(સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ અને તત્કાલીન ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજે ગુજરાતની મુલાકાત દરમિયાન તા. ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩, ગુરુવારે સવારે રામકૃષ્ણ મઠ, અમદાવાદની સાણંદ તાલુકાના લેખંબા ગામની નવસંપાદિત જમીન પર નિર્માણાધીન પ્રાર્થનાખંડ, સાધુનિવાસ અને ભક્તનિવાસના પરિસરમાં પદાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેઓશ્રીએ શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના પ્રણામમંત્રોનું ઉચ્ચારણ કર્યું હતું અને હિન્દીમાં સંબોધન કર્યું હતું. આ પ્રવચનનું ગુજરાતીમાં આલેખન શ્રી બકુલેશભાઈ ધોળકિયાએ કર્યું છે. – સં.)
આજનો દિન પવિત્ર છે, કેમ કે આપણે સહુ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના સાંનિધ્યમાં ભેગા થયા છીએ. આ જગ્યા પર આવતાં મને એ વિચાર આવતો હતો કે આ રામકૃષ્ણ મઠ, અમદાવાદ એ અદ્યતન શાખા છે. આ જગ્યાએ પ્રગતિ થઈ રહી છે. અહીંનું ભવિષ્ય ઘણું ઉજ્જ્વળ દેખાય છે, જેનાં સુંદર ચિહ્નો દેખાઈ રહ્યાં છે. અહીં ત્રણ ભવન બનવાનાં છે. મને એ વાતે આનંદ થાય છે કે અહીં મંદિર બનશે, જેમાં ભગવાન બિરાજશે; સાધુનિવાસ બનશે, જેમાં સાધુઓ રહેશે અને ભક્તનિવાસ બનશે, જેમાં મુલાકાતી ગૃહસ્થો રહેશે. આ ત્રણેય જ્યાં હોય ત્યાં ભગવાન શ્રીરામકૃષ્ણને તો સમાધિ લાગી જાય. તમે બધા ખરેખર ઘણાબધા સમર્પિત-પ્રતિબદ્ધ છો. મને સાંભળવા મળ્યું છે કે આશ્રમની નજદીકમાં ભક્તો પણ તેમનાં મકાનો બનાવી રહ્યા છે, એ કદાચ આપણા માટે આ જગ્યાની વિશિષ્ટતા છે. ભગવાન શ્રીરામકૃષ્ણદેવને પ્રાર્થના કરું છું કે તેઓ જ્યારે અહીં નવા આશ્રમમાં આવી રહ્યા છે ત્યારે આ આશ્રમની દિન-પ્રતિદિન, વર્ષોવર્ષ ઉન્નતિ થાય. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખાયે દેશમાં આ એક પ્રસિદ્ધ કેન્દ્ર બને. અહીં લોકોને જે જોઈએ તે – મનનો આનંદ, શાંતિ, શારીરિક આરોગ્ય અને દરેક પ્રકારની બીજી સવલતો એમને મળે, એવા આશીર્વાદ તેઓ આપે. ભગવાન શ્રીરામકૃષ્ણદેવના આગમનથી સતયુગનો પ્રારંભ થયો છે એમ સ્વામી વિવેકાનંદે કહ્યું છે. સતયુગ એટલે આદર્શ યુગ, જેમાં ધર્મ મુખ્ય હોય, ધર્મના આધાર પર બધા લોકો સમાનતાથી રહે, કાર્ય કરતા રહે, અને આનંદથી રહેતા હોય, શારીરિક, ભૌતિક, નૈતિક અને આધ્યાત્મિક આનંદ એમાં ભર્યો રહેતો હોય છે. એમણે વારંવાર સતયુગ કહ્યું છે. જ્યારથી શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો છે ત્યારથી ભારતમાં સતયુગનો પ્રારંભ થયો છે.
