‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્’ના આઠમા પદમાં સ્વામી વિવેકાનંદજી કહે છે :
संपद तव श्रीपद भव गोष्पद वांरि यथाय ।
प्रेमार्पण समदरशन जगजन दुःख जाय ॥
‘તમારા ચરણો જેઓની સંપદા છે, તેઓ માટે ભવસાગર ગોષ્પદના જળ તુલ્ય થઈ જાય છે. હે પ્રેમાર્પણ, તમે સમદર્શી છે તેથી જગતના લોકોનાં દુઃખ દૂર થઈ જાય છે.’
શ્રી (લક્ષ્મી)ના પતિ હોવાને કારણે ભગવાન વિષ્ણુના ચરણો શ્રીપદ છે અને ગયાવિષ્ણુના અવતાર હોવાને કારણે શ્રીરામકૃષ્ણદેવના ચરણો પણ ‘શ્રીપદ’ છે. જે ભક્તો સાધારણ સંપદાની પરવા નથી કરતા, શ્રીરામકૃષ્ણદેવના શ્રીપદ જ પોતાની સંપદા ગણે છે, તેમના શ્રીચરણોમાં શરણ લે છે, તેમના માટે ભવસાગર તરવું એટલું જ સરળ બની જાય છે કે જેટલું ‘ગોષ્પદ’ (ગાયના પગલાંથી બનેલા ખાબોચિયાનું જળ) પાર કરવું.
ગોસ્વામી તુલસીદાસ ‘વિનય-પત્રિકા’માં કહે છે –
तुलसीदास प्रभु सो गुन नहि, जेहि सपनेहुँ तुमहि रिझावौ ।
नाथ-कृपा भवसिंधु धेनुपद सम जो जानि सिरावौ ॥
‘હે પ્રભુ, તુલસીદાસની પાસે એવો એકેય ગુણ નથી, જેનાથી સ્વપ્નમાં પણ તમને પ્રસન્ન કરી શકે. પણ હે નાથ! તમારી કૃપાથી ભવસાગર ગાયની ખરી જેટલો થઈ જાય છે. આથી (એમ જાણીને કે વિપરિત આચરણવાળો હોવા છતાં હું સરળતાથી ભવસાગર તરી જઈશ) હું સંતોષ માની લઉં છું.’
જેઓ ભગવાનનાં ચરણકમળોનો આશ્રય લે છે, તેઓ સરળતાથી ભવસાગર તરી જાય છે, જન્મ-મરણના દુઃખમાંથી સદા માટે મુક્તિ મેળવે છે. જેઓએ ખરાબ કર્મો કર્યાં હોય, તેઓ પણ જો સાચા હૃદયથી ભગવાનના શ્રીચરણોનો આશરો લે, તેમની શરણાગતિ સ્વીકારે તો તેઓ પણ સર્વ દુઃખોમાંથી મુક્તિ મેળવે છે.
ભગવાન શ્રીરામે શરણાગત થયેલા વિભિષણનો સ્વીકાર કરતી વખતે કહ્યું હતું –
कोटि बिप्र बध लागहिं जाहू।
आएँ सरन तजउँ नहिं ताहू॥
सनमुख होइ जीव मोहि जबहीं।
जन्म कोटि अघ नासहिं तबहीं॥
(રામચરિત માનસ : ૫/૪૩/૧)
‘કરોડો બ્રાહ્મણોની હત્યા કર્યા પછી જો કોઈ મારે શરણે આવે તો પણ હું તેનો ત્યાગ નથી કરતો. મારી પાસે આવતાં જ જીવના કરોડો જન્મોનાં પાપોનો નાશ થઈ જાય છે.’
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને લક્ષ કરી સમસ્ત માનવજાતને કહે છે –
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः।।
(ગીતા : ૧૮/૬૬)
‘બધા ધર્મોનો ત્યાગ કરી તું માત્ર મારા (સર્વશક્તિમાન ઈશ્વરના) શરણે આવી જા. હું તને બધાં પાપોમાંથી મુક્ત કરી દઈશ, શોક ન કર.’
ઇશુ ખ્રિસ્ત કહે છે :
“Come unto me, all ye that labour and are heavy laden, and I will give you rest.” ‘તમે સૌ દુઃખી અને થાકેલા મારી પાસે આવો, હું તમને શાંતિ આપીશ.’
શ્રીરામકૃષ્ણદેવના અવતારમાં તો શરણાગત વત્સલતાની પરાકાષ્ઠા જ જોવા મળે છે. પાપી-તાપી, નર નારી, આબાલ-વૃદ્ધ સૌ શ્રીરામકૃષ્ણદેવના ચરણોમાં શરણ લઈ દુઃખમાંથી મુક્ત થઈ જાય છે.
