(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્‌સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્‌જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને લગતાં ૨૦ સંશોધનાત્મક પુસ્તકો પણ લખ્યાં હતાં. આ લેખ તેમના પુસ્તક ‘ઇતિહાસ, સમાજ અને સાહિત્યમાં ગુજરાત’માંથી લઈ તેમની સંમતિથી પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. – સં.)

(ગતાંકથી આગળ)

વિવેકાનંદ બ્રાહ્મણ નહીં પણ ક્ષત્રિય ગણાય તેવી કાયસ્થ જ્ઞાતિમાં જન્મ્યા હતા. વિવેકાનંદે હરિદાસને લખેલા અનેક પત્રોમાં તેમને ‘મારા પિતાતુલ્ય દીવાનજી’ તરીકે સંબોધ્યા છે. વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા ગયેલા પ્રખર બ્રાહ્મસમાજી પ્રતાપચંદ્ર મજુમદાર અને પંડિતા રમાબાઈની શિષ્યા સારાબાઈએ જ્યારે વિવેકાનંદનો ‘વેશધારી’ સંન્યાસી તરીકે પ્રચાર શરૂ કર્યો ત્યારે પરિષદના આયોજકોને પત્રો લખીને વિવેકાનંદને અત્યંત તેજસ્વી અને પ્રામાણિક માણસ તરીકે બિરદાવનાર હરિદાસ દેસાઈ હતા.[1]

વિવેકાનંદનાં અમેરિકા અને યુરોપ જતાં પહેલાંનાં અને ત્યાર પછીનાં લખાણો અને અભિગમોને સરખાવવાથી એમ જણાય છે કે તેમણે વિદેશ જતાં પહેલાં હિંદુ ધર્મને પ્રેમ, શાંતિ અને અન્ય ધર્મો પ્રત્યે સદ્‌ભાવ રાખનાર જગતના એક મહાન ધર્મ તરીકે ફેલાવ્યો હતો. પણ વિદેશ યાત્રાઓ દરમિયાન અને ત્યાર પછી તેમણે તેને લડાયક ગણી શકાય તેવો મર્દાનગીનો ઢોળ ચઢાવવાના પ્રયાસો કર્યા.

તેમણે ૧૮૯૧માં રાજસ્થાનના અલ્વર અને ખેતડીમાં જાહેર કર્યું હતું કે હું તો સંન્યાસી હોવાથી તમારી સામાજિક રીતરસમોથી પર છું. હું મુસલમાનો તથા ભંગી લોકો સાથે જમું છું. મને ઈશ્વર કે શાસ્ત્રોનો ડર નથી કારણ કે તે મારી સાથે સંમત છે.[2] આ રીતે તેમણે વેદાંતના અભેદ માર્ગને વ્યવહારલક્ષી બનાવ્યો હતો. પરંતુ તેની સાથે સાથે વિવેકાનંદે હવે હિંદુ ધર્મની મર્યાદાઓ પર ઢાંકપિછોડો કરીને યુરોપ-અમેરિકામાં તેને ‘સર્વશ્રેષ્ઠ’ સિદ્ધ કરવાના પ્રયાસો કર્યા. તેમણે ઘોષણા કરી: ‘જુઓ, અમે મુસલમાનો અને ખ્રિસ્તીઓની જેમ કોઈને ગુલામ બનાવ્યા નથી, કોઈનું લોહી રેડ્યું નથી, અને કોઈને વટલાવ્યા નથી.’ જો કે તેની સાથે સાથે તેમણે મુસ્લિમ સહિત હિંદની તમામ કોમોના નવયુવાનો અને નવયુવતીઓમાં સ્વદેશપ્રેમનો સંચાર કરવા ‘લોખંડ જેવા મજબૂત બાહુ અને મનોબળ’ કેળવવાની શિખામણ આપી. તેમની કલ્પના હિંદુ રાષ્ટ્રની હોવા છતાં તેઓ કોઈ સંકુચિત કે ઝનૂની કોમવાદી ન હતા. તેના ઉદાહરણ તરીકે તેમણે અમેરિકાથી હરિદાસ દેસાઈને લખેલા એક પત્રને ટાંકીશું.