જ્યાં જ્યાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવ પધારે છે, ત્યાં ત્યાં દરેક પ્રકારની ઉન્નતિ થાય છે. ત્યાં બાળકોને આરોગ્ય અને શિક્ષણ અપાય છે. દવાખાનું હોય છે. દવા વગેરે આપીને શારીરિક કષ્ટો દૂર કરાય છે, ભગવાન શ્રીરામકૃષ્ણદેવનું સૌથી મોટું પ્રદાન એ છે કે તેઓએ ધર્મને ઘરે ઘરે પહોંચાડી દીધો. આશ્રમવાસ કરવો હોય તો તમારે કાશી, હરિદ્વાર, ઉજ્જૈન જેવાં તીર્થોમાં જવું પડે. જ્યારથી ભગવાન શ્રીરામકૃષ્ણદેવ આવ્યા, બાદ ઘરે ઘરે આશ્રમ-સ્થાન બની ગયાં. મને એક ઉદાહરણ યાદ આવે છે. કલકત્તામાં કાંકુડગાછિમાં આપણો એક મોટો આશ્રમ છે ત્યાં મારે જવાનું થયું. ત્યાં એક રાત રોકાયો ત્યારે મને એક વરિષ્ઠ સ્વામીજી જે સ્વામી અખંડાનંદજીના શિષ્ય હતા, તેમણે બીજે દિવસે સવાર સવારમાં બોલાવ્યો અને કહ્યું, “આવો આવો, તમને કંઈક બતાવીશ.” મને ઉપરના માળે લઈ ગયા અને ટાટા કંપનીની ચીમની બતાવીને કહ્યું કે, “સામે શું દેખાય છે?” મેં કહ્યું કે ટાટા ઑઈલ કંપનીની ચીમની દેખાય છે. તેઓએ મને પૂછ્યું, “તમે શું સમજ્યા?”
તેમણે કહ્યું, “આ કંપની શહેરની વચ્ચે છે, એ કંપનીમાં હજારો કર્મચારીઓ કામ કરે છે. આપણે સંન્યાસીઓ છીએ, આપણી રહેવાની જગ્યા ક્યાં હોય છે? કાશીમાં, નહીં તો હરદ્વારમાં, નહીં તો વૃંદાવનમાં, નહીં તો રામેશ્વરમમાં. શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન છે, આ યુગ માટે તેઓ ધર્મને લઈને ઘરે ઘરે આવી ગયા. આટલા હજાર શ્રમિકો છે તેઓ કાશી નથી જઈ શકવાના, હરિદ્વાર પણ નથી જઈ શકવાના, વૃંદાવન પણ નથી જઈ શકવાના, એટલે શ્રીરામકૃષ્ણદેવે ત્યાંની જે કંઈ પવિત્રતા હતી, ત્યાં જેટલા સાધુ હતા, બધાને ટાટા ઓઈલ કંપનીની પાછળ લગાવી દીધા. તો રોજબરોજ હજાર હજાર લોકો આવે છે, અહીં ધર્મ વિશે સાંભળે છે, અને સારાં કાર્યો જુએ છે, બાળકો માટે કંઈક સારું કામ અહીં થાય છે, આ બધું ભગવાન શ્રીરામકૃષ્ણદેવે ઘરે ઘરે પહોંચાડી દીધું.”
ભગવાન શ્રીરામકૃષ્ણદેવ બહુ દયામય છે. એમને ગરીબો પ્રત્યે બહુ કરુણા હતી. એક વખત યાત્રાએ એક મોટા જમીનદાર સાથે તેઓ જતા હતા ત્યારે દેવઘરની બાજુના ગામમાંથી પસાર થયા. દેવઘર એક પવિત્ર સ્થાન છે. ત્યાં દુકાળ પડ્યો હતો. લોકો પાસે કંઈ ખાવાનું ન હતું. બધા લોકો ત્યાં ઊભેલા છે. ભગવાન શ્રીરામકૃષ્ણદેવને એટલી કરુણા ઊપજી કે એમણે એ જમીનદાર મથુરબાબુને કહ્યું કે તમે તીર્થયાત્રાએ પવિત્ર સ્થાને જઈ શકો છો, પહેલાં આ બધા લોકોને સારી રીતે જમાડો. સ્નાન કરવા માટે તેલ આપો. તેલથી લેપન-માલિશ કરી લે ત્યાર પછી એમને ભરપેટ ખવડાવો. ત્યાર પછી જ હું તમારી સાથે આવીશ. જો આવું નહીં કરો તો હું આ ગરીબો સાથે રહીશ, તમારી સાથે યાત્રામાં નહીં આવું. મથુરબાબુએ કહ્યું કે તેમની પાસે તો યાત્રા જેટલા જ પૈસા છે, આટલા બધા હજારો લોકોને કઈ રીતે ખવડાવું? એટલે ભગવાન શ્રીરામકૃષ્ણદેવે કહ્યું કે તો પછી તમે જાઓ, મને તીર્થયાત્રાની જરૂર નથી, હું ગરીબોની સાથે રહું છું, એ જ મારું મંદિર છે.
