(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.)

(ગતાંકથી આગળ)

પાંડવોનું નવું સામ્રાજ્ય

ઔપચારિક વાતો પછી ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને કહ્યું, ‘મારી વાત ધ્યાનથી સાંભળો. મારું રાજ્ય તમારા પ્રિય તથા મહાન પિતાનાં કારણે જ અસ્તિત્વમાં આવ્યું છે. તમે પણ આ રાજ્ય ચલાવવાના અધિકારી છો. તમે અડધું રાજ્ય લઈ ખાંડવપ્રસ્થ ચાલ્યા જાઓ અને ત્યાં જ તમારી રાજધાની બનાવી રહો.’

ખાંડવપ્રસ્થ ગાઢ જંગલોનો પ્રદેશ હતો. યુધિષ્ઠિરે તેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને તે તરફ ચાલી નીકળ્યા. તે લોકોએ શ્રીકૃષ્ણનાં નેતૃત્વમાં એ વનમાં પ્રવેશ કર્યો. વ્યાસદેવના નિર્દેશ અનુસાર એક નગરનું નિર્માણ કરવા માટે એક શુભ સ્થાનની પસંદગી કરવામાં આવી. થોડા જ દિવસોમાં ત્યાં જે નગરીનું નિર્માણ થયું તેને ઇન્દ્રપ્રસ્થ નામ આપવામાં આવ્યું. દિવસે દિવસે તેનાં સમૃદ્ધિ અને સૌન્દર્યમાં વૃદ્ધિ થવા લાગી અને તે સમગ્ર દુનિયાની પ્રશંસાનું કેન્દ્ર બની ગયું. યુધિષ્ઠિર પોતાના ભાઈઓ સાથે મળીને પોતાના કુળના વિભિન્ન રાજાઓની પરંપરા મુજબ પોતાના રાજ્યનો વહીવટ ચલાવવા લાગ્યા.

એક દિવસ નારદજી પાંડવોને મળવા માટે ત્યાં આવ્યા. યોગ્ય સન્માન સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. એક વિશેષ ઉદ્દેશ્ય સાથે તેમનું આગમન થયું હતું. તેઓ બધા પાંડવોની પત્ની દ્રૌપદીના વિષયમાં કશીક સલાહ આપવા આવ્યા હતા. તેમણે તે લોકોને સુન્દ અને ઉપસુન્દ નામના બે ભાઈઓની કથા સંભળાવી. બંને ભાઈઓને એક-બીજા પર અપાર પ્રેમ હતો.

તેમણે કહ્યું, ‘તે બંને એક જ રાજ્ય પર શાસન કરતા હતા, એક જ સિંહાસન પર બેસતા હતા, એક જ થાળીમાં ભોજન કરતા હતા અને એટલું જ નહિ; એક જ પથારીમાં સૂતા હતા. પરંતુ આખરે તેઓ તિલોત્તમા નામની એક નર્તકીને પ્રાપ્ત કરવા માટે એક-બીજા સાથે યુદ્ધ કરતાં મૃત્યુ પામ્યા હતા. તેથી તમે લોકો સાવધાન રહો, એક-બીજા પ્રત્યે તમારો પ્રેમભાવ બનાવી રાખો અને કોઈ પણ વાતને કારણે તમારા લોકો વચ્ચે કોઈ અણબનાવ ન થાય તેનું ધ્યાન રાખજો.’

આ કથાનો ભાવ સમજીને પાંડવોએ મળીને એક નિર્ણય લીધો. હવેથી દ્રૌપદી દરેક ભાઈના ઘરમાં એક વર્ષ વિતાવશે. જ્યારે તે કોઈ એક ભાઈ સાથે તેના ઘેર રહેતી હોય અને ત્યારે જો કોઈ બીજાએ તેમની ઉપસ્થિતિમાં હસ્તક્ષેપ કર્યો, તો તેને આ નિયમ તોડવા બદલ દંડરૂપે બાર વર્ષ માટે નગર છોડી બહાર જવું પડશે.

