બ્રહ્મલીન સ્વામી આત્માનંદ મહારાજે આપેલાં વ્યાખ્યાનોના આધારે ‘ગીતા તત્ત્વ ચિંતન’ ભાગ-૧ના હિંદી સંસ્કરણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. – સં.
મહારાજ ધૃતરાષ્ટ્ર જ્યારે મહાભારત યુદ્ધના ૧૦મે દિવસે ભીષ્મ પિતામહ ઘવાયા એ સમાચાર સાંભળીને યુદ્ધ વિશે વિસ્તારપૂર્વક જાણવાની ઇચ્છા વ્યક્ત કરીને પોતાના પ્રિય અને વિશ્વાસપાત્ર મંત્રી સંજયને પૂછે છે.
धृतराष्ट्र उवाच-
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय॥१॥
ધૃતરાષ્ટ્ર બોલ્યા:
હે સંજય! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકત્રિત થયેલા અને યુદ્ધને માટે ઇચ્છુક મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું?
ધૃતરાષ્ટ્રના આ પ્રશ્ન પરથી એવું લાગે છે કે એમને ભીષ્મ પિતામહના ઘવાયા ત્યાં સુધીના યુદ્ધના કોઈ સમાચાર એમને મળ્યા નથી. પણ આ સંભાવના પણ બરાબર લાગતી નથી. એનું કારણ એ છે કે સંજય દરરોજ યુદ્ધના સમાચાર મહારાજ ધૃતરાષ્ટ્રને સંભળાવતા. યુદ્ધને દસમે દિવસે આવો પ્રશ્ન ધૃતરાષ્ટ્રના મનમાં કેવી રીતે ઉદ્ભવ્યો એ એક વિચારવા જેવી વાત છે. આપણે આ બધું તો જાણીએ છીએ કે દુર્યોધન પોતાના વિજય વિશે બરાબર વિશ્વાસ ધરાવતો હતો, કારણ કે તેના પક્ષે ૧૧ અક્ષૌહિણી સેનાઓ હતી. અને પાંડવોના પક્ષે કેવળ ૭. વળી કૌરવોના પક્ષે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય તેમજ કર્ણ જેવા મહાન બળવાન યોદ્ધા હતા. એટલે ધૃતરાષ્ટ્ર પણ પોતાના પુત્રોનો વિજય નિશ્ચિત ગણતા હતા. ધૃતરાષ્ટ્રના આ સપના પર સૌથી મોટો આઘાત જ્યારે ભીષ્મ યુદ્ધમાં ઢળી પડ્યા ત્યારે લાગ્યો. સંજયના મુખે આ ભયંકર સમાચાર સાંભળીને ધૃતરાષ્ટ્ર સ્તબ્ધ બની ગયા. થોડીવાર માટે પોતાના સાનભાન પણ ગુમાવી બેઠા. એણે કલ્પનામાં પણ એવી આશા રાખી ન હતી કે ભીષ્મ પિતામહ આ પ્રકારે ઘવાશે અને યુદ્ધની બહાર થશે. હવે એમને એવું મનમાં લાગવા માંડ્યું કે કૌરવોની ક્યાંક હાર ન થઈ જાય. આ ભયથી એમની ભીતર કાયરતાસૂચક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા થવા લાગી. તેઓ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે પાંડવ તો ધર્માત્મા છે; એમાંય વિશેષ રૂપે યુધિષ્ઠિર તો અત્યંત ધર્મભીરૂ અને કોમળ પ્રકૃતિવાળા છે. કુરુક્ષેત્ર સદૈવ ધર્મક્ષેત્રના રૂપે પ્રસિદ્ધ રહ્યું છે. તો આવા ધર્મક્ષેત્રમાં આવીને શું યુધિષ્ઠિરનો ધર્મભાવ ન જાગ્યો? જે ક્ષેત્રમાં મોટા મોટા યજ્ઞ થયા અને ધર્માનુષ્ઠાન પણ સંપન્ન થયાં ત્યાં ઉપસ્થિત રહીને શું યુધિષ્ઠિરના મનમાં દયા અને કરુણા પણ ન ઉપજ્યાં? એ ભલા આવું ઘોર સંહારાત્મક યુદ્ધ કરવા કેવી રીતે રાજી થયા? એમણે યુદ્ધને કેમ બંધ ન કરાવી દીધું? – આવા જ વિચાર ધૃતરાષ્ટ્રના મનમાં ભીષ્મના પતનના સમાચાર પછી આવવા લાગ્યા અને આ વિચારોથી પ્રેરાઈને તેમણે સંજયને ઉપર કહેલો પ્રશ્ન પૂછી નાખ્યો.
