(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

(ગતાંકથી આગળ)

પ્રશ્ન: જીવન શું છે? જીવનનો સત્ય સાથે શું સંબંધ છે?

ઉત્તર: મનુષ્યમાં નિહિત ‘વ્યાવહારિક સત્ય’ને ‘જીવ’ કહે છે. જે રૂપે આપણે સંસારને જોઈએ તથા અનુભવીએ છીએ, સામાન્ય ભાષામાં એને જ ‘જીવન’ કહે છે. પરંતુ સાધનાની ભાષામાં જીવન ત્યારે જ જીવન છે, જ્યારે તે ‘પારમાર્થિક સત્ય’ને પ્રાપ્ત કરવાનું સાધન બની જાય છે. સાધનાહીન, વિવેકહીન અને ધર્મહીન જીવન પશુનું જીવન છે. આ સાધના અથવા વિવેક કે ધર્મ શું છે? એ તે છે, જે આપણા વર્તમાન જીવનને એ પરમ સત્યની પ્રાપ્તિનું સાધન બનાવી દે, કેમ કે જીવન અને સત્યની વચ્ચે પરસ્પર સાધન તથા સાધ્યનો સંબંધ છે.

પ્રશ્ન: શાસ્ત્રોમાં લખેલું છે અને સાધુ-સંતો પણ કહે છે કે ‘ઈશ્વર-પ્રાપ્તિ જ માનવ-જીવનનો ઉદ્દેશ્ય છે.’ વળી કહે છે કે ‘ઈશ્વરને ઇન્દ્રિયો તથા મનથી જોઈ શકાતો નથી.’ તો શું ઈશ્વર-દર્શન એક અંધવિશ્વાસ-પૂર્ણ અર્થહીન શબ્દ નથી?

ઉત્તર: એ વાત તો તમને જરૂરથી સમજાતી હશે કે મનુષ્ય એ શરીર અને મનની યુતિ (body-mind-complex) છે, કેમ કે શરીરનો અનુભવ ઇન્દ્રિયો દ્વારા થાય છે અને મનનો વિચાર દ્વારા. વળી તમે એ પણ ચોક્કસ માનતા હશો કે જેમ મન સતત પરિવર્તનશીલ છે, તેમ જ દેહ પણ નિત્ય પરિવર્તિત થઈ રહ્યો છે. આજે ચિકિત્સકો પણ એ કહે છે કે દેહમાં જે સતત પરિવર્તનની ક્રિયા ચાલે છે, તે આપણે ભલે નરી આંખે ન જોઈ શકીએ, છતાં પણ ૧૨ વર્ષે દેહના બધા પરમાણુ બદલાઈ જાય છે. મન એક સતત વહેતો પ્રવાહ છે, એ સ્પષ્ટપણે જોવા મળે છે.