અર્જુનનું સ્વેચ્છાપૂર્વક પરદેશ જવું

એક દિવસ એક બ્રાહ્મણે આવીને અર્જુનને ફરિયાદ કરી કે ડાકુઓ તેના પશુઓને લૂંટી રહ્યા છે. અર્જુને બ્રાહ્મણને આશ્વાસન આપ્યું કે તે તેની ગાયોને પાછી લાવી દેશે. તે પોતાના હથિયાર લેવા અંદર ગયા. પરંતુ તેનું ધનુષ્ય તો યુધિષ્ઠિરના ઓરડામાં પડ્યું હતું અને તે સમયે દ્રૌપદી પણ તેમની સાથે રહેતી હતી. બંનેને એકાંતમાં જોઈને અર્જુનને તે ઓરડામાં પ્રવાસ કરવામાં ખચકાટ થયો. પરંતુ તેને તે જ સમયે પોતાના ધનુષની જરૂર હતી. તે જલદીથી ઓરડામાં ગયો અને પોતાનાં ધનુષ-બાણ લઈ આવ્યો. તેમણે ડાકુઓનો પીછો કરી તેને હરાવ્યો અને બ્રાહ્મણને તેનું પશુધન પાછું લાવી આપ્યું. પાછા ફરી તે તરત યુધિષ્ઠિર પાસે ગયા અને બોલ્યા, ‘મારાથી આપેલ વચનનો ભંગ થયો છે, તેથી હું બાર વર્ષ માટે તીર્થયાત્રા પર જઈ રહ્યો છું.’

આથી યુધિષ્ઠિર બહુ જ દુઃખી થયા અને બોલ્યા, ‘તે જાણી-જોઈને મારા ઓરડામાં પ્રવેશ નથી કર્યો, તેથી મને આ બાબતે કોઈ ફરિયાદ નથી. હું તને જવાની અનુમતિ નહિ આપું.’ પરંતુ અર્જુન હઠ કરવા લાગ્યા. યુધિષ્ઠિરે અનિચ્છાએ અર્જુનને બાર વર્ષ માટે જવાની પરવાનગી આપી.

અર્જુન અનેક સરોવરો, નદીઓ અને ઋષિ-મુનિઓના નિવાસ, વન-પર્વતોને પાર કરતાં ગંગાના ઉદ્‌ગમ-સ્થાન ગૌમુખ જઈ પહોંચ્યા અને ત્યાં જ ઝૂંપડી બનાવી રહેવાનો સંકલ્પ કર્યો.

ત્યાર પછી તેઓ દક્ષિણી સમુદ્રને કિનારે-કિનારે આગળ વધ્યા. ત્યાં અનેક તપસ્વીઓ નિવાસ કરતા હતા. એક સ્થળે તેમણે પાંચ સુંદર સરોવર જોયાં. પણ તે દરેક રીતે તરછોડાયેલાં હતાં. પૂછપરછ કરવાથી માલૂમ પડ્યું કે જે કોઈ પણ આ સરોવરોમાં સ્નાન કરવા જાય છે, તેને પાંચ મગરમચ્છનું ભોજન બનવું પડે છે. વીર અર્જુન એમાંથી એક સરોવરમાં સ્નાન કરવા માટે કૂદી પડ્યા. એક મોટા મગરમચ્છે તેમનો પગ પકડી લીધો, પણ અર્જુન તેને ખેંચતાં ખેંચતાં કિનારા સુધી ઢસડી લાવ્યા. એક વખત જમીન પર પહોંચી જવાથી મગરમચ્છ એક સુંદર આભૂષણોથી સુસજ્જિત નારીમાં પરિવર્તિત થઈ ગયો.

એ સ્ત્રી કહેવા લાગી, ‘હું વર્ગા નામની અપ્સરા છું. એક વખત ચાર અપ્સરાઓની સાથે હું ક્યાંક જઈ રહી હતી. રસ્તામાં અમે એક બ્રાહ્મણને જોયો અને તેને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો. આથી એ બ્રાહ્મણે અમને શાપ આપી અમને મગરમચ્છ બનાવી દીધાં. અમે લોકોએ તેમને ક્ષમા કરવા માટે પ્રાર્થના કરી. તેમણે કૃપા કરી અને અમને કહ્યું કે સો વર્ષો પછી જ્યારે કોઈ સજ્જન પુરુષ અમને ખેંચીને કિનારા પર લઈ આવશે, ત્યારે અમને શાપમાંથી મુક્તિ મળશે.’ અર્જુને વર્ગા અને તેની ચાર સખીઓને પણ મુક્ત કરી. તે પછી તેઓ દક્ષિણ તરફ વધુ આગળ વધ્યા અને દ્વારકાની નજીક આવેલ પ્રભાસ-તીર્થમાં જઈ પહોંચ્યા.

(ક્રમશ:)

Total Views: 7

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.