(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-િજજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

(ગતાંકથી આગળ)

પ્રશ્નઃ કહેવાય છે કે ઈશ્વરની કૃપા વગર કંઈ પણ બનતું નથી. તો શું પુરુષાર્થનું કોઈ મહત્ત્વ નથી?

ઉત્તરઃ પુરુષાર્થ અને ઈશ્વર–કૃપા પરસ્પર વિરોધી નથી. જે લોકો એવું માને છે, તેઓ ખોટું સમજ્યા છે. પુરુષાર્થથી ઈશ્વર–કૃપા પ્રાપ્ત થાય છે અને એથી કાર્ય સફળ થાય છે. જે પુરુષાર્થી નથી, એને ભગવાનની કૃપાથી વંચિત રહેવું પડે છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા — ‘ભગવાનની કૃપાનો વાયરો નિરંતર વહી રહ્યો છે. તે બધા ઉપર સમાન રૂપે વહે છે.’ જેવી રીતે હોડીવાળો હોડીના સઢને ખેંચીને પવનને વધુ માત્રામાં ગ્રહણ કરે છે, એ જ રીતે મનુષ્ય પોતાનો સઢ ખેંચીને એટલે કે પુરુષાર્થ કરીને સર્વત્ર સમાન રૂપે વિદ્યમાન આ ભગવત્કૃપાનો અધિકારી બની શકે છે.

સવાલ ભગવાન તરફથી કશું આપવાનો નથી; એમની કૃપા તો સદાય વરસે જ છે. સવાલ આપણા તરફથી ગ્રહણ કરવાનો છે, એમની કૃપાનો અનુભવ કરવાનો છે. અને અહીંયાં જ પુરુષાર્થની આવશ્યકતા સાબિત થાય છે.

પ્રશ્નઃ ‘भाग्यो फलति सर्वत्र न च विद्या न च पौरुषम्‌’ — મહાભારતમાં કુંતીના આ ઉદ્‌ગારનું શું ઔચિત્ય છે? શું ભાગ્યની પ્રબળતા માનવ–જીવનમાં સર્વથા અટલ છે?

ઉત્તરઃ  ભાગ્યની પ્રબળતા તો છે, પરંતુ જીવનમાં પ્રયત્નનું, પુરુષાર્થનું પણ સ્થાન છે. એટલું જ નહીં, જીવનમાં અડધો હિસ્સો જો ભાગ્યનો છે, તો અડધો પુરુષાર્થનો પણ છે. કુંતીનું જીવન દુઃખોથી ભરેલું છે, તેથી સ્વાભાવિક રીતે એમના મુખમાંથી ઉપરોક્ત ઉદ્‌ગારો સરી પડે. પરંતુ જો આપણે પાંડવોના જીવનને ધ્યાનપૂર્વક જોઈએ, તો એમના જીવનમાં ડગલે ને પગલે પુરુષાર્થ જોવા મળે છે. એમનો પુરુષાર્થ જ એમને લાક્ષાગૃહમાં બળીને મરી જવાથી બચાવે છે, વનવાસ દરમ્યાન કૌરવો સામે રક્ષા કરે છે અને અંતમાં મહાભારત-યુદ્ધ દ્વારા એમને વિજયી બનાવે છે. જો આપણે એમ માનીએ કે લાક્ષાગૃહમાંથી એમનું બચવું અથવા મહાભારત-યુદ્ધમાં એમનું જીતવું પણ ભાગ્યના ફળસ્વરૂપે બન્યું હતું, તો એ ઘાતક સાબિત થશે. ત્યારે તો પછી આપણી બધી પ્રવૃત્તિઓને ભાગ્યનું જ પરિણામ માનવામાં આવશે, બધું જ ભાગ્યને આધીન બની જશે. આ કારણે તો જીવનમાં કર્મ કરવાની પ્રેરણા લુપ્ત થઈ જશે અને મનુષ્ય માથા પર હાથ દઈને ભાગ્યના ભરોસે બેસી રહેશે. આ માન્યતાએ જ આપણા દેશને આળસુ, જડ, અકર્મણ્ય અને ગુલામ બનાવી દીધો છે. એનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ અને પુરુષાર્થી બનવું જોઈએ. વેદાંત આપણને એ જ કહે છે કે આપણે સર્વશક્તિમાન અને અજેય છીએ. આપણી અંદર અનંત શક્તિ રહેલી છે, ત્યાં જ બ્રહ્મતત્ત્વ છુપાયેલું છે. આ છુપાયેલી અનંત શક્તિને પ્રકટ કરવી એ જ વેદાંતની દૃષ્ટિએ જીવનનું લક્ષ્ય છે. આપણી ભીતરની શક્તિને પ્રકટ કરવા માટે ભાગ્યવાદી બનવાથી કામ નહીં ચાલે, એના માટે પુરુષાર્થ કરવો પડશે. વેદાંત ભાગ્યની વાતનો સ્વીકાર કરતું નથી.