શ્રીમા શારદાદેવીએ કહ્યું હતું, ‘ગરીબ અને તવંગર, ભણેલાં અને અભણ – બધાંને મુક્તિનું દાન આપવા ઠાકુરે (શ્રીરામકૃષ્ણદેવે) પૃથ્વી પર જન્મ ગ્રહણ કર્યો હતો.’ શ્રીમા શારદાદેવીએ અન્ય સમયે આશ્વાસન આપતાં કહ્યું હતું, ‘ઠાકુર કહેતા કે, ‘જેઓ મારી પ્રાર્થના કરે છે, તેમના મૃત્યુ સમયે મારે તેમની પડખે ઊભું રહેવું પડશે.’ આ તેમના પોતાના શ્રીમુખના શબ્દો છે.’
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે :
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम्।
यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः॥
(ગીતા : ૮/૫)
‘જે વ્યક્તિ અંતકાળે મારું સ્મરણ કરતાં કરતાં શરીરનો ત્યાગ કરે છે, તે મારા સાક્ષાત્ સ્વરૂપને પામે છે; એમાં સંદેહ નથી.’
એકવાર શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી શિવાનંદજી મહારાજને એક ભક્તે આ વિશે સંદેહ વ્યક્ત કરતાં પૂછ્યું કે તેમનામાં તો હજુ ઘણી કામનાઓ બાકી છે, તો તેઓ કેવી રીતે મુક્ત થઈ શકશે? પૂ. મહારાજે સમજાવતાં કહ્યું, ‘માની લો, અંતિમકાળે શ્રીરામકૃષ્ણદેવ તમારી સમક્ષ હાજર થઈ ગયા. તો તમે શું માગશો? તેમનાં ચરણકમળમાં ભક્તિ જ ને! તેમના દર્શનમાત્રથી તમારી બધી કામનાઓ પોતાની મેળે દૂર થઇ જશે અને તમે મુક્ત થઈ જશો.’
શ્રીરામકૃષ્ણદેવના ભક્તોનો મૃત્યુ સમયનો અનુભવ અદ્ભુત હતો.
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત શ્રી નવગોપાલ ઘોષનાં પત્ની નિસ્તારિણી ઘોષ પણ શ્રીરામકૃષ્ણદેવનાં પરમ ભક્ત હતાં. તેમણે એક વાર કહ્યું હતું, ‘તમે ગમે એટલી સાધના કરો, પણ સાચી સફળતા તો તમે કેવી રીતે મરો છો, તેના પર આધારિત છે.’ તેમના પોતાના જીવનમાં તેમણે આ પુરવાર કર્યું. ૨૦ માર્ચ ૧૯૩૨ના રોજ તેમણે શ્રીરામકૃષ્ણદેવના ફોટાને છાતી સરસા ચાંપીને, તેમનું નામ લેતાં લેતાં ગાઢ ધ્યાનાવસ્થામાં દેહત્યાગ કર્યો.
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત બલરામ બોઝના મૃત્યુના સમયનું વર્ણન કરતાં સ્વામી શિવાનંદજી મહારાજે (મહાપુરુષ મહારાજે) કહ્યું હતું, ‘છેલ્લી ઘડીએ અમે તેમની આસપાસ બેઠા હતા અને તેમનાં પત્ની અત્યંત દુઃખિત અવસ્થામાં ગોલાપ મા, યોગીન મા વગેરેની સાથે અંદરના ભાગમાં બેઠાં હતાં. ત્યારે જ તેમણે આકાશમાં એક કાળા વાદળ જેવું કાંઈ જોયું, જે ધીરે ધીરે ગાઢ થવા લાગ્યું અને નીચે ઊતરવા માંડ્યું. થોડી જ વારમાં તેણે રથનો આકાર ધારણ કર્યો અને બલરામબાબુના મકાનની અગાશીમાં ઉતર્યો. શ્રીરામકૃષ્ણદેવ રથની બહાર આવ્યા અને બલરામબાબુ જ્યાં હતા તે ઓરડાં તરફ ગયા. થોડી જ વારમાં તેઓ બલરામબાબુનો હાથ પકડી બહાર આવ્યા અને તેમણે રથમાં પ્રવેશ કર્યો. રથ ઊંચે ગયો અને અદૃશ્ય થઈ ગયો. આ દર્શનથી બલરામબાબુના પત્નીનું મન એટલી ઉચ્ચ અવસ્થામાં ચાલ્યું ગયું કે તેમનું દુ:ખ-કષ્ટ ભુલાઈ ગયું. જ્યારે તેઓ સહજ અવસ્થામાં પાછા ફર્યાં ત્યારે તેમણે ગોલાપ માને આનું વર્ણન કર્યું. ગોલાપ માએ અમને કહ્યું, થોડી જ વા૨ ૫હેલાં બલરામબાબુએ છેલ્લો શ્વાસ લીધો હતો.’
