(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. ૬ જાન્યુઆરીના રોજ શ્રીગુરુ ગોવિંદિસંહજીની જયંતી નિમિત્તે લખેલ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.)

વાતાવરણમાં આત્યંતિક ગંભીરતા છવાયેલી છે. બધાના ચહેરા પર તાણ દેખાય છે. બધા એકીનજરે ગુરુ તેજબહાદુર સામે જોઈ રહ્યા છે. ગુરુ પણ આંખ મીંચી કશોક વિચાર કરી રહ્યા છે.

કાશ્મીરી બ્રાહ્મણો હાથ જોડી ગુરુ સામે ઊભા છે. તેમાંના એક બોલે છે : “ગુરુજી, પરિસ્થિતિ ખૂબ વણસી ગઈ છે. ઔરંગઝેબે તો હદ કરી નાખી છે. હિન્દુઓને ભયંકર ત્રાસ આપી રહ્યો છે. અમારી વહુ બેટીઓ પણ સુરક્ષિત નથી. અમારી જનોઈને જબરદસ્તીથી ઉતારવામાં આવે છે. હવે તો સહન પણ નથી થતું અને કશું કરી પણ નથી શકતા. એટલે અમે આપના શરણે આવ્યા છીએ. કશોક ઉપાય કરો.”

ગુરુ બોલ્યા, “બ્રહ્મજનો, આપની વાત સાંભળીને મને તો એક જ વિચાર આવે છે કે ઔરંગઝેબનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. તેની સામે કોઈકે તો થવું જ પડશે. આ માટે કોઈ પુણ્યાત્માએ બલિદાન આપવું પડશે. કોણ એ જ હું વિચારી રહ્યો છું.”

સભામાં સન્નાટો છવાઈ ગયો હતો. કોઈ બોલતું ન હતું. ગુરુ કોને પુણ્યાત્મા જાહેર કરે છે તે બધા વિચારતા હતા.

અચાનક ગુરુના ખોળામાં બેઠેલા તેમના નવ વર્ષના પુત્ર ગોવિંદરાય ઊભા થયા અને પિતા સામે હાથ જોડી ઊભા રહ્યા.

ગુરુએ પુત્ર સામે જોયું. વાત્સલ્યથી પૂછ્યું, “કેમ બેટા ગોવિંદ, તારે કંઈ કહેવું છે?”

પુત્રે મસ્તક નમાવી કહ્યું. “જી, પિતાજી.”

“બોલ.”

બધા ગોવિંદ સામે જોતા હતા. બધાને નવાઈ લાગી કે આવી ગંભીર ચર્ચા વચ્ચે પુત્ર વળી કઈ માગણી કરશે?

ગોવિંદ બોલ્યો, “પિતાજી, આપથી વધારે પુણ્યશાળી કોણ હોઈ શકે?”

“પિતાશ્રી, આપ જ આ બધાની રક્ષા કરી શકો તેમ છો.”

સાંભળનારા બધા તો સ્તબ્ધ થઈ ગયા. શું પુત્ર પિતાના બલિદાનની વાત કરે છે? પુત્ર?

ગુરુ મહારાજ પણ પુત્ર સામે ચકિત થઈ જોવા લાગ્યા. તે બોલ્યા, “બેટા, તું આ શું કહે છે? તું તો નાનું બાળક છો. તારો આ વિષય નથી.”

“પણ પિતાજી, મારી વાત પર વિચાર કરો.”

“એટલે? હું લડવા જાઉં?”

“જી.”

“બેટા, તારી સંભાળ કોણ લેશે?”

