(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ સ્વામી ગૌતમાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત’ અંગ્રેજી માસિકના એપ્રિલ, ૨૦૦૩ના અંકમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)
ઘણા દેશોએ વિશ્વમાં દરેક જગ્યાએ આતંકવાદની સામે લડવા માટે ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૨ના દિવસને ‘પુનરાર્પણ દિવસ’ તરીકે ઊજવ્યો. તે દિવસે ચેન્નઈમાં અમેરિકન એલચી કચેરીમાં યોજાયેલ એક અગત્યની બેઠકમાં મેં (પૂજનીય સ્વામી ગૌતમાનંદજીએ) ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોમાં યોજાયેલ સર્વધર્મ-પરિષદનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં સ્વામી વિવેકાનંદે ‘કલમ અને તલવાર’ના ઓઠા હેઠળ ચાલતી ધર્માંધતા અને સ્વમતાગ્રહના ત્યાગ વિશે આવેશપૂર્વક વિનંતી કરી હતી.
એ હવે સાબિત થઈ ચૂક્યું છે કે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ ન્યુયોર્કમાં થયેલ શોકાંતિકા માટે આ ધર્માંધતા અને સ્વમતાગ્રહરૂપી બે રાક્ષસો જ જવાબદાર હતા. સ્વામીજીના શબ્દો કેવી અગમવાણી હતા ! આ બેઠકના અંતે મુખ્ય એલચીએ આજે ૧૮૯૩માંના સ્વામીજીના સાંયોગિક ભાષણ વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
ઇસ્લામ સહિત વિવિધ ધર્મોના નેજા હેઠળ કેટલીક અન્ય બેઠકો પણ સમગ્ર વિશ્વમાં યોજાઈ હતી. માનવતા, પ્રેમ, સહાનુભૂતિ અને ભાઈચારા વિશે તત્ સંબંધિત સિદ્ધાંતોનું ઉદાર અર્થઘટન એ આ બધી બેઠકોનો મુખ્ય વિષય હતો.
આવી પરિસ્થિતિ હેઠળ ઘણાં સ્ત્રી-પુરુષોને આધ્યાત્મિક શિક્ષણ, મૂલ્યલક્ષી અભિગમ અને માનવને માત્ર સ્પર્ધાત્મક અને વિજયી બનવા માટેના શિક્ષણ માટેના સ્થાને ભાંડુઓ પ્રત્યે પ્રેમ અને સેવા વિષયક શિક્ષણની જરૂરિયાત જણાવા લાગી. તેથી અપણે સૌ આ સંદર્ભમાં આધ્યાત્મિક જીવનની મૂળભૂત બાબતો વિશેના વિચાર કરવા લાગ્યા છીએ.
આધ્યાત્મિકતા એટલે શું?
કંઈ પણ કરતા પહેલાં આપણે જે કરવા માગીએ છીએ તેના વિશે બૌદ્ધિક સમજણ હોવી આવશ્યક છે. તેથી, આધ્યાત્મિક જીવન શરૂ કરતા પહેલાં આપણે આપણી જાતને પ્રશ્ન કરવો જોઈએ કે આધ્યાત્મિક જીવનનો અર્થ શું છે. આધ્યાત્મિક જીવન એટલે ‘હું શરીર છું’, એવા સામાન્ય ખ્યાલને બદલે ‘હું એક આધ્યાત્મિક જીવ છું, હું આત્મા છું’, એવો અનુભવ કરવો, એવું માનવું. આ આત્મા અનંત જીવન (અમરત્વ), અનંત જ્ઞાન અને અનંત સુખરૂપ છે. તેથી આધ્યાત્મિક હોવું એટલે આપણે અમર, અનંત આનંદકારક અને અનંત જ્ઞાનથી સંપન્ન છીએ એવી અનુભૂતિ કરવી.
જાદુઈ શક્તિઓ
શું કેટલાક કહેવાતા આધ્યાત્મિક લોકો દ્વારા અભિવ્યક્ત થતી અસાધારણ જાદુઈ શક્તિઓ આધ્યાત્મિકતાનું સૂચન નથી કરતી ? ભવિષ્ય ભાખવું, શારીરિક રોગો દૂર કરવા અને મનને વાંચવું, એ બધી જાદુઈ શક્તિઓને આધ્યાત્મિકતા સાથે કોઈ સંબંધ નથી.
