અષાઢ મહિનાની પૂનમના દિવસે ગુરુપૂર્ણિમાનો મહોત્સવ સમસ્ત દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસને ‘વ્યાસપૂર્ણિમા’ કહેવાય છે, કારણ કે આ દિવસે સનાતન ધર્મમાં જેમને ગુરુની જેમ સન્માન આપવામાં આવ્યું છે, એવા વેદવ્યાસનો એ જન્મદિવસ છે, જેમણે વેદોને ચાર ભાગમાં વિભાજિત કર્યા—ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, તેમજ મહાભારત અને અન્ય પુરાણોની રચના કરી.

આ દિવસ છે ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો, પોતાની શ્રદ્ધા નિવેદિત કરવાનો. અનેક સ્થળોએ અનેક સંસ્થાઓમાં ગુરુની પૂજા અથવા ગુરુ પાદુકાની પૂજા કરવામાં આવે છે.

રામકૃષ્ણ મિશનના દેશ-વિદેશના લગભગ બધાં જ ઔપચારિક કેન્દ્રો (લગભગ ૨૮૩), અનૌપચારિક કેન્દ્રો (લગભગ ૧૨૦૦)માં તેમજ મુખ્યાલય બેલુર મઠમાં પણ આ ઉત્સવ છેલ્લાં લગભગ પચાસ વર્ષોથી ધામધૂમથી ઉજવવામાં આવે છે. પહેલાં રામકૃષ્ણ મિશનમાં આ દિવસનું એટલું મહત્ત્વ નહોતું, પણ લગભગ પચાસ વર્ષો પહેલાં, સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે આ ઉત્સવનો પ્રારંભ બધાં કેન્દ્રોમાં કરાવ્યો, અને તે દિવસે શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજાનો નિર્દેશ આપ્યો, કારણ કે રામકૃષ્ણ સંઘમાં શ્રીરામકૃષ્ણદેવને જ પરમ ગુરુ ‘ગુરુ મહારાજ’ કહેવામાં આવે છે. રામકૃષ્ણ સંઘમાં એવી પરંપરા છે કે માત્ર સંઘના પરમાધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષો જ શિષ્યોને મંત્રદીક્ષા પ્રદાન કરી શકે, કારણ કે આધ્યાત્મિક રીતે જેઓ સમર્થ છે, તેઓ મંત્રદીક્ષા પ્રદાન કરે તો જ શિષ્યોને આધ્યાત્મિક લાભ મળી શકે. આમ મંત્રદીક્ષા ભલે મનુષ્ય-ગુરુરૂપે તેઓ પ્રદાન કરે પણ શ્રીરામકૃષ્ણદેવને જ સંઘના પરમગુરુ અથવા ગુરુ મહારાજ માનવામાં આવે છે.

આપણાં શાસ્ત્રોમાં ગુરુમહિમા વિશેના અનેક સ્તોત્રો છે, તેમાંના એક અત્યંત પ્રસિદ્ધ ‘ગુરુસ્તોત્ર’માં કહેવામાં આવ્યું છે:

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।
गुरुः साक्षात्‌ परब्रह्म तस्मै श्रीगुरवे नमः॥

ગુરુ જ બ્રહ્મા, વિષ્ણુ, શિવ તેમજ ગુરુ જ પ્રત્યક્ષ પરબ્રહ્મ છે. તે ગુરુને વંદન હો!

अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम्।
तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः॥

જે પરમતત્ત્વ સજીવ-નિર્જીવમાં વ્યાપીને રહેલું છે, તેનું દર્શન કરાવનાર ગુરુને વંદન હો!

अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया।
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः॥

અજ્ઞાનરૂપી અંધકારથી આંધળા બનેલાની આંખ, જ્ઞાનના આંજણની સળીથી જેમણે ઉઘાડી આપી છે એવા સદ્‌ગુરુને નમન હો!

સ્તોત્રના અંતિમ ભાગમાં કહે છે:

ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं
द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम्।

एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं
भावातीतं त्रिगुणरहितं सद्‌गुरुं तं नमामि॥

બ્રહ્માનંદના સાકાર સ્વરૂપ, પરમ સુખ આપનાર, અનાસક્ત, જ્ઞાનમય, દ્વન્દ્વથી પર, આકાશ સમા, ‘તત્ત્વમસિ’ વગેરે વાક્યોથી જાણવા લાયક, સાક્ષીભૂત, અદ્વિતીય, નિત્ય, અચલ, પવિત્રતા સ્વરૂપ, બધાની બુદ્ધિના સાક્ષી સ્વરૂપ, મનની સીમાથી પર, ત્રિગુણરહિત, તેવા સદ્‌ગુરુને નમસ્કાર કરું છું.

