(જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં અંગ્રેજી વિષયનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા કુ. સીમાબેન માંડવિયા, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેઓ રામકૃષ્ણ મઠ-મિશન તથા સારદા મઠ-મિશનની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. – સં.)
સાલ ૧૮૯૧. અલ્મોડામાં, હિમાલયની પ્રશાંતિમાં, સ્વામી વિવેકાનંદ (હવે પછી સ્વામીજી) ગહન ધ્યાનમાં લીન છે. એક તાર દ્વારા અચાનક તેમનું ધ્યાન ભંગ થાય છે. શું હતું તે તારમાં? તેમાં તેમની બહેનની આત્મહત્યાના સમાચાર હતા. ત્યારે તેણે માત્ર તેમના પોતાના અંગત દુ:ખને જ નહીં, પરંતુ જાણે કે તેમના આખા ચેતાતંત્રને ઝણઝણાવી નાખ્યું અને તેમણે પોતાની બહેનની સાથોસાથ પોતાના દેશની લાખો સ્ત્રીઓ પ્રત્યે સહાનુભૂતિ અનુભવી. આ કરુણ ઘટનામાં, જાણે કે, ઈશ્વર નિર્મિત કાર્યની દિશા હતી!
બીજો એક પ્રસંગ: સાલ ૧૮૮૬. કાશીપુર ઉદ્યાનબાટી, જ્યાં સ્વામીજીના ગુરુ, શ્રીરામકૃષ્ણદેવની (હવે પછી શ્રીઠાકુર) કેન્સરની સારવાર ચાલી રહી છે. એક દિવસ, થોડું સારું લાગતાં, તેઓ આસપાસ બેઠેલા ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. વાતો કરતાં કરતાં, તેઓ વારંવાર નરેન (ભવિષ્યના સ્વામી વિવેકાનંદ) તરફ જુએ છે અને અચાનક, તેમના તરફ તાકીને પ્રેમથી પૂછે છે, “નરેન, તને શું ગમે?” નરેને તરત જવાબ આપ્યો, “મને ઇચ્છા થાય છે કે શુકદેવજીની માફક એકધારા પાંચ-છ દિવસ સુધી લાગલગાટ સમાધિમાં ડૂબેલો રહું; ત્યાર પછી શરીરરક્ષાને ખાતર સમાધિમાંથી જરાક તરાક નીચે ઊતરી આવીને ફરી પાછો સમાધિમાં ચાલ્યો જાઉં.” શ્રીઠાકુરે નારાજ થતાં કહ્યું, “છિ: છિ:, તું આટલો મોટો આધાર, અને તારે મોઢે આવી વાત! મેં તો ધારેલું કે, તું એક વિશાળ વડલાના વૃક્ષ સમાણો બનીશ, તારી છાયામાં હજાર હજાર લોકો આશ્રય પામશે. તારે તો મારું અધૂરું કાર્ય, મારું યુગકાર્ય પાર પાડવાનું છે.”
શું હતું શ્રીઠાકુરનું એ યુગ-કાર્ય? એ હતું, ‘માતૃ-શક્તિનો વિકાસ’, સ્ત્રીઓને તેમની છુપાયેલી શક્તિ અથવા ‘માતૃ-શક્તિ’ પ્રગટ કરવામાં મદદ કરવી, શિક્ષણ દ્વારા તેમની કથળેલી સ્થિતિ સુધારીને તેમને ઉન્નત કરવી. સ્ત્રીઓ તો સમાજ અને સંસ્કૃતિના પાયાનો પથ્થર છે.
