(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્‌સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્‌જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને લગતાં ૨૦ સંશોધનાત્મક પુસ્તકો પણ લખ્યાં હતાં. આ લેખ તેમના પુસ્તક ‘ઇતિહાસ, સમાજ અને સાહિત્યમાં ગુજરાત’માંથી લઈ તેમની સંમતિથી પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. – સં.)

(ગતાંકથી આગળ)

આ રીતે વિવેકાનંદે પશ્ચિમના સાંસ્કૃતિક પ્રભાવનો મુકાબલો કરવાના ભગીરથ પ્રયાસો કર્યા, અને તેમ કરવામાં વાક્છટાનો (rhetoric) પણ ભરપટ્ટે ઉપયોગ કર્યો. તેથી જ તેમના મૃત્યુ પ્રસંગે અંજલિ આપતાં ‘વસંત’ના તંત્રી પ્રોફેસર આનંદશંકર બાપુભાઈ ધ્રુવે લખ્યું હતું:

‘સ્વામી વિવેકાનંદ સાંકડા મનના સ્વદેશાભિમાની ન હતા. તેઓ હિંદુ પ્રજાના દોષો અને પરદેશીઓના ગુણો પારખી શકે તેવા સ્વદેશાભિમાની હતા. એમનું સ્વદેશાભિમાન હિંદુસ્તાનની વર્તમાન સ્થિતિને સમજીને તેને અધમતામાંથી ઉગારવાનું હતું.[1]

વિવેકાનંદે જીવનનાં પાછલાં વર્ષોમાં તો હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મો વચ્ચે અદ્‌ભુત રીતે સંયોજન કરીને તેમાંથી ‘કોમ્પોઝિટ કલ્ચર’ને વિકસાવવાના પ્રયાસો કર્યા હતા. તેમણે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો ઉપયોગ જ્ઞાતિબંધનો સામેના સંઘર્ષ સામે કર્યો એટલું જ નહીં, તેમણે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના બંધુત્વની ભાવનાને વરેલાં સામાજિક અને માનવતાવાદી પાસાંને પણ બિરદાવ્યાં. તેમણે સ્ત્રી-સંસ્થાઓ, શિક્ષિકાઓ અને સમાજસેવિકાઓના વિકાસની હિમાયત કરી. જનસંપર્ક વધારવા હવે તેમણે હિંદી ભાષામાં વ્યાખ્યાનો આપવા માંડ્યાં. ૧૮૯૮માં જ્યારે બંગાળમાં દુકાળ અને પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે તેમણે અને તેમના શિષ્યોએ હિંદુ અને મુસલમાન ચાલીઓમાં ઘૂમી વળીને અનેક દુકાળગ્રસ્ત સ્ત્રી-પુરુષો અને બાળકોને અન્ન અને વસ્ત્ર પૂરાં પાડ્યાં.

વિવેકાનંદના ધાર્મિક અને સામાજિક અભિગમોને આવા ગતિશીલ સંદર્ભમાં જ મૂલવવા પડે. આવાં કારણોસર તેમના અવસાન પ્રસંગે સાંસ્થાનિક અભિગમ ધરાવતા ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ (૭ જુલાઈ, ૧૯૦૨) તેમને અંજલિ આપતાં લખ્યું હતું: ‘At a later period…’

જીવનનાં પાછલાં વર્ષોમાં તો સ્વામી હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા હતા. તેથી તેમની વિચારસરણીમાં પણ ઘણું પરિવર્તન આવ્યું હતું. તેથી જ તેમણે એક દિવસ પોતાના શિષ્યોને જણાવી દીધું કે હું પુનરુત્થાનવાદી આંદોલનનો ત્યાગ કરું છું. આ બાબતમાં ચિંતન કરવા વિવેકાનંદ એક વર્ષ ભૂગર્ભમાં ચાલ્યા ગયા અને ત્યાર પછી તેમણે જાહેર કર્યું કે હિંદુ પ્રજાની સૌથી મોટી ઊણપ તેની દુશ્મનરૂપ જ્ઞાતિપ્રથા જ છે. તેમણે પોતે હવે નાતજાતનાં તમામ બંધનોને ફગાવી દીધાં અને તેની વિરુદ્ધ વ્યાખ્યાનો આપીને સમાનતા અને બંધુત્વની ભાવનાનો પ્રચાર શરૂ કર્યો. તેઓ કોઈ સામાન્ય અર્થમાં સંન્યાસી કે તત્ત્વચિંતક ન હતા. તેઓ ખરી રીતે તો ધર્મગુરુ નહીં, પણ લડવૈયા હતા.’