ધૃતરાષ્ટ્રનું ચારિત્ર્ય એક સામાન્ય માનવ જેવું અને અનેક પ્રકારની નિર્બળતાઓથી ભરેલું છે. એમને પોતાના પુત્રો પ્રત્યે અત્યંત મમત્વ છે. દુર્યોધન દુરાચારી છે, દુ:શાસન લંપટ છે, એ જાણવા છતાં પણ ચૂપ રહે છે. ગાંધારીએ કેટલીયેવાર એમને સલાહ આપી કે આપ દુર્યોધનને ત્યજી દો. પણ પુત્રમોહની પ્રબળતા એવી છે કે મહારાજ ધૃતરાષ્ટ્ર પોતાની આંખો સામે પોતાના જ ભાઈ-ભાંડુના પુત્રોનું અનર્થ થતું જોઈને પણ મૌન ધારણ કરીને રહે છે. એમની પુત્રો પ્રત્યેની આ આસક્તિ અને પાંડવો પ્રત્યેનું પારકાપણું એમના પોતાના શબ્દોમાંથી જ પ્રગટી ઊઠે છે. સંજયને ધૃતરાષ્ટ્રે શું પૂછ્યું: ‘મામકા: પાંડવાશ્ચૈવ કિં કુર્વત્’. મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? એમને માટે પાંડુપુત્ર ‘મારા જણ’ એવું નથી. આ ધૃતરાષ્ટ્રનો મોટો દોષ હતો. નામ તો છે ‘રાષ્ટ્રને ધારણ કરનાર’ એટલે કે ધૃતરાષ્ટ્ર પણ વાસ્તવિક રીતે તેઓ રાષ્ટ્રના વિધ્વંશક સાબિત થાય છે. તેઓ જો ધારત અને થોડો કઠોરતાપૂર્વક પોતાના પુત્રો પ્રત્યે વર્તાવ રાખત તો મહાભારતના યુદ્ધને કારણે ભારત રાષ્ટ્ર આવું વિખંડિત અને ધ્વસ્ત ન થાત.
જ્યારે ધૃતરાષ્ટ્રે સાંભળ્યું કે પાંડવો પોતાની માતા કુંતી સાથે વારણાવત નગરના લાક્ષાગૃહમાં બળીને મરી ગયા છે ત્યારે મનમાં ને મનમાં તેઓ ખૂબ ખુશ થયા પણ બાહ્ય રીતે એણે પોતાનું ખોટું દુ:ખ દર્શાવતાં આંસુ પણ વહાવ્યાં છે. આ છળકપટ ધૃતરાષ્ટ્રના ચરિત્રની વિશેષતા છે અને આનુવંશિકતાને રૂપે એમના પુત્રોમાં પણ આવેલી જોવા મળે છે. વાસ્તવમાં વારણાવતની યોજનાને ધૃતરાષ્ટ્રે પોષી હતી. દુર્યોધન જ્યારે એમને કહે છે કે હસ્તીનાપુરવાસી પાંડવોના પક્ષમાં છે અને યુધિષ્ઠિરને રાજા બનાવવા ઇચ્છે છે ત્યારે ધૃતરાષ્ટ્ર ચિંતા અને શોકમાં ડૂબી જાય છે અને દુર્યોધનને (મહાભારત – આદિપર્વ, ૧૪૧/૨૩-૨૪માં) કહે છે:
સ વિસ્રબ્ધ: પાંડુપુત્રાન્ સહ માત્રા પ્રવાસય।
વારણાવતમદ્યૈવ યથા યાન્તિ તથા કુરુ॥
વિનિદ્રકરણં ઘોરં હૃદિ શલ્યમિવાર્પિતમ્।
શોકપાવકમુદ્ભૂતં કર્મણૈતેન નાશય॥
‘પિતાજી, આપ પૂર્ણપણે નિશ્ચિંત બનીને પાંડવોને એમની માતા સાથે વારણાવત મોકલી દો. અને એવી વ્યવસ્થા કરો કે જેથી તેઓ આજે જ ચાલ્યા જાય. મારા હૃદયમાં જાણે કે કાંટો ખૂંચે છે અને એ મને ઊંઘવાયે દેતો નથી. શોકની આગ પ્રજ્વલિત થઈ ગઈ છે, આપ (મારા દ્વારા પ્રસ્તાવિત) આ કાર્યને પૂરું કરીને મારા હૃદયના શોકાગ્નિને હોલવી નાખો.’