પ્રાચીન સમયમાં સ્ત્રીઓનું સ્થાન : પ્રાચીન સમયમાં, ચિત્ર અલગ હતું. સ્ત્રીઓ પુરુષની સમકક્ષ હતી. પ્રત્યેક ક્ષેત્રમાં સ્ત્રીઓનું યોગદાન હતું. દા.ત. રાજકારણમાં, રાજ્ય ચલાવવામાં, યુદ્ધમાં, ઘોડેસવારીમાં, તલવારબાજીમાં, શારીરિક કસરતોમાં (યોગાસનોમાં), કલા અને સાહિત્યના ક્ષેત્રમાં, શિલ્પકલા, સ્થાપત્ય, ચિત્રકલા, સંગીત વગેરેમાં. જો આપણે વૈદિક અને ઉપનિષદ કાળમાં પાછા જઈએ, તો આપણને મૈત્રેયી, ગાર્ગી, લોપામુદ્રા, અપાલા, ઘોષા, શચી વગેરે જેવી લગભગ અઠ્ઠાવીસ વિદુષીઓનું યોગદાન જોવા મળે છે. આપણાં મહાકાવ્યોમાં પણ, આપણે સ્ત્રીઓને તેમના સર્વોચ્ચ સ્થાને જોઈએ છીએ, દા.ત. રામાયણમાં સીતા, શ્રમણી, અનસૂયા, તારા, શબરી વગેરે. મહાભારતમાં સુલભા, જેણે રાજા જનકના દરબારમાં ઋષિ યાજ્ઞવલ્ક્ય સાથે શાસ્ત્રાર્થ કરી, જ્ઞાની પુરુષોની આખી સભાને સ્તબ્ધ કરી દીધેલ. તદુપરાંત, વિદુલા, કુંતામાતા, ગાંધારી, દ્રૌપદી, ઉત્તરા, સાવિત્રી વગેરેનું યોગદાન પણ આપણે જાણીએ છીએ.
તો પછી એવું શું થયું કે સ્ત્રીઓને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરવું પડ્યું?
સ્ત્રીઓની કથળેલી સ્થિતિ માટેનાં કારણો : સ્ત્રીઓના દરજ્જામાં અધોગતિ માટે ઘણાં પરિબળો જવાબદાર છે. ભારતની સમૃદ્ધિ અને સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે, તેના પર શક, હૂણ, પોર્ટુગીઝ, મોગલથી શરૂ કરીને બ્રિટિશરો સુધીની ઘણી જાતિઓ દ્વારા આક્રમણ થતું રહ્યું. ભારતીય લોકોના નમ્ર અને સરળ સ્વભાવને કારણે, તેઓએ પગપેસારો કરવાનું શરૂ કર્યું, જેનું સમાપન તેમના પર શાસન ચલાવવામાં થયું. ભારતના લોકો ‘સર્વ-સમાવેશક સંસ્કૃતિ’ના ઓઠા હેઠળ જીવતા હોવાનો ભ્રમ અનુભવવા લાગ્યા. તેઓ શરૂઆતમાં ખુશ હતા, પરંતુ ધીરે ધીરે જનતાએ દમનને પોતાના ભાગ્ય તરીકે સ્વીકારી લીધું. તદુપરાંત ધર્મ, જે દેશની કરોડરજ્જુ હતો, તે તેના સંકુચિત વલણ ‘અડકશો નહીં’ તરફ વળી ગયો અથવા રસોડા સુધી મર્યાદિત થઈ ગયો. બ્રાહ્મણોએ સંસ્કૃત ભાષાનાં વેદો અને અન્ય શાસ્ત્રોના અભ્યાસ પર પોતાનો ઇજારો સ્થાપિત કર્યો, એટલું જ નહીં પરંતુ, શાસ્ત્રોનો અભ્યાસ કરવા પર તેમણે સ્ત્રીઓ અને નિમ્ન જાતિના લોકો પર પ્રતિબંધ મૂક્યો. સમાજના ધનાઢ્ય લોકો પણ ખુદનું ગૌરવ અનુભવવામાં પોતાના પરિવારની સ્ત્રીઓને શિક્ષણ મેળવવા અથવા નોકરી માટે બહાર જવાની મંજૂરી ન આપતા. સ્ત્રીઓની ફરજ માત્ર પરિવારની સંભાળ રાખવા, ઘરના કામકાજ કરવા પૂરતી મર્યાદિત હતી.
