(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)
ગૃહસ્થજીવન અને સાધના
પ્રશ્ન: શું આપણાં સગાં-સંબંધીઓ સાથેના સંબધો ચિરસ્થાયી છે? શું એનો સંબંધ આપણા ભૂત કે ભવિષ્યકાળના જીવન સાથે છે?
ઉત્તર: સંબંધો ચિરસ્થાયી નથી. ભૂતકાળ કે ભવિષ્યના જીવન સાથે એનો કોઈ પ્રકારનો સંબંધ નથી રહેતો. સંભવ છે, જે પાછલા જીવનમાં આપણી પત્ની રહી હોય, તે આ જીવનમાં આપણી માતા બની જાય અને આગલા જન્મમાં આપણી પુત્રી. સંભવ છે, પાછલા જન્મનો આપણો ઘાતકી દુશ્મન આ જન્મમાં આપણો પુત્ર બનીને આવે અને આપણને સદાય પીડિત કરતો રહે. પાછલા જન્મમાં આપણે કોઈને પોતાના વ્યવહારથી દુઃખી કર્યો હોય, તે આ જન્મમાં પુત્ર બનીને, અકાળે મૃત્યુ પામીને આપણને શોક-સાગરમાં નિમગ્ન કરી દે. આ પ્રકારનો સંબંધ સંભવ છે. તેથી જ્ઞાન અને વિચાર દ્વારા પોતાનાં સગાં-સંબંધીઓ પ્રત્યે અનાસક્ત ભાવે વ્યવહાર કરવો જોઈએ.
પ્રશ્ન: ક્યારેક ક્યારેક સંસારની ઝંઝટોથી મન બેચેન બની જાય છે. બધું છોડીને ક્યાંક ચાલ્યા જવાની ઇચ્છા થાય છે. શું એ યોગ્ય છે?
ઉત્તર: આ મનની કાયરતા છે. ક્યાંક ચાલ્યા જવાથી કામ નથી બનતું. જે ઝંઝટોથી બચીને તમે ભાગવા ઇચ્છો છો, શક્ય છે કે એ જ તમને અન્ય સ્થળ પર પણ કષ્ટ આપે. તેથી ઉત્તમ તો એ છે કે પ્રભુનું સ્મરણ કરતાં કરતાં દૃઢતાપૂર્વક પોતાના કર્તવ્ય-પથ પર આગળ વધતા રહો. સ્થાન-પરિવર્તનથી મનના સંસ્કાર બદલાઈ જતા નથી. મોટા ભાગે એવું જોવા મળે છે કે વ્યક્તિ પોતાના સ્વભાવને કારણે જ ઝંઝટોમાં પડે છે. એવી સ્થિતિમાં, પોતાના દૃષ્ટિકોણને સુધારવો એ જ એકમાત્ર ઉપાય છે. હા, તમે એટલું જરૂર કરી શકો છો કે વચ્ચે વચ્ચે થોડા દિવસો માટે એવી વ્યક્તિના સાંનિધ્યમાં રહો, જેનો તમે આધ્યાત્મિક ગુરુ તરીકે આદર કરો છો. એથી તમને નવી શક્તિ મળશે અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે નવો દૃષ્ટિકોણ મળશે.
પ્રશ્ન: શું સંસારમાં રહીને સાધના થઈ શકે છે?
