તમારા ભાગ્યાના નિર્માતા બનો

उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन:॥

મનુષ્યે આત્મા—શરીર, મન અને ઇન્દ્રિયો—દ્વારા (એ બધાંના સંયમ દ્વારા) પોતાનો ઉદ્ધાર કરવો. પણ આત્માને નીચી પાયરીએ ન લઈ જવો. આ રીતે આત્માના—પોતાના ઉદ્ધાર અને અધોગતિ માટે પોતે જ પોતાનો બંધુ અને પોતે જ પોતાનો શત્રુ છે. (૬.૫)

માનવી પ્રકૃતિની સાથે ઝઘડવાનું અને યુદ્ધ કરવાનું શરૂ કરે છે; તે ઘણી ભૂલો કરે છે, તેને સહન કરવું પડે છે, પરંતુ આખરે તે પ્રકૃતિ ઉપર વિજય પામે છે અને પોતાની મુક્તિનો સાક્ષાત્કાર કરે છે. તે જ્યારે મુક્ત બને છે ત્યારે પ્રકૃતિ તેની ગુલામ બને છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૪.૪૯૦)

તમારા દિવ્ય સ્વરૂપને યાદ રાખો

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक:।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत:॥

આ (આત્મા)ને શસ્ત્રો કાપતાં નથી, અગ્નિ બાળતો નથી; વળી આને પાણી ભીંજવતું નથી; વાયુ સૂકવતો નથી. (૨.૨૩)

દરેકની પશ્ચાદ્‌ભૂમિકા, દરેકનું સત્ય તો તે જ શાશ્વત, સદા આનંદમય, નિત્ય શુદ્ધ, નિત્ય પૂર્ણ તત્ત્વ છે – અને તે આત્મા છે. સંતમાં અને પાપીમાં, સુખી તેમજ દુઃખી માનવીમાં, સુંદરમાં અને કુરૂપમાં, માનવમાં અને પશુમાં, સર્વત્ર એ એક જ આત્મા રહેલો છે. તે જ્યોતિર્મય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૨.૩૯૯)

કાર્ય કરો પણ અનાસક્તપણે

ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति य:।
लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा॥

જે માણસ બધાં કર્મોને બ્રહ્મમાં અર્પણ કરીને અને આસક્તિને છોડીને કર્મ કરે છે, તે જળમાં કમળપત્રની પેઠે લેપાતો નથી. (૫.૧૦)

જેવી રીતે જળ કમળપત્રને ભીંજવી શકતું નથી, તેવી રીતે નિઃસ્વાર્થ માનવને કાર્ય તેના ફળ સાથે જોડી દઈ શકતું નથી. નિઃસ્વાર્થ અને અનાસક્ત માનવ ગીચોગીચ અને પાપથી ભરેલા શહેરની વચ્ચે રહે તોપણ પાપનો એને સ્પર્શ થતો નથી. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૯૦)

ઈશ્વર-કેન્દ્રિત જીવન જીવો

मन्मना मद्भक्तो मद्याजी मां नमस्कुरु।
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायण:॥

મારામાં મનવાળો, મારો ભક્ત, મને પૂજનારો તું થા અને મને પ્રણામ કર. એ રીતે મારામાં પોતાને જોડી દઈ, મારા પરાયણ થઈને તું મને જ પામીશ. (૯.૩૪)

પાપના ભય દરમિયાન ‘મારા પ્રભુ, મારા પ્રિય’ એમ જપો! મૃત્યુનાં દુઃખ દરમિયાન ‘પ્રભુ, પ્રભુ’ રટો! પૃથ્વી પરનાં બધાં પાપના ભય વેળા ‘પ્રભુ, મારા પ્રિય’ એમ પુકારો! (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૬.૨૧૭)

સર્વ કોઈ માટે આશા છે

अपि चेदसि पापेभ्य: सर्वेभ्य: पापकृत्तम:।
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि॥

જો તું બધા પાપીઓ કરતાંય વધારે પાપ આચરનારો હોઈશ તોપણ જ્ઞાનરૂપી નાવ વડે સર્વ પાપસાગરને સારી રીતે પાર કરી જઈશ. (૪.૩૬)

માણસ ભલે ગમે તેટલો પતિત બની નીચે ગયો હોય, પરંતુ એક એવો કાળ જરૂર આવશે જ્યારે તે કેવળ નિરુપાય થઈને પણ ઉચ્ચ માર્ગ ગ્રહણ કરશે અને પોતાનામાં શ્રદ્ધા રાખતાં શીખશે. પરંતુ આપણે જો પ્રથમથી જ એ જાણીએ તો વધુ સારું. આપણને પોતાનામાં શ્રદ્ધા જન્મે એટલા ખાતર આ બધા કડવા અનુભવો શા માટે લેવા જોઈએ? આપણે જોઈ શકીએ છીએ કે માણસ માણસ વચ્ચે જે કંઈ તફાવત છે તે તેની જાત વિશેની શ્રદ્ધાની હાજરી અથવા ગેરહાજરીને લીધે છે. આત્મશ્રદ્ધા સર્વ કંઈ કરશે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૨.૪૪૮)