બંગાળમાં બાળ-લગ્નની પ્રથા હતી, જેના પરિણામે, ઘણી યુવાન છોકરીઓને, વિધવા થતાં પુનર્લગ્ન ન કરતાં ઘરોમાં જ કેદ રહેવું પડતું. પરિણીત સ્ત્રીઓને ખુશ રાખવા માટે, પરિવારના પુરુષો તેમને આભૂષણો અને અન્ય ભેટોથી લાદી દેતા, જેના પરિણામે, કેટલીકને બાદ કરતાં, મોટાભાગની સ્ત્રીઓ કોઈ પણ વિરોધ વિના આવી પરિસ્થિતિ અથવા સ્થિતિથી સંતુષ્ટ થઈ જતી અને ધીમે ધીમે તેઓ, જાણે કે, માત્ર બાળકો પેદા કરવાના સાધનમાં ફેરવાઈ ગઈ. અલબત્ત, કેટલીકે બળવો કર્યો, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું, ક્યારેક તેને દબાવી દેવામાં આવ્યો. આથી, સ્વામીજીએ એક જગ્યાએ કહ્યું કે સ્ત્રીઓ કે જે શક્તિની જીવંત મૂર્તિઓ છે તેનું અપમાન, તે ભારતની અધોગતિનું કારણ છે.
સ્વામીજીનું પૂર્વ–નિર્મિત કાર્ય : હવે, સ્વામીજી તેમના ધ્યાનની તેમજ હિમાલયની ઊંચાઈએથી નીચે ઊતર્યા. અને આપણે તેમના જીવન-ચરિત્રમાં વાંચીએ છીએ કે તેઓએ એક ‘પરિવ્રાજક સંન્યાસી’ તરીકે સમગ્ર રાષ્ટ્રમાં ભ્રમણ કર્યું, તમામ પ્રકારના લોકોને મળ્યા, ધનિક અને ગરીબ; વિવિધ રાજ્યોના રાજાઓ, રાજકુમારો, અમલદારો, સત્તાધીશો, યુવાનો વગેરે સાથે વાતચીત, ચર્ચાઓ, શાસ્ત્રાર્થ દરમિયાન આપણા દેશની સ્થિતિ વિશે ચર્ચા, વિચાર-વિમર્ષ કરતાં કરતાં આખરે, દેશના દક્ષિણ છેડે આવેલ માતા કન્યાકુમારીના મંદિરે માનાં દર્શન કરી, ભારે હૃદય અને મન સાથે, તેઓ ત્રણ સમુદ્ર જ્યાં મળે છે ત્યાં તરીને એક મોટા ખડક પર પહોંચ્યા. ત્રણ દિવસ અને ત્રણ રાત તે ખડક ઉપર ફરીથી ગહન ધ્યાનમાં લીન થયા. આ ધ્યાન કોઈ દેવ-દેવીના સ્વરૂપ પર નહીં, પરંતુ ‘માતૃભૂમિ’ પર હતું. જે એક સમયે સાંસ્કૃતિક વિવિધતાથી એકદમ સમૃદ્ધ હતી, તે આટલી નબળી અને ગરીબ કેમ બની ગઈ! તેના પતનના કારણમાં ઊંડા ઊતર્યા, સાથોસાથ તેમણે દેશની વર્તમાન સ્થિતિ પર વિચાર કર્યો. દેશ એટલે માત્ર બે રાજ્યો વચ્ચેની સીમાઓ નહિ, પરંતુ તેનાથી કંઈક વિશેષ છે, તે તો યુગો-યુગોથી જિવાઈ રહેલું માનવજીવન છે. લોકોમાં જુસ્સો કેવી રીતે જાગ્રત કરવો, જેથી તેઓ ધર્મના ખોટા ખ્યાલ, કટ્ટરતા, અજ્ઞાનતા, જડતા અથવા આળસ, અંધશ્રદ્ધા વગેરેને બાજુ પર મૂકીને જીવનને અર્થપૂર્ણ રીતે જીવે! તેમને જાગૃત કેવી રીતે કરવા? ઊંડા વિચાર પછી, તેમને જવાબ મળ્યો કે આ તમામ સમસ્યાઓ માટે શ્રેષ્ઠ ઉપાય, રામબાણ ઇલાજ છે—શિક્ષણ.