ઉત્તર: કેમ નહીં! જો આપણો દૃષ્ટિકોણ યોગ્ય છે, તો સંસારનાં કાર્યો જ આપણા માટે સાધના બની જાય છે. જો આપણે સંસારનાં કાર્યોને સામાન્ય ન માનીને એમ વિચારીએ કે આ જ મારા માટે એ પ્રભુને મેળવવાની સાધના છે, તો આશ્ચર્યજનક રીતે એ જ કાર્યોમાં ઉચ્ચ ભાવ આવી જાય છે. ઉચિત દૃષ્ટિકોણ છે કે નહીં, એનાં બે લક્ષણો છે — (૧) જે પણ કાર્ય આપણે કરીશું, એને ખૂબ લગનથી કરીશું. એમાં કોઈ પણ પ્રકારનો ટાળવાનો ભાવ નહીં હોય. આપણી કાર્યક્ષમતા વધી જશે. (૨) સાથે જ આપણા મનમાં એ કાર્યો પ્રત્યે એક પ્રકારનો અનાસક્ત ભાવ જાગશે. પહેલાં આપણે કર્મોથી ચિંતાગ્રસ્ત થઈ જતા હતા, પરંતુ સાધનાનો ભાવ રાખીને કાર્ય કરવાથી મનનો ઉચાટ ઓછો થશે. ક્રમશઃ એથી ‘કર્મયોગ’માં આપણી દૃઢતા આવશે.
પ્રશ્ન: જીવનમાં શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? એના માટે કોઈ સાધના છે?
ઉત્તર: સંસારના સ્વરૂપનો વિચાર કરવો, બુરાઈ અને પાપથી યથાશક્તિ બચવું અને યોગનો અભ્યાસ—આ જ શાંતિના ઉપાયો છે. યોગની સ્થિતિને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન જ સાધના કહેવાય છે. એવો પ્રયત્ન માત્ર વૈચારિક પણ હોઈ શકે છે, જેમાં કોઈ પણ પ્રકારની બાહ્ય ક્રિયાઓની અપેક્ષા નથી રહેતી. આ ઉપાયને જ્ઞાનયોગ પણ કહે છે. એ આપણા યથાર્થ સ્વરૂપનો વિચાર છે—आत्मानं विजानीहि। વિચારની આટલી યોગ્યતા જેમની પાસે નથી, તેઓ પોતાની રુચિ અને ક્ષમતા અનુસાર રાજયોગ (અષ્ટાંગ યોગ-સાધન), ભક્તિયોગ અને કર્મયોગનો આશ્રય લઈ શકે છે.
સાધના અને એના માર્ગ
પ્રશ્ન: સ્વામી વિવેકાનંદે કર્મ, જ્ઞાન અને ભક્તિ—આ ત્રણેયના સમન્વયને સાધક-જીવનનો આદર્શ માન્યો છે, પરંતુ એ કઈ રીતે શક્ય છે? શું આ ત્રણેય તદ્દન ભિન્ન માર્ગ નથી?
ઉત્તર: ના, ત્રણેય બિલકુલ ભિન્ન ન કહી શકાય. કર્મયોગ કે ભક્તિયોગનો સ્વીકાર કરવાથી આપણો અર્થ છે કે જે માર્ગમાં આપણી રુચિ છે, આપણે એના તરફ વધુ જોર આપીએ છીએ.
માની લો, તમે ભક્તિયોગના અનુગામી છો. એનો અર્થ એ નથી કે તમે કર્મ કરો જ નહીં. તમે કર્મોને ઈશ્વરની ઉપાસના બનાવવાનું શીખી લો. ભક્તિમાર્ગે ચાલવાનો અર્થ એ નથી કે તમે વિવેકને જીવનમાં સ્થાન જ ન આપો. જો એવું કરો, તો તમારી ભક્તિ માત્ર ભાવુકતા બની જાય છે. તેથી ભક્તિમાં સંતુલન જાળવવા વિચાર આવશ્યક છે. જો તમે જ્ઞાનનો સહારો ન લો, તો ઈશ્વરનું સ્વરૂપ કઈ રીતે સમજી શકશો? જો એ ન સમજાય, તો ઈશ્વર પ્રત્યે પ્રેમ પણ કઈ રીતે થશે? એટલે ઈશ્વર પ્રત્યેની ભક્તિને પુષ્ટ કરવા માટે કર્મ અને જ્ઞાન—બંનેની આવશ્યકતા છે. બધા માર્ગને આ રીતે સમજવા. તેથી એકની વિશિષ્ટતામાં અન્યનો સમન્વય જ વાંછિત લક્ષ્ય હોવું જોઈએ.
Your Content Goes Here