દક્ષિણેશ્વરના મંદિરમાં કામ કરતા રસિક મહેતરે એક વાર શ્રીરામકૃષ્ણદેવના ચરણો પકડી લીધા. સાષ્ટાંગ પ્રણામ કરી રડતાં-રડતાં તેણે કહ્યું, ‘બાપુ, મારું શું થશે?’ શ્રીરામકૃષ્ણદેવે આશ્વાસન આપતાં કહ્યું, ‘ડર મા, તારી ઈચ્છા પૂર્ણ થશે. તારા મૃત્યુ સમયે તને મારાં દર્શન થશે.’ ઠીક આમ જ બન્યું. મૃત્યુની થોડી વાર પહેલાં રસિકે આંગણામાં તુલસીના ક્યારા પાસે પોતાની પથારી ખસેડવાનું કહ્યું. મૃત્યુ વખતે તે પોકારી ઊઠયો, ‘ઓહ, બાપુ તમે આવ્યા, ખરેખર આવી ગયા!’ આમ કહેતાંની સાથે તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. આજે પણ ઘણા ભક્તો દક્ષિણેશ્વર મંદિરની મુલાકાતે જાય છે, ત્યારે તેનાથી થોડે જ દૂર આવેલ રસિક મહેતરના એ મકાનની મુલાકાત લે છે, એ તુલસીનો ક્યારો જુએ છે.
હાજરા મહાશયે શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલામાં ખલનાયકની ભૂમિકા ભજવી હતી. મિથ્યાચાર અને મિથ્યાભાષણ જાણે તેમની રગે રગમાં હતા! ક્યારેક તો શ્રીરામકૃષ્ણદેવને જ શિખામણ આપતા! ૬ વર્ષો સુધી તેઓ દક્ષિણેશ્વરમાં રહ્યા. શ્રીરામકૃષ્ણદેવના ઓરડાની સામેના વરંડામાં જપની માળા લઈ બેસી રહેતા અને શ્રીરામકૃષ્ણદેવ પાસે જતા ભક્તોને પકડીને ધરાર પોતાના ઉપદેશ સંભળાવતા. એક વાર તો શ્રીરામકૃષ્ણદેવ તેમની કપટલીલાથી એટલા કંટાળી ગયા કે જગન્માતાને પ્રાર્થના કરી, ‘હૈ મા જો, હાજરા ઢોંગી હોય તો તેને અહીંથી કાઢી મૂકો.’ થોડા દિવસો પછી હાજરા મહાશયને આ વાતની ખબર પડતાં તેઓ તેમની પાસે આવીને કહેવા લાગ્યા, ‘જુઓ, હું હજુ અહીં જ છું!’ પણ હાજરા મહાશયને નરેન (સ્વામી વિવેકાનંદ)ની સાથે સારું બનતું. શ્રીરામકૃષ્ણદેવ મજાકમાં પોતાની ગામઠી ભાષામાં કહેતાં – ‘હાજરો તો નરેનનો ‘ફેરેન્ડ’ (Friend – મિત્ર) છે.’
૧લી જાન્યુઆરી ૧૮૮૬ના રોજ કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવે જાણે કે ‘કલ્પતરુ’ બની ભક્તો પર આશીર્વાદ વરસાવ્યા હતા. હાજરા મહાશય ત્યારે ગેરહાજર હતા. પાછળથી તેમને ખબર પડી ત્યારે તેઓ નિરાશ થઈ ગયા, તેમણે નરેનનો સહારો લીધો. નરેન તરત જ તેમને શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં લઈ ગયા અને તેમના પર કૃપા વરસાવવા કહ્યું. શ્રીરામકૃષ્ણદેવ આ માટે રાજી નહોતા. છેવટે નરેનના દબાણથી તેમણે કરુણાવશ થઈ કહ્યું, ‘તેનો સમય હજુ પાક્યો નથી. મૃત્યુ સમયે તેને આશીર્વાદ મળશે.’ ખરેખર તેમ જ બન્યું. હાજરા મહાશય પોતાના ગામમાં રહેતા હતા ત્યારે મૃત્યુના ત્રણ દિવસો પહેલાં તેમને સાધારણ તાવ આવ્યો. આ સિવાય એમને અન્ય કોઈ રોગ નહોતો. ત્રીજા દિવસના અંતે તેમણે પોતાની પત્નીને કહ્યું, ‘જો, આવતીકાલે સવારે ૯ વાગ્યે હું મરવાનો છું, માટે ગામના લોકોને બોલાવી લેજે.’ તેમની પત્નીએ આ વાત ગંભીરતાથી લીધી નહિ. બીજે દિવસે સવારે ફરી હાજરા મહાશયે પોતાના મૃત્યુ વિશે ગામના લોકોને જણાવવા માટે કહ્યું. લોકોને જાણ થઈ, પણ કોઇએ આ વાત ગંભીરતાથી ન લીધી. થોડા લોકો હાજરા મહાશયના આ નવા ખેલની મજા જોવા ભેગા થયા.