શિક્ષણ તેના સાચા અર્થમાં ફેલાવું જોઈએ, માત્ર સાક્ષરતા નહીં. તેમના પરિવ્રાજક દિવસો દરમિયાન, તેમને ઘણા લોકો, યુવાન અને વૃદ્ધો, અભણ કે સાક્ષર દ્વારા સલાહ-સૂચન કરવામાં આવેલ કે સપ્ટેમ્બર ૧૮૯૩માં શિકાગોમાં (અમેરિકા) યોજાનારી વિશ્વ-ધર્મ-પરિષદમાં તેમણે આપણા સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરવા માટે અમેરિકા જવું જોઈએ. હવે તેમને પોતાના ગુરુનું દર્શન અને આદેશ તેમજ શ્રીમા શારદામણિદેવીના આશીર્વાદ પણ મળ્યાં. દેશની સ્થિતિ નિર્જીવ, કંગાળ, દિશાવિહિન જોયા પછી, તેમણે અમેરિકા જવાનું મક્કમપણે વિચાર્યું, કારણ કે એમણે બંને હેતુઓ પૂર્ણ કરવાના હતા— આપણા ધર્મનું પ્રતિનિધિત્વ કરવું અને શિક્ષણના તેમના કાર્ય માટે ભંડોળ એકઠું કરવું. આપણે તેમની જ્વલંત વિજયની ગાથા જાણીએ જ છીએ.
અમેરિકા–ગમન : ત્યાં પહોંચ્યા પછી જ્યારે તેમણે તે દેશની શિક્ષિત સ્ત્રીઓને સમાજમાં માથું ઊંચું રાખીને સ્વતંત્રપણે રીતે જીવતી જોઈ, ત્યારે તેઓ પોતાના દેશની સ્ત્રીઓની સ્થિતિની સરખામણી કરવા લાગ્યા. પોતાના ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદજીને એક પત્રમાં તેઓ લખે છે, “હું આ દેશની સ્ત્રીઓને જોઈને લગભગ સ્તબ્ધ થઈ ગયો છું! તેઓ મને દુકાનોમાં અને દરેક જગ્યાએ લઈ જાય છે, જાણે હું એક બાળક હોઉં… તેઓ સુંદરતામાં લક્ષ્મી જેવી છે, અને ગુણોમાં સરસ્વતી જેવી. હે ઈશ્વર! શું આપણે પુરુષોમાં ગણાવવા લાયક છીએ? જો હું આપણા દેશમાં આવી એક હજાર મેડોનાઓને ઊભી કરી શકીશ, તો હું શાંતિથી મરીશ.” તેમના વિચારો આપણા દેશમાં શિક્ષણ આપવાની યોજના ઘડવા તરફ વળ્યા.
સ્વામીજી દ્વારા કલ્પિત શિક્ષણ : સંસ્કૃતમાં કહેવાયું છે, ‘शिक्षा विहीना जन्तु समाना’ (શિક્ષણ વિના વ્યક્તિ પશુ સમાન છે). કેવા પ્રકારનું શિક્ષણ આપવું તે તેમની દૃષ્ટિએ સ્પષ્ટ હતું; તેઓ લખે છે, “આપણે એવું શિક્ષણ જોઈએ, જેના દ્વારા ચારિત્રનું નિર્માણ થાય, મનની શક્તિ વધે, બુદ્ધિનો વિકાસ થાય, અને જેના દ્વારા વ્યક્તિ પોતાના પગ પર ઊભી રહી શકે….આવા શિક્ષણથી સ્ત્રીઓ પોતાની સમસ્યાઓ પોતે જ હલ કરશે. તેમને હંમેશાં પરોપજીવીની તાલીમ આપવામાં આવી છે….આજના સમયમાં તેમના માટે આત્મરક્ષણ શીખવું પણ જરૂરી બની ગયું છે. જુઓ! ઝાંસીની રાણી કેટલી મહાન હતી.”
તેમને ભારતની સ્ત્રીઓ પર પૂર્ણ વિશ્વાસ હતો, તેથી આગળ કહે છે, “જો તેમને આ રીતે શિક્ષિત કરવામાં આવે, તો પાંચસો પુરુષોને જે કામ કરતાં પચાસ વર્ષ લાગી શકે છે, તે કામ કરતાં તેટલી જ સ્ત્રીઓને થોડાં અઠવાડિયાંથી વધુ નહીં લાગે.”
આમ, સ્વામીજીએ કલ્પના કરી કે પ્રથમ કાર્ય બહેનોને શિક્ષિત કરવાનું હતું, બાકીનું બધું, પોતાના નિર્ણયો લેવા વગેરે તેમના હાથમાં છોડી દેવું, પુરુષોની દખલગીરી વિના.