શ્રીરામકૃષ્ણ આ વાસ્તવિકતાને બે ઉદાહરણો દ્વારા દર્શાવે છે. પહેલું, એક હાથીને મારી નાખી, થોડી વાર પછી તેને પુનર્જીવિત કરનાર યોગી વિશે છે. એક ડાહ્યા માણસે આ જોઈને યોગીને પૂછ્યું, ‘આ પ્રાણીને મારી નાખી ફરી જીવિત કરવાથી આધ્યાત્મિકતાની દૃષ્ટિએ તમે શું મેળવ્યું?’ ‘કશું જ નહીં’, ઉત્તર મળ્યો. બીજું, ગંગાનદી પાર કરવા પાણી પર ચાલતા એક યોગી વિશે છે. ફરી એક ડાહ્યા માણસે તે યોગીને એક સિક્કો આપ્યો અને કહ્યું, ‘તમે જે મેળવ્યું છે તે માત્ર એક સિક્કા બરાબર છે, નદી પાર કરવા માટે વહાણમાં બેસવા માટેનું ભાડુંમાત્ર છે.’ આધ્યાત્મિક અભિલાષીઓએ જાદુઈ શક્તિઓથી દૂર રહેવું જોઈએ. તે આધ્યાત્મિક જીવનમાં અવરોધક છે.
આધ્યાત્મિક ઝુકાવ
આપણી સમક્ષ પછીનો પ્રશ્ન છે, આધ્યાત્મિક અભિલાષા એ કંઈ કુદરતી છે કે બીજું કશું છે? ઘણા કહેવાતા માનસશાસ્ત્રીઓ કહેશે કે અંતર્મુખી જીવન તરફનો અનુરાગ કે માનસિક વલણ એ વિકૃતિ છે. પરંતુ ભારતના ઋષિઓએ દર્શાવ્યું છે કે કમનસીબે સંપત્તિ ગુમાવનાર અમીર વ્યક્તિ ફરી અમીર બનવાની ઇચ્છા ધરાવે એ જેટલું સામાન્ય છે, તેટલંુ જ સામાન્ય છે અજ્ઞાનને કારણે જેમણે અમરત્વનું જ્ઞાન ગુમાવ્યું છે, તે ફરીને પોતાની વાસ્તવિક પ્રકૃતિ મેળવવા ઇચ્છે છે તેના વિશે. આપણો દીર્ઘાયુષ્ય (અમરત્વ), અનંત જ્ઞાન અને અસીમ આનંદ માટેનો સંઘર્ષ જ સૂચવે છે કે આપણે અનંત જીવન, જ્ઞાન અને પરમાનંદ—આપણી ખરી અંતર્ભૂત પ્રકૃતિ—જેવું કશુંક ગુમાવ્યું છે. આ જ બાબત છાંદોગ્ય ઉપનિષદના ઉપસંહારમાં વર્ણવી છે. यो भूमा वै सुखं नाल्पे सुखमस्ति- “અનંતતા જ માત્ર આનંદ આપે છે, મર્યાદામાં કોઈ આનંદ નથી.”
અજ્ઞાનતા કેવી રીતે આવે..
હવે પછીનો પ્રશ્ન એ હોઈ શકે કે આત્માએ ક્યારે અને કેવી રીતે અવિદ્યામાં ફસાઈને અમરત્વના જ્ઞાનને ગુમાવ્યું? આપણે આપણી જાતને એક શરીર તરીકે જાણીએ છીએ અને કહીએ છીએ, ગૌતમ, ગજાનન વગેરે… એ કોઈ વ્યક્તિ કેટલાક કલાક મોટરગાડીમાં મુસાફરી કરી કહે છે કે મારું નામ ફિયાટ કે એમ્બેસેડર છે, એવું રમૂજી લાગે છે! તે જ રીતે અમર આત્મા જ આપણા શરીરને અને મનને અંદરથી કાર્યાન્વિત કરે છે, આપણા શરીર પર આપણી ઓળખને સ્થાપિત કરે છે. આપણે ક્યારે અને કેવી રીતે આ અવિદ્યામાં આવીએ છીએ? આપણા ઋષિઓ કહે છે કે આપણી વિચારસરણી જ અવિદ્યાથી ઘેરાયેલી છે, તેથી કેવી રીતે અને ક્યારે આપણે આ અવિદ્યામાં પ્રવેશ કર્યો તેનો ઉત્તર આપી શકાય તેમ નથી.