ગોવિંદના ચહેરા પર સ્મિત આવ્યું. તે બોલ્યો, “પિતાજી, મારી ચિંતા ન કરો, કારણ કે

જબ હુતે ઉદર મહિ માત કે, કરે રાખવારી જોય।
અબ તો ભયે નવ સાલ કે, ક્યોં ન સહાઈ હોય॥”

નવ વર્ષનાં આ બાળકના મોએથી આ સાંબળી ગુરુ તો ખુશ થઈ ગયા. તે પુત્રને ભેટી પડ્યા અને બ્રાહ્મણો સામે જોઈ બોલ્યા, “તમે તમારા અધિકારી શાસકોને કહો કે જો તમારા ગુરુ તેગબહાદુર ઈસ્લામ ગ્રહણ કરે તો બધા મુસલમાન થઈ જશે.”

ઔરંગઝેબ તો ભડકી ઊઠ્યો. તેમણે ગુરુને દિલ્હી બોલાવ્યા. ગુરુને ખ્યાલ હતો કે તે પાછા નહીં આવે. એટલે તેમણે પુત્રને બોલાવ્યો અને તેના સાથે અંતિમ વાતો કરી અને ઉપદેશ આપ્યો. પછી દિલ્હી ગયા. ત્યાં ઔરંગઝેબે તેમનું મસ્તક કાપી નાખ્યું.

પણ માત્ર નવ વર્ષે બહાદુરીપૂર્વક પિતાને પ્રોત્સાહિત કરનાર આ બાળક ગોવિંદરાય—જેમણે પાછળથી ગોવિંદસિંહ નામ રાખ્યું—સમય જતાં શીખોના દસમા અને અંતિમ ગુરુ બન્યા.

ગુરુ ગોવિંદસિંહનો જન્મ ૧૬૬૬ની બાવીસમી ડિસેમ્બરે પટણામાં થયો હતો. નવમા વર્ષે પિતાના મોતથી તે દસમા ગુરુ બન્યા. ગાદી પર બેસતાં જ તેમણે હિન્દુઓના રક્ષણની પ્રતિજ્ઞા લીધી. તેમણે ક્રૂર શાસકોના ત્રાસને જોયો હતો. એટલે તેમણે શરુઆતથી જ શીખોમાં ક્ષાત્ર-ધર્મની ભાવના ઠાંસી દીધી હતી. શીખોમાં બ્રહ્મતેજ અને ક્ષાત્રતેજની ભાવનાનું મિશ્રણ કર્યું. તેમણે જાહેરાત કરી કે લોકોએ ગુરુને પૈસા બદલે શસ્ત્રોની ભેટ આપવી. પરિણામે ચારે બાજુથી શસ્ત્રોનો ભંડાર આનંદપુરમાં ઠલવાવા માંડ્યો. શીખોને અસ્ત્ર-શસ્ત્રની તાલીમ અપાવા લાગી. આધ્યાત્મિક ઉપદેશો સાથે અસ્ત્ર-શસ્ત્રનો રણકાર પણ સંભળાવા લાગ્યો.

ગોવિંદસિંહ જોતા હતા કે હિન્દુઓ સંગઠનના અભાવે જ નિર્બળ થતા જતા હતા. અસ્પૃશ્યતા અને જાતિભેદના કારણે બધા વિભાજિત થઈ ગયા હતા. કોઈમાં સાથે મળી વિપત્તિનો સામનો કરવાની ઇચ્છા જ ન હતી. એટલે તેમણે અસ્પૃશ્યતા દૂર કરવાનો નિશ્ચય કર્યો. તેમણે એક વિરાટ સહભોજનનું આયોજન કર્યું. ચારે વર્ણના લોકોને એક સાથે ભોજન કરવા બોલાવવામાં આવ્યા. કોઈએ વિરોધ કર્યો તો કહ્યું, “તમે જેને અસ્પૃશ્ય કહો છો તેઓ મને પ્રાણથી પણ પ્યારા છે. તેમના પરાક્રમથી જ હું યુદ્ધ જીતું છું. હિન્દુઓની રક્ષા માટે આ લોકો જ ખડા રહેશે. તેઓ હિન્દુ ધર્મનો જ એક હિસ્સો છે. તેમના વિના તો….

