(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

ઈશ્વર અને સત્ય

પ્રશ્ન: ઈશ્વરના અસ્તિત્વનું અટલ પ્રમાણ શું છે?

ઉત્તર: ઈશ્વરના અસ્તિત્વનું અટલ પ્રમાણ આપણે સ્વયં છીએ. સામાન્ય રીતે આજના મનોવૈજ્ઞાનિકો કે જડવાદીઓ ‘મનુષ્ય’ને દેહ-મનની યુતિ (body-mind-complex) માને છે. પરંતુ એ સ્પષ્ટ છે કે મન પરિવર્તનશીલ છે અને સતત પ્રવાહમાન છે. તેવી જ રીતે દેહ પણ સદાય પરિવર્તિત થઈ રહ્યો છે; એટલે સુધી કે ચિકિત્સાશાસ્ત્રીઓ કહે છે કે બાર વર્ષે દેહના બધા જ કોશ બદલાઈ જાય છે. (એને જ આપણે ‘યુગ’નું નામ આપ્યું છે. કદાચ આ વાત ભારત જાણતું હતું.)

હવે પ્રશ્ન એ થાય છે કે જો દેહ અને મન સતત પરિવર્તનશીલ છે, તો એનો ‘જ્ઞાતા’ કોણ છે? સ્પષ્ટ છે કે દેહ-મનનો ‘જ્ઞાતા’ એવો હશે કે જે પરિવર્તનશીલ ન હોય અને જે એ બંનેથી ભિન્ન હોય. જેમ કે, નદીનો પ્રવાહ. જો આપણે નદીના પ્રવાહ સાથે એકરૂપ થઈ જઈએ, તો એના પરિવર્તનને જાણી શકીએ નહીં. એનાથી દૂર હટીને જ એના પ્રવાહની પરિવર્તનશીલતાને જાણી શકાય છે. એ જ રીતે, દેહ અને મનના પરિવર્તનનો અનુભવ કરનાર એવો કોઈ ત્રીજો ઘટક છે, જે આ બંનેથી ભિન્ન છે. તે સ્થિર છે અને એના જ કારણે દેહ-મનની પ્રવાહશીલતામાં સાતત્ય માલૂમ પડે છે.

જેમ કે, એક ફિલ્મ. ફિલ્મ જુદા જુદા ટુકડામાંથી બની છે. જ્યારે એ જ ઝડપથી ભાગવા લાગે છે, ત્યારે આપણે કહીએ છીએ કે જુદા જુદા ટુકડા જોરથી ભાગી રહ્યા છે. પરંતુ જ્યારે એને જ સામેના સ્થિર પડદા પર બતાવવામાં આવે છે, ત્યારે એ અલગ અલગ ટુકડાઓમાં એકસૂત્રતા જોવા મળે છે. જો પડદાને પણ ગતિ આપવામાં આવે, તો ફિલ્મમાં કોઈ પણ પ્રકારની શ્રૃંખલા જોવા મળશે નહીં.

આ ત્રીજા ઘટકને ‘આત્મા’ કહે છે. આ રીતે પ્રત્યેક પ્રાણીની અંદર આ આત્મા રહેલો છે. આ આત્મા સ્વભાવથી અપરિવર્તનશીલ તથા સ્થિર છે, એટલે એ શાશ્વત છે કારણ કે, શાશ્વત તત્ત્વ જ અસીમ હોઈ શકે છે (કેમ કે, જ્યાં પણ સીમા છે, ત્યાં જ પરિવર્તન છે), એટલા માટે આત્મા એક જ છે; બે આત્મા ન હોઈ શકે, બે અસીમ ન હોઈ શકે. આ આત્મા સર્વવ્યાપી છે અને એને જ આપણે સામાન્ય બોલચાલની ભાષામાં ‘ઈશ્વર’ કહીએ છીએ. આ ઈશ્વર જ પ્રત્યેક જીવમાં આત્માના નામથી ઓળખાય છે. આઇન્સ્ટાઈને પણ ઈશ્વરને Imitable Superior Spirit નામ આપ્યું છે.