ઉદાહરણ તરીકે, આપણે જ્યારે સ્વપ્નાવસ્થામાં હોઈએ, ત્યારે આપણે ક્યારેય નથી જાણી શકતા કે કેવી રીતે અને ક્યારે આપણે આ અવસ્થામાં પ્રવેશ્યા. સંસ્કૃતમાં આ અજ્ઞેયપણા માટે એક અદ્ભુત શબ્દ છે—અનિર્વચનીય. એ સાચું છે કે અવિદ્યાની ચોક્કસ કશીક શરૂઆત તો હશે જ. પરંતુ તર્કશાસ્ત્ર એ ક્યારે અને કેવી રીતે આવે તે વિશે વર્ણન આપી શકતું નથી.
હવે એ સ્પષ્ટ છે કે વાસ્તવિક આધ્યાત્મિક જીવન એટલે આપણું શરીર-મનનું માળખું નહીં, પરંતુ આપણે સનાતન, અનંત આનંદકારણ આત્મા છીએ—એવું ભાન થવું. એ આપણે શરીર છીએ, તેવો વિચાર કરતાં ધીમે ધીમે, સ્થિરતાપૂર્વક સંમોહનમાંથી મુક્ત કરી અને આપણે અમર છીએ તેવું આપણને ભારપૂર્વક ભાન કરાવે છે. આવા શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત અભ્યાસ દ્વારા આપણે આપણી દિવ્યતાની સતત સ્મૃતિ પ્રાપ્ત કરી શકીએ છીએ.
આધ્યાત્મિક અભ્યાસ
આધ્યાત્મિક અભ્યાસ શું છે? આ એક સાધનપદ્ધતિ છે, જેના દ્વારા આપણને, આપણી જાતને શરીર કહેવાના સંમોહનમાંથી મુક્ત કરે છે અને આત્મા તરીકેની આપણી ઓળખને પ્રસ્થાપિત કરે છે. બુદ્ધિથી આપણે એમ સમજીએ છીએ કે આપણે આત્મા છીએ, પરંતુ એ વાસ્તવિકતા છે એ આપણે જાણતા નથી. એક અચલ વિશ્વાસ અને અનુભવ બની રહે તે રીતે આપણે જ્ઞાન મેળવવા માટે આપણા ચિત્તને તૈયાર કરવું જોઈએ. ઋજુતા (નિખાલસતા), અને દરેક જીવો પ્રત્યે પ્રેમ (અહિંસા), પ્રામાણિક જીવન (અસ્તેય), પવિત્ર ચરિત્ર (બ્રહ્મચર્ય), સરળ જીવન (અપરિગ્રહ), ગરીબ, દુઃખી અને જરૂરિયાતમંદ લોકોની શિવજ્ઞાને સેવા, નિયમિત પ્રાર્થના, જપ, ધ્યાન, સાધુસંગ અને વિવેકપૂર્ણ અભ્યાસ વગેરે જેવાં બધા ઉચ્ચ ધર્મોનાં સમાન અને સાર્વત્રિક આધ્યાત્મિક મૂલ્યોના અભ્યાસ દ્વારા આપણું મન તૈયાર થઈ શકે છે. પ્રાર્થના માટે આપણે ધાર્મિક ઉપાસનાથી પ્રારંભ કરી પછી પૂજા તરફ, પછી કોઈ દૈવી નામની પુનરાવૃત્તિ સુધી અને પછી માનસિક ઉપાસના સુધી પ્રગતિ કરીએ છીએ અને ત્યારે ખ્યાલ આવે છે કે ‘સોઽહમ્ બ્રહ્મ’, હું દિવ્ય છું.
