શિયાળાને કારણે સાંજનું અંધારું વહેલું થવા લાગ્યું છે. વાગ્યા તો હજી છ જ છે, પણ સંધ્યાનો પ્રભાવ પ્રબળ બનવા લાગ્યો છે. વાતાવરણમાં પણ પ્રમાણમાં શાંતિ છે. નાના-મોટા અવાજો છે, પણ તે બધા વચ્ચેથી શાંતિ મુખરિત થાય છે. પાછળનાં ઘરની અગાસીમાં નાનાં બાળકો સંક્રાન્તની પૂર્વ તૈયારી રૂપે પતંગો ચગાવી રહ્યા છે અને ધમાચકડી કરી રહ્યા છે. તેમની બૂમરાણમાં નરી નિર્દોષતા છે. તે જાણે ઓમકારનો ધ્વનિ ઉત્પન્ન કરે છે. રસ્તા પરથી કોઈ એકલદોકલ રિક્ષા કે સાઈકલ પસાર થાય છે. તેની ઘંટડી કે હોર્નનો અવાજ પણ શાંત વાતાવરણને ઘસરકો પહોંચાડે છે. દૂર કોઈ ટેપ યા રેડિયો વગાડે છે. તેમાંથી માત્ર તબલાંનો અવાજ સંભળાય છે. પશ્ચિમના સૂર્યનાં કિરણોનો સ્પર્શ સામેનાં મકાનની આડશને કારણે નથી થતો, પણ ઝાંખા થતા પ્રકાશનાં વલયો ઓરડામાં પથરાય છે. બારણાના આકારને અનુકૂળ થવાને કારણે ત્રિકોણાકાર પ્રકાશ અને તેની આસપાસ અંધારું ખંડને નવું જ પરિણામ આપે છે. વાતાવરણ અદ્‌ભુત છે. શાંતિ અને ધ્વનિનું મિશ્રણ તેને રોમાંચક બનાવે છે. મન ઊંડી શાંતિ અનુભવી રહ્યું છે.

બાજુમાં દળદાર ગ્રંથ પડ્યો છે. સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર. તેમના પૂર્વના અને પશ્ચિમના શિષ્યોના સ્નેહાળ તથા આદરયુક્ત શ્રમનું ફળ. હમણાં જ થોડી ક્ષણો પહેલાં તેનું છેલ્લું – સાતસો સતાવનમું – પાનું પૂરું થયું છે. ગ્રંથ બંધ કર્યો છે. તે હજી ખોળામાં જ પડ્યો છે. મન તો અનંત શાંતિમાં લય પામી ગયું છે. આંખો સામે દીવાલ પર પડેલ તેમની છબી પર સ્થિર છે. તેમની મહાસમાધિનું વર્ણન હજી શરીર અને મન પોતામાં શોષી રહ્યાં છે. આંખો પર – પાંપણ સિવાય – એક ઝાંખું – પાતળું – ભીનું પડ રચાઈ ગયું છે. તેની આરપારથી છબી જોવાનો પ્રયાસ કરાય છે… સમાંતરે, ચાલીસ વર્ષ પહેલાં ત્યારે વ્યાયામશાળાની નવી જ બંધાયેલ પડથાર પર બેસી એક મિત્રની કંપનીમાં વિવેકાનંદની જ વાતો કરતાં બન્નેએ તેમની, કલ્પનાની ઘનિષ્ટતામાં, આકાશમાં જોયેલ તેમનો ચહેરો અત્યારે યાદ આવે છે. ભૂતકાળની તે મુગ્ધ ક્ષણ અને વર્તમાનની આ નીરવ ક્ષણ જાણે એકબીજામાં ભળી રહી છે. બન્નેનો સંગમ થઈ રહ્યો છે અને સમયાતીત થવાય છે. બન્ને મળીને મનને એક અનિર્વચનીય સ્થિતિમાં મૂકી રહ્યાં છે. આ ક્ષણ પણ એવી તરલ સ્થિતિમાં છે કે નક્કી નથી કરી શકાતું કે શરીર છે કે નહીં! મન છે કે નહીં! અસ્તિત્વ કઈ સ્થિતિમાં છે તે પણ નક્કી નથી કરી શકાતું.

