(સ્વામી આત્મદિપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. – સં)

શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ રામકૃષ્ણ મઠ અને મિશનના શાશ્વત પ્રેરણાના સ્રોત છે. એમનો આદર્શ છે, ‘આત્માનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ’ અને ‘શિવજ્ઞાને જીવસેવા’.

શ્રીકૃષ્ણસખા સુદામા અને મહાત્મા ગાંધીજીની પવિત્ર જન્મભૂમિ પોરબંદર વિશ્વવંદ્ય વિભૂતિ સ્વામી વિવેકાનંદની ચરણધૂલિથી વિશેષ પાવન બની છે. પરિવ્રાજકરૂપે ભારતનું પરિભ્રમણ કરતી વખતે સ્વામી વિવેકાનંદ પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શંકર પાંડુરંગ પંડિતના નિવાસસ્થાન ભોજેશ્વર બંગલામાં ઈ.સ. ૧૮૯૧-૯૨ દરમિયાન લગભગ ચાર મહિના રોકાયા હતા. આ ભોજેશ્વર બંગલામાં આજે રામકૃષ્ણ મિશનની શાખા કાર્યરત છે. ૧૨મી જાન્યુઆરી, ૧૯૯૭ના રોજ સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે ગુજરાત સરકારે સ્વામી વિવેકાનંદના સ્મૃતિ મંદિર માટે આ ભોજેશ્વર બંગલો રામકૃષ્ણ મિશનને અર્પણ કર્યો. ત્યાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલની સ્થાપના કરવામાં આવી. અહીં વિવિધ ક્ષેત્રોમાં અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ ચાલી રહી છે.

આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

આશ્રમના પ્રાંગણમાં એક વિશાળ પ્રાર્થના મંદિર આવેલું છે. દરરોજ સાંજે આરતી અને સમૂહ પ્રાર્થના, તથા સત્સંગ, સંકીર્તન સાથે સાથે વિવિધ અવતાર-મહાપુરુષોની જન્મજયંતીની ઉજવણી થાય છે.

પુસ્તકાલય તથા વાંચનાલય

પુસ્તકાલયમાં ધર્મ, દર્શન, સંસ્કૃતિ વિષયક વિવિધ ભાષાનાં લગભગ ૧૫૦૦૦થી વધારે પુસ્તકો છે, ઉપરાંત ૫૦ જેટલાં વિવિધ સામયિકો પણ આવે છે. વિદ્યાર્થીઓ આશ્રમના શાંત અને પવિત્ર વાતાવરણમાં એકાગ્રતાપૂર્વક લેખન-વાંચન-ચિંતન-મનન કરી શકે તે માટે ખાસ વાંચનાલયની સુવિધા પણ ઉપલબ્ધ છે.

આરોગ્ય સેવાઓ

નેત્ર ચિકિત્સા – નેત્રયજ્ઞ – બાળ નેત્ર ચિકિત્સા

શાળામાં ભણતાં બાળકોની આંખોની નિઃશુલ્ક ચકાસણી કરવામાં આવે છે. દર મહિનાના બીજા શુક્રવારે નેત્રયજ્ઞનું આયોજન કરાય છે. કેમ્પમાં ટાંકા વગરના મોતિયાનું ઓપરેશન તથા નેત્રમણિ નિઃશુલ્ક બેસાડી આપવામાં આવે છે.

દંત ચિકિત્સા

નિષ્ણાત ડૉક્ટર દ્વારા દાંતના રોગોની રાહત દરે આધુનિક સાધન દ્વારા સારવાર થાય છે.

ફિઝીયોથેરાપી સેન્ટર

અદ્યતન સાધનો દ્વારા નિષ્ણાત ફિઝીયોથેરાપીસ્ટ દ્વારા આધુનિક ફિઝીયોથેરાપી સેન્ટરમાં અનેક દર્દીને કસરત કરાવવામાં આવે છે.