યુદ્ધ જીતે ઈનહી કે પ્રસાદ, ઈનહી કે પ્રસાદ સુદાન કરે।
ઈનહી કે પ્રસાદ સુવિદ્યા લઈ, ઈનહી કી કૃપા સબ શત્રુ મરે॥

આ રીતે સમતા, બંધુતા અને પ્રેમના પ્રચારના કારણે ગુરુજી વધારે પ્રિય બન્યા. અનેક લોકો તેમના શિષ્ય બનવા લાગ્યા. પીડિત અને દુ:ખીઓને તેમનામાં પોતાપણું દેખાયું. તેમની શક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેથી કેટલાક રાજાઓને તેમની ઈર્ષ્યા થવા લાગી. એવા એક રાજાએ તેમના પર ચડાઈ કરી. ગુરુજીએ તેમના વીર શિષ્યોની મદદથી તેને એવી તો છક્કડ આપી કે તે હારી ગયો. ગોવિંદસિંહનો આ પ્રથમ વિજય હતો.

પણ આ દેશનું દુર્ભાગ્ય હતું કે કોઈ તેમની આ સમન્વયની વાતને સમજી શક્યું નહીં. અનેક બ્રાહ્મણો અને રજપૂતો તેમનાથી એટલે વિરોધી થઈ ગયા કે તે જાતિના ભેદભાવ મીટાવવા માગતા હતા. ભીમચંદ નામના રાજાએ પણ તેમને ઉશ્કેર્યા. પણ દરેક વખતે તે બધા હારતા હતા. આ જ ભીમચંદ પર ઔરંગઝેબે ચડાઈ કરી ત્યારે ગુરુની સેનાએ જ તેને મદદ કરી અને મોઘલ સેનાને હરાવી. બાદશાહ તો હારથી તમતમી ઊઠ્યો અને તેણે ફરી એક મોટી ફોજથી તેના પર ચડાઈ કરી. ગોવિંદસિંહના વીર જવાનોએ આ સેનાને ખૂબ હાનિ પહોંચાડી. ગુરુ ઇચ્છતા હતા કે બધા સાથે મળીને લડે, પણ બધા એક ન થઈ શક્યા, પરિણામે આનંદપુરમાં શત્રુસેના પ્રવેશી અને લૂટફાટ કરી, ગોવિંદસિંહે તેની સેનાને હુમલો કરવા કહ્યું. તેમણે મોઘલ સેનાને ઘેરી લીધી અને લૂંટ છોડી સેનાને ભાગવું પડ્યું.

ગુરુ ગોવિંદસિંહ બધા રાજાઓની સંકુચિતતા જોતા હતા. તે બધાને એક થવા અને ઔરંગઝેબ સામે લડવા સમજાવતા હતા.પણ કોઈ માનતા ન હતા. તેમણે તેમની આશા જ છોડી દીધી અને આત્મબળ પર જ વિશ્વાસ મજબૂત કર્યો. તેમણે દૃઢ પ્રતિજ્ઞા લીધી કે….

જો ધરમ રખનહિત ભાઈ, સીસ દિયો હમરે પિત જાઈ।
સો ઉ ધરમ મૈં અચલ ચલાઉં, ભેડોં કો મૈં સિંહ બનાઉં।
ગઉઓ સે મૈં શેર મરાઉં, ભૂપ ગરીબન કો કરવાઉં।
રાજન કે સંગ રંક લડાઉં, ચિડિયોં સે મૈં બાજુ બનાઉં।
સવા લાખ સંગ એક લડાઉં, તચી ભો ગોવિન્દ નામ કહાઉં॥

તેમણે આનંદપુરના વૈશાખી મેળામાં હજારો શીખોને એકઠા કર્યા. ત્યાં તેમણે ભેદભાવ વિરુદ્ધ ઉત્તેજનાત્મક ભાષણ આપ્યું. તેમણે આવેશમાં કહ્યું, “આજ ચંડી બલિ માગે છે. જે ધર્મ માટે માથું આપવા માગતા હોય તે આગળ આવે અને આ ખડગને પોતાના લોહીથી તૃપ્ત કરે.”