સવારે ૮-૩૦ વાગ્યે હાજરા મહાશયે જપમાળા પોતાના હાથમાં લીધી અને જપ કરવા માંડ્યા. અચાનક લોકોએ હાજરા મહાશયના ચહેરા પર કંઈ પરિવર્તન જોયું, જાણે તેઓ કોઈને જોઈ રહ્યા હોય એમ લાગ્યું. થોડી વારમાં હાજરા મહાશય બોલી ઊઠયા, ‘આવો, પધારો! હે ગુરુદેવ! આટલા વખત પછી મને યાદ કર્યો!’ પછી તેમણે પોતાની પત્નીને કહ્યું, ‘જલદીથી એક આસન લાવ. જોતી નથી, પરમહંસદેવ આવ્યા છે?’ તેમનાં પત્ની તો કંઈ સમજી શક્યાં નહિ, વારંવા૨ કહેવાથી નછૂટકે એક આસન લાવીને પાથર્યું. થોડી વાર પછી હાજરા મહાશયે શ્રીરામકૃષ્ણદેવને સંબોધીને હાથ જોડી કહ્યું, ‘ગુરુદેવ, તમારી મારા પર આટલી બધી કૃપા છે. હવે થોડી વધુ કૃપા કરો. મારી સાથે આંગણામાં તુલસીના ક્યારા સુધી આવો. હું ત્યાં જ મારો દેહ છોડવા માગું છું.’
શ્રીરામકૃષ્ણદેવની સંમતિ મેળવી તેમણે પોતાની પત્નીને આસન તુલસીના ક્યારા સુધી લઈ જવા કહ્યું. તેઓ પોતે પણ ત્યાં પથારીમાં સૂતાં સૂતાં જપ કરવા લાગ્યા. થોડી વાર પછી ‘હરિ, હરિ, હરિ’ એમ ત્રણ વાર બોલીને તેમણે છેલ્લો શ્વાસ લીધો. ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એક મહાત્માને છાજે તેવી રીતે તેઓએ તેમના અગ્નિસંસ્કારની તૈયારી કરી. શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી હાજરા મહાશય ખલનાયકમાંથી મહાત્મા બની ગયા.
શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ (માસ્ટર મહાશય)નો જન્મ જાણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ લખવા માટે જ થયો હતો. આ કથામૃતની અમીધારાએ કેટકેટલાંયને નવજીવન બક્ષ્યું છે. – ૬ જૂન, ૧૯૩૨ના રોજ ફલહારિણી કાલીપૂજાને દિવસે માસ્ટર મહાશયે રાતના નવ વાગ્યા સુધી ‘કથામૃત’ના પાંચમા અને છેલ્લા ભાગનું પ્રૂફ જોયું. પ્રૂફ જોતાં જોતાં જ એમના હાથમાં સ્નાયુશૂલની પીડા શરૂ થઇ અને બીજા દિવસે સવારે ‘મા, ગુરુદેવ, મને ખોળામાં લઇ લો.’ આમ કહેતાં તેઓ ચિરનિદ્રામાં પોઢી ગયા.
શ્રીરામકૃષ્ણદેવ પાસેથી મંત્રદીક્ષા મેળવેલ ગૌરીમા વિશે સ્વામી વિવેકાનંદજીએ લખ્યું હતું, ‘ગૌરીમા ક્યાં છે? હજારો ગૌરીમાની આવશ્યકતા છે, જેમનામાં મહાન ચેતનાદાયિની શક્તિ હોય.’ તેમનું મહાપ્રયાણ પણ અદ્ભુત હતું. ૨૮ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ શિવરાત્રિના દિવસે તેમણે કહ્યું, ‘ઠાકુર દોરી ખેંચી રહ્યા છે.’ એ જ દિવસે બપોરે તેમણે આશ્રમની વિદ્યાર્થિનીઓને કહ્યું, ‘મને સારી રીતે સજાવી દો. જુઓ મારા માટે રથ આવી રહ્યો છે.’ અંતિમ રાત્રે તેમણે પોતાના આરાધ્ય દામોદરને મંગાવ્યા, તેમને અપલક નેત્રે જોતાં રહ્યાં. પછી થોડો સમય છાતીસરસા ચાંપ્યા. બીજે દિવસે ૧લી માર્ચે, તેઓ પોતાની આ પ્રિય મૂર્તિને દુર્ગાદેવીને સોંપી નિશ્ચિંત થઇ ગયાં. આખો દિવસ પ્રસન્નતાથી તેઓ શ્રીરામકૃષ્ણદેવ વિશે વાતો કરતાં રહ્યાં. સાંજે તેઓ ત્રણ વાર ‘શ્રીરામકૃષ્ણ’ એમ બોલ્યાં અને રાત્રે ૮-૧૫ વાગે મંત્રનો જાપ કરતાં કરતાં તેમણે મહાપ્રયાણ કર્યું. તેમના પવિત્ર દેહનો અગ્નિસંસ્કાર કલકત્તાના એ કાશીપુર સ્મશાનઘાટમાં જ કરવામાં આવ્યો જ્યાં શ્રીરામકૃષ્ણદેવના પાર્થિવ દેહનો કરવામાં આવ્યો હતો.