આદિ શંકરાચાર્યનું એક સુંદર સ્તોત્ર છે—‘ગુર્વાષ્ટકમ્‌’. તેમાં તેમણે જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સંસારમાં ગમે એટલી સફળતા પ્રાપ્ત કરી લે, પણ જો ગુરુના ચરણોમાં ભક્તિ ન આવી તો તેનું જીવન વૃથા છે.

शरीरं सुरुपं तथा वा कलत्रं
शश्चारू चित्रं धनं मेरुतुल्यम् ।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम् ॥ १॥

‘જો શરીર સુંદર હોય, પત્ની સુંદર હોય, ચારેય દિશામાં ખ્યાતિ ફેલાયેલી હોય અને તમારી પાસે મેરુ પર્વત જેવી અપાર સંપત્તિ હોય, પણ તમારું મન ગુરુના ચરણોમાં કેન્દ્રિત ન હોય, તો આ બધી સિદ્ધિઓનો શું ઉપયોગ?’

कलत्रं धनं पुत्रपौत्रादि सर्वं
गृहं बान्धवाः सर्वमेतद्धि जातम् ।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम् ॥ २ ॥

‘તમારી પાસે પત્ની, સંપત્તિ, પુત્રો, પૌત્રો, ભાઈઓ, બહેનો, ઘર, બધા સગાં વગેરે હોઈ શકે છે, પણ જો તમારું મન ગુરુના ચરણોમાં કેન્દ્રિત ન હોય, તો આ બધાનો શું ઉપયોગ?’

આ બે શ્લોકો જેવા બીજા છ વધુ શ્લોકો પણ આવી જ ભાવના વ્યક્ત કરે છે કે જો બધાં શાસ્ત્રોમાં કોઈ પારંગત થઈ જાય, દેશ-વિદેશમાં એની ખ્યાતિ ફેલાઈ જાય, રાજાઓ પણ તેની ચરણસેવા કરતા થઈ જાય, ભોગો પ્રત્યે તેને વૈરાગ્ય પણ આવી જાય, તોપણ શું થઈ ગયું? જો ગુરુના ચરણોમાં ભક્તિ ન આવી તો આ બધું વૃથા છે.

શ્રીરામકૃષ્ણદેવ એક વાર્તા કહેતા—

બકરાંના ટોળામાં એક વાઘણે કૂદકો માર્યો. તે હતી ગાભણી; એટલે છલાંગ મારતાં પ્રસવ થઈ ગયો ને બચ્ચું બહાર આવી પડ્યું. ને એ સાથે જ વાઘણ મરી ગઈ. એ બચ્ચું બકરાંની સાથે મોટું થવા લાગ્યું. બકરાં ઘાસ ખાય તેમ તે વાઘનું બચ્ચું પણ ઘાસ ખાય. બકરાં બેં બેં કરે તેમ પેલું વાઘનું બચ્ચુંય બેં બેં કરે. એમ કરતાં કરતાં એ બચ્ચું મોટું થયું. એક દિવસ એ બકરાંના ટોળામાં બીજો એક વાઘ આવી પડ્યો. એ પેલા ઘાસ ખાતા વાઘને જોઈને નવાઈ પામી ગયો, એટલે દોડી જઈને તેણે તેને જ પકડ્યો. પેલો બેં બેં કરવા લાગ્યો. તેથી બીજો વાઘ પહેલા વાઘને તાણી ખેંચીને પાણીની પાસે લઈ ગયો અને કહ્યું: આ પાણીમાં તારું મોઢું જો, છે ને બરાબર મારા જેવું? અને આ લે, થોડુંક માંસ ખા. એમ કહીને તેને જોર કરીને ખવડાવવા લાગ્યો. પેલો કોઈ રીતે ખાય નહિ, ઊલટો બેં બેં કરવા લાગ્યો. આખરે રક્તનો સ્વાદ ચાખીને તેણે માંસ ખાવાનો આરંભ કર્યો. એ પછી પેલા વાઘે કહ્યું, ‘સમજ્યો હવે? જે હું તે જ તું! હવે ચાલ જંગલમાં, મારી સાથે ચાલ્યો આવ.’

