(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ સચિવ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

(ગતાંકથી આગળ)

પ્રશ્નઃ આ સૃષ્ટિ સ્વયંભૂ છે કે કોઈના દ્વારા નિર્મિત?

ઉત્તરઃ સૃષ્ટિ સ્વયંભૂ છે. નિર્મિત કહીએ તો કર્તાની કલ્પના કરવી પડશે, એ ત્રુટી ગણાશે. જેવી રીતે દોરડામાં સર્પનું સર્જન સ્વયંભૂ છે, તેવી જ રીતે બ્રહ્મમાં આ સૃષ્ટિનું સર્જન સ્વયંભૂ છે.

પ્રશ્નઃ પ્રત્યેક વર્ષે કોઈને કોઈ મહાન આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે એવો નિષ્કર્ષ નીકળે છે કે આ મર્ત્યલોકમાં જીવોની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે અને કાળાંતરે બધા આત્માઓને મોક્ષ પ્રાપ્ત થશે અને આવાગમનના ચક્કરમાંથી છુટકારો મેળવી લેશે તથા આ લોકમાં કોઈ શેષ નહીં બચે. આ અંગે તમારું શું માનવું છે?

ઉત્તરઃ એ સાચું છે કે એકના એક દિવસે બધાને મોક્ષની પ્રાપ્તિ થશે, પણ એ ક્રમિક રૂપે પ્રાપ્ત થાય છે. જીવન–પ્રવાહનો જે વિકાસ ‘અમીબા’થી શરૂ થયો છે, તે મનુષ્યમાં આવીને ક્રમશઃ સંપૂર્ણતા પ્રાપ્ત કરે છે. આપણે વિકાસના આ સિદ્ધાંતને માન્ય રાખીએ છીએ. મેં મારાં ગીતા–પ્રવચનોમાં આના પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો છે કે કેવી રીતે જીવન–ક્રમ ‘અમીબા’થી શરૂ થઈને, ૧૨૮ લાખ યોનિઓમાંથી પસાર થઈને, અંતમાં મનુષ્ય–યોનિમાં આવે છે અને આ માનવ–યોનિમાં અનેક જન્મો પછી, પોતાનામાં રહેલી પૂર્ણતાને ક્રમશઃ પ્રકટ કરીને, કોઈ એક જન્મમાં બધાં બંધનો તોડીને મુક્ત થઈ જાય છે. આ પ્રકારે નિઃસંદેહ પ્રત્યેક જીવાત્મા મુક્ત થઈ જશે. અને એથી એટલું ચોક્કસ સમજાય છે કે મર્ત્યલોકમાં જીવોની સંખ્યા દિવસે દિવસે ઓછી થવી જોઈએ. પરંતુ પ્રત્યક્ષ જોતાં ઊલટો જ અનુભવ થાય છે. એનું કારણ એ છે કે નિમ્નતર યોનિઓમાંથી જીવન–ક્રમ ધીરે ધીરે મનુષ્ય–યોનિમાં વિકસિત થતો જાય છે. પૂર્વકાળની કેટલીક યોનિઓ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે. વનસ્પતિ–જીવન પણ પહેલાં જેટલું પ્રબળ હતું, આજે એટલું નથી. વિકાસના સિદ્ધાંત અનુસાર આ બધું આપમેળે પોતાનાથી ઉચ્ચતર યોનિઓમાં જઈ રહ્યું છે.

હવે, જો એવો પ્રશ્ન કરવામાં આવે કે જીવનની પ્રારંભિક યોનિ—અમીબા—માં અસંખ્ય જીવ ક્યાંથી આવી રહ્યા છે, તો આ પ્રશ્નનો કોઈ ઉત્તર નથી. જેવી રીતે વિશ્વ–કિરણો (cosmic rays)નો અનુભવ તો કરીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે આ વિશ્વ–કિરણો સતત પ્રવાહમાન છે અને આપણને એ પણ ખબર છે કે નિરંતર પરમાણુઓના વિઘટન અને સંઘટનથી આ કિરણો પેદા થાય છે, પરંતુ આપણે એ નથી જાણતા કે અંતરિક્ષમાં આ પરમાણુ કેમ વિઘટિત અને સંઘટિત થતા રહે છે. આ ‘કેમ’ નો કોઈ જવાબ અત્યારે ન તો વિજ્ઞાન પાસે છે, ન અધ્યાત્મ પાસે.

