(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. – સં.)
ઇતિહાસના ઉદ્ગમ કાળથી ભારતે સમયે સમયે મહાન લોકો જગતને આપ્યા છે. આ દરેક મહાન વ્યક્તિ વિશિષ્ટ હતી. દરેકે એક જ સત્યને વિશિષ્ટ રીતે વ્યક્ત કર્યું અને તત્કાલીન સમાજને ઊર્ધ્વ તરફ જવાની પ્રેરણા આપી. આ ઘટના ઇતિહાસના કોઈ અજ્ઞાત કાળથી શરૂ થઈ આજ સુધી ચાલુ છે. કોઈ અજ્ઞાત ઋષિથી શરૂ થયેલ ઘટના આજે મહાત્મા ગાંધી સુધી ચાલુ રહી છે.
પ્રાચીન કાળમાં જે મહાન અને અદ્ભુત લોકો થઈ ગયા છે તેમાં ભગવાન મહાવીર પણ એક મહત્ત્વની મહાન વ્યક્તિ છે. તે સમયે, આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં, સનાતન ધર્મમાં વિકૃતિઓ પેસી ગઈ હતી અને કર્મકાંડ એટલાં તો વધી ગયાં હતાં કે પાયાની આધ્યાત્મિકતા ભુલાઈ ગઈ હતી. તે સમયે તેને પડકારવા અને મૂળ ધર્મ અને આધ્યાત્મિકતાને પુનઃ પ્રગટાવવા બુદ્ધ અને મહાવીર આવ્યા હતા અને તેમના ઉપદેશથી આધ્યાત્મિકતાને અને તત્કાલીન સમાજને પુનઃ જાગૃત કર્યા.
મહાવીરનો જન્મ ઈ.સ. પૂર્વે ૫૯૯માં આજના પટણાની ઉત્તરે ૨૦ માઈલ પર આવેલી વૈશાલી નગરી પાસે આવેલ ક્ષત્રિયકુંડ નામના ગામમાં સિદ્ધાર્થ અને ત્રિશલાને ત્યાં થયો હતો. સિદ્ધાર્થ ક્ષત્રીયકુંડના રાજા હતા. મહાવીર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાને ચૌદ સ્વપ્ન આવ્યાં હતાં, જેણે જ્યોતિષીઓએ શુકન ગણાવ્યા હતા અને એક ભાવિ મહાન પુત્ર જન્મશે એવી આગાહી કરી હતી.
મહાવીર જન્મ્યા ત્યારે તેમને મોટા ભાઈ નાન્દીવર્ધન અને બહેન સુદર્શના હતાં. મહાવીરનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું. જેમ જેમ તેઓ મોટા થતા ગયા, તેમ તેમ તેમની શારીરિક શક્તિ અને દેહકાંતિ વધતાં જ ગયાં. બાળપણમાં એવા બનાવ બન્યા, જેણે સાબિત કર્યું કે તેઓ નીડર હતા. તેમની પાસે જન્મદત્ત વિદ્વત્તા હતી. તેમણે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. બાળપણથી તેઓ વિરાગી હતા, છતાં માતાપિતાના માન ખાતર તેમણે યશોદા સાથે લગ્ન કર્યા અને તેમને પ્રિયદર્શના નામે પુત્રી થઈ.
વર્ધમાન ૨૮ વર્ષના થયા ત્યારે તેમનાં માતાપિતાએ વિદાય લીધી. એટલે તેમણે ભાઈ સમક્ષ દીક્ષા લેવાની ઇચ્છા વ્યક્ત કરી. ભાઈએ તેમને બે વર્ષ થોભી જવા કહ્યું. તે રોકાઈ ગયા. પણ આ દરમ્યાન તેઓ સંન્યસ્ત જેવું જ જીવન જીવ્યા. સમય આવતાં તેમણે દીક્ષા લીધી અને મહેલનો અને વૈભવનો ત્યાગ કર્યો. સમય જતાં તેમણે પોતે પહેરેલ એકના એક વસ્ત્રનો પણ ત્યાગ કર્યો.
હવે તેઓ સતત તપ કરવા લાગ્યા અને વિહાર કરવા લાગ્યા. આ રીતે તેમણે બાર વર્ષ પસાર કર્યાં. આ દરમ્યાન તેમને અનેક તકલીફો પડી, પણ તેમણે તે બધી સહન કરી, મૌન અને ઉપવાસમાં દિવસો પસાર કરતા રહ્યા અને તપશ્ચર્યા કરતા રહ્યા. એક મત પ્રમાણે તેમણે બાર વર્ષમાંથી અગિયાર વર્ષ, છ મહિના અને પંદર દિવસ અન્ન-પાણી વિનાના ઉપવાસ કર્યા હતા. પુષ્કળ દેહ-દમન કર્યું. છેવટે તેરમા વર્ષે જાભ્રિક ગામ પાસે તેમને એક શાલી વૃક્ષ નીચે ધ્યાનમાં “કેવળ-જ્ઞાન” થયું. તેમની સાધના પૂરી થઈ. ત્રણેય લોકના સમગ્ર બ્રહ્માંડના જડ-ચેતન પદાર્થોના ત્રિકાલિક ભાવોને બતાવનારું કેવળ-જ્ઞાન પ્રાપ્ત થયું. તેમની સાધના એવી તો કલ્પનાતીત હતી કે તેમને માત્ર જ્ઞાની જ નહિ, પણ તીર્થંકર તરીકે જાહેર કરવામાં આવ્યા.
