એ છે કે જે વ્યક્તિ આ મોક્ષરૂપી લક્ષ્યને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, તે શું સ્વાર્થી બની જાય? એક દૃષ્ટિએ એવું પ્રતીત થાય છે કે મોક્ષકામી સ્વાર્થી બની જાય છે, કેમ કે તે સતત પોતાના વિશે જ વિચારતો રહે છે — ‘હું કોઈ બંધનમાં ન બંધાઉં’, ‘હું મુક્ત થઈ જાઉં’, ‘સંસારમાંથી મારું આવાગમન ટળી જાય’, ‘હું ભગવાનનાં દર્શન પ્રાપ્ત કરી લઉં’ વગેરે.

પરંતુ એ ત્યારે બને છે, જ્યારે એનું ચિંતન સ્વયં એના પોતાના સુધી જ કેન્દ્રિત હોય છે. વાસ્તવિક ધર્મ એવા સ્વાર્થપરક ભાવનું પોષણ નથી કરતો. ધર્મ એ તો કહે છે કે મનના નિર્દ્વન્દ્વતા રૂપ મોક્ષને પ્રાપ્ત કરી લેવો એ જ જીવનનું લક્ષ્ય છે, પણ સાથે જ તે એ વાત પર ભાર આપે છે કે આ નિર્દ્વન્દ્વતા ત્યારે પ્રાપ્ત થશે, જ્યારે મન શુદ્ધ થઈ જશે.

અત્યારે આપણું મન મલિન વાસનાઓથી ભરેલું છે. એવું મન સાધના કરવામાં સમર્થ નથી હોતું. એને સાધના કરવાની પાત્રતા ત્યારે મળે છે, જ્યારે તે પોતાની શુદ્ધિ કરે છે. મનને શુદ્ધ કરવાનો સૌથી કારગત ઉપાય છે, પોતાને એવાં કાર્યોમાં પ્રવૃત્ત કરવા જેમાં આપણો કોઈ સ્વાર્થ ન હોય. આપણા દ્વારા જે કાર્ય બીજાના હિત માટે કરવામાં આવે છે, તે મનની શુદ્ધિની સૌથી શક્તિશાળી સાધના છે.

સંત એકનાથની કથામાં આવે છે કે ગંગોત્રીથી લાવેલા ગંગાજળને તેઓ શ્રીરામેશ્વરમાં શિવજીનો અભિષેક કરવા માટે લઈ જઈ રહ્યા છે, ત્યારે માર્ગમાં એક તરસ્યા મૃત:પાય ગધેડાને બધું જળ પિવડાવીને માની લે છે કે ત્યાં જ સાચી શિવપૂજા થઈ ગઈ. કલ્પના કરો, ક્યાં મહારાષ્ટ્ર અને ક્યાં ગંગોત્રી, પગપાળા ચાલીને માર્ગનાં બધાં વિઘ્ન-અડચણો સહન કરીને આટલા દૂર જવું, ત્યાર બાદ ત્યાં રામેશ્વર માટે યાત્રા કરતાં કરતાં આન્ધ્ર-પ્રદેશ સુધી નીચે ઊતરી આવવું અને રામેશ્વરની નજીક પહોંચીને બધું જળ ગધેડાના પિવડાવી દેવું! આ સેવાભાવ એકનાથે ક્યાંથી પ્રાપ્ત કર્યો? — નિઃસંદેહ ધર્મના જ્ઞાનમાંથી જ.

એટલે મોક્ષકામી વ્યક્તિ સેવાથી દૂર નથી ભાગતો. જે મનના ચંચળ થવાના ડરથી સેવાકાર્યથી ભાગે છે, એ મોક્ષના તત્ત્વને જ સમજ્યો નથી. મોક્ષકામી વ્યક્તિ સેવાને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાનું સક્ષમ સાધન માને છે. જે ધર્મનું નામ લઈને સ્વાર્થી બને છે, એને મોક્ષ મળી શકતો નથી, કેમ કે મોક્ષ અને સ્વાર્થ બંને પરસ્પર વિરોધી સ્થિતિઓ છે. એટલે જ તો સ્વામી વિવેકાનંદે પોતાના એક શિષ્યને, જે સેવાકાર્યમાં સક્રિય રીતે સહાય કરવાને બદલે પૂજા-ઉપાસનામાં વધુ રુચિ દાખવતા હતા, તેમને ધમકાવતાં ઉપદેશ આપ્યો હતો — ‘જો તું ‘મારી મુક્તિ’, ‘મારી મુક્તિ’ કહેતો રહીશ, તો તને ક્યારેય મુક્તિ મળશે નહીં. જા, બીજાની સેવા કર, એમના માટે પોતાનું જીવન હોમી દે. મસ્તિષ્કમાં પોતાના માટે કોઈ ચિંતા ન રાખ, ફક્ત બીજા માટે જીવ. જો, મોક્ષ તારા ચરણો ચૂમશે.’ તાત્પર્ય એ છે કે સ્વાર્થ નિમિત્તે કરવામાં આવેલું કર્મ—ભલે તે ધર્મ સંબંધિત કેમ ન હોય—મનની ચંચળતા વધારે છે, જ્યારે બીજાની સેવા માટે કરેલું કર્મ એને રોકે છે. અને મનનો નિરોધ જ મોક્ષનું પગથિયું છે. પરંતુ હા, સેવાનાં આ કાર્યો ભગવત્‌-સમર્પિત બુદ્ધિથી કરવાં જોઈએ, ત્યારે જ એ મોક્ષનાં સાધન બને છે.

 

Total Views: 9

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.