બસ! ‘હોવા’ની અનુભૂતિ થઈ રહી છે. માણવા યોગ્ય! પૂરેપૂરી અનુભવાતી. તેમાં તરવાનો ભાસ થાય છે, ચાલુ ને ચાલુ રહે – તેવી ઝંખના સાથે!

આટલું ભવ્ય મૃત્યુ! આવું ઉજ્જવળ જીવન!

માત્ર ઓગણચાલીસ વર્ષ, પાંચ માસ અને ચોવીસ દિવસનું જ આયુષ્ય! પણ કેવું સજાગ જીવન! આવતાં મૃત્યુનાં પગલાંનો પદચાપ પણ સાંભળી શકે છે. મૃત્યુ તો છેલ્લાં દસ વર્ષથી પ્રગટ થવા મથી રહ્યું હતું. શરીરને છિન્નભિન્ન કરે તેવા રોગોના હુમલા તે અનુભવી રહ્યા હતા. છતાં, અડગતાથી, સંન્યાસીની ખુમારી-નિષ્પૃહતા અને શાંતિથી તેને ઠેલી રહ્યા હતા. અને છતાં તેનાં સ્વાગતની તૈયારી પણ કરી રહ્યા હતા. આશ્રમમાં પંચાંગ લઈ નક્કી કરે છે કે ક્યારે મહાસમાધિ લેવી. ક્યો દિવસ નક્કી કરવો? અને જુઓ તો ખરા, દિવસ પણ કેવો પસંદ કર્યો! ‘ચોથી જુલાઈ’! અમેરિકાને કેવી ભવ્ય અંજલિ આપી. તેમનાં ઉત્તુંગ વ્યક્તિત્વનાં પ્રાગટ્યની ભૂમિ અમેરિકા. અમેરિકા તેમને બરાબર ઓળખી શક્યું. સમજી શક્યું. તો તેનું ઋણ કેમ ચૂકવાય? દેહત્યાગને દિવસે જ!

આશ્રમનાં પ્રાંગણમાં એક ખૂણા પ્રત્યે આંગળી ચીંધી કહે, ‘મારું મૃત્યુ થાય ત્યારે અહીં બાળજો.’ બધું આયોજનબદ્ધ. નિશ્ચિત! છતાંય ક્યાંયે અકળામણ નહીં. પોતે ‘જાણે’ છે તે કહેવાની ઇચ્છા પણ નહીં. બસ, મૃત્યુનું મૂક સ્વાગત કર્યા કરે છે. તેના અણસારા આપ્યા કરે છે. સાંભળનારા ચોંકે છે, પણ પૂરો ખ્યાલ નથી મેળવી શક્તા. માટે તો વિવેકાનંદ એકવાર બોલી ગયેલા કે ‘વિવેકાનંદને સમજવા બીજા વિવેકાનંદની જરૂર પડે.’ … છતાં નિર્મળ પ્રેમ આપ્યો.

વિવેકાનંદ એટલે આધ્યાત્મિક વંટોળિયો. અવિરત પ્રવૃત્તિ વચ્ચે શાંત કેન્દ્ર. ધગધગતાં જીવન વચ્ચે મૃત્યુના ખભે નિરાંતે માથું ટેકવી બેઠેલ વ્યક્તિ અને મૃત્યુ તરફ ધસવાના સમયે પણ વિસ્મય, મુગ્ધતા અને ડહાપણથી ઉભરાતી વ્યક્તિ. તો પછી તેમનું મૃત્યુ ભવ્ય શા માટે ન હોય! કદાચ, ભિષ્મ પિતામહ પછી ઇચ્છીત મૃત્યુ પામનાર વિવેકાનંદ હતા. એકને પિતાની સેવાનું વરદાન. બીજાને ગુરુની સેવાનું વરદાન.

