(ગતાંકથી આગળ…)
ખુશ સભાગૃહમાં પ્રવેશે છે
વક્તૃત્વ સભાની તૈયારી માટે સ્વામી વિવેકાનંદે આપેલી સલાહને અનુસરવાનો ખુશે નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ શરૂ કર્યો. જે દિવસની ખુશ રાહ જોતો હતો અંતે તે દિવસ આવી ગયો અને આજે તે આંતરશાળાકીય (બધી શાળાઓ વચ્ચે) વક્તૃત્વ સભામાં ભાગ લેવા શાળાના સભાગૃહમાં હતો. ખુશે સભાગૃહમાં એક નજર નાખી ત્યાં ઘણા વિદ્યાર્થીઓ આવ્યા હતા. નિર્ણાયકો પ્રથમ હરોળમાં બેઠા હતા. એણે જોયું તો આ સ્પર્ધા માટે જુદી જુદી શાળાના પાંચ નિર્ણાયકો હતા. આવું એણે ક્યારેય જોયું ન હતું. દરેકે દરેક નિર્ણાયક પાસે એક નામાવલીનું પત્રક હતું. તેમાં ભાગ લેનારનાં નામ હતાં. દરેક નિર્ણાયકે વ્યક્તિગત રીતે આપેલા ગુણનો સરવાળો કરીને જે વિદ્યાર્થીને સૌથી વધારે ગુણ મળે તેને પ્રથમ પારિતોષિક મળવાનું હતું.
ખુશ સભાજનો પર ઘણો મોટો પ્રભાવ પાડે છે
જુદી જુદી શાળાના ૧૦૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓને સભાગૃહમાં એકઠા થયેલા જોઈને ખુશ થોડો બેચેન બની ગયો. પ્રથમ હરોળમાં બેઠેલા નિર્ણાયકોના ગંભીર ચહેરા જોઈને તે થોડો વધુ મૂંઝાણો. પરંતુ આ જ ક્ષણે એને સ્વામી વિવેકાનંદની આત્મવિશ્વાસ કેળવવાની સલાહ યાદ આવી.
જેવું એનું નામ બોલાયું તેવો જ ખુશ આત્મવિશ્વાસ સાથે મંચ પર ગયો. પ્રથમ વખત જ એણે પોતાના હાથમાં માઈક પકડ્યું હતું. પણ એને કારણે એને કોઈ પણ જાતની અસુવિધા ન થઈ. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું તેમ થોડી ક્ષણ માટે તેણે પોતાની આંખો મીંચી અને મા સરસ્વતીની પ્રાર્થના કરી, પછી તેણે પોતાની આંખો ખોલી અને નિર્ણાયકોની આંખોમાં આંખો પરોવી. આત્મવિશ્વાસથી ચમકતા અને હસતા ચહેરા સાથે તેણે સભાગૃહમાં એક નજર નાખી. રહસ્યમય રીતે તેનો સભાભય અદૃશ્ય થઈ ગયો. તેણે હિમ્મતપૂર્વક સભાને સંબોધી :
રાજકોટની શાળાઓના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આ મહાન પ્રસંગે સૌપ્રથમ તો હું સ્વામી વિવેકાનંદને પ્રણામ કરું છું. ચાલો, આપણે એમણે વિદ્યાર્થીઓને આપેલી સૌથી વધારે પ્રેરક સલાહને યાદ કરીએ અને એમના વિચારો અને આદર્શાેને અમલમાં મૂકવાનું શરૂ કરીએ.
આજના વિદ્યાર્થીઓ સૌથી મોટી ભૂલ એ કરે છે કે તેઓ ઘણી બાબતો હાથમાં લે છે અને એમાંથી એકેયને પૂર્ણ કરતા નથી. આવે વખતે સ્વામી વિવેકાનંદ આપણને સફળતા માટેનો એક મહાન મંત્ર આપે છે. તેઓ કહે છે : ‘એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, – તેના વિશે જ વિચાર કરો, તેનાં જ સ્વપ્ન સેવો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરનો એક એક અવયવ એ વિચારથી ભરપૂર કરી દો અને એ સિવાયના બીજા દરેકે દરેક વિચારને બાજુએ મૂકો. સફળ થવાનો આ જ માર્ગ છે.’ જો આપણે એમની આ સલાહનું અક્ષરશ : અને પૂરા પ્રાણ રેડીને પાલન કરીશું તો સફળતા ચોક્કસ આપણને મળવાની જ.