એટલે, જીવ મુક્ત પણ થતા રહેશે અને મર્ત્યલોકમાં એની સંખ્યા પણ વધતી રહેશે. આ એવો કોયડો છે, જેનો જવાબ—સ્વામી વિવેકાનંદની ભાષામાં — ‘એ જ જાણે, જે જ્ઞાતા છે!’

પ્રશ્નઃ શું સભ્યતા અને સંસ્કૃતિ એકબીજાના પર્યાય છે? જો નથી, તો એમાં શું ભેદ છે?

ઉત્તરઃ ના, બંનેમાં ભેદ છે. મન અને શરીરની જેમ સંસ્કૃતિ અને સભ્યતા અલગ અલગ છે. હરેક જાતિનું એક લક્ષ્ય હોય છે—પછી ભલે જાગતિક હોય કે આધ્યાત્મિક. પ્રત્યેક જાતિ કે રાષ્ટ્ર પોતાના આ લક્ષ્યની પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ છે. એમનો આ પ્રયત્ન બે સ્તરો પર વ્યક્ત થાય છે—એક શરીરના સ્તરે, જે વેશભૂષા, ખાનપાન, ભોગવિલાસ વગેરે રૂપમાં પ્રકટ થાય છે અને બીજું મનના સ્તરે, વૈચારિક માન્યતાઓના રૂપમાં સામે આવે છે. પ્રથમ સ્તરને સભ્યતા અને બીજા સ્તરને સંસ્કૃતિ કહે છે. તેથી સંસ્કૃતિને સભ્યતાનું મન કહી શકાય છે અને સભ્યતાને સંસ્કૃતિનું શરીર.

પ્રશ્નઃ ભાવુકતા તથા ભાવોન્માદમાં શું અંતર છે?

ઉત્તરઃ ભાવુકતાને જગાવી શકાય છે અને તે સારી કે ખરાબ બંને પ્રકારની હોઈ શકે છે. પરંતુ ભાવોન્માદને જગાવી શકાય નહીં. એ ભગવત્કૃપાથી જ પ્રાપ્ત થાય છે. બંનેનાં બાહ્ય લક્ષણો ઉપલક દૃષ્ટિથી ભલે એક સરખાં લાગે, પરંતુ થોડી સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં ખબર પડશે કે ભાવુકતામાં ચંચળતા વધુ હોય છે અને આ કારણે તેમાં ખિન્નતા પણ શીઘ્ર લક્ષિત થાય છે, જ્યારે ભાવોન્માદમાં ધૈર્ય અને ગંભીરતા હોય છે. ભાવુકતામાં આક્રોશ વધુ હોય છે અને ભાવોન્માદમાં સ્નિગ્ધતા હોય છે. એક વાર ભાવુકતા જાગી ગયા પછી તે શાંત પડે ત્યાર બાદ મનમાં વિપરીત વિચારો આવી શકે છે. જોવા મળે છે કે જે લોકો અંગભંગી (નૃત્ય કે નાચગાન) દ્વારા અથવા બળપૂર્વક પોતાની ભાવુકતા જગાવી દે છે, એમનું મન થોડી વાર પછી નિમ્નગામી બની જાય છે. ભાવુકતા એક લહેર સમાન છે. તે ઉપર ઊઠશે, તો નીચે પણ પડશે. એટલા માટે ભાવુક વ્યક્તિ ચંચળ, અસહિષ્ણુ તથા અસ્થિર જોવા મળે છે. ભાવોન્માદ એનાથી બિલકુલ ભિન્ન છે. તે સાધનાની પરિપક્વ અવસ્થામાં ભગવત્પ્રેમથી ઊપજે છે. એમાં મનનું પતન નથી થતું. તેથી ગુરુજનો ઉપદેશ આપે છે કે ધ્યાનમાં મનને શાંત અને સ્થિર રાખવું જોઈએ. એ વખતે ભાવુકતાને આશ્રય આપવો જોઈએ નહીં. ભાવુકતા મનને દુર્બળ બનાવી દે છે, જ્યારે ભાવોન્માદ મનને સુદૃઢ બનાવે છે.

