(સ્વામી આત્મદિપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. – સં.)

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા એ સાક્ષાત્‌ શ્રીભગવાન શ્રીકૃષ્ણચંદ્રજીના મુખકમળથી પ્રગટ થઈ છે. એ સર્વશાસ્ત્રમયી છે. એનો મહિમા દિવ્ય છે. એના વિશે આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. ભારતની આધ્યાત્મિક ધરોહરમાં ભગવદ્‌ ગીતા એક અમરગ્રંથ છે, જે માનવજીવનના દરેક પડાવે માર્ગદર્શન આપે છે. શ્રીભગવાને કહ્યું છે, गीता मे हृदयं पार्थ गीता मे सारं उत्तमम्‌ અર્થાત્‌ ગીતા મારું હૃદય છે, મારાં ઉપનિષદોનો સાર-અમૃત છે. અને સાધકના જીવનમાં સહજ સુપાચ્ય છે, કારણ કે सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दन। पार्थो वत्स: सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्‌। સઘળાં ઉપનિષદોરૂપી ગાયોનું આ અમૃતમય દૂધ કૃષ્ણગોપાલે દોહ્યું છે. કોના માટે? વાછડારૂપી અર્જુન-સાધક કે જેની અવસ્થા હજી શરૂઆતની છે, તેથી આ સુપાચ્ય છે. ગીતાનાં ગૂઢ રહસ્યો સહજ સમજાય તેવાં છે. દરેક યુગમાં તેને અલગ અલગ પુરુષોએ પોતાના વિશાળ આધ્યાત્મિક અનુભવથી સમજાવ્યું છે. આવા જ એક પરમ પાવન મહાત્મા ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, જેમણે આ ગીતાના સિદ્ધાંતોને માત્ર વાંચન સુધી સીમિત રાખ્યા નથી, પણ જીવનમાં જીવી બતાવ્યા છે.

શ્રીરામકૃષ્ણદેવે ભગવદ્‌ ગીતાને અત્યારના ભોગવિલાસમય જીવનમાં સપડાયેલ માનવોના આંતરિક સંઘર્ષ માટે ઉત્તમ સંજીવની ગણાવી છે. એમણે પોતે આ ગીતાને જીવનમાં જીવી બતાવી છે. શ્રીરામકૃષ્ણદેવ કલકત્તામાં આવ્યા હતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના ઘેર, ૫ ઑગસ્ટ, ૧૮૮૨ના રોજ. વિદ્યાસાગર મહાશય હતા ખૂબ મોટા પંડિત. એમની સાથેનો વાર્તાલાપ અદ્‌ભુત છે.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવે ગીતા સંબંધે વિદ્યાસાગરને કહ્યું, “ગીતાનો અર્થ શો? દસ વાર ‘ગીતા’ બોલવાથી જે થાય તે, ‘ગીતા’ ‘ગીતા’ દસ વાર બોલવા જતાં ‘ત્યાગી, ત્યાગી’ થઈ જાય. ગીતાનો ઉપદેશ આ છે કે હે જીવ, બધું ત્યાગ કરીને ભગવાનને મેળવવાનો પ્રયાસ કરો. સાધુ હો કે સંસારી હો, મનમાંથી બધી આસક્તિનો ત્યાગ કરવો જોઈએ.”

કેટલી સરસ અને અદ્‌ભુત વાત! અત્યારના યુગમાં જ્યારે માનવ માટે કંઈ પણ ત્યાગ કરવું એટલું અઘરું છે, તેવા સમયે શ્રીઠાકુરની આ વાત અત્યંત પ્રયોજનીય છે. એટલા માટે શ્રીઠાકુરે આસક્તિ, વસ્તુઓ-સંસાર પ્રત્યેનો લગાવ ત્યાગવાની વાત કહેલ છે. દરેકેદરેક સાધકના જીવનમાં આ અત્યંત મહત્ત્વની વસ્તુ છે. ત્યાગ વગર અધ્યાત્મસાધના અત્યંત કઠિન છે. અંતત: ભાવથી પણ ત્યાગ જરૂરી છે, ત્યાર પછી મનથી પણ ત્યાગ. ગીતાનો આ મધ્યવર્તી વિચાર છે.