અને તેમણે શ્રીમાને આ પરિયોજના માટે યોગ્ય વ્યક્તિ માન્યાં કે જેઓ તેમને સંપૂર્ણ રીતે સમજી શકતાં. ત્યાં સુધીમાં તેમની પશ્ચિમી શિષ્યાઓ પણ તેમના કાર્યમાં મદદ કરવા તૈયાર થઈ ગયેલ. જેમાં મુખ્ય છે, માર્ગારેટ એલિઝાબેથ નોબલ (હવે પછી ભગિની નિવેદિતા), જે પોતે ઇંગ્લેન્ડમાં પ્રખ્યાત તેમજ અગ્રણી શિક્ષણશાસ્ત્રી હતાં. તેઓ સ્વામીજીના આહ્વાનથી ભારતીય સ્ત્રીઓને શિક્ષિત કરવામાં મદદ માટે સ્વેચ્છાએ ભારત આવ્યાં અને તેમની સાથે ભગિની ક્રિસ્ટીન પણ જોડાયાં. અન્ય પશ્ચિમી મહિલા-શિષ્યો પણ તૈયાર હતાં, જેમ કે, કુ. મેક્લાઉડ, શ્રીમતી સારાબુલ, જે ભારતમાં તેમની ત્રીજી મુલાકાત દરમિયાન દૃશ્ય-શ્રાવ્ય સાધનો તેમજ બાળકો માટે શૈક્ષણિક રમકડાં લાવ્યાં હતાં, અને ત્યારબાદ સુધીરા બોઝે આ કાર્ય ઉપાડી લીધેલ. આ શાળાનું ઉદ્ઘાટન શ્રીમા દ્વારા ૧૩મી નવેમ્બર, ૧૮૯૮ના રોજ, શ્રીકાલીપૂજાના શુભ દિવસે કરવામાં આવ્યું હતું. આમ, શ્રીમાના આશીર્વાદ અને સંપૂર્ણ નૈતિક સમર્થનથી શાળા શરૂ થઈ. દૈનિક અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો. સ્વામીજીએ સૂચવ્યું કે વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, સંસ્કૃત, વ્યાકરણ ઉપરાંત અંગ્રેજી પણ શીખવવું જોઈએ. તદુપરાંત, કલા અને હસ્તકલા, રસોઈ-કલા, સ્વ-બચાવ અને બાળ-ઉછેરની તાલીમનો સમાવેશ કરવામાં આવ્યો, કારણ કે સ્ત્રીઓ સમાજના પાયાનો પથ્થર છે; જો તેઓ યોગ્ય રીતે શિક્ષિત થાય, તો તેઓ સમર્થ બાળકોને જન્મ આપી, તેમને સમાજમાં પગભર થવા યોગ્ય રીતે તાલીમ આપી શકે. સ્વામીજીનો અભિપ્રાય હતો કે માત્ર કર્મકાંડી પૂજા શીખવવાથી કામ નહીં ચાલે.
ત્યાર બાદ સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા માટે સીવણ વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો. ભગિની ક્રિસ્ટીન, પોતે સિવણમાં રસ ધરાવતાં ન હોવા છતાં, તે શીખ્યાં અને શીખવ્યું. બહેનોને પહેલાં તેમના પતિ માટે કૂર્તા સીવવા કહ્યું, જેથી તેઓ તેમને શાળાએ આવવાની મંજૂરી આપે. જો કે શરૂઆતમાં ભગિની નિવેદિતા માટે આ કાર્ય એટલું સરળ ન હતું, તે જાણે કે ખાંડાની ધાર પર ચાલવા જેવું હતું, કારણ કે પરિવારના વડાઓ તેમની દીકરીઓને શાળાએ જવાની મંજૂરી આપતા ન હતા. ભગિની નિવેદિતા ઘરે ઘરે જઈને તેમને મળીને તેમની પુત્રીઓને શાળાએ મોકલવા સમજાવતાં. વળી, તેમને શાળાએ લાવવા-મૂકવા માટે ઘોડાગાડીની વ્યવસ્થા કરી હતી.