પ્રશ્નઃ શું ગાયત્રી મંત્રથી શક્તિ–ઉપાસના કરી શકાય છે?

ઉત્તરઃ ગાયત્રી મંત્ર પુરુષ–રૂપ પણ છે અને સ્ત્રી–રૂપ પણ. ‘સવિતા’ ને બ્રહ્મનું પ્રતીક પણ માની શકાય છે તથા બ્રહ્મની શક્તિનું પણ. એટલે ગાયત્રી મંત્રનો વિધિપૂર્વક નિષ્ઠાથી જપ કરવાથી ઈશ્વરની સમ્યક્‌ ઉપાસના થઈ જાય છે.

પ્રશ્નઃ શું દેવી–દેવતાઓનાં દર્શનને projection of unconscious complexes (અચેતન ગ્રંથિઓનું આરોપણ) કહી શકાય છે?

ઉત્તરઃ દેવી–દેવતાઓનાં યથાર્થ દર્શન અચેતન ગ્રંથિઓનું આરોપણ નથી. દેવી–દેવતાઓની આપણી ધારણા હું તમને સમજાવી દઉં. આ શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત ધાતુ ‘દિવ્‌’માંથી થઈ છે, જેનો અર્થ છે ચમકવું કે પ્રકાશ કરવો. ‘દેવી’ કે ‘દેવતા’નો અર્થ થાય છે — ‘પ્રકાશ દેવાવાળા.’ ઇન્દ્રિયોને, એટલે કે ઇન્દ્રિયોની શક્તિઓને સંસ્કૃત સાહિત્યમાં ‘દેવ’નું વિશેષણ આપવામાં આવે છે, કારણ કે ઇન્દ્રિયોથી આપણને જ્ઞાન થાય છે અને જ્ઞાન પ્રકાશ આપે છે. તેથી દેવતા શબ્દનું તાત્પર્ય એ સૂક્ષ્મ શક્તિથી છે, જેની સૂક્ષ્મતા તો વિચારો જેવી છે, પરંતુ ઊંડાણ વિચારોના ઊંડાણથી વધુ હોય છે. તે સૂક્ષ્મ શક્તિનું એક પ્રતીક છે. ઉદાહરણ તરીકે, ગુરુત્વાકર્ષણને જુઓ. આ આકર્ષણ ભૌતિક રૂપે ન્યૂટનની પહેલાં પણ વિદ્યમાન હતું, પરંતુ લોકો ત્યારે તેનાથી અજ્ઞાત હતા. ન્યૂટને તેનો અનુભવ કર્યો, એને જોયું અને આજ તે જીવનનું સૌથી મહત્ત્વપૂર્ણ સત્ય બની ગયું છે. તો, જેવી રીતે ન્યૂટનને ગુરુત્વાકર્ષણની સ્થૂળ શક્તિનું જ્ઞાન થયું, એવી રીતે મનની સપાટી પર મનુષ્યને સૂક્ષ્મ શક્તિઓનું જ્ઞાન થયા કરે છે. એને જ ‘દેવ–દર્શન’ કહે છે. વેદોમાં પ્રકૃતિના સૂક્ષ્મ નિયમો પણ ‘દેવ’ શબ્દથી સંબોધિત થયા છે. વૈજ્ઞાનિકો જ્યારે અંતરિક્ષનાં, આ વિશ્વ–પ્રપંચનાં ઇન્દ્રિયાતીત સત્યોની જ્ઞાન દ્વારા અનુભૂતિ કરે છે, તો આવા સાક્ષાત્કાર પણ ‘દેવ–દર્શન’ કહી શકાય છે. આઇન્સ્ટાઇનનું સૂક્ષ્મ ચેતના–જ્ઞાન આ શ્રેણીમાં આવે છે.