બધા જ ધર્મો, કર્તવ્યો કે જે સંસાર પ્રત્યે છે, સંસારમાં આસક્તિ વધારે છે, તેનો પરિત્યાગ કર, એમ શ્રીકૃષ્ણ કહે છે. ત્યાગ વગર ભગવત્પ્રાપ્તિ શક્ય નથી. ગૃહસ્થાશ્રમમાં રહેતો હોવા છતાં પણ માનવ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. આના માટે કેવળ ત્યાગ જ મુખ્ય સાધન છે. એટલા માટે ભગવાન શ્રીરામકૃષ્ણ ગીતાના અર્થનો ‘તાગી-તગ્‌ ધાતુ’ એટલે ત્યાગ કરવાનું કહે છે. આટલી મોટી વાત પણ શ્રીરામકૃષ્ણદેવ સહજમાત્રામાં સમજાવી દે છે.

એક વાર દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવે મુખર્જી બાબુને ઉદ્દેશીને કહ્યું, “તમે પૈસાવાળા છો અને છતાં ભગવાનને પોકારો છો! એ બધુ સારું છે. ગીતામાં કહ્યું છે કે જેઓ યોગભ્રષ્ટ છે, એટલે કે અધ્યાત્મ સાધના કરતાં કરતાં પથ પરથી કોઈ કારણે ભટકી ગયા છે, ભ્રષ્ટ થયા છે, તેઓ પછીના જન્મમાં ઈશ્વરના ભક્ત થઈને જન્મે છે, ભક્તના પરિવારમાં જન્મે છે. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મારા ભક્તોનો ક્યારેય વિનાશ થતો નથી.”

પંડિત શશધર તર્કચૂડામણિ સાથે ચર્ચા સમયે પણ એમને અને હાજરા મહાશયને શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું, “બહુ બધાં શાસ્ત્રો વાંચવાં નહીં. એનાથી તર્કવાદ અને વિવાદમાં પડશો. નાગા બાબાજી (શ્રીરામકૃષ્ણદેવના ગુરુ તોતાપુરી) મને કહેતા કે દસ વાર ગીતા બોલવાથી શું થયું—ત્યાગ.” આમ, આ ત્યાગનો વિચાર એમના ગુરુજી પાસેથી મળેલ એમ કહી શકાય. બલરામ બાબુના ઘેર ભક્તો સાથે વાર્તાલાપ દરમિયાન જ્યારે એક ભક્તે કહ્યું કે ગીતા એ ઈશ્વરની વાણી છે, ત્યારે ઠાકુરે કહ્યું કે તે સઘળાં શાસ્ત્રોનો સાર છે. એક સંન્યાસીની ઝોળીમાં બીજાં પુસ્તકો હોય કે ન હોય, ગીતાને પોતાની સાથે હંમેશાં રાખે છે.

એક વાર શ્યામપુકુરવાટીમાં સુરેન્દ્ર અને સર્વે ભક્તો સાથે વાર્તાલાપ દરમિયાન શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, “ચણાની દાળ ખાઈને રાખાલને પેટમાં અપચો થયો છે. સાત્ત્વિક આહાર કરવો જોઈએ. તમે ગીતામાં જોયું નથી? ગીતામાં વાંચ્યું નથી?” તરત મહેન્દ્ર માસ્ટરે કહ્યું, “હા, યુક્ત આહારની વાત આવે છે. સાત્ત્વિક, રાજસિક અને તામસિક આહાર. વળી, સાત્ત્વિક, રાજસિક અને તામસિક દયા. સાત્ત્વિક અહંકાર વગેરે બધું.” શ્રીરામકૃષ્ણે કહ્યું, “ગીતા તમારી પાસે છે? એમાં સર્વ શાસ્ત્રોનો સાર છે.”

શ્યામપુકુરવાટીમાં એક વાર ડૉ. મહેન્દ્ર સરકાર સાથેના વાર્તાલાપમાં શ્રીરામકૃષ્ણદેવે કહેલું કે એણે જ ખરેખર ગીતાનું રહસ્ય જાણ્યું છે, જેણે સંસારમાં કામ-કાંચનની આસક્તિનો ત્યાગ કર્યો છે. જે ઈશ્વરમાં સોળ આના ભક્તિ અર્પણ કરી શક્યો છે, તે જ ગીતાનો મર્મ સમજ્યો છે. ગીતાની આખી ચોપડી વાંચવાની જરૂર નથી. ‘ત્યાગી, ત્યાગી’ સમજી શકે તો બસ.