તેઓ ‘અવતારપુરુષ’ છે. એમને ગરીબો પ્રત્યે આટલી બધી કરુણા હતી. આપણે બધા પણ એક દૃષ્ટિથી ગરીબ જ છીએ. આપણે આધ્યાત્મિક રીતે ગરીબ છીએ. આપણને આત્મજ્ઞાન નથી થયું. આપણી પાસે એવું ચારિત્ર પણ નથી કે જેનાથી આપણે બળવાન બનીએ અને બીજાને પણ બળ આપીએ, આપણે બધા ગરીબ છીએ. આપણે ગરીબ છીએ એની ઉપર શ્રીરામકૃષ્ણદેવની ખૂબ કરુણા છે. તેથી શ્રીરામકૃષ્ણદેવ જ્યાં જાય છે, જે લોકો એમના ધર્મને સાંભળે છે, વાંચે છે, તેમની અંદર એક નવું જીવન આવી જાય છે, નવો દૃષ્ટિકોણ આવી જાય છે. આ દેહનું કેવી રીતે જીવનયાપન કરીએ? ભગવાન શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અનુસાર આપણે આપણા જીવનને ઘડીએ-વિતાવીએ, ત્યારે આપણને આ જગતમાં, સમાજમાં જ આનંદની ઉપલબ્ધિ થશે, કારણ કે તેઓ એવો ઉપદેશ આપે છે જેનાથી આપણે આપણા પરિવારની સાથે રહી શકીએ છીએ, પરિવારના બધા લોકોને પસંદ કરી શકીએ છીએ, પ્રેમ કરી શકીએ છીએ, અને સમાજને પણ પ્રેમ કરી શકીએ છીએ. આ રીતે જેટલા લોકો છે, બધા જ લોકો તો ભગવાનનાં સંતાનો છે.
શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટિથી કોઈ જાતિ-ધર્મનો ભેદ નથી. ભાષા, દેશ કે કુળનો ભેદ નથી. તેઓ બધાને સમાન માનતા હતા. તેઓ માનતા હતા કે બધાં જ ભગવાનનાં બાળકો છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ એમ આપણે કહીએ છીએ. એમના જીવનમાં એમને એ અનુભવ થયો હતો. તેઓ જ્યારે મનુષ્યને જોતા હતા, ત્યારે કહેતા હતા કે આ મનુષ્ય સાધારણ નથી, એની અંદર પરમાત્મા છે, બધા મનુષ્યોની અંદર, હૃદયમાં પરમાત્માનું સ્થાન છે, સાંનિધ્ય છે. તેથી તમે જેમ મંદિરને આદર આપો છો અને ગૌરવ આપો છો એમ દરેક મનુષ્યને તમારે આદર, ગૌરવ આપવાં જોઈએ, એની સેવા કરવી જોઈએ.
મનુષ્યની સેવા એ ભગવાનની પૂજા છે એવું તેઓ કહેવા લાગ્યા. Service to man is worship of God એવું તેઓ કહેતા હતા. સ્વામી વિવેકાનંદે આ જ વાતનો આખી દુનિયામાં પ્રસાર કર્યો. શ્રીરામકૃષ્ણદેવે તેમને સમજાવ્યું, “અરે ભગવાનને શોધી શોધીને ક્યાં જશો? ગરીબોમાં, આ જે દલિતો છે તેમાં, આ જે પછાત રહી ગયેલા લોકો છે, આ એમની સેવા ભગવાનની પૂજા સમાન છે. અંદર જઈને પૂજા કરીને તમે વિચારશો કે તમને મળી ગયું, તમે સ્વર્ગમાં જશો, એ સ્વર્ગ — આ જ મનુષ્યને — એને અન્ન, વસ્ત્ર, મકાન આપો, જે પણ એને જોઈએ એ એને આપો”— ઉપકાર કરવો, મદદ કરવી એટલે, જ્યારે જેને જે જોઈતું હોય તે આપવું. જેને નથી જોઈતું એની ઉપર એ લાદવું એ સેવા હોતી નથી.
મને યાદ આવે છે કે એક સ્કૂલમાં સ્કાઉટ-ગ્રુપ હતું. એમાં બાળકોને શિક્ષકો શિખવાડતા હતા. સ્કાઉટ લીડર દ્વારા કહેવામાં આવ્યું કે રોજ તમારે એક સારું કામ કરવું પડશે, અને રિપોર્ટ કરવો પડશે. તમે લોકો સ્કાઉટ છો, તો દરરોજ એક સારું કામ કરવું પડશે. એક વખત લીડરે પૂછ્યું, “આજે શું સારું કામ કરીને આવ્યા?” એટલે ત્રણ બાળકો આવ્યાં અને કહેવા લાગ્યાં કે આજે અમે એક અંધજનને રસ્તો પાર કરાવ્યો હતો. એટલે લીડરે કહ્યું કે બહુ સારું કર્યું પરંતુ તેણે પૂછ્યું કે એમાં ત્રણ-ત્રણ જણની શી જરૂર હતી? ત્યારે બાળકોએ જવાબ આપ્યો કે એને જવું નહોતું, અમે જબરદસ્તીથી રસ્તો પાર કરાવ્યો હતો! આવી રીતે સેવા ન કરાય.