આ સંદર્ભમાં, શ્રીરામકૃષ્ણદેવની એક વાત યાદ આવે છે. એક જિજ્ઞાસુએ એમને પૂછ્યું હતું કે ભાગ્ય, ઇચ્છા-સ્વાતંત્ર્ય કે પુરુષાર્થ તથા ઈશ્વર-કૃપામાં પરસ્પર કોઈ સંબંધ છે કે નહીં? આ પ્રશ્નનું સમાધાન કોઈ પણ પશ્ચિમી દર્શનશાસ્ત્ર આપી શક્યું નથી, પરંતુ શ્રીરામકૃષ્ણ અદ્‌ભુત સમાધાન આપે છે. તેઓ એક દૃષ્ટાંત દ્વારા સમજાવે છે. એક ગોવાળ પોતાની ગાયોને જંગલમાં ચરાવવા લઈ જાય છે. એક લાંબા દોરડાથી ગાય બંધાયેલી છે. ગોવાળ દોરડાને થોડે દૂર એક ઝાડ સાથે બાંધી દે છે અને પોતે એક બીજા ઝાડ નીચે સૂઈ જાય છે. હવે, ગાય સ્વતંત્ર પણ છે, અને પરતંત્ર પણ. જો દોરડાની લંબાઈ ૨૪ ફૂટ છે, તો ગાય ૨૪ ફૂટના દાયરામાં ઘાસ ચરવા માટે સ્વતંત્ર છે; તે ભલે ઝાડથી ૧ ફૂટ દૂરથી ઘાસ ખાય, કે ૨૪ ફૂટ દૂરથી. પણ તે ૨૪ ફૂટ પછી પરતંત્ર છે. હવે ગાય પોતાના દાયરામાં આવેલું ઘાસ ચરી લે છે અને ભાંભરે છે. ગોવાળ જુએ છે કે ગાયે ૨૪ ફૂટની હદમાં આવેલું ઘાસ ચરી લીધું છે, તેથી તે આવીને દોરડાની લંબાઈ વધારી દે છે, જેથી ગાય હવે એથી પણ વધુ મોટા દાયરામાં ઘાસ ચરવા માટે સ્વતંત્ર થઈ જાય છે. પણ જો ગોવાળ જુએ કે ગાય બધુંય ઘાસ ખાધા વગર ભાંભરે છે, તો તે દોરડાની લંબાઈ નથી વધારતો.

ગોવાળ જાણે ઈશ્વરનું પ્રતીક છે, ગાય જીવનું પ્રતીક છે, અને દોરડાની લંબાઈ ભાગ્યનું. જીવ સ્વતંત્ર પણ છે, અને પરતંત્ર પણ. અમુક હદ સુધી તે પુરુષાર્થ કરવા માટે સ્વતંત્ર છે, ભલે એ ઘેરાની બહાર ભાગ્ય દ્વારા બંધાયેલો હોય. જો જીવ પોતાને મળેલા દાયરાની સ્વતંત્રતાનો પુરુષાર્થ દ્વારા સદુપયોગ કરે, તો ઈશ્વર પોતાની કૃપાથી એના સ્વતંત્રતાના દાયરાને વધારી દે છે.

પ્રશ્નઃ પુરાણોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે ખરાબ કર્મો કરવાથી નરક અને સારાં કર્મો કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જ્યારે જીવ કર્મોનો દંડ કે પુરસ્કાર નરક કે સ્વર્ગના રૂપમાં પ્રાપ્ત કરી લે છે, તો પછી એવું કેમ કહેવાય છે કે પૂર્વજન્મનાં કર્મોનું ફળ છે?

ઉત્તરઃ મનુષ્ય પોતાના જીવનમાં વિવિધ પ્રકારનાં કર્મો કરે છે. પરંતુ આ કર્મોની તીવ્રતામાં ભિન્નતા હોય છે. કેટલાંક કર્મો અતિ ખરાબ હોય છે. જો આવાં ખરાબ કર્મોને બહુ તીવ્રતાપૂર્વક કરવામાં આવે, તો એનું ફળ ‘નરકવાસ’ કહેવાય છે. આ રીતે કેટલાંક કર્મો અત્યંત સારાં હોય છે. આવાં અતિ સારાં કર્મોને તીવ્રતાપૂર્વક સ્વાર્થની ભાવનાથી (એવું વિચારીને કે એનું સંપૂર્ણ ફળ હું ભોગવીશ) કરવામાં આવે, તો એનું ફળ ‘સ્વર્ગવાસ’ કહેવાય છે. આ અતિ સારાં અને ખરાબ કર્મોને છોડી દો, તો સામાન્ય રીતે કરવામાં આવેલાં સારાં અને ખરાબ કર્મોના સંસ્કાર ક્યાં જશે? એના જ ફળસ્વરૂપે આગળનો જન્મ મળે છે. જો આપણે નરકવાસને અનુરૂપ ખરાબ કર્મો કર્યાં હશે, તો દુઃખભોગ પછી એની દુર્ગંધ આગળના જન્મમાં પણ ટકી રહેશે. જો સ્વર્ગવાસને અનુરૂપ સારાં કર્મો કર્યાં હશે, તો સુખભોગ પછી પણ એની સુવાસ આગળના જન્મમાં ટકી રહેશે.