આમ, સ્વામી વિવેકાનંદને તેમના પોતાના વ્યક્તિત્વ તથા તેમના સમયના ભારત અને પશ્ચિમની નક્કર વાસ્તવિકતાના સંદર્ભમાં જ મૂલવી શકાય. જો તેઓ રાજા રામમોહન રોય, મહીપતરામ કે ૧૮૭૫ પહેલાંના પૂર્વ-નર્મદ હોત તોપણ તેમને આજના કેટલાયે માર્ક્સવાદીઓ, રેશનાલિસ્ટો તથા વૈશ્વિકીકરણના પ્રચારકોની જેમ ચીલાચાલુ સમાજના ઢાંચાને એકદમ બદલી નાખવાની બાબતમાં વસવસો રહ્યો હોત; આજે ૨૧મી સદીમાં પણ ‘સેક્યુલર ઇન્ડિયા’ કરતાં ‘પરંપરાગત ભારત’ જ ફૂંફાડા મારતું નજરે પડે છે. સ્વામી વિવેકાનંદનો રાહ પ્રમાણમાં વધારે મુશ્કેલ હતો. બહુત્વવાદી ભારતીય સમાજમાં હિંદુ ધર્મને કેન્દ્રમાં રાખીને બધું તોડવા-જોડવા-ગોઠવવાનું કામ, થીયરી તેમજ પ્રેક્ટિસની દૃષ્ટિએ કેવું કપરું હતું! તે લગભગ અશક્ય હતું. તેથી જ જીવનનાં અંતિમ વર્ષોમાં તેઓ હતાશ થયા હતા. તેમણે જે વિષાદ અનુભવ્યો તેની ઝાંખી કરવા બુદ્ધિ કરતાં હૃદયના મનોભાવની વધારે જરૂર છે. આજે પણ તેમના કરુણ અને હતાશાજનક ઉદ્‌ગારો થોડી ઘણી સહાનુભૂતિ તથા સમભાવથી જોનાર વાચકના હૃદયને વલોવી શકે તેવા છે:

‘આ જગત તો એક બદસૂરત પાશવી મડદું છે. જે કોઈ હિંદને બદલવા અને સુધારવા માગે છે તે મહામૂર્ખ છે. હું તો રામકૃષ્ણના અદ્‌ભુત ઉદ્‌ગારોનું શ્રવણ કરતો બાળક બની ગયો છું. હું હવે કોઈ નેતા નથી રહ્યો; નેતાપદનો મેં ક્યારનોય ત્યાગ કર્યો છે. મારાં કાર્યોની ભીતરમાં મહત્ત્વાકાંક્ષી કીર્તિ અને સત્તાની લાલસા હતી, પણ હવે મારામાં આવો કંઈ મોહ નથી રહ્યો. હું ધ્યેયહીન પ્રવાહમાં ઘસડાઈ રહ્યો છું. હવે હું એક પ્રેક્ષકમાત્ર છું, કર્તા નથી. મા! હું તારા ચરણે આવ્યો છું. અરે! મારી આસપાસ બધે જ નિઃશબ્દ શાંત અવકાશ દેખાય છે… ચિરશાંતિ…. પ્રવર્તે છે….’

આ ઉદ્‌ગારો અને વિવેકાનંદના જીવનની આ પ્રકારની ‘ટ્રેજેડી’ કોઈ કવિ કે સાહિત્યકારની કલ્પના નથી. તેમણે જે વિષાદ અનુભવ્યો તે સાંસ્થાનિક ભારતની નક્કર વાસ્તવિકતાઓ અને વ્યક્તિ વચ્ચેના પારસ્પરિક વ્યવહારના પરિણામસ્વરૂપ હતો. આમ છતાં આ મહાપુરુષ પોતાની પાછળ લોકકલ્યાણના આદર્શોનો ભવ્ય વારસો મૂકતા ગયા હતા તે તો નિર્વિવાદ છે.

[1]     વરસેત’, વર્ષ ૧, પૃ. ૮, ભાદ્રપદ, સંવત ૧૯૫૮, પૃ. ૨૮૮

Total Views: 7

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.