Why amongst the poor in India….

‘હિંદમાં વસતા ગરીબોમાં મુસલમાનો કયાં કારણોસર વધારે સંખ્યામાં છે? હિંદુઓને તેમણે માત્ર તલવારને જોરે જ વટલાવ્યા હતા તેમ કહેવું તે તો નરી મૂર્ખાઈ છે… પાશવી (હિંદુ) જમીનદારો અને ધર્મગુરુઓના ત્રાસમાંથી મુક્ત થવા માટે હિંદુઓએ ધર્મપરિવર્તન કર્યું હતું. તેને લીધે જ આજે બંગાળમાં હિંદુ કરતાં મુસલમાન ખેડૂતોની સંખ્યા વધારે છે. લાખોની સંખ્યા ધરાવતા નિસ્તેજ અને બેહાલ હિંદુ અને મુસલમાન ખેડૂતોનું કલ્યાણ કરવાની આજે કોને પરવા છે? રાષ્ટ્ર કાંઈ હજારેક ગ્રેજ્યુએટો અને અમીરોથી નથી રચાતું. આપણા દેશમાં તકો ઓછી છે તે સાચું, પણ એ વાત પણ સાચી છે કે દેશના ૩૦ કરોડ મનુષ્યોને અન્ન અને વસ્ત્ર પૂરું પાડી શકે તેટલું ઉત્પાદન આ દેશમાં થાય છે? આપણી ૯૦ ટકા વસ્તી અભણ હોવા છતાં તેમને વિશે કહેવાતા રાષ્ટ્રભક્તોએ, બાબુઓએ કદી ચિંતા કરી છે?[3]

આ તો થઈ ખાનગી પત્રમાં ‘અંદર’ની વાત. પરંતુ વિવેકાનંદે વિદેશોમાં હિંદુ ધર્મનો પ્રચાર કરતાં કરતાં જ્ઞાતિ-બંધનો અને વિધવાઓ ઉપરના અત્યાચારો વિશેની વાતો સભાનપણે ટાળી હતી.

આમ છતાં પંડિતા રમાબાઈના (૧૮૫૮-૧૯૨૨)શિષ્યોએ તેમનો પીછો ન છોડ્યો! તેમણે સ્વામી અને તેમના શિષ્યો સાથે જાહેર સંવાદમાં કહ્યું કે ‘તમે આપણા સમાજની રીતરસમોથી અજાણ અમેરિકનો સમક્ષ પ્રચાર કરો છો કે હિંદુ વિધવાઓ પર અત્યાચાર થતા નથી અને તેમને તો મિલકત ધારણ કરવાનો પણ અધિકાર છે’ – આ વાતમાં કેટલું તથ્ય છે? પણ વિવેકાનંદે આ પ્રસંગે તર્કયુક્ત દલીલ કરી કે વિધવાઓ પ્રાચીન પરંપરાઓ અનુસાર ત્યાગવૃત્તિ ધારણ કરીને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે છે. વળી વિધવાઓએ તો હવે સમાજસેવિકા તરીકે પણ ભૂમિકા અદા કરવાની છે.[4]

સ્વામી વિવેકાનંદ આવા પ્રશ્નોનો સંતોષકારક રીતે ખુલાસો કરી શક્યા નહીં તેથી તેમણે દીવાન હરિદાસ દેસાઈને અકળાઈ જઈને લખ્યું કે અમેરિકામાં મારી આબરૂ ઘણી છે. હું અમેરિકનોને હિંદુ ધર્મનું સ્પિરિચ્યુઆલિઝમ આપું છું, અને તેના બદલામાં મારા ભાવી રામકૃષ્ણ આશ્રમ અને બેલુર મઠ માટે વ્યાખ્યાનો દ્વારા ફંડફાળા એકઠા કરું છું. આમ છતાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મારી સામેના જૂઠા પ્રચારોને લીધે ફંડફાળામાં ઘટાડો થયો છે. આવી નાજુક પરિસ્થિતિ વખતે પણ હિંદ અને હિંદની બહાર એક પણ હિંદુએ મારી પ્રામાણિકતા વિશે એક હરફ પણ ઉચ્ચાર્યો નથી.’[5]

હરિદાસે આવા સંજોગોમાં પત્રો લખીને વગદાર અમેરિકનોને જણાવ્યું હતું કે વિવેકાનંદ પારદર્શક પ્રામાણિકતા ધરાવતા તેજસ્વી સંન્યાસી છે. વિવેકાનંદે તેમનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો.