કેળવણીમાં સ્પર્ધા વધતાં ઘણા વિદ્યાર્થીઓ પોતપોતાના અભ્યાસપાઠો ગોખી મારે છે અને જે તે વિષયને સમજ્યા વિના યંત્રની જેમ પરીક્ષામાં લખી નાખે છે. પરિણામે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાઓમાં ઘણા સારા ગુણ મેળવે છે. પણ તેઓ વાસ્તવિક જીવનમાં સફળ થતા નથી. જ્યારે આપણે પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણાંક મેળવીએ છીએ ત્યારે આપણે આપણા જીવનમાં વાસ્તવિક રીતે સફળ થવા માટે સ્વામી વિવેકાનંદના કેળવણીના આ સંદેશ પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે : ‘તમારામાં સર્વ કંઈ રહેલું છે અને ગ્રંથોમાં છે તેથી હજારગણું વધારે રહેલું છે… શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો, જે માણસે આખું પુસ્તકાલય ગોખી માર્યું છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.’
ઘણા વિદ્યાર્થીઓ તેમની નિષ્ફળતાને કારણે પસ્તાય છે અને વધુ પ્રયત્નો કરવાનું છોડી દે છે. અહીં સ્વામી વિવેકાનંદ એક અદ્ભુત સંદેશ સાથે આપણી સમક્ષ આવે છે : ‘આપણે જે છીએ એને માટે આપણે જ જવાબદાર છીએ; અને જે થવાની ઇચ્છા હોય તે થવાની શક્તિ આપણામાં જ રહેલી છે. જો આજે આપણે છીએ તે આપણાં પૂર્વ કર્મોનું પરિણામ છે, તો આજનાં કર્મો આપણું ભાવિ નક્કી કરશે, એમાં કશી શંકા નથી. તેથી આપણે કેમ કાર્ય કરવું તે જાણવાની જરૂર છે.’
ચાલો, આપણે સૌ સ્વામી વિવેકાનંદને પ્રાર્થના કરીએ કે તેઓ આપણા મનને યોગ્ય દિશામાં દોરી જાય કે જેથી આપણે બધા મોટા થઈને પ્રબુદ્ધ નાગરિક બની શકીએ. મને આ મહાન પ્રસંગે કંઈક કહેવાની તક આપવા માટે હું પસંદગીકારોનો વિશેષ આભાર માનું છું.
ખુશને પ્રથમ ઈનામ મળે છે
ખુશના વક્તવ્યથી શ્રોતાજનો અને નિર્ણાયકો આકર્ષાયા. સ્વામી વિવેકાનંદનું વર્ણન કરવામાં તેની સહજસરળ શબ્દોવાળી ભાષા અને તેમના સંદેશને વર્ણવવામાં દેખાયેલી તેની આત્મશ્રદ્ધાએ તેને સૌથી વધારે ગુણ અપાવ્યા. સ્પર્ધાને અંતે ખુશનું નામ વિજેતા તરીકે જાહેર થયું. ખુશની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં અને તેણે અંત :કરણપૂર્વક સ્વામી વિવેકાનંદનો ઋણ સ્વીકાર કર્યો. તે ગર્વપૂર્વક મંચ પર ગયો, પ્રથમ પારિતોષિક મેળવ્યું અને કેટલાય કેમેરાઓ તેનો ફોટોગ્રાફ લેવા ઝળકી ઊઠ્યા. જાણે કે કોઈ ક્રિકેટની ટીમ આઈસીસી વિશ્વકપ જીતે અને તેનો કેપ્ટન નાચી ઊઠે તેમ ખુશ આનંદથી નાચવા લાગ્યો.
જ્યારે ખુશ પ્રથમ પારિતોષક લઈને ઘરે પહોંચ્યો ત્યારે તેના આનંદનો પાર ન રહ્યો. આ નાનો છોકરો પોતાની લાગણીઓ પર અંકુશ ન મેળવી શક્યો. માનઆદર સાથે તેણે પોતાનાં માતાને ઝૂકીને પ્રણામ કર્યા અને ઈનામ તેમના હાથમાં મૂકયું. માતાએ ખુશને ચુંબન કર્યું અને આશીર્વાદ આપ્યા. તે દિવસે કુટુંબના બધા સભ્યોએ તેની સિદ્ધિ માટે હાર્દિક અભિનંદન આપ્યાં. (ક્રમશ 🙂
Your Content Goes Here