આમ, સ્વામીજીનું ‘શિક્ષણ’ અંગેનું પ્રથમ સ્વપ્ન સાકાર થયું. ધીરે ધીરે કાર્યે ગતિ પકડી, ભલે ઘણી મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરવો પડ્યો. શાળાની બીજી શાખા પણ પછીથી સુધીરા દેવી દ્વારા ૧૯૧૯માં પૂર્વ બંગાળના કોમિલ્લામાં શરૂ કરવામાં આવી. તદુપરાંત, ૧૯૨૦માં સ્વામી બ્રહ્માનંદજી, જે રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા, તેમણે બાગબજારમાં નવી શાળાની ઇમારતનો શિલાન્યાસ કર્યો; આ રીતે, સ્વામીજી દ્વારા પરિકલ્પિત ‘સ્ત્રીશિક્ષણ’નું કાર્ય ગતિશીલ બન્યું.
સુધીરા દેવી તે સમયના બ્રાહ્મ પરિવારનાં હોઈ શિક્ષિત હતાં. તેમણે વિદ્યાર્થિનીઓને શિક્ષક બનવા માટેની તાલીમ આપવાનું પણ શરૂ કર્યું, તેમજ માતૃ મંદિર નામે એક આશ્રમ જેવો એકમ પણ ચાલુ કર્યો, જ્યાં નિષ્ઠાવાન યુવતીઓ જે લગ્ન કરવા માગતી ન હતી, અને સંન્યાસીનીનું સાત્ત્વિક જીવન જીવતી હતી તેઓ તથા જે શિક્ષકો, મદદનીશ સ્ટાફ તેમજ અન્ય વિદ્યાર્થિનીઓ, જેઓ કલકત્તાનાં દૂરનાં સ્થળોએથી આવતાં હતાં, તે સહુ ત્યાં રહી શકતાં.
સ્વામીજીનું સંન્યાસિની બહેનોના મઠનું સ્વપ્ન: ઉપરોક્ત વાત થઈ દુન્યવી (જાગતિક) શિક્ષણ વિશે, પરંતુ સ્વામીજીએ બહેનોના આધ્યાત્મિક શિક્ષણનું પણ સ્વપ્ન જોયું, જેમ કે વૈદિક કાળની બ્રહ્મવાદિની કે વિદુષી બહેનો તૈયાર થાય તે માટેના મઠની સ્થાપનાનું. તેમણે ભવિષ્યવાણી કરેલી, “જો એક પણ સ્ત્રી બ્રહ્મને જાણનાર બને, તો તેના વ્યક્તિત્વના તેજથી હજારો સ્ત્રીઓ પ્રેરિત થશે અને સત્ય પ્રત્યે જાગૃત થશે તેમજ દેશ અને સમાજનું મહાન કલ્યાણ થશે.” તેમને ભારતીય સ્ત્રીઓની શક્તિમાં અતૂટ વિશ્વાસ હતો, કારણ કે તેમણે શ્રીમાને તમામ નિર્ણયો હિંમતથી લેતાં જોયેલ, વળી પોતાનાં માતા ભુવનેશ્વરી દેવીની પણ તેમના મુશ્કેલ સમયમાં હિંમત જોઈ હતી. તેમને ખાતરી હતી કે શ્રીમાના આગમનથી માત્ર સ્ત્રીઓની સ્થિતિ જ નહીં, પરંતુ દેશનું સમગ્ર ચિત્ર બદલાઈ જશે. સ્ત્રીઓ તેમની આંતરિક શક્તિને જાગૃત કરીને લગભગ તમામ ક્ષેત્રોને આવરી લેશે, જે માત્ર ભારત પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રસરી જશે. એક વાર તેમણે તે સમયના સમાજની શિક્ષિત મહિલા સરલા ઘોષાલને લખ્યું, “જો તમારા જેવી કોઈ વ્યક્તિ ત્યાં (ઇંગ્લેન્ડ) જાય, તો તે હચમચી જશે, અમેરિકાની તો વાત જ શું કરવી! જો ભારતીય વેશભૂષામાં સજ્જ એક ભારતીય મહિલા ત્યાં ભારતના ઋષિઓના મુખમાંથી નીકળેલા ધર્મનો ઉપદેશ આપે—હું એવું ભવિષ્ય જોઉં છું—એક મોટી લહેર ઊભી થશે જે સમગ્ર પશ્ચિમી વિશ્વને આવરી લેશે.”