વિવેકાનંદ વિચક્ષણ હોવાથી ‘અંદરથી’ તો બધુંયે જાણતા હતા! પણ સાફ શબ્દોમાં કહીએ તો પોતાની માને ‘કાણી કોણ કહે?’ આમ છતાં ખાનગીમાં તો તેઓ અંદરની વ્યથા ભારે આક્રોશપૂર્વક વ્યક્ત કરતા હતા. તેમણે એક પ્રસંગે પોતાના બંગાળી શિષ્યને લખ્યું હતું: ‘પક્ષીની જેમ મુક્ત રીતે હરતીફરતી અને સમાજજીવન સાથે ઓતપ્રોત થયેલી અમેરિકન મહિલાઓ જુઓ અને બીજી તરફ બાર-ચૌદ વરસે માતૃત્વ ધારણ કરતી આપણી બાળાઓ જુઓ.’

તેમણે ઉમેર્યું હતું: ‘We are horrible sinners, and our degradation is due to our calling women’ ‘despicable worms’ and ‘gateways to hell.’[6]

હરિદાસ દેસાઈને તેમણે શિકાગોથી તા. ૧૫-૧૧-૧૮૯૪ના રોજ લખેલ પત્રમાં અમેરિકાની પ્રશંસા કરતાં લખ્યું હતું કે ‘અમેરિકા પૃથ્વી પરનું સ્વર્ગ છે. આ દેશમાં કોઈ ગરીબ નથી અને સ્ત્રીસન્માનની ભાવના તો અજોડ છે.’

પરંતુ ૧૯મા સૈકાના છેલ્લા દાયકા દરમિયાન અમેરિકાના ગરીબોની કફોડી સ્થિતિનું વાસ્તવિક દર્શન સ્વામી કરી શક્યા ન હતા. અત્રે ખાસ યાદ રહે કે તે સમયે તો વિલિયમ વેન્ડરબિલ્ટ, રોકફેલર, યુપોન્ટ અને હેન્રી ફોર્ડ જેવા ઉદ્યોગપતિઓ ગળાકાપ સ્પર્ધા દ્વારા ઝડપી ઔદ્યોગિક વિકાસ કરી રહ્યા હતા. તેમણે સામાજિક ડાર્વિનવાદના સિદ્ધાંત (survival of the fittest) દ્વારા ગરીબો અને મજૂરોનું શોષણ વ્યવસ્થિત રીતે કર્યું હતું. આવા સંજોગોમાં પિટ્સબર્ગની પોલાદની ખાણોમાં કામ કરતા મજૂરોએ તેમજ રેલવેના મજૂરોએ કરેલાં આંદોલનોને ઉદ્યોગપતિઓએ સરકારની મદદથી કચડી નાખ્યાં હતાં.

સરકાર ઉપર તેમનું જબરું પ્રભુત્વ હતું અને તે એટલે સુધી કે સેમ્યુઅલ ગોમ્પર્સના (૧૮૫૦-૧૯૨૪) નેતૃત્વ નીચે દસ લાખ મજૂરોના બનેલા ‘અમેરિકન ફેડરેશન ઑફ લેબરે’ ૧૮૯૨માં પાડેલી હડતાલો પણ રાજ્ય અને ઉદ્યોગપતિઓની બેલડીએ કચડી નાખી હતી.[7]

આવા સંજોગોમાં વિવેકાનંદે પોતાના ગુરુની સ્પિરિચ્યુઅલ અનુભૂતિઓનું રૂપાંતર માનવતાવાદી એથિક્સમાં કરીને જે વ્યાખ્યાનો આપ્યાં તેણે લાખો અમેરિકન ગરીબો અને મજૂરોનાં ધ્યાન મટિરિયાલિઝમનાં દૂષણો તરફ દોર્યાં હતાં. જો કે સ્વામી પોતે તો ૧૮૮૦ પછીનાં અમેરિકન મજૂર આંદોલનોથી અપરિચિત હતા. આમ છતાં તેઓ આ રીતે પણ હિંદુ ધર્મની છબી ઉપસાવવામાં સફળ થયા હતા.