સ્થિર મનનું સામર્થ્ય

शक्नोतीहैव य: सोढुं प्राक्शरीरविमोक्षणात्।
कामक्रोधोद्भवं वेगं स युक्त: स सुखी नर:॥

શરીર છૂટ્યા પહેલાં અહીં જ જે કામ-ક્રોધજન્ય વેગને સહેવા સમર્થ છે, તે યોગી છે અને તે જ સુખી છે. (૫.૨૩)

પોતાનાં આંતરિક બળોને એ અંકુશમાં રાખી શકશે અને કોઈ વસ્તુ તેને એના એ અંકુશમાંથી એની ઇચ્છા વિરુદ્ધ બહાર લાવવા સમર્થ નહીં બને. શુભ વિચારના આવા સતત પરાવર્તનથી, શુભ કરવાની વૃત્તિ પ્રબળ બને છે… આવો માણસ હંમેશાં સલામત છે, એ કશું અશુભ કરી જ ન શકે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૮૫)

ધ્યાનનો આદર્શ

यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता।
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मन:॥

જેમ વાયુરહિત સ્થાનમાં રહેલ દીવાની જ્યોત હાલતી-ડોલતી નથી, (તેમ યોગીનું મન અડગ રહે છે.) એ તુલના આત્માને યોગમાં જોડનારા યોગીના વશમાં રહેલા મનની કરી છે. (૬.૧૯)

હૃદયની અંદરમાં એક અવકાશની કલ્પના કરો અને એ અવકાશની મધ્યમાં એક અગ્નિશિખા બળી રહી છે એવી કલ્પના કરો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૨૦૯)

જીવનનો આધ્યાત્મિક આધાર

आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन।
सुखं वा यदि वा दु:खं स योगी परमो मत:॥

હે અર્જુન, જે મનુષ્ય સર્વે પ્રાણીઓમાં પોતાની જ પેઠે સુખ કે દુઃખને સમાન ગણે છે, તેને ઉત્તમ યોગી માનવામાં આવ્યો છે. (૬.૩૨)

જો તમને માનવ ચહેરામાં ઈશ્વર ન દેખાય તો તમે તેને વાદળમાં કે અચેતન જડદ્રવ્યની મૂર્તિઓમાં કે તમારા મગજની કાલ્પનિક કથાઓમાં શી રીતે જોઈ શકવાના?… જ્યારે તમે માણસને ઈશ્વરરૂપે જોશો ત્યારે દરેક વસ્તુ, વાઘ સુધ્ધાં, પ્રિય પ્રાણી બની જશે. જે કાંઈ તમારી સામે દેખાય- તમારી સન્મુખ આવે તે કેવળ નિત્ય આનંદમય ઈશ્વર જ છે; આપણને તે પિતા, માતા, મિત્ર, સંતાન વગેરે વિવિધરૂપે દેખાઈ રહ્યો છે; એ સર્વ રૂપે આપણો જ આત્મા આપણી સાથે ખેલી રહ્યો છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૨.૪૭૪)

મધ્યમ-માર્ગનો સિદ્ધાંત

युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दु:खहा॥

પરંતુ, યોગ્ય પ્રમાણમાં આહાર-વિહાર કરનારને, યથાયોગ્ય રીતે કર્મોમાં પ્રયત્ન કરનારને, તેમજ યથાયોગ્ય રીતે ઊંઘનાર-જાગનારને આ દુઃખનાશક યોગ (સિદ્ધ) થાય છે. (૬.૧૭)

સ્થિતપ્રજ્ઞ, શાંત, વિચારશીલ, સદ્‌ભાવી અને પ્રેમાળ માણસો જ જગતમાં સારું કામ કરી શકે છે અને તેમાં તેમનું પણ કલ્યાણ થાય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૫૪)

ભક્તિમાર્ગની સરળતા

पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति।
तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मन:॥

જે મને પત્ર, પુષ્પ, ફળ કે જળ ભક્તિથી આપે છે, તે શુદ્ધ મનવાળાનું ભક્તિપૂર્વક આપેલું હું સ્વીકારું છું. (૯.૨૬)

હે વનમાળી! તારે માટે તો પુષ્પનું આખું વિશ્વ ખીલે છે, પણ તું કૃપા કરીને મારાં આ સાદાં ફૂલો સ્વીકારજે. હે વિશ્વના પોષક! તું તો અખિલ વિશ્વને ખવરાવે છે, પણ તું દયા લાવીને મારું આ નજીવું નૈવેદ્ય ગ્રહણ કરજે. હું તો અબળા છું, અજ્ઞાની છું. ઓ મારા પ્રભુ, મારા ગોપાળ, મારા બાલ! તારી સેવા કેમ કરવી તે હું જાણતી નથી. એટલું જ માગું છું કે મારી ભક્તિ શુદ્ધ હો, તારે માટેનો મારો પ્રેમ નિઃસ્વાર્થ હો! આ ઉપાસનાનું જો કંઈ પુણ્ય હોય તો તે તારું જ થાઓ! મને તો માત્ર કશા બદલાની આશા વિનાનો, પ્રેમ સિવાય જે કંઈ બીજું માગતો નથી એવો, નિર્મળ પ્રેમ આપજે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૨૨૮)