હવે, જો દેહ અને મન હર ક્ષણ પરિવર્તનશીલ હોય, તો આ પરિવર્તનનો ‘જ્ઞાતા’ દેહ અને મન ન હોઈ શકે. નદીના પ્રવાહના સતત પરિવર્તનનો જ્ઞાતા કોણ છે? પ્રવાહ સ્વયં પોતાના પરિવર્તનનો જ્ઞાતા ન હોઈ શકે. નદીના બે કિનારા જ આ પરિવર્તનના સાક્ષી અને જ્ઞાતા છે. બરોબર આ જ તર્કનું અનુકરણ કરતાં એમ કહી શકાય કે દેહ અને મનના પરિવર્તનનો અનુભવ કરનાર, દેહ અને મનથી ભિન્ન એક એવું ત્રીજું ઘટક છે, જેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી થતું અને જે દેહ-મનનો સાક્ષી છે. આ ત્રીજા ઘટકને આપણે ઈશ્વરના નામે પોકારીએ છીએ અને એ જ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. તે જ આપણને દેહ અને મનમાં થનારાં બધાં પરિવર્તનોનો અનુભવ કરાવે છે અને એ પરિવર્તનો વચ્ચે હંમેશાં એકસૂત્રતા જાળવી રાખે છે. જેમ કે, સિનેમામાં પાછળની તરફ ફિલ્મ ખૂબ ઝડપથી ભાગી રહી છે અને તેમાં એકસૂત્રતા ત્યારે જ માલૂમ પડે છે, જ્યારે સામે એક સ્થિર પડદો હોય. જો પડદાને પણ ગતિ આપવામાં આવે, તો ફિલ્મની એકસૂત્રતા નષ્ટ થઈ જશે અને એનો અર્થ આપણી સમજમાં નહીં આવે. આ જ રીતે, પરિવર્તન પામતા દેહ અને મનની પાછળ જો આ શાશ્વત સ્થિર તત્ત્વ—ઈશ્વર ન હોય, તો આ ભાગદોડ અને અતૂટ પરિવર્તન-શૃંખલાનું કોઈ તાત્પર્ય સમજાશે નહીં. એથી એ સિદ્ધ થયું કે ઈશ્વર છે અને તે જ આપણી ક્રિયાઓ તથા વિચારોને અર્થ પ્રદાન કરે છે. એને કારણે જ ક્રિયાઓ અને વિચારોમાં પૂર્વાપર-સંબંધ સિદ્ધ થાય છે.

એટલે ઈશ્વર-દર્શનનું તાત્પર્ય થયું—પોતાના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન. આ જ્ઞાન મન અને ઇન્દ્રિયોનો વિષય નથી. જેમ કે, જ્યાં સુધી નદીના તટની એના પ્રવાહ સાથે એકરૂપતા છે, ત્યાં સુધી આપણને તટનું જ્ઞાન થવું સંભવ નથી; પ્રવાહથી અલગ થઈને જ, એટલે કે તટ પર ઊભા રહીને જ તટનું જ્ઞાન થઈ શકે છે, એ જ રીતે દેહ અને મનથી અલગ થઈને જ આ ઈશ્વર-બોધ થાય છે. દેહ અને મન સાથે એકરૂપ રહેવાથી આ ઈશ્વર-બોધ થવો શક્ય નથી. આ સંદર્ભમાં કહેવાયું છે કે ઈશ્વરને ઇન્દ્રિયો અને મનથી જોઈ શકાતો નથી.

એના પરથી પ્રશ્ન થઈ શકે છે કે શું આ રીતે ઈશ્વર-દર્શન પણ સંભવ છે? જવાબ છે— હા. આ દર્શનનો વિધિ સાંસારિક જ્ઞાન-પ્રક્રિયાથી સંપૂર્ણપણે ભિન્ન છે અને આ વિધિને જ ‘યોગ’નું નામ આપવામાં આવ્યું છે. આ ઈશ્વર-દર્શનની અવસ્થા અદ્વૈતની અવસ્થા છે અને એ જ આ જીવનનું શાશ્વત અને એકમાત્ર પ્રયોજન છે, કેમ કે આ અનુભૂતિ દ્વારા મનુષ્ય પોતાને દેહ અને મનથી ભિન્ન જાણીને, એ બંનેનો માલિક બની જાય છે. એ જ મુક્તિની અવસ્થા છે.

પ્રશ્ન: ભગવદ્‌દર્શનનું શું તાત્પર્ય છે? એનો આપણા જીવન પર શું પ્રભાવ પડે છે?