મનનું શુદ્ધીકરણ
મનનું શુદ્ધીકરણ એટલે શું? શુદ્ધ મન ઇચ્છાઓથી મુક્ત હોય છે, ઓછું વિક્ષુબ્ધ અને તેથી ખૂબ એકાગ્ર હોય છે અને ધ્યાનના ઉદ્દેશની અનુભૂતિ કરવા માટે વ્યાકુળતાથી ભરપૂર હોય છે. શુદ્ધ ચિત્ત કેવી રીતે આત્મા તરફ આકર્ષાય છે તે વિશે શ્રીરામકૃષ્ણ સમજાવે છે. એક શક્તિશાળી લોહચુંબક સોયને આકર્ષે છે. કાદવથી ખરડાયેલી સોય આકર્ષણ નથી અનુભવતી. તે આકર્ષણ અનુભવે તે માટે તેના પર લાગેલ કાદવ ધોઈ નાખવો પડે છે. પછી સ્વાભાવિક રીતે જ તે લોહચુંબક પ્રત્યે આકર્ષણ અનુભવે છે. તેવી જ રીતે, સ્વાર્થી ઇચ્છાઓ દૂર કરી શરીર અને મનને પવિત્ર કરવાથી તે ઈશ્વર પ્રત્યે આકર્ષાશે અને અભિલાષીની તીવ્ર ઇચ્છાઓ દ્વારા તે ઈશ્વરનો સાક્ષાત્કાર કરશે.
આહાર
ધ્યાન માટે જરૂરી છે તંદુરસ્ત શરીર. એના વિશે હવેનો પ્રશ્ન છે કે આધ્યાત્મિક આકાંક્ષીએ કેવો આહાર લેવો જોઈએ? સામાન્ય રીતે આપણે જે ખોરાક બાળપણથી લેતા આવ્યા હોઈએ, જે શાંતિ, તંદુરસ્તી અને મનની શક્તિને ઉત્તેજન આપે તેવો આહાર યોગ્ય ગણાય. ખોરાકની માત્રા ઓછી હોવી જોઈએ અને અમુક ચોક્કસ સમયાંતરે તે લેવો જોઈએ.
આસન કે અંગસ્થિતિ
જેમ ગીતામાં કહ્યું છે, ‘બેસવાની અંગસ્થિતિમાં મનને શુદ્ધ કરવા ધ્યાન કરવું જોઈએ’, તેમ હંમેશાં પદ્માસન કે સુખાસનમાં બેસવાની મુદ્રામાં ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. હવે પછીનો પ્રશ્ન છે, ‘આધ્યાત્મિક અભ્યાસ માટે બીજાં કોઈ આસનોની જરૂર ખરી?’ સામાન્ય રીતે શારીરિક તંદુરસ્તી માટેના ૮૪ કે અન્ય આસનોની ધ્યાન માટે કોઈ જરૂરિયાત નથી. પતંજલિના કહેવા મુજબ જે મુદ્રામાં અભિલાષી થોડા કલાકો માટે સ્થિરતાથી બેસી શકે, તે આસન જ ખરેખર અગત્યનું છે.
શ્રીમા શારદાદેવીએ પણ કહ્યું છે કે થોડા કલાક સ્થિરતાપૂર્વક કોઈ પણ વિક્ષેપ વિના ધ્યાનમાં બેસી શકાય તે આસનનો જ અભ્યાસ કરવો જોઈએ. આ બેસવાની અંગસ્થિતિ વિશે મનોવિજ્ઞાનની એવી ધારણા છે કે આ મુદ્રામાં ઊંડા ધ્યાન માટે કરોડરજ્જુ ટટ્ટાર હોવી જોઈએ. તેથી પલાંઠી વાળીને બેસવાની મુદ્રા અગત્યની છે. તંદુરસ્તી માટે જરૂર પડ્યે અન્ય આસનોનો પણ અભ્યાસ કરી શકાય. નેતિ અને ધૌતી ક્રિયાઓના અભ્યાસની કોઈ જરૂર નથી. શ્રીરામકૃષ્ણ પોતે ખાસ કરીને કહે છે કે આધ્યાત્મિક જીવન માટે તેની કોઈ આવશ્યકતા નથી.