પ્રશ્ન: ભારતીય દર્શન અને ખાસ કરીને વેદાંત કહે છે કે એકમાત્ર ઈશ્વર જ સત્ય છે અને ઇન્દ્રિયોના માધ્યમથી આપણે જે જગતને જોઈએ છીએ તે મિથ્યા છે. પહેલાં તો એ વિશ્વાસ કરવો જ કઠિન છે કે ઈશ્વરનું અસ્તિત્વ છે. તો પછી એ કેવી રીતે માની શકાય કે એકમાત્ર ઈશ્વર જ સત્ય છે? શું વેદાંતની આ ઉક્તિનો કોઈ યુક્તિસંગત વૈજ્ઞાનિક આધાર છે?

ઉત્તર: તમારી સમસ્યા વાજબી છે. જ્યાં સુધી આપણા માટે આ ઇન્દ્રિય-ગ્રાહ્ય જગત સત્ય છે, ત્યાં સુધી ઈશ્વરની પ્રતીતિ થઈ શકતી નથી. પરંતુ જીવનમાં એવા પણ પ્રસંગો આવે છે, જ્યારે આપણને જીવનની અસારતાનું ભાન થવા લાગે છે. આપણે સંસારમાં બધું પકડીને રાખવા ઇચ્છીએ છીએ, પરંતુ મુઠ્ઠીમાં બાંધેલા પાણીની જેમ બધું જ આપણી પકડમાંથી નીકળીને વહી જાય છે. આવા પ્રસંગોએ આપણને સંસારના મિથ્યાત્વનો બોધ થાય છે અને આપણું અંતઃકરણ ઈશ્વર તરફ ઝૂકે છે.

તમારી ઉંમર કેટલી છે એ ખબર નથી, પરંતુ પ્રશ્ન સાંભળીને લાગે છે કે હજુ તમારામાં યૌવનનો ઉત્સાહ ભરેલો છે. ભગવાન કરે અને આ ઉત્સાહ દીર્ઘકાળ સુધી જળવાઈ રહે. પરંતુ કાળક્રમે જ્યારે શરીર અને ઇન્દ્રિયો પર વૃદ્ધત્વ ઊતરે છે અને મન નિર્બળતાથી ઘેરાય છે, ત્યારે સંસાર પહેલાં જેવો સુંદર નથી લાગતો. જુવાનીના જોશે આપણી આંતર અને બાહ્ય આંખો પર જે પડદો પાડ્યો છે, તે વયના ભારથી ક્ષીણ બની જાય છે અને સંસારનું એક ભિન્ન, અપરિચિત રૂપ આપણી સામે પ્રગટ થાય છે. ત્યારે આપણને પ્રતીત થાય છે કે સંસાર મિથ્યા છે અને કોઈ એક એવી સત્તા છે, જે સર્વ-નિયામક શક્તિરૂપે ગાઢ રીતે જોડાયેલી છે. ત્યારે આપણને લાગે છે કે આપણે બળપૂર્વક કોઈ અદૃશ્ય શક્તિ દ્વારા નિયંત્રિત થઈ રહ્યા છીએ. આપણને ફક્ત ત્યારે જ ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ થાય છે.

તેથી આજે કોઈ પણ તર્ક તમને જગતનું મિથ્યાપણું નહીં સમજાવી શકે, અને ન તે ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ આપી શકે. કાળ જ ગુરુ છે. એ જ આપણને યથોચિત જ્ઞાન પ્રદાન કરે છે. સમય આવે ત્યારે જ તમે આ સત્યને સમજી શકશો.

રહી વાત વૈજ્ઞાનિક ભૂમિકાની, તો એના જવાબમાં કહી શકાય કે કેટલાય વૈજ્ઞાનિકોએ, જેમાં આઇન્સ્ટાઈન, જેમ્સ જિન્સ, એડિંગ્ટનનાં નામ ઉલ્લેખનીય છે, તેઓએ સ્વીકાર્યું છે કે એક અતીન્દ્રિય, પરમ બૌદ્ધિક સત્તા આ વિશ્વનું નિયમન કરી રહી છે. આઇન્સ્ટાઈનના મત અનુસાર આ સત્તાનો બોધ તર્ક કે ગણિતનાં સમીકરણોના માધ્યમથી નહીં, પરંતુ પ્રજ્ઞા (intuitional flight) દ્વારા થાય છે. તમે લિંકન બારનેટ દ્વારા લિખિત ‘The Universe and Dr. Einstein’ નામનું પુસ્તક વાંચો, ત્યારે કંઈક નવો પ્રકાશ મળશે.

