(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને લગતાં ૨૦ સંશોધનાત્મક પુસ્તકો પણ લખ્યાં હતાં. આ લેખ તેમના પુસ્તક ‘ઇતિહાસ, સમાજ અને સાહિત્યમાં ગુજરાત’માંથી તેમની સંમતિથી પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. – સં.)
(ગતાંકથી આગળ)
પરંતુ સાંસ્થાનિક યુગની બલિહારી જ એ હતી કે તેમણે કેટલાયે બૌદ્ધિકોના સુષુપ્ત મનમાં દ્વૈધવૃત્તિ (ambivalence)નો સંચાર કર્યો હતો. આ બાબતમાં જસવંતસિંહ અપવાદરૂપ હતા. તેથી જ તેમણે પોતાની અને પરાધીન ભારતની સ્વઓળખ માટે દક્ષિણામૂર્તિ, વિશ્વેશ્વરાનંદ, હરિહરાનંદ અને આત્માનંદ જેવા વેદાંતીઓને ખાસ નિમંત્રણો પાઠવ્યાં હતાં અને ત્યાર બાદ સ્વામી વિવેકાનંદનો લીંબડીમાં આદરસત્કાર કરીને તેમની સાથે ચર્ચાઓ કરી હતી. ૧૮૯૨ના મે માસમાં બન્ને મહાબળેશ્વર અને પૂનામાં લગભગ એક મહિનો સાથે રહ્યા હતા. વસનજી રાઘવજી જોશીએ ૧૮૯૬માં પ્રસિદ્ધ કરેલ ‘શ્રી યશવંત જીવનચરિત્ર’માં જસવંતસિંહની ડાયરીને આધારે લખ્યું છે કે તેઓ સ્વામી દયાનંદ સરસ્વતી કરતાં સ્વામી વિવેકાનંદથી વધારે પ્રભાવિત થયા હતા.[1]
વિવેકાનંદ અને જસવંતસિંહ વચ્ચે આર્થિક અને સામાજિક પ્રશ્નો પરત્વે ચર્ચાઓ થઈ હતી કે નહીં તે વિશે તેમની ડાયરી કે બીજે કશેથી માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. પરંતુ નવ્ય-વેદાંતી વિવેકાનંદની સૂઝોનો રાજ્યવહીવટની દૃષ્ટિએ પ્રભાવ પડ્યો હોય તે શક્ય છે. જસવંતસિંહે પોતાની ડાયરીમાં લખ્યું હતું કે પ્રાચીન હિંદુ અને આધુનિક પશ્ચિમની શૈક્ષણિક પદ્ધતિઓ વચ્ચેનો સમન્વય સાધીને હું કન્યા-કેળવણી સહિત શૈક્ષણિક સુધારા અપનાવી રહ્યો છું અને તે દેશોન્નતિનું પ્રથમ પગથિયું છે.[2]
વિવેકાનંદ ભાવનગર, કચ્છ અને પોરબંદરના રાજાઓ અને દીવાનો ઉપરાંત અન્ય ઉચ્ચ અમલદારોને પણ મળ્યા હતા. પણ શંકર પાંડુરંગ પંડિત અને હરિદાસ વિહારીદાસ સાથેનો તેમનો સંપર્ક વધારે મહત્ત્વનો હોવાથી માત્ર તેને વિશે જ ચર્ચા કરીશું.
શંકર પાંડુરંગ પંડિત (૧૮૪૦-૧૮૯૪) મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. અંગ્રેજી અને લેટિન સાથે મુંબઈ યુનિવર્સિટીની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ તેમણે સંસ્કૃત ભાષા અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કર્યો હતો અને ૧૮૭૪માં ઇંગ્લૅન્ડમાં યોજાયેલ ‘ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઑફ ઑરિયાલિસ્ટ્સ’માં ભાગ લઈને તથા ત્યાર બાદ ઇંગ્લેન્ડમાં વ્યાખ્યાનો આપીને વિદ્વાનોની ભારે પ્રશંસા હાંસલ કરી હતી.[3] તેઓ મુંબઈ અને પૂનાના પ્રાર્થના-સમાજના અગ્રેસર હતા અને બાળલગ્નો તથા જ્ઞાતિવાદ સામે ઝુંબેશ શરૂ કરી હતી.
વિવેકાનંદ જ્યારે તેમને મળ્યા તે સમયે તેઓ પોરબંદરના એડમિનિસ્ટ્રેટર હતા. વિવેકાનંદે જે ઉત્સાહથી શંકર પંડિતની પત્નીને રસગુલ્લાં સહિત બંગાળી વાનગીઓ શીખવી અને તેમનાં સંતાનોને તરતાં શીખવ્યું તે બતાવે છે કે વિવેકાનંદ તેમના કુટુંબના એક સભ્યરૂપ બની ગયા હતા. પંડિત અને વિવેકાનંદ વચ્ચે થયેલી ચર્ચા પરથી એમ લાગે છે કે બન્નેએ હિંદુ પરંપરાઓના આધુનિકીકરણની (modernization of tradition) દૃષ્ટિએ પ્રશ્નોની છણાવટ કરી હશે. તેમણે તેમના પુત્રતુલ્ય સંન્યાસીને સલાહ આપી હતી કે હિંદુસ્તાનમાં તમારી કદર નહીં થાય, તેના કરતાં તમે અમેરિકાનો પ્રવાસ ખેડીને હિંદુ ધર્મનું નામ રોશન કરી આવશો તો તેનાથી તમારી તેમજ દેશની કીર્તિ મોટા પ્રમાણમાં વધશે.
જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ (૧૮૪૦-૧૮૯૫) અને વિવેકાનંદ વચ્ચેનો સંબંધ તો ઘણો મહત્ત્વનો છે. તેમની વચ્ચે લાંબા સમય સુધી પત્રવ્યવહાર થયો હતો. હરિદાસ ગુજરાતની સાહસિક પાટીદાર જ્ઞાતિમાં નડિયાદમાં જન્મ્યા હતા. તેમના પૂર્વજો મુઘલ અને મરાઠા સમયમાં જમીનદાર હતા. ગુજરાતમાંથી સૌપ્રથમ ઇંગ્લૅન્ડ જનાર મહીપતરામ રૂપરામ (૧૮૬૦) નહીં, પણ હરિદાસના પૂર્વજ શામળદાસ દેસાઈ હતા. તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે કેસ લડવા ૧૫ જાન્યુઆરી, ૧૮૩૨ના રોજ ઇંગ્લૅન્ડ ગયા હતા અને જમીનદારીની સનદ મેળવીને ૨૮ જૂન, ૧૮૩૪ના રોજ સ્વદેશ પાછા ફર્યા હતા.[4] હરિદાસે પોતાના પૂર્વજોની પ્રતિષ્ઠા આગળ વધારી. અમદાવાદની અંગ્રેજી હાઇસ્કૂલ અને ત્યાર બાદ ‘લૉ ક્લાસ’માં અભ્યાસ કર્યા બાદ તેઓ તમાકુમાંથી ચીરૂટ બનાવવાનો વ્યવસાય શીખવા મદ્રાસ અને ત્રિચીનાપલ્લી ગયા, પણ તેમની નિમણૂક ભાવનગરના ન્યાયાધીશ તરીકે થવાથી તેઓ મુંબઈથી ભાવનગર પાછા ફર્યા. ત્યાર બાદ ૧૮૮૩માં તેમની નિમણૂક જૂનાગઢના દીવાન તરીકે થતાં તેમણે અનેક વહીવટી અને શૈક્ષણિક સુધારા કર્યા.[5] આ પાટીદાર સત્તાધારી અંગે ખાસ નોંધપાત્ર બાબત એ છે કે તેઓ હિંદુ ધર્મશાસ્ત્રોથી નહીં પણ બેન્થામ અને જ્હોન સ્ટુઅર્ટ મીલ જેવા ઉદારમતવાદીઓ અને ઉપયોગિતાવાદીઓથી વધારે પ્રભાવિત થયા હતા.
તેમના અવસાન પ્રસંગે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ તેમને અંજલિ આપતાં લખ્યું હતું કે તેઓ ધર્મની આંટીઘૂંટીઓમાં પડ્યા વગર વહીવટ કરતા હતા. ટાઇમ્સે ઉમેર્યું હતું: ‘He was known for his old-fashioned simplicity. His transparent honesty and straightforwardness had won him the confidence of all those who had to deal with him.’[6]
બીજી તરફ તે સમયના નાગરો અને બ્રાહ્મણો એવું માનતા હતા કે દીવાનપદ ભોગવવાનો ઇજારો તો તેમનો જ છે. ગોવર્ધનરામ માનતા હતા કે ‘વિદ્યા તો બ્રાહ્મણોની જ કહેવાય’. આવાં કારણોસર આ ખેડૂતની નિમણૂક જૂનાગઢના દીવાનપદ પર થવાથી ગોવર્ધનરામ ત્રિપાઠી સહિત ઘણા વેદાંતીઓ અંદરથી ખિન્ન થયા હતા.[7]
(ક્રમશઃ)
[1] વસનજી રાઘવજી જોશી, ‘શ્રી યશવંત જીવનચરિત્ર’ (લીંબડી, ૧૮૯૬), પૃ. ૨૧૮
[2] એજન પૂ. ૮૩ અને ૧૩૪
[3] નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, ‘સ્મરણમુકુર’, બીજી આવૃત્તિ (અમદાવાદ, ૧૯૫૪), પૂ. ૧૭૭-૧૮૫: વિદ્યાગીરી નીલકંઠ, ‘ફોરમ’ (અમદાવાદ, ૧૯૫૫), પૃ. ૩૦-૩૨.
[4] રતનાજી ફરામજી વાછા, ‘મુંબઈનો બાહાર’ (મુંબઈ, ૧૮૭૨, પૃ. ૧૯૨)
[5] મગનભાઈ નરોત્તમદાસ પટેલ, ઉપરોક્ત પૂ. ૮૦૧-૮૯૫; જમનાલાલ મોરારજી મહેતા, મર્હુમ હરિદાસ વિહારીદાસ દેસાઈ, ‘દેશી રાજ્ય’ (નડિયાદ), અંક ૩, ડિસેમ્બર ૧૯૨૮, પૃ. ૭૬-૦૯
[6] Times of India, ૧૮, June, ૧૮૯૫, Source: Maharashtra State Archives, Mumbai.
[7] ગણપતરામ અનુપરામ ત્રવાડી ત્રિદેહમુક્ત સાક્ષરમણિ ગોવર્ધનરામ ત્રિપાઠી, ‘વસંત’નો ગોવર્ધનરામ સ્મૃતિઅંક, પૃ. ૬, અંક ૩, અધિક ચૈત્ર, સંવત ૧૯૬૩, પૃ. ૧૬૩-૬૫; આ જ અંકમાં જુઓ. મગનભાઈ ચતુરભાઈ પટેલ, સાક્ષર ગોવર્ધનરામનો વાનપ્રસ્થાશ્રમ’, પૃ. ૧૨૭-૧૩૭
Your Content Goes Here