પ્રશ્નઃ શું તમે ભૂત–પ્રેતમાં વિશ્વાસ કરો છો? અંતે એ શું હોય છે?

ઉત્તરઃ હા, અમે ભૂત–પ્રેતમાં વિશ્વાસ કરીએ છીએ, પણ સામાન્ય લોકોની જેમ નહીં. તેને જીવની એક યોનિ કહી શકાય. વિભિન્ન યોનિઓ મનનાં વિભિન્ન સ્પંદનોનું પરિણામ છે. જેવી રીતે આ સ્થૂળ દેહ મનના એક વિશેષ સ્પંદનના ફળ સ્વરૂપે પ્રાપ્ત થયો છે, એવી જ રીતે સૂક્ષ્મ દેહ કે પ્રેત-યોનિ પણ મનના જ વિશેષ સ્પંદનનું ફળ છે. અહીંયાં આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવી શક્ય નથી.

પ્રશ્નઃ શું પુનર્જન્મવાદનો કોઈ વૈજ્ઞાનિક આધાર છે?

ઉત્તરઃ વૈજ્ઞાનિક આધારથી તમારું શું તાત્પર્ય છે? જો તમારો કહેવાનો અર્થ તર્કસંગતતાથી છે, તો પુનર્જન્મવાદ સંપૂર્ણ રીતે તર્કસંગત છે. જગતના જીવોની અને વિશેષ કરીને મનુષ્યની વચ્ચેની વિભિન્નતાનું સમાધાન અન્ય કોઈ વાદથી થઈ શકતું નથી. કોઈ મનુષ્ય નિર્ધન છે અને કોઈ ધનવાન, કોઈ રોગી છે અને કોઈ સ્વસ્થ, કોઈ મંદબુદ્ધિ છે અને કોઈ બુદ્ધિશાળી—આ બધા ભેદોનું તાર્કિક સમાધાન કેવળ પુર્નજન્મવાદથી જ થઈ શકે છે. અને વૈજ્ઞાનિક પદ્ધતિ તો એ છે કે જે સિદ્ધાંત કોઈ ક્ષેત્રમાં સર્વાધિક શંકાઓનું સમાધાન કરે, તે એટલો જ સ્વીકાર્ય બનશે. આ રીતે પુનર્જન્મવાદ માનવ-સમાજમાં ફેલાયેલી વિષમતાઓનું તર્કસંગત વિવેચન રજૂ કરે છે અને એમાંથી આપણી જાતને બચાવીને શાંતિના પથ પર ચાલવાનો ઉપાય પણ બતાવે છે.

પ્રશ્નઃ શું પુનર્જન્મની વાતો સત્ય છે? વિજ્ઞાનના આધારે એનું મૂલ્યાંકન કઈ રીતે કરી શકીએ છીએ?

ઉત્તરઃ હા, પુનર્જન્મની વાતો સત્ય છે. આપણે અવારનવાર આવી ઘટનાઓ અંગે વાંચીએ છીએ, જેમાં નાનાં બાળકો પોતાના પૂર્વજન્મની વાતો કહી દે છે. તપાસ કરતાં મોટા ભાગે એ બધી વાતો સાચી પુરવાર થાય છે. આ વિષયમાં વિશેષ શોધ કરવા હેતુ જયપુરમાં એક પેરાસાઇકોલોજી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ વિભાગમાં વૈજ્ઞાનિક આધારે પુનર્જન્મની ઘટનાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. તમે એ વિભાગના નિર્દેશકનો સંપર્ક કરો. ત્યાંથી પ્રકાશિત થતાં સામયિકો વાંચો.

પ્રશ્નઃ જો પુનર્જન્મ થાય છે, તો એનું પ્રમાણ શું છે? અને શું એનો આધાર કર્મ છે?

ઉત્તરઃ પુનર્જન્મ થાય છેે. પ્રમાણ માટે મુખ્ય ત્રણ પ્રકાર માનવામાં આવ્યા છે—પ્રત્યક્ષ, અનુમાન અને આગમ. પુનર્જન્મની પ્રત્યક્ષ સાબિતી પ્રાપ્ત કરવી તો અસંભવ છે અને અનુમાન–પ્રમાણ તો ઉપલબ્ધ જ છે. એવી ઘણી ઘટનાઓ બને છે, જેમાં બાળકો પોતાના પૂર્વજન્મની સ્મૃતિઓ અંગે બતાવે છે અને તપાસ કરતાં એમની વાતો સાચી સાબિત થાય છે. અને આવી ઘટનાઓ કેવળ આપણા દેશમાં જ નથી બનતી, પરંતુ આરબ, રશિયા, જર્મની, ઇંગ્લેન્ડ વગેરે દેશોમાં પણ બને છે, જ્યાંના લોકો પુનર્જન્મના સિદ્ધાંતને માનતા જ નથી. અને આગમ-પ્રમાણ તો શાસ્ત્રસિદ્ધ છે જ. હા, કર્મ જ પુનર્જન્મનો આધાર છે.

(ક્રમશ:)

Total Views: 15

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.