આયુર્વેદિક – હોમિયોપથી – એલોપથી ચિકિત્સા

હઠીલા રોગોની જડમૂળથી સારવાર આયુર્વેદિક હોમિયોપથી ચિકિત્સા દ્વારા કરવામાં આવે છે.

બી.પી., ડાયાબિટિસ, હૃદયની તકલીફ જેવા રોગોની સારવાર એલોપેથીના નિષ્ણાત ડૉક્ટર દ્વારા કરવામાં આવે છે.

શૈક્ષણિક પ્રવૃત્તિઓ

શિક્ષણ દ્વારા ચારિત્રઘડતર તેમજ મનુષ્યનિર્માણ કરનાર પ્રવૃત્તિઓ.

મૂલ્યનિષ્ઠ શિક્ષણ વર્ગો

વરિષ્ઠ સંન્યાસીઓ દ્વારા આપણા પ્રાચીન આધ્યાત્મિક વારસાનો પરિચય આપવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં જીવનમૂલ્યોના સિંચન માટે ચિંતન શિબિરનું આયોજન થાય છે.

આર્થિક રીતે પછાત વર્ગનાં બાળકો માટે પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધીના શિક્ષણવર્ગો ચલાવવામાં આવે છે.

નિઃશુલ્ક ટ્યૂશન તેમજ કમ્પ્યૂટર ટ્રેનિંગના વર્ગો ચલાવવામાં આવે છે અને દરરોજ બાળકોને પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવે છે.

બાળ સંસ્કાર કેન્દ્ર

બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે વેકેશન દરમ્યાન સંગીત, ચિત્રકામ, બ્લોક, મંગલગાન, આધ્યાત્મિક જ્ઞાન, વિવિધ શારીરિક-બૌદ્ધિક રમતો દ્વારા સંસ્કારલક્ષી પ્રવૃત્તિનું આયોજન થાય છે.

રાષ્ટ્રીય યુવા દિવસ

૧૨ જાન્યુઆરી—રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે વિવિધ શાળા-કૉલેજના વિધાર્થીઓ માટે નિબંધ, વક્તૃત્વ, ચિત્રકામ, વિચાર-પ્રસાર પરીક્ષાઓ યોજવામાં આવે છે.

મા શારદા સીવણ અને ભરતગૂંથણ કલાસ

આર્થિક રીતે નબળાં બહેનો પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે તે હેતુથી મિશનમાં સીવણ તથા ભરતગૂંથણના વર્ગો ચલાવવામાં આવે છે.

રાહતકાર્ય

ગરીબ વિસ્તારમાં રહેતા લોકોને નિયમિતપણે શિયાળામાં ધાબળા, ગરમ વસ્ત્રો તથા નિયમિત રીતે રાશન કીટનું વિતરણ કરવામાં આવે છે.

ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી આફતોના સમયે અસરગ્રસ્તોને આવાસ, અનાજ, કપડાં જેવી સહાય આપવામાં આવે છે. ધરતીકંપથી તારાજ થયેલ વિસ્તારોમાં ત્રણ નિવાસી વસાહતો બાંધવામાં આવેલ છે અને ૩૭ શાળાઓનું નવનિર્માણ કરવામાં આવેલ છે.

પુસ્તક વેચાણ કેન્દ્ર

પુસ્તક વેચાણ કેન્દ્રમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનાં પુસ્તકો ઉપરાંત ઉપનિષદ, દર્શનશાસ્ત્રો વગેરે જીવનમાં પ્રેરણા આપતાં વિવિધ ભાષાનાં અનેક પુસ્તકો ઉપલબ્ધ છે.

ભાવિ યોજના

પોરબંદર શહેર દ્વારકા અને સોમનાથ જેવાં બે મહાતીર્થોની વચ્ચે આવેલું હોઈ દેશભરમાંથી સાધુ, સંતો, ભક્તો નિયમિત આવતા રહે છે. આ સર્વના નિવાસ, ભોજન માટેે તેમજ આશ્રમના નિભાવ, કર્મચારીઓના વેતન તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સ્થાયી ભંડોળની જરૂર છે.

Total Views: 21

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.