સેવા કરવી હોય તો જે ઇચ્છે છે એને આપવું પડે. કોઈને વસ્ત્ર જોઈએ તો વસ્ત્ર આપો, કોઈને મકાન જોઈએ તો મકાન બનાવી આપો, કોઈને વિદ્યા જોઈએ તો વિદ્યા આપો, વિદ્યામાં પણ સાધારણ વિદ્યા છે, આધ્યાત્મિક વિદ્યા છે. ભગવાન પાસે પહોંચવા માટે આધ્યાત્મિક પરાવિદ્યા, એ પણ આપવી જોઈએ, આ બધી વિદ્યા આપવી એ પણ આપણું કર્તવ્ય છે. એટલા માટે જ ભગવાન શ્રીરામકૃષ્ણદેવે સ્વામી વિવેકાનંદને કહ્યું કે તું જો, અહીં પંદર-સોળ યુવાનો છે, જે ખૂબ સારા છે, હું તો નહીં રહું આ શરીરમાં, મારું શરીર છોડી દઈશ, પછી હું મારા સૂક્ષ્મ શરીરમાં, દિવ્ય શરીરમાં રહીશ, તું આ યુવાનોને ઘરે જવા ન દેતો, એમને લઈને એક સંઘની સ્થાપના કરજે, એ સંઘની સ્થાપનાના માધ્યમથી મારો જે ઉપદેશ છે ‘મનુષ્યની સેવા એ જ ભગવાનની પૂજા’ એનો પ્રચાર કરજે. આ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના મુખ્ય ઉપદેશ છે. તેમણે ખૂબ સરસ એવા ઉપદેશો આપણને આપ્યા છે. આ પછી લોકો મોક્ષની કામના કરતા હોય છે. આપણા દેશમાં લોકોનો ઉદ્દેશ હોય છે—ભગવાનની પ્રાપ્તિ અથવા મોક્ષ. મોટા મોટા શ્રીમંતોને આપણે જોયા છે, મોટા લોકો જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે પોતાનો વ્યવસાય છોડી દઈ, સંપત્તિ છોડી દઈ, એકલા એકલા જ હરિદ્વારમાં રહે છે, ત્યાં આપણા આશ્રમની પાસે રહે છે. આવા લોકો જે ખૂબ શ્રીમંત હોય છે, એ લોકોને અમે મળ્યા. એમણે કહ્યું, “હા મહારાજ, અમારી પાસે તો ઘણી સંપત્તિ હતી, પરંતુ એમાં શું રાખ્યું છે, એ બધું છોડી દીધું છે, પાસે જ રામકૃષ્ણ મિશન છે, ત્યાં જાઉં છું, ગંગામાં સ્નાન કરું છું, ખૂબ આનંદમાં છું.”
જુઓ, આવો આ દેશ છે કે જ્યાં ગમે એટલો પૈસો હોય પણ એનાથી એમને તૃપ્તિ થતી નથી. ભગવાનના નામથી, ભગવાનના સ્મરણથી, ભગવાનની સેવાથી, આશ્રમની સેવાથી અને સાધુઓની સેવાથી આનંદ મેળવવાવાળા લોકો આ દેશમાં જ છે. આજે પણ છે. આ કળિયુગમાં જ આ દેશમાં નેવું ટકા લોકો આવા છે. આપણે આપણી જાતને ખૂબ શિક્ષિત કહીએ છીએ, આપણે દસ ટકા પણ નથી. આપણે વિચારીએ છીએ આ ધર્મ તો કુસંસ્કાર છે, તમે તો દસ ટકા છો, જે નેવું ટકા છે એને સારા સંસ્કાર કહે છે. તો હવે તો બહુમતી-ગણતંત્ર છે, તો એમને જ માનવા પડશે. જીવનનો ઉદ્દેશ ભગવાન-લાભ. ભગવાનના લાભથી શું થશે? આપણને અનંત જીવન મળશે, અનંત જ્ઞાન અને શક્તિ મળશે, અનંત આનંદ મળશે. હવે તો આપણને સીમિત જીવન મળ્યું છે.