પરંતુ, સામાન્ય રીતે આપણે જેને દેવી કે દેવતા કહીએ છીએ, એની સમજ ભાવાત્મક વધુ હોય છે. હિંદુ અધ્યાત્મ ગ્રંથોમાં શિવ, વિષ્ણુ, કાલી, દુર્ગા વગેરે જે દેવી–દેવતાઓની ધારણા છે, તેઓ બધાં જગતના કોઈકને કોઈક સૂક્ષ્મ સત્યનું પ્રતીક છે. સાધના દ્વારા આ પ્રતીક પોતાનું યથાર્થ સ્વરૂપ વ્યક્ત કરી દે છે અને તે જ દેવ–દર્શનની અવસ્થા હોય છે. દાખલા તરીકે, કાલી કાળની શક્તિ છે, તે દિગંબરા છે, કારણ કે કાળનું વસ્ત્ર દેશ એટલે કે આકાશ એટલે અંબર જ હોય છે. કાલીની સમુચિત ઉપાસના કરવાથી કાળના સૂક્ષ્મ નિયમો ઉદ્‌ઘાટિત થાય છે અને જીવનમાં કાળનો દ્વંદ્વ સમાપ્ત થઈ જાય છે. શ્રીરામકૃષ્ણદેવે કાલીની ઉપાસના કરીને કાળની અંતર્ગત રહેલાં સત્યોનો અનુભવ તો કર્યો જ, સાથે જ તેઓ કાળાતીત સત્યના પણ દ્રષ્ટા બન્યા.

ઘણા લોકોને કોઈ રૂપનાં દર્શન થાય છે. જો આ રૂપ કોઈ જ્ઞાન પ્રકાશિત ન કરે, તો એને અચેતન ગ્રંથિઓનું આરોપણ અવશ્ય કહી શકાય છે. મોટા ભાગના લોકો એના જ શિકાર હોય છે—તેઓ જાત જાતનાં રૂપોનું દર્શન કરે છે, પરંતુ એનાથી તેના જીવનમાં કોઈ જાતનું પરિવર્તન થતું નથી. આમાં પ્રપંચી અને પાખંડી વધુ હોય છે. યથાર્થ દેવ કે દેવી–દર્શન એ છે, જેનો પ્રભાવ આપણા જીવન પર પડે છે અને એને બદલી નાખે છે.

પ્રશ્નઃ શું વેદાંત અવતારને માને છે?

ઉત્તરઃ ના, અવતાર–તત્ત્વ ભક્તિમાર્ગની દેન છે.

પ્રશ્નઃ ધન જ બધા દુર્ગુણોનું મૂળ છે. એટલે તેને પાપના ફળસ્વરૂપે પ્રાપ્ત થયું કહેવું કે પુણ્યના ફળસ્વરૂપે?

ઉત્તરઃ બહુ સારો પ્રશ્ન છે. ધન પ્રાપ્ત થવાનો અર્થ છે પુષ્કળ ધન હોવું. આ શ્રેણીમાં ઇમાનદારીથી કમાયેલું ધન નથી આવતું. ઇમાનદારીથી વ્યક્તિ એટલા પૈસા કમાઈ શકતી નથી કે તે બે–ત્રણ પેઢીઓ સુધી ચાલે. અને આવા લોકો બહુ જૂજ હોય છે, જે પૈસાદાર હોવાની સાથે જ વિવેકી પણ હોય. આવું હોય તો માનવું કે તેના પર ભગવાનની કૃપા છે. તેઓ અપવાદ છે.