ધૃતરાષ્ટ્ર આ પ્રસ્તાવ પર રાજી થાય છે અને સમય જોઈને પાંડવોને આ પ્રમાણે (મહાભારત – આદિપર્વ, ૧૪૨/૭-૧૦માં) કહે છે:
અધીતાનિ ચ શાસ્ત્રાણિ યુષ્માભિરિહ કૃત્સ્નશ:।
અસ્ત્રાણિ ચ તથા દ્રોણાદ્ ગૌતમાચ્ચ વિશેષત:॥
ઇદમેવંગતે તાતાશ્ચિન્તયામિ સમન્તત:।
રક્ષણે વ્યવહારે ચ રાજ્યસ્ય સતતં હિતે॥
મમૈતે પુરુષા નિત્યં કથયન્તિ પુન: પુન:।
રમણીયતમં લોકે નગરં વારણાવતમ્॥
તે તાતા યદિ મન્યધ્વમુત્સવં વારણાવતે।
સગણા: સાન્વયાશ્ચૈવ વિહરધ્વં યથામરા:॥
બ્રાહ્મણેભ્યશ્ચ રત્નાનિ ગાયકેભ્યશ્ચ સર્વશ:।
પ્રયચ્છધ્વં યથાકામં દેવા ઇવ સુવર્ચસ:॥
કંચિત્ કાલં વિહૃત્યૈવમનુભૂય પરાં મુદમ્।
ઇદં વૈ હાસ્તિનપુરં સુખિન: પુનરેષ્યથ॥
વત્સ! તમે લોકોએ સંપૂર્ણ શાસ્ત્રનું અધ્યયન કરી લીધું છે. આચાર્ય દ્રોણ અને કૃપાચાર્ય પાસેથી અસ્ત્રશસ્ત્રની વિદ્યા પણ વિશેષ રૂપે મેળવી લીધી છે. હે પ્રિય પાંડવો આવી પરિસ્થિતિમાં મારા મનમાં એક વાત આવે છે. બધી બાજુએથી રાજ્યની રક્ષા, રાજકીય વ્યવહારોનું આરક્ષણ તથા રાજ્યના નિરંતર હિત સાધવા માટે મંડ્યા રહેનાર મારા આ મંત્રીઓ દરરોજ વારંવાર કહે છે કે વારણાવત નગર સંસારમાં સૌથી વધારે સુંદર છે. વત્સ! જો તમે વારણાવત નગરમાં ઉત્સવ જોવા જવા ઇચ્છતા હો તો તમારા કુટુંબીઓ અને સેવકો સાથે ત્યાં જઈને દેવોની જેમ વિહાર કરો. બ્રાહ્મણો અને ગાયકોને વિશેષ રૂપે રત્ન અને ધન આપો તથા અત્યંત તેજસ્વી દેવતાઓની જેમ થોડા સમય સુધી ત્યાં ઇચ્છાનુસાર વિહાર કરીને પરમ સુખ પ્રાપ્ત કરો. ત્યાર પછી પુન: સુખપૂર્વક આ હસ્તીનાપુર નગરમાં આવતા રહેજો.’
ધૃતરાષ્ટ્રની આવી છળભરી વાતો પાંડવો સમજી ન શક્યા હોય એવું નથી. યુધિષ્ઠિર એનું રહસ્ય પામી ગયા હતા પણ પોતાને અસહાય માનીને એમણે ધૃતરાષ્ટ્રનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. વૈશંપાયન્ મહાભારતની કથા સંભળાવતા જન્મૈજયને (મહાભારત – આદિપર્વ, ૧૪૨-૧૧માં) આમ કહે છે:
ધૃતરાષ્ટ્રસ્ય તં કામમનુબુધ્ય યુધિષ્ઠિર:।
આત્મનશ્ચાસહાયત્વં તથેતિ પ્રત્યુવાચ તમ્॥
હે જન્મૈજય! યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રની આ ઇચ્છાનું રહસ્ય સમજી ગયા પરંતુ પોતાની જાતને અસહાય માનીને એમણે કહ્યું: ‘બહુ સારું.’ એમની વાત માની લીધી.