ઉત્તર: ભગવદ્‌દર્શન મનની એક અવસ્થા છે, જેમાં મનની બધી ચંચળતા સમાપ્ત થઈ જાય છે. સામાન્ય રીતે આપણે ત્રણ અવસ્થાઓનો ઉપભોગ કરીએ છીએ. એક તો ‘જાગ્રત’ અવસ્થા છે; જેમાં મન અત્યંત ચંચળ બની રહે છે. બીજી ‘સ્વપ્ન’ની છે. એમાં મનનો જ સંસાર આપણી સામે રહે છે. જાગ્રતમાં શરીર અને મન બંને ચંચળ બને છે, ક્રિયાશીલ રહે છે. સ્વપ્નમાં શરીર તો સૂતું રહે છે, પરંતુ મન પોતાના સંસારની જાળ રચતું રહે છે. આ દશામાં મનની ચંચળતા જાગ્રત અવસ્થા કરતાં વધુ હોય છે અને એમાં સંયમનો અભાવ પણ પહેલાં કરતાં વધુ હોય છે. ત્રીજી અવસ્થા ‘સુષુપ્તિ’ — ગાઢ ઊંઘની છે. એમાં શરીર સાથે મન પણ ઊંઘી જાય છે. આ અવસ્થામાં પણ મનની હલચલ શાંત રહે છે, પરંતુ આ ભગવદ્‌દર્શનની અવસ્થા નથી. ભગવદ્‌દર્શનમાં મન શાંત હોવા ઉપરાંત જાગતું પણ રહે છે, જ્યારે સુષુપ્તિમાં તે સૂતું રહે છે. ઊંઘમાં સ્થિર રહેવું અલગ વાત છે અને જાગીને સ્થિર રહેવું અલગ વાત. જાગીને સ્થિર રહેવાની અવસ્થાને જ ચતુર્થ કે ‘તુરીય’ અવસ્થા કહેવામાં આવી છે. આ જ ભગવદ્‌દર્શનની પણ અવસ્થા છે.

આ ચતુર્થ અવસ્થા અન્ય ત્રણ અવસ્થાઓની આધારભૂત સત્તા છે. જેમ સમુદ્રની સપાટી પર પરપોટા, લહેરો અને તરંગો ઊઠ્યા કરે છે અને સમુદ્ર જ પરપોટા, લહેરો અને તરંગોની આધારભૂત સત્તા છે, એવી જ રીતે તુરીય કે ચતુર્થ અવસ્થાની સપાટી પર જ આ ત્રણેય અવસ્થાઓ એક પછી એક ઊઠ્યા કરે છે. ત્રણેય અવસ્થાઓ એકબીજાને અડચણરૂપ છે, પરંતુ ચતુર્થ અવસ્થાને નહીં. આ ચોથી અવસ્થાને પ્રાપ્ત કરવી એને જ ભક્તિની ભાષામાં ‘ભગવદ્‌દર્શન’, જ્ઞાનની ભાષામાં ‘આત્મસાક્ષાત્કાર’ અને યોગની ભાષામાં ‘દ્રષ્ટા-આત્માનું સ્વ-સ્વરૂપમાં અવસ્થાન’ કહે છે. આ તુરીય અવસ્થા રૂપ અને ગુણથી પર છે. એ નિર્વિકલ્પની સ્થિતિ છે.

અહીંયાં પ્રશ્ન એ થઈ શકે કે ‘ભગવદ્‌દર્શન’ કહેવાથી તો કોઈ રૂપનું જ્ઞાન થાય છે, એટલે તુરીય અવસ્થાને ભગવદ્‌દર્શનના નામથી પોકારી શકાય છે? એનો જવાબ એ છે કે જેમ, બરફ પાણીથી ભિન્ન હોવા છતાં મૂળભૂત રૂપે એનાથી અભિન્ન છે, તેમ સગુણ-સાકાર નિર્ગુણ-નિરાકારથી ભિન્ન હોવા છતાં પણ વાસ્તવમાં એનાથી અભિન્ન છે. ભક્ત પોતાના શુદ્ધ ભાવથી એ નિર્ગુણ-નિરાકારને રૂપ ધારણ કરવા માટે બાધ્ય કરી દે છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે જેવી રીતે પાણી ઠંડીને કારણે જામીને બરફનું રૂપ ધારણ કરી લે છે, તેવી જ રીતે ભક્તની ભક્તિની શીતળતાથી તે નિર્ગુણ-નિરાકાર તત્ત્વ જામીને સગુણ-સાકાર બની જાય છે. આ સગુણ-સાકાર ઈશ્વરનાં દર્શન જ વાસ્તવમાં ભગવદ્‌દર્શનનું સાચું તાત્પર્ય છે.