સમતાનું અમલીકરણ

योगस्थ: कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय।
सिद्ध्यसिद्ध्यो: समो भूत्वा समत्वं योग उच्यते॥

હે ધનંજય, તું યોગમાં સ્થિર થઈ, ફલાશાને ત્યાગીને સિદ્ધિ-અસિદ્ધિમાં સમાનભાવે કર્મો કર. સમત્વ જ યોગ કહેવાય. (૨.૪૮)

નિઃસ્વાર્થ માનવને કાર્ય તેના ફળ સાથે જોડી દઈ શકતું નથી. નિઃસ્વાર્થ અને અનાસક્ત માનવ ગીચોગીચ અને પાપથી ભરેલા શહેરની વચ્ચે રહે તોપણ પાપનો એને સ્પર્શ થતો નથી. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૯૦)

પૂર્ણતાનો પથ

वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिता:।
बहवोज्ञानतपसा पूता मद्भावमागता:॥

આસક્તિ, ભય અને ક્રોધથી રહિત, મારામાં એકરૂપ થયેલા, અને મારો આશરો લેનારા ઘણાય મનુષ્યો જ્ઞાનરૂપી તપથી પવિત્ર થઈને મારું સ્વરૂપ પામ્યા છે. (૪.૧૦)

શુભનો માર્ગ વિશ્વમાં ઘણો જ કઠિન અને આકરા સીધા ચડાણવાળો છે. આટલા બધા સફળ થાય છે તે જ આશ્ચર્ય છે; અનેક નિષ્ફળ જાય છે તેમાં કંઈ જ આશ્ચર્ય નથી. હજારો ઠોકરો ખાઈને ચારિત્રને દૃઢ કરવાનું છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા,૭.૭૪)

એક ગંતવ્ય સ્થાન, અનેક પથ

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्।
मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश:॥

હે પાર્થ, જે લોકો જેવી રીતે મને ભજે છે, તેમને તેવી જ રીતે હું ભજું છું—અનુગૃહીત કરું છું. કારણ કે બધા મનુષ્યો બધી રીતે મારા માર્ગને જ અનુસરે છે. (૪.૧૧)

જેમ જુદાં જુદાં સ્થળેથી નીકળતાં અનેક નદીઓનાં વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે તેમ, ઓ પ્રભુ! જુદાં જુદાં માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મમાર્ગો ગમે તેવા ભિન્ન હોય, સરલ યા અટપટા હોય, તોપણ અંતે તો એ બધા તારા પ્રત્યે જ લઈ જાય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૪)

ચિરકાલીન હૈયાધારણ

अनन्याश्चिन्तयन्तो मां ये जना: पर्युपासते।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्॥

જે મનુષ્યો એકનિષ્ઠભાવે મારું ચિંતન કરતાં કરતાં મને ઉપાસે છે, તેવા સર્વદા મારામાં જોડાયેલાઓનાં યોગ અને ક્ષેમનું રક્ષણ કરું છું. (૯.૨૨)

ઈશ્વર અને તેના પ્રત્યેના તમારા પ્રેમની વચ્ચે કંઈ પણ આડે ન આવવા દો. તમે ઈશ્વરને ચાહો, ઈશ્વરને ચાહો, બસ, ઈશ્વરને જ ચાહો; દુનિયા જેમ ઠીક પડે તેમ ભલે કહ્યા કરે…

દિવસ અને રાત ઈશ્વરનું જ ચિંતન કરો અને શક્ય હોય ત્યાં સુધી બીજી કોઈ બાબતનો વિચાર જ ન કરો. રોજના આવશ્યક વિચારો બધા ઈશ્વર દ્વારા વિચારી શકાય; તેને અર્પણ કરીને ખાઓ, તેને અર્પણ કરીને પીઓ, તેને શયન આપીને નિદ્રા કરો, બધામાં તેનું દર્શન કરો; બીજા પાસે ઈશ્વરની વાતો કરો. આ ઘણું જ કલ્યાણકારી છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૩.૨૫૧-૫૨)

પરમાત્મા પરમોચ્ચ છે

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच:॥

બધા ધર્મો છોડીને તું મારે એકને જ શરણે આવ. હું તને બધાં પાપોમાંથી મુક્ત કરીશ, માટે શોક કરીશ નહિ. (૧૮.૬૬)

જેણે સર્વ આસક્તિનો, સર્વ ભયનો અને સર્વ ક્રોધનો પરિત્યાગ કર્યો છે, જેનો સમગ્ર અંતરાત્મા ઈશ્વરમાં મગ્ન થયો છે, જેણે ઈશ્વરનું શરણ લીધું છે, જેનું હૃદય પવિત્ર થયું છે, તે ગમે તે ઇચ્છા લઈને ઈશ્વર પાસે જશે, તોપણ ઈશ્વર તે પૂર્ણ કરશે. માટે જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા અથવા ત્યાગ દ્વારા ઈશ્વરની ઉપાસના કરો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૨૧)

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.