પાણિહાટિ મહોત્સવમાં, રાઘવપંડિતનો પૌંઆનો મહોત્સવ હતો. ત્યાં નવદ્વીપ ગોસ્વામી અને ભક્તો સાથે વાર્તાલાપ દરમિયાન શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, “વધુ પડતાં શાસ્ત્રો વાંચવાથી ઊલટું નુકસાન થાય છે. શાસ્ત્રોનો સાર સમજી લેવો જોઈએ. ત્યાર પછી ગ્રંથોની શી જરૂર? સારભાગ જાણીને ડૂબકી મારવી જોઈએ. મને જગદંબાએ સમજાવી દીધું છે કે વેદાંતનો સાર ‘બ્રહ્મ સત્ય જગન્મિથ્યા’. ગીતાનો સાર દસવાર બોલો અને જે થાય તે, ‘ત્યાગી’. ગીતાનો સાર આ છે, ‘હે જીવ, બધું ત્યાગ કરીને ભગવાનને પામવાને માટે સાધન કર.”

એટલા માટે શ્રીમા શારદાદેવી કહેતાં, “આ યુગમાં શ્રીરામકૃષ્ણદેવ જગતને ત્યાગનો આદર્શ દેખાડવા આવ્યા હતા.” આમ શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે ત્યાગનું કેટલું મહત્ત્વ હતું. ત્યાગ સાથે એમનું તાદાત્મ્ય અદ્‌ભુત હતું.

એક વાર કેદાર મહારાજે શ્રીમાને પૂછ્યું હતું, “મા, આ વખતે ઠાકુર શું એક નવી વસ્તુ આપવા આવ્યા હતા અને સર્વધર્મ સમન્વય કરી ગયા?” શ્રીમાએ કહ્યું, “જો બેટા, તેઓએ ધર્મ સમન્વય ભાવ પ્રચાર કરવા માટે સાધના કરી હતી, એવું મને નથી લાગતું. તેઓ સર્વદા ભગવદ્‌-ભાવમાં જ વિભોર રહેતા હતા. પણ શું કહું બેટા, આ યુગમાં ત્યાગ જ હતું તેમનું વિશેષત્વ. આવો સ્વાભાવિક ત્યાગ ક્યારેય શું કોઈએ જોયો છે?”

શ્રીમા એમના આ વિશેષ ત્યાગ સંબંધે એક પ્રસંગ કહેતાં, “એક દિવસ જમ્યા પછી નહબત એટલે કે જ્યાં શ્રીમા રહેતાં હતાં ત્યાં તેઓ આવ્યા. તેમના બટવામાં કંઈ મુખવાસ ન હતો. મેં તેમને ખાવા માટે થોડી વરિયાળી તથા અજમો આપ્યાં અને થોડુંક એક કાગળમાં વીંટીને આપ્યું. તેઓ આ લઈને નોબતથી તેમના ઓરડામાં જવાને બદલે સીધા દક્ષિણ દિશામાં ગંગાકિનારા તરફ જવા લાગ્યા. રસ્તો ભૂલ્યા હતા એવું લાગ્યું, અને ગંગામાં ભરતી આવી હતી. ઠાકુર કહેવા લાગ્યા, ‘શું હું ડૂબી જઈશ?’ ઘરનું વહુ માણસ, એટલે બહાર ન નીકળાય. શું કરવું, કોને કહેવું? ત્યાં કાલીમંદિરનો એક પૂજારી આવ્યો, એને કહીને હૃદયને બોલાવ્યો. હૃદય જમવા બેઠો હતો, તે જલદી એંઠા હાથે દોડી આવી એમનો હાથ પકડીને લઈ ગયો. થોડો વધારે સમય થાત તો તેઓ ગંગામાં પડી ગયા હોત.”

સુરેન્દ્રબાબુએ શ્રીમાને પૂછ્યું, “ઠાકુર દક્ષિણ તરફ કેમ ગયા?” શ્રીમાએ કહ્યું, “હાથમાં થોડીક વરિયાળી અને અજમો આપેલાં, તેથી! સાધુએ સંચય કરવો જોઈએ નહીં. એટલા માટે રસ્તો જોઈ શક્યા નહીં. આ સોળ આના ત્યાગ! (પૂર્ણ ત્યાગ.)”

આવો હતો શ્રીઠાકુરનો ગીતા.. ગીતા.. ત્યાગી.. ત્યાગી..નો ભાવ, જે જવલ્લે જ જોવા મળે છે.

Total Views: 5

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.