પ્રશ્ન: ‘संशयात्मा विनश्यति’ — ગીતાની આ ઉક્તિ અનુસાર આજકાલના ભણેલા-ગણેલા લોકોનો આ પ્રકારના તર્ક-વિતર્કને કારણે શું નાશ જ થશે?

ઉત્તર: સંશય તો જ્ઞાનની એક આવશ્યક સીડી છે. સંશયમાંથી જ આપણે અનિવાર્યપણે પસાર થવું પડે છે. અહીંયાં ‘संशयात्मा विनश्यति’ નો ભાવ બીજો છે. આપણામાં સંશય પેદા થયો અને તર્ક દ્વારા આપણે એનું સમાધાન પણ કરી લીધું, તોપણ સંશય જતો નથી. ત્યારે એવો સંશય આપણા મનને એકાગ્ર નથી થવા દેતો. ‘विनश्यति’ નો અર્થ છે — આદર્શથી વિચ્યુતિ. સંશય જ્યાં સુધી રહે, ત્યાં સુધી ધ્યેય કે સાધ્ય પ્રત્યે દૃઢતા ઉત્પન્ન થતી નથી અને જો સાધ્ય પ્રત્યે દૃઢતા ન હોય, તો સાધનામાં પણ તીવ્રતા નથી આવતી. विनश्यति’ નો એ જ અર્થ છે.

જેમ કે, કલ્પના કરો કે હું એક નહેર પરના દોઢ ફૂટ સાંકડા પુલ પરથી પસાર થઈ રહ્યો છું અને જમીન ત્યાંથી લગભગ પચાસ ફૂટ નીચે છે. મનમાં જો સંશય હશે કે હું ચાલી શકીશ કે નહીં, તો પડવાની શક્યતા ઘણી વધી જશે. પરંતુ એક મિસ્ત્રી કે જે એ પુલનું નિર્માણ કરી રહ્યો છે, તે એ સાંકડા પુલ પર દોડી જશે. સંશય આપણા આત્મવિશ્વાસને, આપણા મનની દૃઢતાને અસ્થિર કરી નાખે છે.

પ્રશ્ન: સત્ય શું છે?

ઉત્તર: સત્યના બે પ્રકાર છે — વ્યાવહારિક અને પારમાર્થિક. દેહ અને મન વ્યાવહારિક દૃષ્ટિએ સત્ય છે, જ્યારે આત્માની સત્યતા પારમાર્થિક છે. એટલે આત્મા શાશ્વત અને સર્વવ્યાપી છે અને એટલા માટે તે પરમ સત્ય છે. એનો અર્થ એ પણ થયો કે એક સમયે બંને સત્ય ભાસતાં નથી. જ્યારે વ્યાવહારિક સત્ય ભાસે છે, ત્યારે પારમાર્થિક સત્ય સામે નથી રહેતું અને પારમાર્થિક સત્યનો અનુભવ થાય ત્યારે વ્યાવહારિક સત્ય લુપ્ત થઈ જાય છે. દોરડું અને સાપ એક સાથે નથી દેખાતાં. કાં તો સાપ, કાં તો દોરડું. ઇલેક્ટ્રોન ક્યારેક તરંગ (wave) રૂપે દેખાય છે, તો ક્યારેક કણ (particle) રૂપમાં. એક જ સમયે તે તરંગ અને કણ બંને નથી હોતા. જ્યારે તે કણ હોય ત્યારે તરંગ નહીં, જ્યારે તરંગ હોય ત્યારે કણ નથી હોતા. આ પ્રમાણે, જ્યારે દેહ-મન દેખાય છે, ત્યારે આત્માનું જ્ઞાન નથી થતું; અને જ્યારે આત્માનું જ્ઞાન થાય છે ત્યારે દેહ-મન નથી હોતાં.

પ્રશ્ન: સત્ય કઈ રીતે પ્રાપ્ત કરી શકાય છે?