હવે તેમણે ઉપદેશ આપવાનું શરૂ કર્યું. પ્રથમ ઉપદેશમાં અગિયાર બ્રાહ્મણો તેમના શિષ્ય બન્યા. પછી તેમણે રાજકુમારી ચંદનને સાધ્વી બનાવ્યાં. તેમના ધર્મોપદેશના પ્રભાવથી તેમના સમય દરમ્યાન અનેક રાજાઓ, રાજકુમારો, રાણીઓ, ધનવાનો અને હજારો સામાન્ય લોકો શિષ્ય થયાં. કહેવાય છે કે તેમની પાસે કુલ ૧૪૦૦૦ સાધુઓ, ૩૬૦૦૦ સાધ્વીઓ, અને અવધિજ્ઞાન જાણનારા ૧૩૦૦ મુનિઓ હતાં. આ સિવાય અગણિત શ્રાવકો અને શ્રાવિકાઓ શિષ્યો હતાં. મહાવીરની વિશિષ્ટતા એ હતી કે તેમના શિષ્ય થવા માટે જન્મ કે જ્ઞાતિ જોવાતી ન હતી. જેને પણ ધર્મજિજ્ઞાસા અને આધ્યાત્મિક તત્પરતા હોય, તે તેમના શિષ્ય થઈ શકતા. એટલે સેંકડો બ્રાહ્મણો, શૂદ્રો, વણિકો તેમના શિષ્ય થયા હતા. વર્ષો સુધી અનેક વિસ્તારોમાં ફરી, ઉપદેશ દ્વારા વ્યક્તિગત જીવનમાં અને સમાજમાં ચેતના પ્રસરાવી અને એક શાંત ક્રાંતિ કરી મહાવીર ઈ.સ.પૂર્વે ૫૨૭માં ૭૨મા વર્ષે મૃત્યુ પામ્યા. તેમને જૈનોના છેલ્લા, ૨૪મા તીર્થંકર માનવામાં આવે છે.
શું ઉપદેશ હતો મહાવીરનો ?
મુખ્ય ઉપદેશ છે “પાંચ મહાવ્રતનો.” સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. આ પાંચ વ્રતને તેમણે પાયામાં રાખ્યાં. તેમાં પણ અહિંસાને તો તેઓ સૂક્ષ્મતમ સ્તરે લઈ ગયા. ભારતમાં પછી જે અહિંસાનો પ્રચાર થયો કે જીવ-હિંસા અટકી ગઈ, તે બધું મહાવીરના ઉપદેશના પ્રભાવે થયું.
ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો છે અને સિદ્ધાંતો કહ્યા છે, તેમાં “અનેકાન્તવાદ” શિરમોર છે. આ સિદ્ધાંત કહે છે કે વસ્તુનાં તમામ પાસાંને ધ્યાનમાં રાખી સત્યનો નિર્ણય કરી શકાય. મહાવીર કહેતા કે કોઈ પણ સવાલના સાત જવાબ હોઈ શકે છે. આ વિચાર સમજાવો બહુ જ કઠિન છે. પણ અઢી હજાર વર્ષ પછી જ્યારે વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇને “સાપેક્ષતાનો સિદ્ધાંત” આપ્યો, ત્યારે જગતને ખ્યાલ આવ્યો કે આ જ વાત મહાવીરે અઢી હજાર વર્ષ પહેલાં કહી છે.
આ ઉપરાંત સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચરિત્ર અને સમ્યક્ દર્શનનો સિદ્ધાંત પણ જાણવા જેવો છે. પણ મહાવીરના બધા જ વિચારોને જોયા પછી લાગે કે તેઓ શુદ્ધ ધ્યાની હતા, શુદ્ધ આત્મસ્થ હતા. કેવળ આત્માના ભાવમાં રહેતા હતા.
ભારતે જે મહાપુરુષો આપ્યા છે, તેમાં મહાવીર સ્વામી પણ એક અનન્ય રત્ન સમાન છે. આજે અઢી હજાર વર્ષ પછી પણ તેમની વાણી વર્તમાન જગતને સ્વસ્થ રહેવા માર્ગદર્શન આપે છે.
Your Content Goes Here