આપણું જીવન કેટલું છે? સો વર્ષનું, મોટા ભાગના લોકો સો વર્ષ જીવતા નથી, એંશી-પંચાશીમાં જ ખતમ થઈ જાય છે. એટલે જ દક્ષિણ ભારતમાં એક પ્રથા છે, એંશી વર્ષમાં જ એક હજાર ચંદ્ર-દર્શન થઈ ગયાં એવું એક સરઘસ કાઢે છે, એક મોટો ઉત્સવ મનાવે છે કારણ કે એંશી પછી જીવવું બહુ કઠણ છે. એટલા માટે એંશીમાં જ બધું ખતમ કરી દે છે. તો આ એંશી વર્ષના જીવનમાં કેટલો આનંદ મળશે તમને? ખૂબ સીમિત આનંદ મળશે; કેટલું જ્ઞાન મળશે, ખૂબ સીમિત જ્ઞાન મળશે; કદાચ એક વિષયમાં ડૉક્ટરેટની ઉપાધિ મળશે, બીજા વિષયમાં મળશે, એમ કરતાં કરતાં તો એંશી વર્ષ થઈ જશે. જગતને છોડીને જતા રહેશો. જતા રહેવાની વાત એક છે, બીજી વાત તો એ છે કે બીજી વખત જન્મ લેશો ત્યારે આ બે ડૉક્ટરેટ કામ નહીં આવે, પછી એ-બી-સી-ડીથી શરૂ કરવું પડશે.
આવું જીવન છે, સીમિત જીવન, સીમિત જ્ઞાન અને સીમિત આનંદ, પચાસ વર્ષનું, સો વર્ષનું, એટલા માટે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું કે તમારે શું જોઈએ? અનંત આનંદ જોઈએ, એ ક્યારે મળશે? જ્યારે ભગવાનનો સાક્ષાત્કાર કરશો ત્યારે. તો લોકોએ તેમને પૂછ્યું કે ભગવાનનો સાક્ષાત્કાર તો એક-બે સંત કરી શકે છે, શું બધા કરી શકે છે? તો એમણે કહ્યું કે બધા કરી શકે છે. આ શ્રીરામકૃષ્ણદેવનો સૌથી મહાન ઉપદેશ છે. બધા લોકો ભગવાનનાં દર્શન કરી શકે છે. એના માટે તમારે કોઈ ખર્ચા કરવાની કે કોઈ કૉલેજમાં જવાની જરૂર નથી. એન્ટ્રી માટે કોઈ ફી આપવાની જરૂર નથી. ઘરે બેસીને જીવનના અમુક ધાર્મિક ગુણ, એ ધાર્મિક ગુણની વૃદ્ધિ કરી લો. પોતપોતાની અંદર જ સત્ય બોલવાની પ્રવૃત્તિ છે. બાળપણમાં તમને કોઈ પૂછે, તમે ખોટું બોલ્યા છો? પાંચ વર્ષની ઉંમરે ખબર જ નથી કે અસત્ય શું છે? અત્યારે કોઈ પૂછે તો મોઢું સૂકાઈ જાય છે. કોઈ કોઈ મા-બાપ પોતે ટી.વી. જોઈ રહ્યાં છે અને પોતાનાં બાળકોને કહે છે, “કોઈ અમને ડિસ્ટર્બ ન કરે. તું દરવાજે ઊભો રહે, કોઈ આવે તો એને કહેજે કે અમે લોકો ઘરે નથી.” આવું સાંભળીને જ બાળકનું મોઢું સૂકાઈ જાય છે કે માતા-પિતા ઘરે નથી, એના દુર્ભાગ્યથી ખરેખર પિતાજીના કોઈ દોસ્ત આવે છે, પૂછે છે, “એ, પિતાજી અંદર છે?” “અંદર છે, અંદર છે ખરા, પરંતુ એમણે કહ્યું છે કે તેઓ અંદર નથી.”
આપણે ખોટું નથી બોલી શકતા. આપણો એ પાયાનો ગુણ છે. એ જ બાળપણની સત્યતાને બચાવીને રાખવી. ‘શિક્ષણ, શિક્ષણ’ કરીને આપણને વિકૃત કરે છે, એને વિકૃત નહીં કરવું જોઈએ, આપણને ઠીક એ જ રાહ પર લઈને જવું જોઈએ. સત્યને પોતાની અંદર પકડી રાખો. જ્યાં પણ રહો, જે પણ કામ કરો એ સારું છે, પણ સત્યને પકડી રાખો. એને છોડો નહીં. કોઈ કામની અંદર તમે ખોટું બોલો, આવું કહેવામાં આવે, તો એને કહો કે અમે અસત્ય નહીં બોલીએ. ઉદાહરણ છે શ્રીરામકૃષ્ણદેવના પિતાજી. તેઓ ખુદીરામ ચટ્ટોપાધ્યાય. એ ગામના મંદિરમાં પૂજારી હતા. એમને ગામના એક જમીનદારે કહ્યું કે અમારો એક બનાવટી મામલો છે, એના માટે તમારે ખોટું બોલવું પડશે, જુબાની આપવી પડશે. તેમણે કહ્યું, “હું રામચંદ્રજીની પૂજા કરું છું, રામચંદ્ર સત્ય-મૂર્તિમાન છે, જો હું ખોટું બોલીશ તો રામચંદ્રજી ચાલ્યા જશે. તમારે જમીનદારને પકડીને લાવવો પડશે. હું તો તમને નહીં રામચંદ્રજીને ઇચ્છું છું. હું સત્ય જ બોલીશ, તે વિના બીજું કંઈ જ નહીં બોલું.” એ ગુસ્સામાં આવી ગયો અને તેણે તેમને ધકેલી દીધા. ગામમાં જેટલી સંપત્તિ હતી એ લઈને એમને