બીજી તરફ વિવેકાનંદે તે જ સમયે બ્રાહ્મણો અને બ્રાહ્મણવાદની ઘોર ટીકા કરતાં હરિદાસને લખ્યું હતું કે ‘આજના બ્રાહ્મણો તો શું પણ તેમની ૪૦૦ પેઢીઓથી પણ તેમણે વેદના ગ્રંથને સ્પર્શ પણ કર્યો નથી. બ્રાહ્મણવાદના પ્રપંચને લીધે જ દેશનું સત્યાનાશ વળી ગયું છે.’ વિવેકાનંદે ઉમેર્યું હતું કે ‘પૂર્વ અને પશ્ચિમ વચ્ચે તફાવત એ જ છે કે પશ્ચિમી દેશો રાષ્ટ્ર છે, આપણે રાષ્ટ્ર નથી. અમેરિકાએ વિકસાવેલી શિક્ષણ પદ્ધતિ વિશાળ જનસમુદાય સુધી પહોંચી શકી છે, જ્યારે આપણો ઉચ્ચ શિક્ષણ પામેલો બાબુવર્ગ અભણ અને નિરક્ષર પ્રજાને શિક્ષિત કરવાની દૃષ્ટિએ તદ્દન નિઃસ્પૃહ છે. હું મારા દેશથી ભારે લજ્જિત છું.’[8]

પરંતુ વિવેકાનંદનો આત્મવિશ્વાસ પણ ગજબનો હતો. હકીકતમાં તો તેમનો પુણ્યપ્રકોપ તીવ્ર રાષ્ટ્રભક્તિના જ પરિણામસ્વરૂપ હતો. તેમણે હરિદાસને લખ્યું:

‘મારો જન્મ સેંકડો નવયુવાનોને પ્રત્યેક નગરમાં સંગઠિત કરવા માટે થયો છે. હું તે કરીશ અથવા તો મૃત્યુ પસંદ કરીશ, કારણ કે હિંદુસ્તાન! તારા અનેક દોષો હોવા છતાં હું તને જ વધારે ચાહું છું.’[9]

વિવેકાનંદે અમેરિકનો ઉપરાંત રશિયન અરાજકતાવાદી પીટર ક્રોપોટકિન (૧૮૪૦-૧૯૨૧) સાથે પણ ચર્ચાઓ કરી હતી. તેની વિચારસરણીથી તેઓ પ્રભાવિત થયા હતા. તેથી તેમણે હવે કહ્યું: ‘હું સમાજવાદી છું.’[10] વાસ્તવમાં તો તેઓ સેન્ટ સિમોન અને કુરિવેની જેમ યુટોપિયન સમાજવાદથી વધારે પ્રભાવિત થયા હતા. તેથી જ તેમણે શૂદ્રોની ક્રાંતિની કલ્પના કરતાં હિંદીઓને ચેતવણી આપતાં જાહેર કર્યું:

‘Forget not that…’

એ ન ભૂલીશ કે મોચી અને ઝાડુ વાળનાર સહિત નીચલા વર્ણના લોકો તારા જ હાડમાંસનો જ એક હિસ્સો છે; તેઓ તારા બંધુઓ છે.’