શ્રીમાના આશીર્વાદથી, સ્વામીજીએ સમગ્ર પશ્ચિમી વિશ્વ પર વિજય મેળવ્યો, તેમને સ્ત્રીઓ માટેના આધ્યાત્મિક આંદોલનના કેન્દ્રમાં પણ શ્રીમાને જ રાખવાનું જરૂરી જણાયું. તેમણે ગુરુભાઈઓને પણ લખ્યું: “શ્રીમાના સંબંધમાં હું થોડો કટ્ટર છું. મારા માટે, માતાની કૃપા પિતાની કૃપા કરતાં લાખ ગણી વધુ મૂલ્યવાન છે. શ્રીમાની કૃપા, એમના આશીર્વાદ મારા માટે સર્વોપરી છે. તમે હજી સુધી શ્રીમાના જીવનના અદ્ભુત મહત્ત્વને સમજ્યા નથી. તમારામાંથી કોઈ પણ નહીં….શ્રીમાનો જન્મ ભારતમાં તે અદ્ભુત શક્તિને પુનર્જીવિત કરવા માટે થયો છે; અને તેમને કેન્દ્રમાં રાખીને, ફરી એક વાર ગાર્ગીઓ અને મૈત્રેયીઓ વિશ્વમાં જન્મ લેશે… શક્તિની કૃપા વિના કંઈ પણ સિદ્ધ થવાનું નથી… આથી આપણે પહેલાં બહેનો માટે એક મઠ બનાવવો જોઈએ. પહેલાં માતા અને માતાની પુત્રીઓ, પછી પિતા અને પિતાના પુત્રો.”
એક વાર તેમણે ભગિની નિવેદિતાને આ મઠની જગ્યા પણ બતાવેલ. “આધ્યાત્મિક આંદોલનના કેન્દ્રમાં શ્રીમાને રાખી, ગંગાના પૂર્વીય કિનારે એક મઠની સ્થાપના કરવાની છે. જેમ અહીંના મઠમાં (બેલુર મઠમાં) બ્રહ્મચારીઓ અને સાધુઓને તાલીમ આપવામાં આવે છે, તેમ તે મઠમાં પણ બ્રહ્મચારિણીઓ અને સાધ્વીઓને તાલીમ આપવામાં આવશે.” વધુમાં તેમણે ભવિષ્યવાણી કરતાં પોતાના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીને કહેલ, “ગામડાં અને શહેરોમાં આ બહેનો કેન્દ્રો ખોલશે અને સ્ત્રીશિક્ષણના પ્રસાર-પ્રચાર માટે પ્રયત્ન કરશે… આધ્યાત્મિકતા, બલિદાન અને સંયમ આ મઠની બહેનોનું વ્રત હશે અને સેવા તેમના જીવનનો સંકલ્પ હશે. આવા આદર્શ જીવનના દૃષ્ટિકોણથી કોણ તેમનો આદર નહીં કરે અને તેમનામાં વિશ્વાસ નહીં રાખે? જો આ દેશની સ્ત્રીઓનું જીવન આ રીતે ઘડવામાં આવે તો જ સીતા, સાવિત્રી અને ગાર્ગી જેવાં આદર્શ પાત્રો ફરીથી જોવા મળશે. સ્થાનિક રિવાજોની જડતાએ આ દેશની સ્ત્રીઓને કઈ હાલતમાં લાવી દીધી છે! તેમને નિર્જીવ અને જડ બનાવી દીધી છે, તે તમે ફક્ત ત્યારે જ સમજી શકો, જો તમે પશ્ચિમી દેશોની મુલાકાત લો.”