સભામાં સન્નાટો છવાઈ ગયો. બધા એકબીજા સામે જોવા લાગ્યા. કોઈ ઊભું ન થયું. ગુરુજી ગર્જ્યા, “શીખોને પોતાના માથાનો આટલો મોહ! એક પણ વીર નથી જે માથું આપી શકે?”

દયારામ નામનો એક ક્ષત્રિય વીર સામે આવ્યો. તેણે મસ્તક નમાવ્યું. ગુરુ તેને તંબુમાં લઈ ગયા અને થોડી વાર પછી લોહીથી લથબથ ખડક સાથે બહાર આવ્યા. બોલ્યા, “હજી કોઈ દયારામ સાથે જોડાવા માગે છે?”

ધર્મદાસ નામે યુવક આગળ આવ્યો. તેને અંદર લઈ ગયા અને ફરી એ જ રીતે બહાર આવ્યા. ત્રીજી વાર મહુકમચંદ, ચોથી વાર સાહિબરામ નમઈ, પાંચમી વાર હિમ્મત નામનો યુવક આવ્યો. બધાને અંદર લઈ ગયા અને લોહીયાળ ખડક સાથે જ બહાર આવ્યા. બધા તો ચકિત થઈ ગયા. તેમને થયું કે ગુરુજી હોશ ખોઈ બેઠા હતા.

થોડી વાર ગોવિંદસિંહ સ્મિત કરતા આવ્યા. તેમની પાછળ આ પાંચે પણ આવ્યા. તેમણે નવાં વસ્ત્રો પહેર્યા હતાં. ગુરુએ કહ્યું કે આ તો માત્ર પરીક્ષા હતી. તેમણે તેમને “પંચ પ્યારો” તરીકે નીમ્યા. શીખોને કેશ, કડું, કંધી, કચ્છ અને કૃપાણ એમ પાંચ પ્રતીક આપ્યાં. બધાને કહ્યું કે તેમણે પોતાના નામ પાછળ સિંહ લગાડવું, પોતાનું નામ પણ ગોવિંદરાયથી ગોવિંદસિંહ કરી નાખ્યું. આ રીતે તેમણે “ખાલસા પંથ”ની સ્થાપના કરી.

ઔરંગઝેબે ફરી તેમના પર દસ હજારની સેના સાથે ચડાઈ કરી. શીખો બહાદુરીથી લડ્યા, પણ મોઘલોએ તેમને ચારે તરફથી ઘેરો ઘાલ્યો. બધાની વિનંતિથી ગોવિંદસિંહ કિલ્લો છોડી ભાગી નીકળ્યા. તે પોતાના એક શ્રધ્ધાળુ મુસલમાન રાજપૂત શિષ્ય રાયકલ્લા પાસે ગયા. એક દગાખોરે તેમના બે બાળકોને મોઘલોને સોંપી દીધાં. તેણે ગુસ્સામાં બન્નેને દિવાલમાં ચણી દેવા આજ્ઞા કરી. નવાબને એકે સમજાવ્યો કે બાળકો સાથે વેર ન હોય, પણ તે ન માન્યો. જ્યારે બાળકો સામે દિવાલ ચણાતી હતી અને નાનાં બાળક ફતેહસિંહની ગરદન સુધી આવી ગઈ, ત્યારે મોટા ભાઈ જોરાવરસિંહની આંખોમાં આંસુ આવી ગયાં. ત્યારે નાના ભાઈએ તેને ટોક્યો, “અરે, તારા મનમાં કાયરતા તો નથી આવી ગઈને ?”

મોટો બોલ્યો, “અરે ના, આપણને વળી મોતનો શું ડર! મને ખેદ એ જ વાતનો છે કે તું સંસારમાં મારાથી વહેલો જાય છે.” બન્ને જણે ગૌરવભરી ગરદનથી નવાબ સામે જોયું. નવાબે બન્નેને મારી નાખ્યા.