પાણીમાં પડછાયો જોવાનો અર્થ છે—સાધન-ભજન કરવાનું. શ્રવણ, મનન, નિદિધ્યાસનનો અભ્યાસ કરતાં કરતાં સાધકને અનુભૂતિ થાય છે—મારું સ્વરૂપ સચ્ચિદાનંદ છે—‘अहं ब्रह्मास्मि’ (હું તે જ બ્રહ્મ છું). સૌથી પહેલું પગથિયું છે—શ્રવણ. શિષ્ય ગુરુ પાસેથી શાસ્ત્રનો સાર સાંભળે છે, તેના પોતાના દિવ્ય સ્વરૂપ વિશે સાંભળે છે. પણ તેથી તેને ગુરુના ઉપદેશ પર વિશ્વાસ બેસતો નથી. તે બકરાંની જેમ બેં બેં કર્યે જાય છે. ત્યાર પછી તે મનન કરે છે, ગુરુના ઉપદેશ પર ચિંતન કરે છે. તેનાથી પણ તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થતું નથી. પછી તે ગહન ધ્યાન કરે છે અને પોતાની અંદર બ્રહ્મની અનુભૂતિ કરે છે, પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન મેળવે છે.

ઘાસ ખાવાનો અર્થ છે, સંસારના સુખભોગોનો ભોગ કરવો. જ્યાં સુધી ઘાસ ખાવાનું ચાલુ હોય ત્યાં સુધી બ્રહ્માનુભૂતિ થતી નથી. ધ્યાન, પ્રાર્થના, જપ, સત્સંગ વગેરેનો આહાર કરવો પડે.

શ્રીરામકૃષ્ણદેવ કહેતા, ‘ગુરુ-કૃપા હોય તો કોઈ વાતનો ડર નહિ. કોઈ કોઈ એમ ધારે કે, આપણને જ્ઞાન-ભક્તિ આવવાનાં નથી, આપણે તો બદ્ધ જીવ. પણ ગુરુની કૃપા હોય તો કશો ભય નહિ. ગુરુ સમજાવી દે કે આ આમ થાય. પછી શિષ્ય પોતે જ સમજી શકે કે કયું સત્, કયું અસત્; ઈશ્વર જ સત્ય, આ સંસાર અસત્ય, અનિત્ય.’

સદ્‌ગુરુની ચરણ-સેવાથી શું લાભ થાય છે, તેનું સુંદર વર્ણન મીરાંબાઈ પોતાના ભજનમાં કરે છે:

पायो जी मैंने राम रतन धन पायो।
वस्तु अमोलक दी मेरे सतगुरु,
किरपा कर अपनायो।

‘મને રામનામરૂપી રત્ન મળ્યું છે. આ અમૂલ્ય રત્ન મને સદ્‌ગુરુએ કૃપા કરીને આપ્યું છે.’

जन्म-जन्म की पूंजी पाई,
जग में सभी खोवायो।

‘આ રત્ન મળવાથી મને જનમોજનમની મૂડી પ્રાપ્ત થઈ છે અને આ સંસારમાં બધું ત્યાગી દીધું છે.’

खरच नाहि खूटे चोर नाहि लूटै,
दिन-दिन बढ़त सवायो।

‘આ રામનામરૂપી ધન એવું છે કે જે ખર્ચ્યે ખૂટે તેવું નથી, તથા ચોરો તેને લૂંટી પણ ન શકે. બસ એ ધન તો દિવસે-દિવસે વધતું જ જાય છે.’

सत् की नाव खेवटिया सतगुरु,
भवसागर तर आयो।

‘આ સત્યરૂપી નૌકાના નાવિક સદ્‌ગુરુ છે, જેથી ભવસાગર તરવામાં કોઈ જ મુશ્કેલી નથી.’

मीरा के प्रभु गिरधर नागर,
हरख-हरख जस गायो।

‘મીરાં કહે છે કે મારા પ્રભુ ગિરધર નાગરના હું હરખપૂર્વક યશગાન કરું છું.’

ગુરુપૂર્ણિમા પ્રસંગે જેમને પાતંજલ યોગસૂત્રમાં ગુરુઓના ગુરુ—ઈશ્વર—તરીકે આલેખ્યા છે, એમનાં ચરણોમાં પ્રાર્થીએ કે સદ્‌ગુરુનું શરણ મળે, તેમનાં ચરણોમાં શ્રદ્ધા-ભક્તિ આવે.

Total Views: 3

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.