સ્વામી આત્માનંદ(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

બ્રહ્મચર્ય

પ્રશ્ન: શું કામવાસનાનો જડમૂળથી નાશ કરવો સંભવ છે? ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે — ‘कामोऽस्मि’ — એનો શું અર્થ છે?

ઉત્તર: કામવાસનાનો સંપૂર્ણ નાશ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ જ સંભવ છે. પરંતુ આ જ્ઞાન-પ્રાપ્તિ કોઈ સહજલભ્ય અવસ્થા તો છે નહીં, તેથી વ્યાવહારિક રૂપે એ માની લેવામાં કોઈ અડચણ નથી કે જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી કામવાસના પ્રત્યે સતર્ક રહેવું પડશે.

ફ્રોઇડ કે અન્ય મનોવૈજ્ઞાનિકોનો મત છે કે કામવાસનાને દબાવવાથી ઘોર હતાશા પેદા થાય છે અને વ્યક્તિ તનાવગ્રસ્ત થઈને વિભિન્ન માનસિક રોગોની શિકાર બની જાય છે. આ વાત સંપૂર્ણ સત્ય નથી. જો કામની વૃત્તિને દબાવવામાં આવે, તો માનસિક તનાવ જરૂર પેદા થાય છે, પણ અધ્યાત્મ-સાધનામાં આને દબાવવાનો નહીં, પરંતુ એને ઊર્ધ્વ કક્ષાએ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ ઊર્ધ્વીકરણની પ્રક્રિયા પ્રશમન અને દમન (suppression and repression)થી ભિન્ન છે. ફ્રોઇડ અને અન્ય મનોવૈજ્ઞાનિકો આ માનસિક ગ્રંથિઓથી બચવા માટે કામવાસનાનો ભોગ કરવાની સલાહ આપે છે. પણ પ્રશ્ન એ છે કે જો આપણે તનાવગ્રસ્ત થવાના ભયે કામની વૃત્તિ પર નિયંત્રણ ન લગાવીએ અને તેને છૂટ આપી દઈએ, એનો ભોગ કરીએ, તો શું એનાથી પણ મનમાં તનાવ પેદા નહિ થાય?

અમેરિકા વગેરે દેશોમાં જ્યાં નિર્બાધ ‘સેક્સ’નું પ્રચલન છે, જ્યાં લોકો પોતાને ‘લિબરેટેડ’ (liberated) કહે છે, તો પછી ત્યાં પણ આટલો માનસિક તનાવ અને હતાશા કેમ છે? જે હિપ્પી લોકો કોઈ પણ પ્રકારના બંધનમાં નથી, શું તેઓ તનાવથી મુક્ત છે? અને જો એની સ્થિતિને તનાવમુક્ત માનવામાં આવે, તો એ કોઈ ઇચ્છનીય સ્થિતિ નથી.

આ સંદર્ભમાં આપણે ઊર્ધ્વીકરણનો અર્થ સમજી લેવો જોઈએ. એ વાત સાચી છે કે જીવનમાં કામવાસનાનો વેગ ખૂબ જ પ્રબળ હોય છે, પરંતુ એ પણ સાચું છે કે એ વેગને રોકવાના નિશ્ચિત ઉપાયો છે. જો યોગ્ય સાવચેતી રાખીને આ ઉપાયોનો સહારો લેવામાં આવે, તો આપણે આ વેગને ઈશ્વરાભિમુખી બનાવી શકીએ છીએ, તેથી એને અધ્યાત્મ સાહિત્ય ‘પ્રેમ’ની સંજ્ઞા આપે છે. આપણે લૌકિક દૃષ્ટિએ જેને પ્રેમ કહીએ છીએ, તે અધ્યાત્મની દૃષ્ટિએ પ્રેમ નથી. જ્યારે આપણે વ્યક્તિને વ્યક્તિ માનીને નહીં, પરંતુ ઈશ્વરનો પ્રકાશ કે આત્મસ્વરૂપ માનીને સ્નેહ કરીએ છીએ, ત્યારે તે અધ્યાત્મની દૃષ્ટિએ પ્રેમ છે અને આપણું જીવન આ જ પ્રેમને પ્રાપ્ત કરવાનું સાધન છે. જે પ્રેમને સેક્સનો સમાનાર્થી માને છે, એણે તો અધ્યાત્મનું નામ જ ન લેવું જોઈએ. જેઓ એમ માને છે કે સેક્સ દ્વારા જ તેઓ પ્રેમના પ્રાંગણમાં પ્રવેશ પામી શકે છે, તો તેઓ નાદાન છે.

કામને નિયંત્રણમાં લાવવા માટે સૌથી કારગત ઉપાય એ છે કે આપણે જાણી જોઈને એનું ચિંતન ન કરીએ અને કામનું ઉદ્દીપન થાય એવા વાતાવરણથી સ્વયંને શક્ય એટલા દૂર રાખવાનો પ્રયત્ન કરીએ.