ઉત્તર: સત્યને પ્રાપ્ત કરવાનો ઉપાય છે — ‘યોગ’. યોગનો શું અર્થ છે એને પણ સમજી લેવો જોઈએ. યોગનું લક્ષ્ય છે — મનનું એકાગ્ર થઈ જવું. આ લક્ષ્ય અને આ લક્ષ્યને જે ઉપાયથી પ્રાપ્ત કરવામાં આવે છે એ ઉપાય—બંનેય યોગ અંતર્ગત આવે છે. એમ તો મન પોતાની અભિરુચિના વિષયમાં અનાયાસ જ એકાગ્ર થઈ જાય છે. જેને ચિત્રકામમાં રુચિ છે, એનું મન ચિત્ર બનાવતી વખતે સંસારના વિષયોમાંથી હટીને ચિત્ર બનાવવામાં લાગી જાય છે. પરંતુ આ યોગની એકાગ્રતા નથી. શકુંતલા દુષ્યંતના ધ્યાનમાં એટલી એકાગ્ર અને તન્મય થઈ ગઈ હતી કે એને દુર્વાસા ઋષિના આગમનની ખબર જ પડી. પરંતુ આને યોગની એકાગ્રતા ન કહી શકાય. યોગની એકાગ્રતાનો અર્થ છે—મનનું સંસારના વિષયોથી હટીને પોતાનામાં કેન્દ્રિત થઈ જવું. એ જે ઉપાયથી પણ સાધવામાં આવે, એને યોગ કહે છે.

આજે આપણું મન ખૂબ ચંચળ છે, વિખેરાયેલું છે. એમાં અસીમ સંભાવનાઓ રહેલી છે, પણ વિખેરાયેલું હોવાને કારણે એમાં ભેદન-શક્તિ નથી રહી; તે પોતાની ગહનતામાં ઊતરી શકતું નથી. પરંતુ જો કોઈ ઉપાયથી વેરવિખેર મનને સમેટીને એને પોતાની જ ઉપર એકાગ્ર કરવામાં આપણે સમર્થ બની શકીએ તો આ જ મનમાં એટલી ભેદન-શક્તિ આવે છે કે તે ક્રમશઃ પોતાની ગહનતામાં ઊતરતું જાય છે, પોતાની પરતોનું છેદન કરતું જાય છે. આને જ રાજયોગની ભાષામાં ‘કુંડલિની-જાગરણ’ કે ‘ષટ્‌ચક્ર-ભેદન’ અને વેદાંતની ભાષામાં ‘પંચકોશ-ભેદન’ના નામે ઓળખવામાં આવે છે. ભેદન કરતાં કરતાં એક એવી અવસ્થા આવે છે, જ્યારે મન જાણે છલાંગ મારીને પોતાને પાર કરી જાય છે. આનો—સત્યનો સાક્ષાત્કાર, ઈશ્વર-દર્શન, અમની-મનની અવસ્થા, તુરીય, ચતુર્થ અવસ્થા વગેરે નામથી ઉલ્લેખ કરવામાં આવે છે.

આ એના જેવું, જાણે કે પ્રકાશનું સામાન્ય કિરણ. આ કિરણમાં ભેદન-શક્તિ નથી હોતી. પરંતુ જો આની frequency વધારવામાં આવે, એનાં સ્પંદનોને તીવ્ર કરી દેવામાં આવે તો એ એક્સ-રે બની જાય છે અને કેટલીય વસ્તુઓને ભેદી દે છે. સામાન્ય હવામાં કોઈ દબાણ કે શક્તિ માલૂમ પડતી નથી. પરંતુ જો એને compress કરી દે, દબાવી દે, તો આ દબાયેલી હવાથી કઠણમાં કઠણ શિલાઓ પણ કપાઈ જાય છે. હવા-દબાવક (Air-compressor) પાછળ આ જ તત્ત્વ કામ કરે છે. બરોબર એ જ રીતે, જ્યારે મનને પોતાના ઉપર જ કેન્દ્રિત કરવામાં આવે, ત્યારે એનામાં ભેદન-શક્તિ આવી જાય છે. જે ઉપાયથી એ સધાય છે, એને ‘યોગ’ કહે છે. યોગ જ સત્યની પ્રાપ્તિનું સાધન છે. યોગને પ્રવૃત્તિ-પ્રધાનતાની દૃષ્ટિએ જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગ—આ ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યો છે.

Total Views: 11

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.