જો કે જ્યોતિરાવ ફૂલે અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના અપવાદોને બાદ કરતાં ગાંધીજી પહેલાંના સાંસ્થાનિક ભારત અને ગુજરાતના ઢાંચામાં આ પ્રકારના ભાઈચારાની ઝુંબેશ શક્ય જ ન હતી. પરંતુ, નવાઈની વાત એ છે કે સ્વામી વિવેકાનંદે પશ્ચિમાભિમુખ લિબરલ સુધારાનો વિરોધ પણ ચાલુ રાખ્યો. તેમણે કચડાયેલા વર્ગ (subaltern)નો પક્ષ લેતી વખતે પણ, હિંદુ ધર્મના તારમાંથી જ હિંદુત્વથી લઈને જેને ‘લિબરલ’ કહી શકાય તેવા તાર ખેંચવાનો આગ્રહ ચાલુ રાખ્યો. તેથી જ અંદરથી તેમણે પશ્ચિમના વ્યક્તિવાદ અને શૈક્ષણિક પદ્ધતિને બિરદાવ્યાં, પણ જાહેરમાં તો ‘સીતા, સાવિત્રી અને દમયંતી’નું નવઘડતર કરેલું જોશીલું મોડેલ આપ્યું! પશ્ચિમનાં સાંસ્કૃતિક આક્રમણોનો મુકાબલો કરનાર આ તેજસ્વી સંન્યાસીની લાચારી હતી. ‘લાચારી’ એટલા માટે કે તેઓ યુરોપ-અમેરિકાના અનુભવો દ્વારા જાણતા હતા કે ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને પશ્ચિમની વિચારસરણી તથા પદ્ધતિઓ પોતાની રીતે અપનાવ્યા વગર બીજો વિકલ્પ ન હતો. વળી તેઓ દાદાભાઈ નવરોજી અને રોમેશચંદ્ર દત્ત જેવા આર્થિક રાષ્ટ્રવાદીઓનાં લખાણોથી પણ સુપરિચિત હતા.

વિવેકાનંદે બ્રિટિશ શાસનના આર્થિક શોષણની વાતો સભાનપણે ટાળી. વળી તેમણે પ્રાચીન ભારતમાં રાષ્ટ્રીયતા અને વ્યક્તિવાદને જોવાનો પ્રયાસ કર્યો. પરંતુ ‘રાજ્ય’ અને ‘રાષ્ટ્ર’ના ખ્યાલો તો પશ્ચિમે તેના આગવા ઐતિહાસિક અનુભવોમાંથી વિકસાવ્યા હતા! તે વિશે વિવેકાનંદ સભાન હતા. તેથી જ બહારથી તેમણે આ મુદ્દાને અવગણ્યો, પણ દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને તો લખ્યું જ કે ‘ભારતે વૈયક્તિક સ્વતંત્રતા અને રાષ્ટ્રીયતાની ભાવના તો યુરોપ-અમેરિકા પાસેથી જ શીખવાની છે. જ્યાં સુધી આ બાબતમાં બહુજનસમાજને કેળવીશું નહીં ત્યાં સુધી વેરવિખેર અને વિભાજિત પ્રદેશનું (territory) રૂપાંતર ‘રાષ્ટ્ર’માં થઈ શકશે નહીં. તેમણે ઉમેર્યું,

‘હિંદના જર્જરિત કલેવરમાં નવાં રાસાયણિક દ્રવ્યોનું સિંચન કરવાની આપણી મોટી ફરજ છે. જો આપણે સામાન્ય જનસમુદાય સુધી નવા વિચારો પહોંચાડીશું તો, તેઓ પોતાના પગ પર ઊભા થઈ જાય તેવી શક્તિ તેમનામાં છે.’

(ક્રમશઃ)

[1]     Letters

[2]     શ્રીરામકૃષ્ણ આશ્રમ, ‘સ્વામી વિવેકાનંદ જીવનચરિત્ર : સ્વામી વિવેકાનંદ શતાબ્દી ગ્રંથમાળા-૨* (રાજકોટ, ૧૯૬૨), પૃ. ૧૫૮-૧૬૩

[3]     Letters

[4]     Uma Chakravarti, Rewriting History: The Life and Times of Pandita Ramabai (New Delhi, 1998), pp. 325-335.

[5]     Letters

[6]     Ibid.

[7]     Howard Spodek, The World’s History Since lloo (New Jersey, 1872-1998), p. 518

[8]     Letters

[9]     Letters

[10]    Halbfass, op. cit., p. 233

Total Views: 7

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.