ભગવાન પોતે ભક્તના લહિયા બને છે

૧. પંઢરપુરમાં નામદેવના ઘરે ભગવાન પાંડુરંગના ગુણસંકીર્તન હંમેશાં રાતદિવસ થતાં રહેતાં. જનાબાઈ ભગવાન પાંડુરંગની સેવાપૂજા કરતાં અને ઘરે આવતાં ભાવિકભક્તોની પણ સારસંભાળ લેતાં.

૨. ભગવાન પાંડુરંગના મંદિરમાં ભક્તો અને સંગીતકારો ભગવાનનું પવિત્ર નામ સ્મરણ કરતા અને નૃત્ય પણ કરતા. જનાબાઈ પણ આ નામસ્મરણ અને નૃત્યમાં ભાવભક્તિથી જોડાતાં.

૩. એક રાત્રે જનાબાઈ સંગીતકારો અને ભક્તો માટે ભોજન તૈયાર કરવા મંદિરમાંથી ઘરે દોડી ગયા.

– તેણે ઘરે પહોંચી અને જોયું તો પોતાનાં પાડોશણ ચૂલા પાસે રાખેલાં છાણાં લઈ ગયાં હતાં.

– અરે બહેન! મારાં છાણાં મને આપો.

– અરે! મેં તો લીધાં જ નથી.

૪. ઝઘડો થયો. એવામાં નામદેવ આવ્યા અને ગુસ્સે થયેલ જનાબાઈને જોઈને નામદેવ તો અવાક્ બની ગયા.

– અરે, જના! આવાં છાણાં માટે તું લડે છે!

– અરે, પિતાજી! ભક્તોનું ભોજન બનાવવા મેં છાણાં રાખ્યાં હતાં. મને એ ચિંતા છે કે ભક્તોને ભોજનમાં મોડું થશે.

૫. અરે! બહેન, મેં તમારાં છાણાં લીધાં જ નથી.

– અરે! તેં જ છાણાં લીધાં હશે! સાબિત કરી દઉં!

– અરે, જના! તું શું બોલે છે? આવી તારી છાણાની વાતને કેવી રીતે સાબિત કરીશ?

– પિતાજી, હું કરી બતાવીશ.

૬. પાડોશીના ઘરેથી બધાં છાણાં લાવીને નામદેવના ઘરે રાખ્યાં.

– હે પ્રભુ પાંડુરંગ! હે કૃપાળુ પ્રભુ! ભક્તોની સેવા કરતા, એમના કપડાં ધોતાં અને આ છાણાં થાપતાં જો મેં ‘વિઠ્ઠલ’ ‘વિઠ્ઠલ’ એવો જપ કર્યો હોય તો આજે એ પુરવાર કરી બતાવો.

૭. જનાબાઈએ એક પછી એક છાણાં જમીન પર નાખ્યાં. એમના થાપેલ છાણાં પડતાં વેંત ‘વિઠ્ઠલ’ ‘વિઠ્ઠલ’ બોલી ઊઠ્યાં. બીજા છાણાંનો પડતી વખતે ધબ એટલો જ અવાજ થયો.

– ‘વિઠ્ઠલ’ ‘વિઠ્ઠલ’

૮. નામદેવ અને બીજા તો મંત્રમુગ્ધ બની ગયા.

– અરે! કેવી નવાઈ! જનાબાઈના છાણાં તો વિઠ્ઠલનું નામ ઉચ્ચારે છે.

– જય પાંડુરંગ! જય વિઠ્ઠલ પ્રભુ!

૯. અવારનવાર જનાબાઈ પ્રભુની અને એના ભક્તોની સેવામાં મગ્ન રહેતાં. વળી ક્યારેક તેઓ રાધાભાવે પાંડુરંગનાં મધુર ગીતો – અભંગ પણ ગાતાં.

૧૦. એક દિવસ પંઢરપુરના મંદિરમાં ભગવાન પાંડુરંગ કંઈક લખતા હતા. એ વખતે મહાન ભક્ત જ્ઞાનેશ્વર એમને મળવા અને ચર્ચા કરવા આવ્યા.

૧૧. જેવા પાંડુરંગે જ્ઞાનેશ્વરને જોયા કે એણે તાલપત્ર અને કલમ સંતાડી દીધાં. જ્ઞાનેશ્વરે આ જોયું. એમને લાગ્યું કે હવે ભગવાનને મારામાં વિશ્વાસ નથી.

૧૨. જ્ઞાનેશ્વર, આવો. કેમ તમારું મોં ઝંખવાણું છે?

– પ્રભુ આપે જ ગીતામાં કહ્યું છે કે જ્ઞાની ભક્ત આપને સૌથી પ્રિય છે અને પોતાના પ્રિય પાત્રથી કોઈ કાંઈ છુપાવે ખરું?

૧૩. તો તમે આ તાલપત્ર છુપાવતા મને જોયો! એ કંઈ ગંભીર નથી. તમે અને નામદેવ શિષ્યો ધરાવો છો. તમે જે અભંગ રચો એ તેઓ લખવાના. પણ જનાને તો એના અભંગ લખનારું કોઈ નથી. તેઓ તો મારી અને ભક્તોની સેવામાં જ લાગ્યાં રહે છે. એટલે મારે લખવું પડ્યું. તમારા અતિ ભક્તિભાવને લીધે જનાબાઈ મારા પર બોજો નાખે છે એવું લાગે. એટલે મેં એ સંતાડી દીધાં. 

૧૪. હે પ્રભુ! એ સંતાડવાનું કારણ હું જાણતો ન હતો. તમારા દાસના દાસ પ્રત્યેની તમારી કરુણાને કેવી રીતે જાણવી કે કહેવી! જનાબાઈ પર તમારી કેવી કૃપા! પ્રભુ! આવો અધિકાર કોને મળે?

૧૫. પ્રેમ ભક્તિ તો એવું દોરડું છે કે જે સચ્ચિદાનંદ, અનંત પ્રભુને પણ બાંધી દે અને તે ભક્તના હાથમાં છે. એમ કહી શકાય કે પ્રભુ તો ભક્તની પકડમાં જ છે. જ્યારે તે એમને પોકારે ત્યારે તેઓ આવે છે.

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.