અને તેમનું ભવ્ય જીવન પણ કેવું? સંસારી રીત પ્રમાણે જીવ્યા હોત તો પ્રખર વકીલ – અને સાહિત્યકાર થઈ લાખો રૂપિયામાં આળોટતા હોત. પણ એક પળમાં ‘વાસાંસિ જિર્ણાનિ’ જેમ તે છોડી ગુરુચરણે બેસી ગયા. ગુરુ સેવ્યા, ગુરુ પીધા, ગુરુ ખાધા.. અને નરેન્દ્ર મટી વિવેકાનંદ બની ગયા. માટે જ વિવેકાનંદનાં પ્રવચનમાં ગુરુવાણીનું પુનરાવર્તન દેખાય છે- નવા શબ્દોમાં, નવી શૈલીમાં – અંગ્રેજીમાં, બસ! પોતે જ કહેતા કે પોતે જે સાર્થક બોલે તે ગુરુની કૃપા, વ્યર્થ બોલ્યા હોય તો તે પોતાની મર્યાદાઓ.

જીવનમાં કેટકેટલાં પાસાં જીવ્યા તે. તેમના જેવો દેશભક્ત કોણ થયો હશે? ધગધગતી દેશભક્તિ, અમેરિકામાં સુંવાળી પથારી પર પણ દેશની ગરીબીને યાદ કરી ઊનાં ઊનાં ટીપાં આંખમાંથી વરસ્યા કરે. દેશના સામાન્ય માણસને તેમણે જીવતાં શીખવાડ્યું. તેને તેનું આત્મગૌરવ પાછું આપ્યું. તેને તેનામાં રહેલી દિવ્યતાની યાદ અપાવી. ગુલામીમાં સબડતા તેને ‘અમૃતસ્ય પુત્રા:’નો સાદ કર્યો. વીસમી સદીમાં જેટલા નેતા થયા તેમણે એક યા બીજી રીતે વિવેકાનંદની જ પ્રેરણા લીધી છે. ગાંધી, સુભાષ, અરવિંદ – બધાએ.

વિવેકાનંદ એટલે આગ અને પ્રેમનું રચાયેલ વ્યક્તિત્વ.

અને તેમની વાણી? .. વાંચ્યા જ કરીએ. આજે એકસો વર્ષ પછી પણ સ્વામીજી જાણે આપણી સામે રૂબરૂ બેઠા હોય અને આપણે તેમને સાંભળતા હોઈએ તેવી જીવંત વાણી. ગેરૂઆ વસ્ત્રોમાં પડછંદ શરીર ધરાવતા સ્વામીજી જાણે આપણને ખોળામાં બેસાડી શીખવતા ન હોય તેવું ‘ફીલ’ થાય. તેમના શબ્દો પીતા હોઈએ ત્યારે તેમની હાજરી એક તથ્ય બની જાય છે. તેમનું ધબકતું વ્યક્તિત્વ આપણને ઘેરી વળે છે. એકે એક શબ્દ જાણે બોમ્બ! જીવતો વાયર! મનને સ્પર્શ્યો નથી અને મનમાં ચેતના જ ચેતના પથરાઈ જાય. શરીરના અણુએ અણુમાં ખળભળાટનો અનુભવ થાય. અક્ષરો વાંચતાં ‘સ્વ-અક્ષરત્વ’નો અનુભવ જ થાય. આપણામાંનું દિવ્યત્વ જાણે પ્રગટ થવા થનગને. એવું લાગે જ નહીં કે એક સદી કરતાં પણ વધુ સમયના અંતરાલ પછી તેમને વાંચી રહ્યા છીએ. ભૂતકાળ ઓગળી વર્તમાન બની જાય. ભૂતકાળનો સ્પર્શ થવા લાગે. આપણે પણ નિવેદિતા, બ્રહ્માનંદ કે અન્ય શિષ્યો સાથે તેમના સાથે ફરી રહ્યા હોઈએ તેવું લાગે. આપણા નાના ખભા પર જાણે તેમનો હાથ વાત્સલ્યથી મૂક્યો છે અને નીચા વળી, આપણા સામે આંખો ઠેરવી જાણે આપણને કહી રહ્યા હોય, ‘આ શું? ક્ષુદ્રત્વની સાધના શા માટે? ઊભો થા! જાગ! તારામાંના પરમ પિતાને પ્રગટ કર!’ .. અને આપણે આપણું સ્થૂળ વ્યક્તિત્વ વીસરી અદ્વૈતની અનુભૂતિ કરતા હોઈએ એવું અનુભવીએ. બાર ભાગનાં છ હજાર જેટલાં પાનાં પૂરાં થાય ત્યારે લાગે- ‘બસ! પૂરાં થઈ ગયા?’ અને સ્ફૂર્તિથી ફરી પ્રથમ ભાગ હાથમાં લઈ લેવાય.