ગામમાંથી કાઢી મૂક્યા. નિર્ધન અવસ્થામાં, બે નાનાં નાનાં બાળકો, પુત્રીને લઈને તેઓ કામારપુકુર ગામમાં આવ્યા. દેરેગામથી બીજા ગામમાં તેઓ આવ્યા, અને ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો જન્મ થયો, તેમના ઘરમાં. આવા ગરીબ માણસ હોવા છતાં પણ સત્યને છોડ્યું નહીં. આજે એમનું નામ અમર થઈ ગયું. તેઓ કોઈ યુનિવર્સિટીમાં નહોતા ગયા, એમને કોઈ પદ્મશ્રી પુરસ્કાર પણ નહોતો આપ્યો કે પદ્મવિભૂષણ પુરસ્કાર પણ નહોતો. પરંતુ આખી દુનિયા ખુદીરામને જાણે છે સત્યવાન તરીકે. તો સત્ય બોલવા માટે કોઈ ઉપાધિની જરૂર નથી, સંકલ્પની આવશ્યકતા છે.
એટલા માટે ભગવાન શ્રીરામકૃષ્ણદેવે કહ્યું કે ભગવાનને જોવા ઇચ્છતા હો તો સત્યને પકડી રાખો, પકડી રાખવાની ચેષ્ટા કરો, બની શકે કે ક્યારેક ક્યારેક અસત્ય બોલવું પડે, જબરદસ્તીથી, તો પછી પ્રભુને કહો કે મને વધારે શક્તિ આપો, વધારે ધૈર્ય આપો, જેનાથી હું સત્ય બોલું. પ્રાર્થના કરો અને આગળ જાઓ, જે થયું તે થયું. Don’t weep over the spilt milk. જે થયું તે છોડો અને આગળ વધતા જાઓ. સત્યને પકડી રાખો, એમ શ્રીરામકૃષ્ણદેવ કહેતા હતા. અને મનમાં બધા પ્રતિ એવી નિષ્ઠા રાખો કે બધા મારાં ભાઈ-ભાઈ, બહેન-બહેન, મા અને પિતાજી છે. જ્યારે સંબંધની વાત કરીએ છીએ ત્યારે એવી આંખોથી જુઓ કે આ ભગવાનથી જોડાયેલો સંબંધ છે, ભગવાન દ્વારા મળેલો છે. એવી આંખોથી બધાને, સમાજને જુઓ, તો બધાથી તમારો પ્રેમ થશે, બધા પ્રતિ તમારી દૃષ્ટિ પવિત્ર થશે, આ જ પવિત્રતાનો રસ્તો છે. આજે જે કોઈ અપવિત્ર ચિંતાઓ કરે છે તેઓ આ રસ્તો નથી જાણતા. તો શ્રીરામકૃષ્ણદેવે કહ્યું કે બધા જ લોકો ભાઈ-ભાઈ છે, બહેન-બહેન છે, તથા માતાજીનો સંબંધ છે, પિતાજીનો સંબંધ છે.
આખી દુનિયાને આ રીતે જુઓ, તમારું મન પવિત્ર રહેશે. જેનું મન પવિત્ર રહેશે, ભગવાન એને મળશે જ મળશે. આ જ રીતે એમણે કહ્યું કે નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરો. એનો મતલબ એમ નથી કે તમારે દસ હજાર રૂપિયા કે દસ લાખ રૂપિયા આપવાના છે, એવી વાત નથી. જો તમારી પાસે દસ રૂપિયા હોય તો એક રૂપિયો આપવાથી તમે દસ ટકા આપી રહ્યા છો. કોઈની પાસે દસ લાખ રૂપિયા છે તો હજાર રૂપિયા આપે તો એ પણ દશાંશમાં થયું કહેવાય, પરંતુ એમ નહીં. જે દસ રૂપિયામાંથી એક રૂપિયો આપે છે, પ્રભુ એ પણ જુએ છે, આપણી પાસે જે કંઈ છે, એનો એક હિસ્સો, બીજાની સેવામાં. પોતાની તો સેવા થશે, પરંતુ સમાજની સેવામાં કંઈક કરો, નિઃસ્વાર્થતા વધારો, ભગવાન મળશે. અને અંતમાં તેમણે કહ્યું—આ ત્રણ ગુણ-પહેલો સત્ય, બીજો પવિત્રતા અને ત્રીજું નિઃસ્વાર્થ સેવા, ચોથો અને પાંચમો ખૂબ મહત્ત્વના છે. તેમણે કહ્યું: ભગવાનમાં વિશ્વાસ રાખો, તમે ભગવાનનું સંતાન છો એમાં વિશ્વાસ રાખો. ભગવાન આપણાં માતા છે, પિતા છે, આપણે એમનાં સંતાન છીએ, આ હંમેશાં યાદ રાખો. ભગવાનની અંદર બધું જ છે, બધી જ શક્તિ છે, તમારે જે પણ જોઈએ. એ મારાં પિતાજી-માતાજી છે એ યાદ રાખો. બાળકને જે જોઈએ એ પિતાજી-માતાજી એને આપે છે, માત્ર કોઈ ચીજથી એનું અમંગળ ન થાય એ વિચારીને એને આપે છે. તમારું બાળક તમારી પાસે આવીને કંઈક માંગે છે, તમે એને આપો જ છો, ના નથી પાડતા. એને જે જોઈએ, મીઠાઈ જોઈએ તો મીઠાઈ આપો છો, ડ્રેસ જોઈએ તો ડ્રેસ આપો છો, પણ પિસ્તોલ માગે તો? પિસ્તોલ નહીં આપો કારણ કે પિસ્તોલથી એનું પણ અમંગળ થશે અને બીજાનું પણ.