એટલું જ નહિ વિદુરને પણ આ વાતની જાણ હતી કે લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાની યોજનામાં ધૃતરાષ્ટ્રનો પૂરો હાથ છે. જ્યારે ભીષ્મ પિતામહ કુંતી સહિત પાંચે પાંડવોના જીવતા બળી ગયાના સમાચારથી શોકાકુળ થઈ ગયા ત્યારે વિદુરે રહસ્યને ખુલ્લુ પાડીને ભીષ્મને (મહાભારત – આદિપર્વ, ૧૪૯/૧૯માં) કહ્યું:
ધૃતરાષ્ટ્રસ્ય શકુને રાજ્ઞો દુર્યોધનસ્ય ચ।
વિનાશે પાંડુપુત્રાણાં કૃતો મતિવિનિશ્ચય:॥
‘ધૃતરાષ્ટ્ર, શકુની તથા રાજા દુર્યોધનનો ખાતરીપૂર્વકનો વિચાર હતો કે પાંડવોનો નાશ કરી નાખવો.’
વિદુર વળી કહે છે: ‘ત્યાર પછી લાક્ષાગૃહમાં જઈને જ્યારે દુર્યોધનની આજ્ઞાથી પુત્રો સહિત કુંતીને બાળી મારવાની યોજના બરાબર રચાઈ ગઈ ત્યારે મેં એક ભૂમી ખોદનારને બોલાવીને ભૂગર્ભમાં ગુફા સહિત એક સુરંગ ખોદાવી અને કુંતી સહિત પાંડવોને ઘરમાં આગ લાગે તે પહેલાં જ બહાર કાઢી લીધા, અત: આપ મનમાં દુ:ખ શોક ન લગાડો.’
અને આ જ ધૃતરાષ્ટ્ર કે જે પાંડવોને નષ્ટ કરી દેવા આતુર થયા છે, જ્યારે દૂતો દ્વારા લાક્ષાગૃહમાં કુંતી સહિત પાંડવો બળીને ખાક થઈ ગયાના સમાચાર સાંભળે છે ત્યારે ‘વિલલાપ સુદુ:ખિત:’ (મહાભારત – આદિપર્વ, ૧૪૯/૧૦) અત્યંત દુ:ખપૂર્વક વિલાપ કરવા લાગ્યા. ધૃતરાષ્ટ્રના જીવનમાં કેટલું છળકપટ છે! પાંડવો પ્રત્યેના એમના કૃત્રિમ પ્રેમનો છેવટે પરપોટો ફૂટી જાય છે. એમનો આ ભેદભાવ ‘મામકા: પાંડવાશ્ચૈવ’ આ શબ્દોમાં પ્રગટ થાય છે.
પણ માણસની સર્વાર્થ અંધતા તો જુઓ! ધૃતરાષ્ટ્રે પાંડવોનો નાશ કરવામાં કંઈ પાછું વળીને જોયું ન હતું. આમ છતાં પણ જ્યારે ભીષ્મ પિતામહના આહત્ થયાના સમાચાર સાંભળે છે ત્યારે એમના મનના કોઈ અજ્ઞાત ખૂણામાં યુધિષ્ઠિરની ધર્મપ્રિયતાની આડશે એક વિચાર આવે છે: ‘કુરુક્ષેત્ર તો ધર્મક્ષેત્રના નામે પ્રસિદ્ધ છે. શું યુધિષ્ઠિરનો ધર્મભાવ કુરુક્ષેત્રમાં આવીને જાગ્યો નહિ હોય? ધર્મભાવના જાગવાથી યુધિષ્ઠિર ક્યારેય કૌરવોનો નાશ કરવા ન જ ઇચ્છે, કારણ કે આખરે તો એ બધા એમના ભાઈ જ છે.’
આ કલ્પનાને દુર્બળતાની એક ક્ષણે પોષતાં મહારાજ ધૃતરાષ્ટ્ર સંજયને એવો જ પ્રશ્ન કરે છે. ભીષ્મના પતનથી કૌરવોનું નિર્બળ પડી જવાનું લક્ષણ સ્પષ્ટ થઈ ગયું છે. ધૃતરાષ્ટ્રના હૃદયમાં ગભરાહટ છવાઈ ગઈ. જીવનભર પાંડવોની સાથેે અન્યાય કરતા તેઓ હવે એમના પ્રત્યે ન્યાય ગણાય એવા વ્યવહારની આશા રાખે છે. એટલે જ તો કુરુક્ષેત્રને તેઓ ધર્મક્ષેત્રના નામે પોકારે છે.
Your Content Goes Here