ખરેખર તો, મોટા ભાગે આપણે જાણી જોઈને કામનું ઉદ્દીપન કરીએ છીએ અને વળી એની શાંતિના ઉપાયો શોધીએ છીએ. આ એવું જ છે, જેવું કે ભર્તૃહરિએ પોતાના ‘वैराग्यशतकम्‌’ (१९) માં કહ્યું છે –

तृषा शुष्यत्यास्ये पिबति सलिलं शीतमधुरं।
क्षुधार्तः शाल्यन्नं कवलयति मांसादिकलितम् ।
प्रदीप्ते कामाग्नौ सुदृढतरमालिङ्गति वधूं ।
प्रतीकारं व्याधेः सुखमिति विपर्यस्यति जनः ॥

‘જ્યારે મનુષ્યને તરસ-રોગ હેરાન કરે છે, ત્યારે તે મીઠા અને ઠંડા જળનું પાન કરીને આ રોગ દૂર કરી લે છે. આનંદ તો એને રોગ દૂર થવાથી આવ્યો, પરંતુ તે માને છે કે મિષ્ટ-સુરભિત જળ પીવાથી મને ખૂબ આનંદ આવ્યો. જો આ જ વાત હોય તો પેટ જ્યારે ભરેલું હોય, ત્યારે પણ એવો જ આનંદ આવવો જોઈએ, પણ તે નથી આવતો. એવી જ રીતે ભૂખ પણ એક રોગ છે. એની નિવૃત્તિ તે માંસાદિ પદાર્થોથી મિશ્રિત ભાત વગેરે ખાઈને કરી લે છે.

લોકો કહે છે કે ભોજનમાં ખૂબ આનંદ આવ્યો, પણ ખરેખર તો આનંદ ભૂખરૂપી રોગના નિવારણથી મળ્યો. જો કોઈ વિશેષ ભોજનમાં આનંદ હોત, તો પેટ ભરેલું હોય ત્યારે પણ ખાવાથી આનંદ મળવો જોઈએ, જે નથી મળતો. એ રીતે કામવાસના ઉત્પન્ન થવી એ પણ એક રોગ છે અને એનું શમન પત્ની સાથે સંબંધ બાંધીને થાય છે.

વાસ્તવમાં રોગનો સામનો કરવાથી આપણને સુખ મળે છે, પરંતુ મનુષ્ય ભ્રાંતિને કારણે ક્રિયાઓમાં સુખ માને છે. જો સુખ ક્રિયાઓથી મળતું હોત, તો બધી અવસ્થાઓમાં એ ક્રિયાઓથી સુખ મળત, પરંતુ એવું નથી બનતું.

તાત્પર્ય એ છે કે સુખ રોગ દૂર થવાથી મળે છે. ફ્લૂના પ્રકોપમાં પડીને જ્યારે પુનઃ સાજાે થાઉં છું, ત્યારે મને સુખ મળે છે. તો શું તેથી હું એ પ્રયત્ન કરું કે મને પુનઃ ટાઇફોઇડ કે ફ્લૂ થઈ જાય અને હું એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરું? ના, હું એવું નથી કરતો. તો પછી શું આપણે કામવાસનાની વૃત્તિનો ભોગ કરવા માટે પ્રયત્નપૂર્વક કામ-જ્વર પેદા કરીએ છીએ? જો આપણે આ વાત સમજી લઈએ અને એ મુજબ સાવધાનીપૂર્વક જીવનમાં વ્યવહાર કરીએ, તો કામને નિયંત્રણમાં લેવાની દિશામાં એક મોટું પગલું ઊઠાવી શકીશું.

આપણે કહ્યું છે કે ‘કામ’ જીવનની એક પ્રબળ શક્તિ છે અને એને વ્યવસ્થિત રૂપે ધીરે ધીરે પોતાના નિયંત્રણમાં લાવવી પડે છે. પરિણીત લોકો માટે એનું પ્રથમ ચરણ છે — પોતાની પત્ની સિવાય અન્યત્ર ક્યાંય યૌન-સંબંધ ન રાખવો અને પત્ની સાથે પણ સંયમપૂર્વક વ્યવહાર કરવો. આ જ સંયમ ધર્મનું એક રૂપ છે અને આ દૃષ્ટિએ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે — ‘धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ’ — ‘હે ભરતર્ષભ, હું જીવોમાં ધર્મયુક્ત કામ છું.’