મન ચંચળ રહેતું હોય ત્યાં સુધી ભગવદ્‌દર્શન શક્ય નથી. સરોવરનું પાણી જો વિક્ષુબ્ધ હોય, ત્યારે તળિયાની વસ્તુઓ વિકૃત દેખાય છે. એ વસ્તુઓના પોતાના મૂળ સ્વરૂપમાં કોઈ પરિવર્તન નથી થતું, પરંતુ અસ્થિર જળરાશિને કારણે એ વાંકી-ચૂકી દેખાય છે. જો પાણી શાંત પડી જાય, તો એ વસ્તુઓ જેવી છે, તેવી જ દેખાવા લાગે છે.

આ જ રીતે, મનરૂપી જળ ચંચળ હોવાને કારણે તે સર્વાનુસ્યૂત, સર્વાધાર, સ્થિર, કૂટસ્થ આત્મતત્ત્વ વિકૃત જેવું દેખાય છે. પરંતુ જ્યારે મનોજળ શાંત થઈ જાય છે, ત્યારે આત્મતત્ત્વ પોતાના જ સ્વરૂપમાં પ્રકટ થઈ જાય છે. આ જ એ ચોથી અવસ્થા છે, જેનો ઉલ્લેખ અને વિવેચન આપણે ઉપર કર્યાં છે. ભક્ત પોતાના ભાવથી આ નિરાકાર-નિર્ગુણ જ્યોતિર્મય અરૂપરાશિના વક્ષ પર એક તેજોમય, ભાવમયરૂપ ઊભું કરી લે છે. અરૂપ તત્ત્વ ‘આત્મા’, ‘બ્રહ્મ’, ‘શુદ્ધ-ચૈતન્ય’ વગેરે નામોથી સંબોધિત થાય છે અને સરૂપ તત્ત્વ ‘ભગવાન’ની સંજ્ઞાથી સંબોધાય છે.

તુરીયની ચતુર્થ અવસ્થામાં પહોંચી જવું એ અરૂપ તત્ત્વનો જ્ઞાનાત્મક બોધ છે અને સરૂપ તત્ત્વનું ભાવાત્મક દર્શન. અરૂપ તત્ત્વના જ્ઞાનાત્મક બોધને આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, કૈવલ્યમુક્તિ, નિર્વિકલ્પ સમાધિ વગેરે નામે ઓળખવામાં આવે છે અને સરૂપ તત્ત્વના ભાવાત્મક દર્શનને ભગવદ્‌દર્શન કે સવિકલ્પ સમાધિની સંજ્ઞા આપવામાં આવે છે.

જ્યારે વ્યક્તિને ભગવદ્‌દર્શન થાય છે, ત્યારે એની સંપૂર્ણ ચેતનાને એક નવો આયામ પ્રાપ્ત થઈ જાય છે; તે અનિત્ય સત્યની ભૂમિકાથી નિત્ય સત્યની ભૂમિકા પર ઊઠી આવે છે. આ અવસ્થામાં એક અનિર્વચનીય આનંદ-ઊર્મિ સતત વહેતી રહે છે અને આપણે માનસિક દુર્બળતાઓથી ઉપર ઊઠીને મનના માલિક બની જઈએ છીએ.

તે આપણને પોતાની ઇચ્છાનુસાર ચલાવે છે, ઘણી વાર આપણી ઇચ્છા ન હોવા છતાં પણ આપણે મનના કહેવામાં આવી જઈએ છીએ. ભગવદ્‌દર્શન થયા બાદ મન આપણા નિયંત્રણમાં આવી જાય છે અને તેને આપણે આપણી ઇચ્છાનુસાર ચલાવવા લાગીએ છીએ. દર્શનની ભાષામાં કહીએ તો આપણે જીવન્મુક્ત થઈ જઈએ છીએ અને હંમેશ માટે આવાગમનના ચક્રમાંથી છૂટી જઈએ છીએ.

Total Views: 11

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.