શ્રીરામકૃષ્ણદેવના અનેક ગૃહસ્થ ભક્તો આવી રીતે શ્રીરામકૃષ્ણદેવના શ્રીપદનો આશ્રય લઇ ભવસાગર તરી ગયા, તો પછી તેમના નામે સર્વસ્વનો ત્યાગ કરનાર સંન્યાસીઓ આ ભવસાગર તરી જાય એમાં નવાઇ શી? શ્રીરામકૃષ્ણદેવના અનેક સંન્યાસી શિષ્યોનું મહાપ્રયાણ પણ અદ્ભુત રીતે થયું હતું.
૪ જુલાઇ, ૧૯૯૨ના રોજ માત્ર ૩૯ વર્ષની વયે સ્વામી વિવેકાનંદજીએ બેલુર મઠમાં મહાસમાધિમાં પોતાનો દેહ છોડી દીધો. તે દિવસે સવારના ૮ થી ૧૧ વાગ્યા સુધી તેઓ મંદિરમાં ઊંડા ધ્યાનમાં મગ્ન રહ્યા. મંદિરમાંથી તેઓ નીચે ઊતરી રહ્યા હતા ત્યારે સ્વામી પ્રેમાનંદજીને અસ્પષ્ટ વાણી સંભળાઇ : ‘જો કોઇ બીજો વિવેકાનંદ હોત તો તે જાણી શકત કે આ વિવેકાનંદે શું કર્યું છે. પણ સમય આવ્યે આવા સેંકડો વિવેકાનંદો જન્મશે.’
તે પછી તેમણે સ્વામી શુદ્ધાનંદજીને શુકલ યજુર્વેદનો કેટલોક ભાગ ભાષ્ય સાથે ભણાવ્યો. બપોર પછી બ્રહ્મચારીઓના સંસ્કૃત પાઠમાં ભાગ લીધો. સાંજે તેઓ સ્વામી પ્રેમાનંદજી મહારાજ સાથે બેલુર બજાર સુધી ફરવા ગયા. માર્ગમાં તેમણે વેદ વિદ્યાલય સ્થાપવાની ઇચ્છા પ્રકટ કરી. (સ્વામીજીની આ ઇચ્છા તાજેતરમાં પૂર્ણ થઇ છે.) પાછા ફરીને મઠમાં બધાના ક્ષેમકુશળ પૂછ્યા અને પછી પોતાના ઓરડામાં જઈ સેવક પાસેથી જપમાળા લીધી અને તેને બહાર જવા કહ્યું. પછી મા ગંગા તરફ મુખ કરીને તેઓ ધ્યાનમગ્ન બની ગયા. એમના જીવનની આ અંતિમ પળો હતી. ખાલી દેહપિંજર પડી રહ્યું. ધ્યાનની આ પાંખો પર સવાર થઇ તેમના આત્માએ અનંત યાત્રા પ્રારંભ કરી. પોતાના સંન્યાસી – શિષ્ય સેવકને તેમણે કહેલા અંતિમ શબ્દો હતા – ‘Wait and meditate till I call you’ (થોભો, અને હું પોકારું ત્યાં સુધી ધ્યાન ધરો.)