પ્રભુ પોતાની વિભૂતિઓનું વર્ણન કરતાં કામની પ્રબળ શક્તિને પોતાની વિભૂતિ અંતર્ગત ગણાવીને એને માન્યતા તો આપે છે, પરંતુ એક વિશેષણ લગાવવાનું નથી ભૂલતા — ‘धर्म-अविरुद्धः’ — ‘ધર્મનો અવિરોધી.’ વિવાહિતો માટે બીજું ચરણ શ્રીરામકૃષ્ણદેવની ભાષામાં જુઓ — ‘એક-બે બાળકો થઈ ગયા પછી પતિ-પત્નીએ ભાઈ-બહેનની જેમ સંસારમાં રહેવું જોઈએ.’

જે પરિણીત છે અને અધ્યાત્મના માર્ગ પર અગ્રસર થવા ઇચ્છે છે, એણે તો ‘સેક્સ’થી સંપૂર્ણ રીતે દૂર રહેવું જોઈએ. જો માનસિક દોષ થઈ પણ જાય એટલે કે મનમાં જો કદી પાપ-ચિંતન થઈ પણ જાય, તો તેની ઉપેક્ષા કરી, એને મહત્ત્વ ન આપવું અને વધુમાં વધુ શુભ વિચારો અને કાર્યોમાં પોતાને વ્યસ્ત રાખવા.

શ્રીમા શારદાદેવીએ કહ્યું હતું કે — ‘કળિયુગમાં માનસિક દોષને પાપ ગણવામાં આવતા નથી.’ પરંતુ એનો અર્થ આપણે એવો ન સમજવો જોઈએ કે આપણને પાપનું ચિંતન કરવાની છૂટ મળી ગઈ. એવો અર્થ કરવો એ મોટી ભૂલ છે. એનો અર્થ ફક્ત એટલો જ છે કે મનને ફરી એ તરફ ન જવા દેવાનો પ્રયત્ન કરો અને પોતાને હંમેશાં સત્કાર્યો અને સદ્‌ચિંતનમાં વ્યસ્ત રાખો. આ રીતે સુનિયોજિત અને સાવધાનીપૂર્વક કરવામાં આવેલો અભ્યાસ જ ક્રમશઃ કામના વેગને બાંધી શકે છે અને અંતમાં આપણને ભગવત્કૃપાના અધિકારી બનાવીને કામથી મુક્ત પણ કરી શકે છે.

પ્રશ્ન: શું આધ્યાત્મિક ઉન્નતિ માટે અપરિણીત રહેવું જરૂરી છે?

ઉત્તર: બ્રહ્મચર્યનું પાલન કરવાથી આધ્યાત્મિક ઉન્નતિમાં સહાયતા મળે છે.

પ્રશ્ન: શું આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે બ્રહ્મચર્યનું પાલન કરવું આવશ્યક છે?

ઉત્તર: હા, કેમ કે બ્રહ્મચર્ય આધ્યાત્મિક જીવનનો આધાર છે. બ્રહ્મચર્ય-ધારણનો અર્થ છે વીર્ય-રક્ષા. વીર્યનું રક્ષણ થવાથી એ સુપુષ્ટ બને છે અને તે ‘ઓજસ્‌’માં પરિણત થાય છે. શરીરમાં ઓજસ્‌ જેટલું વધશે, તેટલી જ સ્નાયુઓની અનુભવ-ક્ષમતા પણ વધશે. આધ્યાત્મિક અનુભૂતિઓ સૂક્ષ્મ અને તીવ્ર હોય છે.

સામાન્ય દશામાં આપણા સ્નાયુઓ આ અનુભૂતિઓની તીવ્રતા સહન કરી શકતા નથી. બ્રહ્મચર્ય આ સ્નાયુઓની ક્ષમતાને વધારીને એને અનુભૂતિઓના વેગને સહન કરવાની શક્તિ આપે છે. જો મનુષ્ય બ્રહ્મચર્યનું પાલન ન કરે અને એકદમ આધ્યાત્મિક ઉન્નતિ માટે સાધના શરૂ કરી દે, તો એના શરીર અને મનમાં વિકાર પેદા થવાની સંભાવના વધી જાય છે. ઘણાય લોકો પોતાના મસ્તિષ્કનું સંતુલન ખોઈ બેસે છે.

વૈવાહિક જીવનમાં જો ઉચિત સંયમ રાખવામાં આવે, તો તે પણ બ્રહ્મચર્યનું પાલન જ કહેવાશે. પરંતુ જેને આપણે અપરોક્ષ આધ્યાત્મિક જીવન કહીએ છીએ, જેમાં કુંડલિની-શક્તિને જગાડવાની સાધના કરવામાં આવે છે, ત્યાં તો બ્રહ્મચર્યનું પાલન ખૂબ જ સખતાઈથી કરવું અનિવાર્ય છે. એમાં કોઈ પણ જાતની સમજૂતીની શક્યતા રહેતી નથી.

Total Views: 35

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.