આજે દેખાતા નિરાશાના યુગમાં ચેતના પૂરી પાડી શકે તેવી એક માત્ર વ્યક્તિ હોય તો તે વિવેકાનંદ છે. તેમને હવે વ્યક્તિ તરીકે ન લેતાં વિચાર મૂર્તિ વાંચીએ, સેવીએ. તો જીવન જીવંત બની જાય. તેમનાં ‘કર્મયોગ’, ‘રાજયોગ’, ‘કેળવણી’, ‘દિવ્યવાણી’ વગેરે પુસ્તકોને તો પાઠ્ય પુસ્તકો બનાવવાની જરૂર છે. કોલેજોમાં તો દરરોજ એક તાસ માત્ર તેમની પુસ્તિકા ‘યુવાનોને’ ને સાંભળવા-વાગોળવાનો જ હોવો જોઈએ. સવારે ઊઠી-નાહી- ‘યુવાનોને’નું પારાયણ કરવું જોઈએ. દાનવીરોએ દાન આપવું હોય તો ‘યુવાનોને’નું વિતરણ કરવું જોઈએ. તે શ્રેષ્ઠ દાન છે.

પણ ગમે તેમ કરીને તેમની વાણી દરેકના કાનમાં પ્રવેશે તેવું કરવાની જરૂર છે. તો અબાલ-વૃદ્ધ બધામાં નવી જ ચેતના પ્રગટ થશે. નિરાશા ખંખેરાઈ જશે. જીવનમાં થનગનાટ આવશે. ગરીબો-અનાથો પ્રત્યે સક્રિય અનુકંપા જન્મશે. તો સેવા માટે પગ દોડશે. ત્યારે ભોગવાદી જીવનની પણ પરવા નહીં રહે. તેની ઇચ્છાનો તો સવાલ જ નથી. ત્યારે વિવેકાનંદનાં ‘ત્યાગ-પ્રેમ-સેવા’ સમજાશે. યુવાની એ પૈસા-ભોગ-છીછરાપણાંનો સમય નથી, પણ ઉચ્ચ જીવન જીવવાનો કિંમતી કાળ છે તેવો ખ્યાલ આવશે. ધ્યાન-પ્રેમ-સેવા-સ્વાધ્યાયમય થવાશે. દેશ પ્રત્યે નવી જ લાગણી જન્મશે. દેશ માતા છે અને આપણે તેનાં સંતાન છીએ તેવી સતત અનુભૂતિ થશે. દરેક માનવી પરમાત્માનો અંશ છે એવું દર્શન થશે. માટે તેનાં સુખ કાજે ‘ત્યાગ’ થશે. તેના પર ‘પ્રેમ’ જાગશે. માટે ‘સેવા’ કરવા થનગનાટ થશે. પગ દોડશે.