પ્રાણાયામ
પ્રાણાયામ આધ્યાત્મિક અભ્યાસમાં શું ભાગ ભજવે છે? શ્રીરામકૃષ્ણે કહ્યું છે કે એકાગ્રતા અને ધ્યાન માટે અને પ્રાણના અવિરત પ્રવાહ માટે ઈશ્વર પ્રત્યેનો સાચો પ્રેમ પૂરતો છે. પરંતુ જે લોકોમાં એ પ્રેમનો અભાવ છે, તેમણે ધ્યાનની કોશિશ કરતા પહેલાં ક્ષુબ્ધ મનને શાંત કરવું જોઈએ. આ સામાન્ય પ્રાણાયામ દ્વારા કરી શકાય. સમયના એક એકમમાં ડાબા નસકોરાથી શ્વાસ અંદર લઈ, એવા સમયના ચાર એકમ માટે તેને ફેફસાંમાં ભરી રાખી, બે એકમ દરમિયાન બીજા નસકોરાથી (જમણા) ઉચ્છ્વાસ કાઢવો; અને આ જ ક્રિયા જમણા નસકોરાથી ફરી કરવી—આ એક પ્રાણાયામ કહેવાય છે. સામાન્યતઃ આવા ત્રણ કે પાંચ વખતના પ્રાણાયામ મનને શાંત કરવા અને ધ્યાન માટે પૂરતા છે. માત્ર શ્વાસ લઈ લાંબા સમય સુધી ફેફસાંમાં ભરી રાખવો, તેને પ્રાણાયામ સાથે કોઈ નિસબત નથી. અમારા વરિષ્ઠ સ્વામીજીઓમાંના એક પૂજ્યપાદ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રમૂજમાં કહેતા, ‘ફૂટબોલની થેલી ઘણા લાંબા સમય સુધી ઘણી વધુ હવા ભરી રાખે છે, તેથી શું તે યોગી થઈ જશે?’
દૈવીકૃપા
હવે પછી એક ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ‘આપણા પર દૈવીકૃપા કેવી રીતે થાય?’ શ્રીરામકૃષ્ણના મત મુજબ ઈશ્વરકૃપા પવન જેવી છે. જે હંમેશાં પાણી પર નાવને ગતિ આપવા ઉપસ્થિત હોય છે. જરૂરી છે કે તે નાવના સઢ ખોલેલા હોય. આધ્યાત્મિક અભિલાષીની શ્રદ્ધા, સમર્પણ અને આરાધના એ દૈવીકૃપાને પ્રાપ્ત કરવા માટેના તેના ખોલેલા સઢ છે, જે તેને સાક્ષાત્કારના લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે.
કેટલો સમય લાગે?
લક્ષ્ય સુધી પહોંચવામાં કેટલો સમય લાગે? બીજા શબ્દોમાં, કેટલા સમય સુધી કોઈએ આવો અભ્યાસ કરવો જોઈએ? શ્રીરામકૃષ્ણ ઉદાહરણ સાથે ઉત્તર આપે છે: ખલાસી નદીની ગોળાઈમાં નાવની ગતિને નિયંત્રણમાં રાખવા ખૂબ મજબૂતાઈથી સુકાનને પકડી રાખી સઢને સંકેલે છે. પરંતુ જ્યારે તે ગોળાઈ સફળતાપૂર્વક પસાર થઈ જાય છે ત્યારે તે સુકાન છોડી દે છે. તેને સઢ સાથે પણ સંઘર્ષ કરવાની જરૂર રહેતી નથી અને પરિસ્થિતિને તે સહજતાથી લે છે.
તેવી જ રીતે, યુવાનીનો ઝંઝાવાતી સમય નાવને નદીની ગોળાઈ પાર કરાવવા જેવો છે. યુવાની દરમિયાન બાહ્ય વલણને નિયંત્રિત કરી ઉત્કટ આરાધના, સમર્પણ અને ધ્યાન તરફ મનને વાળી આધ્યાત્મિક સાક્ષાત્કાર કરવો તે કઠિન છે. ત્યાર પછી જ ઇન્દ્રિયો નિયંત્રિત થશે, અને અભિલાષી ચિંતન અને ધ્યાન તરફનો કુદરતી ઝોક મેળવી શકશે.