જ્યારે ગોવિંદસિંહ પાસે બાળકોના બલિદાનની વાત પહોંચી તો તે ગર્વથી ફુલાઈ ઊઠ્યા અને બોલ્યા,

ધર્મ કહેતુ સુત જિનકે લાગે।
માતુ પિતા જાનો બડભાગે છે॥

ગોવિંદસિંહ મોઘલો સામે વિધર્મી તરીકે લડતા ન હતા. તેમના મનમાં તો એ બાબતે કોઈ જ દ્વેષ ન હતો. અનેક મુસલમાનો તેમના ભક્તો હતા. તેમનો વિરોધ તો તેઓ હિન્દુઓને ત્રાસ આપતા હતા તે સામે જ હતો. તેમણે ઔરંગઝેબને પત્ર પણ લખ્યો કે તે આ ત્રાસની પ્રવૃતિ છોડી દે.

ગુરુએ ફરી વિખરેલી શક્તિને એકત્રિત કરવાની શરુઆત કરી. જે શીખો તેમને છોડી ગયા હતા તેમને પણ ક્ષમા આપી અને ફરી સ્વીકાર્યા.

ગુરુ ગોવિંદસિંહ મુસ્લિમોને પણ પ્રેમ કરતા હતા. મુસ્લિમો પણ તેમને આદર આપતા હતા. ગુલખાં અને અતાઉલ્લા ખાં નામના બે ભાઈ તેમની સાથે જ રહેતા હતા. તે તેમની સેવા કરતા હતા. એક દિવસ ગુરુ એકલા સૂતા હતા ત્યારે ગુલખાંના મનમાં પાપ પ્રવેશ્યું અને બદલો લેવાની ભાવનાથી તેમના પેટમાં છરો ભોંકી દીધો. ગુરુએ સ્ફૂર્તિથી ઊઠી તેના પર તલવારનો એવો તો વાર કર્યો કે તે મરી ગયો. થોડા દિવસ પછી આ ઘાવ ભરાઈ ગયો. પણ તે કમજોર થઈ ગયા. એક દિવસ તેમણે એક કમાનને એટલી તો જોરથી ખેંચી કે ઘાવ ખુલ્લી ગયો. ખૂબ ઈલાજ કર્યો, પણ ઘાવ ઠીક ન જ થયો. પરિણામે ૧૭૦૮માં માત્ર ૪૨ વર્ષની થયે તેમનું મૃત્યુ થયું.

ગુરુ ગોવિંદસિંહે મૃત હિન્દુ જાતિમાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો. તેમણે ગુરુ ગ્રંથ સાહિબમાં દસમ સ્કંધ ઉમેર્યો અને આ ગ્રંથને પૂર્ણ કર્યો. તેમણે આજ્ઞા કરી કે હવે પછી કોઈ ગુરુ નહીં બને. માત્ર આ ગુરુ ગ્રંથ સાહિબ જ ગુરુ રહેશે. મૃત્યુ વખતે તેમણે શીખોને આ ઉપદેશ આપ્યો….

આજ્ઞા ભઈ અકાલ કી તભી ચલાયો પંથ।
સભ સિખ્ખન કો હુકમ હૈ ગુરુ માન્યો ગ્રંથ॥

સમાંતરે તેમણે શીખ પ્રજાને બહાદુર બનાવી અને દેશ માટે જીવતી કરી.

ગુરુ ગોવિંદસિંહે જે ઉપદેશ આપ્યો છે તેને સ“બાવન હુકુમ” કહેવાય છે. તેમાં નીતિમય જીવન જીવવું, આવકનો દસમો ભાગ દાનમાં આપવો, ગુરુ ગ્રંથ સાહિબના ઉપદેશ પ્રમાણે જીવવું જેવી આજ્ઞાઓ છે.

Total Views: 170

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.