વિવેકાનંદ સનાતન વ્યક્તિ છે. તેમની વાણી ત્રણે કાળ માટે છે, કારણ કે તે ‘કેમ જીવવું’ તેની વાત કરે છે… કારણ કે તે ‘પરમ’ સાથે અનુસંધાન કરી આપે છે… કારણ કે તે આપણામાંનાં ‘દિવ્યત્વ’ને પ્રગટ કરવાની હાકલ પાડે છે. તેમના પાસે નિરાશા-હતાશા-ઉદાસીનતા… કશું નથી. તે તો માત્ર એક જ વાત કરે છે- ‘જીવો! નિર્ભયતાથી જીવો! સિંહ જેવા થઈ જીવો! મુક્ત થઈ જીવો! બધી ફરજો બજાવો, છતાં અનપેક્ષ થઈ જીવો! રાજર્ષિ થઈ જીવો! બ્રહ્મર્ષિ થઈ જીવો! અનેક જીવનો એક સાથે જીવો! (જેમ પોતે ૩૯ વર્ષમાં સેંકડો વર્ષોનું કામ કરી ગયા) જીવનની પહોળાઈ-લંબાઈ ન જુઓ, ઘનિષ્ટતાથી- ઊંડાણથી, સમગ્રતાથી જીવો! જીવન એક મહા ઉત્સવ છે, તે ઉજવો.’

તેમનો એક એક શબ્દ અમૃતનું બિંદુ છે જે અજરત્વ, અમરત્વ, શિવત્વ, યુવાની બક્ષે છે.

તેમનાં જીવન ચરિત્ર સામે દૃષ્ટિ સ્થિર છે. હમણાં જ જાણે તેમનો શ્વાસ ગયો હોય તેવું લાગે છે. વિદાય લેતો શ્વાસ જાણે મારી ચેતના સાથે ઘસાઈને, તેને સ્પર્શીને, ગયો હોય તેવું લાગે છે. શરીર-મન-વાતાવરણ મૌન છે. પણ એ મૌન ધબકતું હોય તેવું લાગે છે. આવી વ્યક્તિના સંપર્કમાં આવવા મળ્યું તે જીવનની ધન્યતા છે તેવું અનુભવાય છે. જે તેમના સંપર્કમાં નથી આવી શક્યા તે કેટકેટલું ગુમાવતા હશે તેવું લાગે છે. ગંગા કિનારે બેસી તરસ્યા રહે છે! કલ્પવૃક્ષ નીચે બેસી ભિખારી જેવા લાગે છે. રાજાના કુંવર હોવા છતાં ચીંથરે હાલ ફરતા લાગે છે. અમૃતના કુંભ પાસે બેસી ક્ષણ ક્ષણ મરતા હોય તેવું લાગ્યા કરે છે.

હવે બહાર પૂરું અંધારું થઈ ગયું છે. માત્ર ક્ષિતિજમાં ક્યાંક થોડી લાલાશ દેખાય છે. દિવસ પૂરો થઈ ગયો. જીવનની સાંકળની એક કડી પૂરી થઈ ગઈ. કદી પાછી નહીં આવે. હૃદયમાં કસક ઉપડે છે. આંખો ફરી ભીની થાય છે.

ત્યાં તો જાણે ગંભીર, સંગીતમય, મૃદુ અવાજે સ્વામીજી બોલી ઉઠે છે…

‘સ્વપ્નથી જાગ. તું બંધનથી મુક્ત થા. ભીતિ નહીં પામ. આ તો અતિ ગૂઢ. મારી છાયા કદી ડરાવી ન શકે. અને આખર તું જાણી લે કે હું તો સ્વયં બ્રહ્મ.’

અને મસ્તક કૃત્કૃત્યતાથી નમી પડે છે.

Total Views: 206

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.