પ્રશ્નઃ આજકાલ ચિકિત્સાના ક્ષેત્રમાં કેટલાક ચિકિત્સકો સંમોહન (hypnotism)ની મદદ લેવાની સલાહ આપે છે. આ અંગે તમારો શું મત છે?

ઉત્તરઃ સંમોહન મારું વિશેષ ક્ષેત્ર નથી, એટલે તેના વિશે અધિકારપૂર્વક કંઈ કહેવું મુશ્કેલ છે. છતાં પણ સૈદ્ધાંતિક રીતે એટલું કહી શકાય કે, જે વ્યક્તિ વારંવાર પોતાના પર સંમોહન કરાવે છે, એનું મન દુર્બળ થઈ જાય છે અને ઇચ્છાશક્તિ નબળી પડી જાય છે. જો ચિકિત્સક એવું કહે કે કોઈના જીવનને બચાવવા માટે અથવા તો અસહ્ય પીડાને ઓછી કરવા માટે સંમોહન સિવાય બીજો કોઈ ઉપાય ન હોય, તો એવી પરિસ્થિતિમાં સંમોહનનો પ્રયોગ કરી શકાય છે. પરંતુ નાની નાની બાબતોમાં, એટલે કે વજન ઘટાડવા કે ધૂમ્રપાનની આદત છોડવા માટે સંમોહનનો આશ્રય લેવો યોગ્ય નથી.

આજકાલ ચિકિત્સકો પણ સંમોહનથી પેદા થતાં જોખમો પ્રત્યે સજાગ થઈ રહ્યા છે. થોડા સમય પહેલાં એક ચિકિત્સકે એક લેખ પ્રકાશિત કર્યો હતો કે, જ્યારે એક દર્દી પર સંમોહનનો પ્રયોગ કરીને એનો રોગ દૂર કરવામાં આવ્યો, ત્યારે એનાથી પણ ભયંકર રોગે તેના પર આક્રમણ કર્યુ. એ રોગીને નખ ચાવવાની કુટેવ હતી. તે એ આદતને છોડાવવા માટે હિપ્નોટિસ્ટની પાસે ગયો. એ રોગ તો દૂર થયો, પરંતુ એનાથી પણ વધુ ગંભીર રોગનો ભોગ બન્યો. જ્યારે સંમોહનથી આ બીજો રોગ દૂર કરવામાં આવ્યો, એટલે ત્રીજો એક ભયંકર રોગ લાગુ પડ્યો. આમ કરતાં કરતાં તે શરાબ અને નશાયુક્ત દવાઓ ખાવાનો બંધાણી થઈ ગયો. ત્યાર બાદ ચિકિત્સકે એના પર સંમોહનનો પ્રયોગ કરવાનું બંધ કર્યું, કારણ કે એને ડર લાગ્યો કે ક્યાંક રોગી આત્મહત્યા કરવા ન પ્રેરાઈ જાય.

પ્રશ્નઃ યુગ–પરિવર્તન થઈ રહ્યું છે અને આ શતાબ્દીના અંત સુધીમાં પૂર્ણ યુગ–પરિવર્તન થઈ જશે અને ત્યાર બાદ ‘મહામાનવ યુગ’નો આરંભ થશે. એ હવે યોગ–દ્રષ્ટાઓ અને ભવિષ્ય–દ્રષ્ટાઓને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ અંગે તમારો શું મત છે?

ઉત્તરઃ યુગ–પરિવર્તન તો સ્વાભાવિક છે. જે પ્રકારે વ્યક્તિના જીવનમાં ભાવોનું તરંગવત્‌ ઉત્થાન અને પતન ચાલતું રહે છે, એ પ્રકારે વિશ્વ–જીવનમાં પણ છે. જે ચિંતક અને મનીષી છે, તેઓ ભાવોના ઉત્થાન અને પતનની નિયતકાલિતાને પકડવામાં સમર્થ હોય છે. એના માટે યોગદ્રષ્ટા અને ભવિષ્ય–દ્રષ્ટા હોવાની આવશ્યકતા નથી.

(ક્રમશ:)

Total Views: 4

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.