ત્યાર પછી જ તેને કઠિન આધ્યાત્મિક અભ્યાસમાંથી રાહત મળશે. સ્વામી યતીશ્વરાનંદજી કહે છે, ‘…પછી સાધના સરળ થઈ જશે.’ સાધકના હૃદયમાં આવી અંતરતમ ઇચ્છા જાગૃત થાય ત્યાર પછી અંતિમ સફળતા મળે છે. પછી દરેક કાર્ય ઈશ્વરની આરાધના બની જશે. આ ઈશ્વરની કૃપાને આકર્ષે છે, જે આપણાં તમામ બંધનો તોડી આપણને ઈશ્વરના સાક્ષાત્કારના હકદાર બનાવે છે. આમ આપણે જોઈએ છીએ કે બધા આધ્યાત્મિક અભ્યાસ એ ઈશ્વરકૃપા પ્રાપ્ત કરવાના માત્ર ગૌણ ઉપાયો છે. ઈશ્વરકૃપાની પ્રાપ્તિ માટે અજ્ઞાનનાં બંધનોને તોડવાં એ જ મૂળભૂત ઉપાય છે. ભગવાન શ્રીકૃષ્ણના કહેવા પ્રમાણે ‘આ મારી ત્રિગુણયુક્ત માયા દિવ્ય છે અને જે મારા શરણે આવે છે તે જ માત્ર તેનાથી પર થઈ શકે છે, તેના પર વિજય મેળવી શકે છે.’
પ્રબુદ્ધ-ઉન્નત આત્મા
પ્રબુદ્ધ-ઉન્નત વ્યક્તિ તેની અદ્વિતીય અને હૃદયસ્પર્શી નિર્ભયતા, હિંમત, સ્વતંત્રતા અને આનંદને કારણે યુવાન અને વૃદ્ધ, પુરુષો અને સ્ત્રીઓ તમામ માટે એક વ્યક્તિત્વનો આદર્શ હશે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે આપણે આપણા પોતાના મોક્ષ માટે (આત્મનો મોક્ષાર્થં) ઝૂઝવું જોઈએ અને જેઓ બંધનમાં જકડાયેલા છે તેમની સેવા (જગત્ હિતાય) માટે પ્રયાસ કરવો જોઈએ. હાલમાં થયેલ એક સર્વેક્ષણ દરેક જગ્યાએ જગત-હિતની જરૂરિયાત વિશે ખાતરી કરાવે છે.
બીજા શબ્દોમાં, વૈજ્ઞાનિકો અને પ્રૌદ્યોગિકીવિદો તેમજ માનવતાને વિનાશના આરે લાવી મૂકનાર નિર્દયી રાજકારણીઓની સાથે સાથે આપણને જરૂર છે માનવતાવાદીઓની. તેથી જ્યારે આધ્યાત્મિક જીવન દરેકના જીવનમાં ન્યાયપૂર્ણ સ્થાન લેશે, ત્યારે વિશ્વ આજે છે તેના કરતાં સુખી અને વધુ સુરક્ષિત બનશે. શ્રીરામકૃષ્ણ આજે જેની સૌથી વધુ જરૂર છે તેવા માનવતાવાદી જીવનના અગ્રદૂત છે.
શ્રીરામકૃષ્ણ વિશેના પોતાના પ્રખ્યાત સ્તવનમાં સ્વામી વિવેકાનંદ લખે છે:
સંપદ તવ શ્રીપદ ભવ ગોષ્પદ વારિ યથાય;
પ્રેમાર્પણ સમદરશન જગ જન દુઃખ જાય.
હે ભગવાન શ્રીરામકૃષ્ણ! આપનાં શ્રીચરણ અમારી સંપત્તિ છે, તેથી ભવસાગર અમને ગોષ્પદ સમાન છે. તમે સમદૃષ્ટિથી સૌને પ્રેમ આપો છો, તેથી જગતના લોકોનાં દુઃખ દૂર થાય છે.
આપણા જીવનના લક્ષ્ય એવા ઈશ્વરના સાક્ષાત્કાર માટે આપણે શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદે દર્શાવેલ પથનું અનુસરણ કરીએ અને તેમની શક્તિ દ્વારા અન્યને પણ તેમના સુધી પહોંચવામાં મદદ કરીએ.
Your Content Goes Here