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ (લાટૂ મહારાજ) એક અભણ ગોવાળિયા બાળકમાંથી મહાન સંત બન્યા હતા. સ્વામી વિવેકાનંદજી તેમની સૂક્ષ્મ બુદ્ધિની પ્રશંસા કરી ‘પ્લૅટો’ (લેટો-લાટૂ) કહીને બોલાવતા અને તેમને શ્રીરામકૃષ્ણદેવના ‘ચમત્કાર’ (Miracle of Sri Ramakrishna) ગણતા. તેમનું મહાપ્રયાણ પણ અદ્ભુત હતું. શ્રીરામકૃષ્ણદેવના અન્ય શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજે પોતાના પત્ર (તા. ૨૫-૪-૧૯૨૦)માં એમના અંતિમ સમયનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે –
‘આવું અદ્ભુત મહાપ્રયાણ મોટા ભાગે જોવા મળતું નથી… આ દિવસોમાં તેઓ હંમેશા અંતર્મુખ રહેતા હતા. બીમારી વખતે તેઓ સંપૂર્ણ ધ્યાનસ્થ હતા – એમની દૃષ્ટિ ભ્રૂમધ્યમાં સ્થિર હતી… (મૃત્યુને દિવસે) સવારે મેં જઇને જોયું તો તાવ ખૂબ હતો. નાડી જોઇ તો ન મળી. ડૉક્ટરે આવીને હૃદય તપાસ્યું, પણ કોઇ ધબકારો ન મળ્યો. તાવ ૧૦૨.૬ હતો. ખૂબ સભાન હતા પણ કોઇ જ બાહ્ય ક્રિયા ન હતી. દૂધ આપ્યું તો એમણે નારાજગી બતાવી, પણ વિશ્વનાથના ચરણામૃતનું ખૂબ આનંદથી પાન કર્યું. દસ વાગ્યા પછી મેં વિદાય લીધી… (પછી) ખબર મળ્યા લાટૂ મહારાજ ૧૨ ને ૧૦ મિનિટે આ લોક છોડીને સ્વધામમાં ગયા. એમના અંતિમ દર્શન કરવા માટે ૧૬ નંબર હાડારબાગના મકાનમાં હું આવી પહોંચ્યો. … જ્યારે એમને બેસાડીને પૂજા વગેરે થઇ રહી હતી તે વખતે એમના મુખમંડળ પર કેટલો સુંદર ભાવ હતો એ લખીને વર્ણવી શકાય નહીં. લાટૂ મહારાજની આવી શાંત, કરુણાપૂર્ણ, આનંદમય દૃષ્ટિ મેં પહેલાં ક્યારેય નહોતી જોઇ. એ પહેલાં એમનાં નેત્રો અર્ધાં બિડાયેલાં રહેતાં. પણ હવે એ ખુલ્લાં અને મુક્ત હતાં. એમાં જે પ્રેમ, જે પ્રજ્ઞાભાવ, જે સામ્ય અને મૈત્રીભાવ જોયાં એ વર્ણનાતીત છે. જેમણે પણ એ જોયું તેઓ મુગ્ધ બની ગયા; વિષાદનો અંશ પણ ત્યાં ન હતો. આનંદની લહેરો પ્રગટતી હતી; જાણે તેઓ બધાના પ્રેમનું અભિવાદન કરી રહ્યા હતા. આ વખતનું દૃશ્ય અત્યંત અદ્ભુત અને હૃદયસ્પર્શી હતું! જાણે અદ્ભુતાનંદ નામ સાર્થક કરવા માટે જ પ્રભુએ આ અદ્ભુત દૃશ્ય બતાવ્યું… ધન્ય છે ગુરુ મહારાજ અને ધન્ય છે એમના લાટૂ મહારાજ!’
સ્વામી તુરીયાનંદજી મહારાજની પોતાની મહાસમાધિ પણ એવી જ અદ્ભુત રીતે થઈ હતી. દેહત્યાગના એક અઠવાડિયા પહેલાં જ એમણે કહી રાખ્યું હતું, ‘હજુ પાંચ છ દિવસ ખૂબ આનંદ કરી લો.’ પૂર્વરાત્રિના અંતે એમણે ફરીથી કહ્યું, ‘કાલે અંતિમ દિવસ છે. કાલે અંતિમ દિવસ છે.’ અંતિમ દિવસ આવી પહોંચ્યો…મહાપ્રયાણના દિવસે એમણે ભોજન લીધું નહીં. અંતિમ મુહૂર્ત પહેલાં એમણે ફક્ત ચરણામૃતનું પાન કર્યું. એ પછી પોતાને બેઠા કરવા માટે કહ્યું પણ તેમ કરવાની કોઈની હિંમત ચાલી નહીં. આ જોઈને એમણે નારાજગી બતાવતાં કહ્યું, ‘બધા અણસમજુ છે, કોઈ સમજતું નથી, શરીર જઈ રહ્યું છે, પ્રાણ નીકળી રહ્યા છે.’ આમ છતાં પણ બધાને સ્થિર જોઈને લાચાર થઈને એમણે પગ ખેંચીને સીધા કરવા અને પ્રણામ કરવા માટે બે હાથ પકડીને ઊંચા કરવા કહ્યું. એ પછી હાથ જોડીને બોલ્યા, ‘જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય રામકૃષ્ણ, જય રામકૃષ્ણ! બોલો, બોલો તેઓ સત્યસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે.’ સ્વામી અખંડાનંદજી મહારાજે ઉપનિષદમંત્રનું ઉચ્ચારણ કર્યું: ‘सत्यं ज्ञानमनन्तं ब्रह्म’ સ્વામી તુરીયાનંદજી મહારાજે એનું પુનરુચ્ચારણ કર્યું અને કહ્યું, ‘બ્રહ્મ સત્ય, જગત સત્ય, બધું સત્ય. સત્યમાં પ્રાણ પ્રતિષ્ઠિત છે.’ ધીમે ધીમે વાણી શમી ગઈ. બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ બ્રહ્મમાં લીન થઈ ગયા.