પરમાત્મા પણ તમે જે ઇચ્છશો તે આપશે પરંતુ તેના માટે આપણને માત્ર શ્રદ્ધા જોઈએ. આ શ્રદ્ધાને વધારો. ભગવાન આપણી પાછળ છે. આપણે જે ઇચ્છીએ છીએ એ આપણને તે આપશે. અને આપણા મંગળ માટે, બીજાના મંગળ માટે આપણે ઇચ્છા કરતા જઈશું. આપણી શ્રદ્ધા જળવાઈ રહે, આપણે આપણી પ્રાર્થના અંતઃકરણથી કરીએ તો જરૂર ભગવાનનાં દર્શન થશે. તમે પણ ભગવાનનાં સંતાન થઈ જશો અને આનો અનુભવ કરશો. તો ભગવાનમાં આ શ્રદ્ધા, આ વિશ્વાસ તથા તેમની પ્રાર્થના. બાળકને જે જરૂર પડે છે તે માગવા તે સીધો માતાજી-પિતાજીની પાસે જાય છે અને એની ઇચ્છા કરે છે, આ જ રીતે આપણે પણ આપણાં માતાજી-પિતાજી જે પરમાત્મા છે એમની પાસે ઇચ્છા કરીએ, જે પણ આપણે ઇચ્છીએ છીએ એ મળશે. જે પણ શ્રદ્ધા અને અંતઃકરણ સાથે પ્રાર્થના કરે છે, ભગવાન એની પૂર્તિ કરે છે.
સાધારણ લોકોને પણ આનો અનુભવ થાય છે. શ્રદ્ધા તથા પ્રાર્થના એ જ આપણા વેદોમાં પણ કહેવામાં આવ્યું છે. વેદમાં આપણે ઘણાં સૂક્ત જોઈએ છીએ. પુરુષ-સૂક્ત, દુર્ગા-સુક્ત. આ બધાં સૂક્ત એ બધી પ્રાર્થના છે. તો વેદનો માર્ગ, એ છે પ્રાર્થના, ભગવાનમાં વિશ્વાસ રાખો, એમને પ્રાર્થના કરો. તો બધી શક્તિ મળશે. દરેક પ્રકારનો વિજય તમને મળશે. જીવનમાં તમારી પ્રગતિ જ થશે. આ જ પાંચ ગુણ, ન કેવળ હિંદુ ધર્મ પરંતુ બધા જ ધર્મોનું મૂળ છે, સત્ય, પવિત્રતા, નિઃસ્વાર્થ સેવા, અને શ્રદ્ધા તથા પ્રાર્થના. એને આપણે જીવનમાં લાવીએ. શ્રીરામકૃષ્ણ તમને ખૂબ પ્રેમ આપશે, તમારા મનમાં જે ઇચ્છા થશે તેને તેઓ પૂર્ણ કરશે, તમારું ઐહિક જીવન, આ જગતનું જીવન, તથા આધ્યાત્મિક જીવન બંનેમાં તમને યશ મળશે, વિજય મળશે. એ જ જોઈએ, આ જીવનમાં પણ આપણને આનંદ અને શાંતિ જોઈએ તથા આ જીવનની જ્યારે સમાપ્તિ થાય ત્યારે ભગવાનની પાસે રહીને અમર થઈને એમની પાસે આનંદથી રહીએ. આ જ આપણે ઈચ્છીએ છીએ. બંને મળશે ભગવાન શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી. એટલે જ આપણે કહીએ છીએ કે તેઓ યુગ-અવતાર છે, આ યુગ માટે એમના ઉપદેશ ખૂબ સફળ થાય છે. એમના ઉપદેશ કેટલા સરળ છે, એ જીવનમાં આવી જવાથી—પછી તમે ગમે તેની પૂજા કરો, કૃષ્ણની, શિવની, ઈસુની કરો કે અલ્લાહની, આ પાંચ ગુણ તમારી અંદર રહેવાથી તમને ભગવાન મળશે.
શ્રીરામકૃષ્ણદેવે આ જ કહ્યું, તમે કોઈ પણ ધર્મમાં રહો, આ બધું તમારી અંદર – નૈતિકતા, આધ્યાત્મિકતા આ પાંચ ગુણો રહેશે તો તમને ભગવાન મળશે. આપણા દેશમાં સ્વામી વિવેકાનંદને છોડીને, શ્રીરામકૃષ્ણના સોળ શિષ્યોને છોડીને કોઈ યુનિવર્સિટીમાં જઈને સંત થયું હોય એવી પરંપરા નથી. સંત-પરંપરા એમ જ બની છે. શ્રીરામકૃષ્ણદેવે કહ્યું કે યુનિવર્સિટી લોકોના મસ્તિષ્ક બગાડી રહી છે. એમને પણ હું સંત બનાવીશ, આને દર્શાવવા માટે સ્વામી વિવેકાનંદે યુનિવર્સિટીવાળા લોકોને પણ સંત બનાવી દીધા. તો જો આપણે યુનિવર્સિટીમાં જઈને બગડ્યા પણ હોઈએ તો શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ પર ચાલીએ. આપણું ઐહિક જીવન, આધ્યાત્મિક જીવન સફળ થશે. હું એમને પ્રાર્થના કરું છું કે એમનું સાંનિધ્ય આવ્યું છે, ભગવાન શ્રીરામકૃષ્ણદેવ અહીં આવીને બેઠા છે, આપ બધા જે નજીકમાં છો એમનું કર્તવ્ય છે કે એમણે પૂછવું જોઈએ કે મહેમાન આવ્યા છે તો – “પ્રભુ, રાતે આપને ઊંઘ તો થઈ છે? સવારે કંઈ નાસ્તો ખાધો? નહીં તો અમને કહો, અમે બનાવીને લાવીશું.” આ આપની ઉપર જવાબદારી છે, અર્થાત્, શ્રીરામકૃષ્ણદેવ આવ્યા છે અને આપ અહીં આ મીટિંગમાં બેઠા છો, અહીં તો શ્રીરામકૃષ્ણદેવ બેઠા છે, તમે એમને ન પણ જોઈ શકો પરંતુ તેઓ તમને જોઈ રહ્યા છે. તો તમે વિચારી શકો કે આજનો દિવસ સમાપ્ત થઈ ગયો, અને આને ભૂલી જશો. પરંતુ એ તમને નહીં ભૂલે, તમને ફરી ખેંચશે.
વારંવાર તમને યાદ આવશે કે અરે, અહીં તો એક આશ્રમની શરૂઆત જોઈ હતી, હવે શું થયું, કેટલો મોટો થયો, શું થયું, ચાલો જોઈએ, તમે ફરી પાછા આવશો. એક દિન નહીં, આખું જીવન તેઓ તમને અહીં ખેંચશે. એ છે શ્રીરામકૃષ્ણદેવ. એમણે કોઈ જાદુ નથી બતાવ્યો. એક જાદુગરી એમણે બતાવી. તેઓ ભક્તોને વાતો કર્યા બાદ “ફરી આવજો, ફરી આવજો”, એવું કહેતા હતા.
એક વાર કહી દીધું પછી આખું જીવન તમારે આવવું પડશે. ભગવાન શ્રીરામકૃષ્ણદેવે તમને બધાને જોઈ લીધા છે. મારો વિશ્વાસ છે તમે એમના વર્તુળમાં આવી ગયા. હવે તમને તેઓ ખેંચશે જ એમાં કોઈ સંદેહ નથી. તમે જરૂર અહીં આવશો, ભગવાનની સેવા કરશો. તમે બધા સેવા કરીને ધન્ય થઈ જાઓ, આપણું જીવન ધન્ય થઈ જાય, એવા એમના આશીર્વાદ આપણા ઉપર રહે એ જ પ્રાર્થના કરીએ. મને જેમણે આ મોકો આપ્યો એમની તરફ મારી કૃતજ્ઞતા વ્યક્ત કરીને હું મારી વાતને વિરામ આપું છું.
જય રામકૃષ્ણ.
Your Content Goes Here