શ્રીરામકૃષ્ણદેવના આવા અનેક સાક્ષાત્ શિષ્યો (ગૃહસ્થ કે સંન્યાસી) આવી રીતે અંતિમ સમયે ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં મૃત્યુ પામ્યા અને ગીતાની ઉક્તિ અનુસાર મુક્ત થઈ ગયા, ભવસાગર પાર થઈ ગયા. તેઓએ તો શ્રીરામકૃષ્ણદેવની હયાતીમાં જ તેમનાં ચરણકમળનો આશ્રય લીધો હતો, તેથી તેઓ મુક્ત થાય તેમાં શી નવાઈ? પણ આ ભવસાગર-તારણની પ્રક્રિયા આજે પણ ચાલુ છે એ જ વાત અદ્ભુત છે. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી જેઓ તેમના વિશે વાંચી અથવા સાંભળી તેમના ભક્ત બની ગયા, તેમના શ્રીચરણનો આશ્રય લીધો, સંપૂર્ણ શરણાગત થયા, તેઓ પણ ભવસાગર તરી ગયા. આવા અનેક ભક્તોના મહાપ્રયાણ વિશેની આશ્ચર્યજનક વાતો જાણવા મળે છે. અહીં બે જ ઉદાહરણો આપીશું.
શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવેલ ભુવનેશ્વરના ભક્ત શ્રી હરિ મહન્તીનું મૃત્યુ પણ અદ્ભુત હતું. મૃત્યુ સમયે તેમને સ્વામી બ્રહ્માનંદજી મહારાજનાં દર્શન થયાં. તેઓ તેમની પાસે એક ફૂલ દેવા માટે આવ્યા હતા. તેમનાં દર્શનથી મહન્તી હર્ષિત થઈ ગયા અને તેમને પ્રણામ કરવા ઊભા થવા લાગ્યા. પણ દુર્બળતાને કારણે ઊઠી ન શક્યા. તેમણે પાસેની વ્યક્તિને કહ્યું, ‘મહારાજ પાસેથી ફૂલ લઈને મને આપો.’ પણ અન્ય કોઈ મહારાજને જોઈ શક્યા નહીં. ત્યારે મહન્તીએ કહ્યું; ‘કેવું આશ્ચર્ય! સાવ સામે જ પૂ. મહારાજ ફૂલ લઈને ઊભા છે. અને તમને દેખાતા નથી?’ આવી રીતે તેઓ બોલતા રહ્યા અને આમ છેક છેલ્લી ઘડી સુધી પૂ. મહારાજનાં દર્શન કરતાં કરતાં તેમને પ્રણામ કરતાં કરતાં તેમણે પોતાનો દેહ છોડ્યો.
રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્ય મથક બેલુરમઠમાં થોડાં વર્ષો પહેલાં એક હજામ રહેતો હતો. નામ – મૂરતરામ. મૂળ ઉત્તરપ્રદેશનો; પણ તેના બાપ-દાદા કલકત્તા આવીને વસેલા. ૧૬-૧૭ વર્ષની ઊંમરથી જ તેણે બેલુરમઠ આવવાનું શરૂ કરેલું. લગભગ પચાસ વર્ષો સુધી તેણે બેલુરમઠમાં પોતાની સેવા આપી હતી, અનેક વરિષ્ઠ સંન્યાસીઓનો તે કૃપાપાત્ર બન્યો હતો. બધા સાધુ બ્રહ્મચારીઓને મુંડન કરાવવા – હજામત કરાવવા, તેની પાસે લાઈન લગાવવી પડતી. મુંડન કરવામાં એટલો પાવરધો હતો કે કલાકેકમાં ૫૦-૬૦ બ્રહ્મચારીઓનું મુંડન કરી શકતો. સિફતપૂર્વક તે છૂરી ફેરવતો, તેની સાથે સાથે જીભ પણ ફરતી અલકમલકની વાતો પણ તે કરતો. રામકૃષ્ણ મઠ અને મિશનના સમસ્ત સંસારના સમાચાર તેની પાસે રહેતા. તેનો એટલો દબદબો હતો કે બ્રહ્મચારીઓને શિખામણ આપતો અને ક્યારેક દબડાવતો પણ ખરો! પણ શ્રીરામકૃષ્ણદેવનો તે અનન્ય ભક્ત હતો. નાની વયમાં જ તેણે રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ (શ્રીમા શારદાદેવીના શિષ્ય) સ્વામી વિરજાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. એ દીક્ષા વિશેની પણ વાત રસપ્રદ છે. મંત્રદીક્ષા મેળવ્યા પછી પૂ. પ્રેસીડેન્ટ મહારાજના ઓરડામાંથી બહાર આવ્યાં પછી તે મંત્ર ભૂલી ગયો. તે રડવા માંડ્યો. પૂ. પ્રેસીડેન્ટ મહારાજે કરુણાવશ થઈ તેને પાછો બોલાવ્યો અને ફરી મંત્ર આપ્યો. મુરતરામ નિયમિતરૂપે સવારના દરરોજ ચાર વાગે ગંગાસ્નાન કરતો, શ્રીરામકૃષ્ણદેવના મંદિરમાં મંગલ આરતી વખતે હાજર રહેતો અને નિયમિત જપ કરતો; ગમે તેવી પરિસ્થિતિમાં, શરીરની અસ્વસ્થતા હોય તો પણ તેનો આ ક્રમ ક્યારેય તૂટતો નહિ. આવી રીતે ઘણાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા બજાવી જ્યારે તેનો દેહ જીર્ણ થઈ ગયો ત્યારે ૧૫ મે ૧૯૮૩ના રોજ લગભગ સિત્તેર વર્ષની ઉંમરે તે પોતાને ગામડે ચાલ્યો ગયો. તેનું ગામ ઉત્તરપ્રદેશમાં ગોરખપુર જિલ્લામાં હતું. ત્યાં પણ તે દરરોજ નિયમિત જપ કરતો. ૧૯૮૬માં સપ્ટેમ્બરના મહિનામાં તેણે મહાપ્રયાણ કર્યું ત્યાં સુધી તે આમ દરરોજ નિયમિત જપ કરતો. મૃત્યુ પહેલાં તેણે પોતાના પુત્રને તને સરયૂ નદીના તીરે લઈ જવાનું કહ્યું. નદીમાં સ્નાન કર્યા પછી પોતાના ઈષ્ટમંત્રનો જપ કરતાં કરતાં તે પોતાના ઈષ્ટદેવમાં વિલીન થઈ ગયો.
ધન્ય છે એ હજામ મૂરતરામ જે મૃત્યુ સમયે શ્રીરામકૃષ્ણદેવનું નામ લેતાં લેતાં શ્રીરામકૃષ્ણધામ પહોંચી ગયો! ધન્ય છે એ રસિક મહેતર જે અંતિમ સમયે શ્રી રામકૃષ્ણદેવનાં દર્શન પ્રાપ્ત કરી સદા માટે તેમના શ્રીચરણોમાં પહોંચી ગયો. ધન્ય છે બલરામ બોઝ જેને મૃત્યુ સમયે શ્રીરામકૃષ્ણદેવ હાથ પકડીને રથમાં બેસાડીને પોતાના દિવ્યધામમાં લઈ ગયા. ધન્ય છે એ ગૃહસ્થ ભક્તો જેઓ શ્રીરામકૃષ્ણદેવના શ્રીપદનો આશ્રય ગ્રહણ કરી અદ્ભુત રીતે મૃત્યુને પામ્યા અને સદા માટે દુઃખ-કષ્ટમાંથી મુક્ત થયા. ધન્ય છે એ સંન્યાસીઓ જેઓ શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી બ્રહ્મનિષ્ઠ થયા અને મૃત્યુ પછી બ્રહ્મલીન થયા. ધન્ય છે એ લોકો જેઓ શ્રીરામકૃષ્ણદેવના શ્રીપદનો આશ્રય લઈ રહ્યા છે અથવા લેશે અને ભવસાગર પાર થઈ જશે.
ધન્ય પ્રભુ રામકૃષ્ણ! તમારી કૃપા અવર્ણનીય છે. અહેતુક કૃપાસિન્ધુ, તમારા શરણે જે કોઈ આવે છે તે ભવસાગર તરી જાય છે. પાપી, પુણ્યાત્મા, બ્રાહ્મણ, શૂદ્ર, હજામ, મહેતર, ધની, દરિદ્ર, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, બધા જ પર તમારી કૃપાની સમાનરૂપે વર્ષા થાય છે. કેટકેટલા સંન્યાસીઓ, ગૃહસ્થો તમારા શ્રીચરણોનો આશ્રય લઈ ભવસાગર તરી ગયા છે, તેની ગણના અશક્ય છે. અમને એ જાણવાની જરૂર પણ નથી. અમારે તો સ્વામી વિવેકાનંદજી જે કહે છે તેના પર પૂર્ણ શ્રદ્ધા કરવી છે – ‘સંપદ તવ શ્રીપદ ભવગોષ્પદ વારિ યથાય.’ ‘હેપ્રભુ, કૃપા કરો જેથી આ વાત પર શ્રદ્ધા રાખી, તમારા શ્રીપદનો આશ્રય લઈ સરળતાથી ભવસાગર તરી જઈએ.
Your Content Goes Here