પરંતુ, દુર્ભાગ્યે સ્વામીજીના જીવનકાળ દરમિયાન ઘણાં કારણો અને સંજોગોને લીધે તેમનું આ સ્વપ્ન પૂરું થઈ શક્યું નહીં. પરંતુ, તેમના તિરોધાન પછી, એકાવન વર્ષ બાદ તે સ્વપ્ન સાકાર થયું. શ્રીસારદા મઠનાં પ્રથમ મહાસચિવ, પ્રવ્રાજિકા મુક્તિપ્રાણાજી (ત્યારે આશા દેવી) દ્વારા ૧૯૪૬માં લખાયેલ ‘ધ હિંદુ વિમેન્સ રાઇટ ટુ સંન્યાસ’ નામના લેખે જાણે કે વિદ્વાનો અને બેલુર મઠના અધિકારીઓમાં ખળભળાટ ઊભો કર્યો. પછી તેમણે આ બાબતે ગંભીરતાથી વિચાર્યું. સાત સમર્પિત બહેનો ‘માતૃ-મંદિર’માં સંન્યાસિની તરીકેનું ત્યાગમય જીવન જીવી રહી હતી. પારુલ (સરલા દેવી) નામનાં એક યુવતી, જેમની સુધીરા દેવીએ સમગ્ર જીવન દરમિયાન સંભાળ લીધી હતી, શ્રીમાના જીવનકાળ દરમિયાન તેમના રક્ષણ હેઠળ હતાં અને શ્રીમાની મહાસમાધિ બાદ વારાણસીમાં સાત્ત્વિક જીવન ગાળતાં હતાં. અહીં એ નોંધવું રસપ્રદ છે કે પારુલે શ્રીમા સાથે રહેતી તમામ સ્ત્રીઓના વિરોધ છતાં શ્રીમાના કહેવાથી નર્સિંગની તાલીમ લીધેલ. શ્રીમાની મહાસમાધિ પછી, સ્વામી સારદાનંદજી (તત્કાલીન રામકૃષ્ણ મઠ-મિશનના મહાસચિવ)ની સલાહ મુજબ તેઓ વારાણસી ગયાં, ત્યાં શ્રીરામકૃષ્ણ સેવાશ્રમ, જે સ્વામીજીના નિષ્ઠાવાન શિષ્યો દ્વારા શરૂ કરવામાં આવેલ, તેના ‘મહિલા વિભાગ’માં થોડો સમય સેવા આપેલ. આથી, તેમને પણ બોલાવવામાં આવ્યાં અને તેમને શ્રીસારદા મઠનાં પ્રથમ મહાધ્યક્ષા નિયુક્ત કરવામાં આવ્યાં.
સ્ત્રીઓ માટે મઠ સ્થાપવાનું સ્વામીજીનું સ્વપ્ન ડિસેમ્બર ૧૯૫૩માં, શ્રીમાના જન્મ-શતાબ્દી-વર્ષ દરમિયાન સાકાર થયું. પહેલાં આ આઠ તપસ્વી બહેનોને સંન્યાસ-દીક્ષા આપવામાં આવી. ૨જી ડિસેમ્બર, ૧૯૫૪ના રોજ સ્વામીજીએ બતાવેલ સ્થળે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જ્યાં હાલમાં શ્રીસારદા મઠનું મુખ્ય મથક આવેલું છે. આ આઠ સાધ્વીઓએ રામકૃષ્ણ મઠ-મિશનની જેમ જ, શરૂઆતમાં તેમના (રામકૃષ્ણ સંઘના અધિકારીઓના) માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ, આ મઠ સ્વતંત્ર બન્યો—રામકૃષ્ણ સંઘની ‘મહિલા પાંખ’. આ ‘મહિલા-પાંખ’નું સમગ્ર બંધારણ—નિયમો અને રીત-રિવાજો, રામકૃષ્ણ મઠ-મિશનની જેમ જ છે. ૧૯૬૦માં, રામકૃષ્ણ સારદા મિશનની સ્થાપના, રામકૃષ્ણ મિશનની જેમ જ તમામ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરવા માટે કરવામાં આવી, જેમાં મઠની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે શાળાઓ, કૉલેજો, તબીબી સંસ્થાઓ અને સ્ત્રીઓને સ્વતંત્ર બનાવવા માટેની અન્ય પ્રવૃત્તિઓ (વ્યાવસાયિક માર્ગદર્શન) વગેરે શરૂ કરવામાં આવ્યાં, જે આજે પૂરજોશમાં ચાલી રહેલ છે. સંન્યાસના વ્રત પછી તેમને નવા જન્મના સૂચક તરીકે નવાં નામ આપવામાં આવ્યાં. સ્વામી માધવાનંદજી, તત્કાલીન મહાસચિવ, તેમને અલગ નામ આપવા ઇચ્છતા હતા, જે મૌલિક લાગે. તેથી તેમણે નવા નામની આગળ સ્વામીને બદલે પ્રવ્રાજિકા લગાવવવાનું સૂચવ્યું, જેનો અર્થ થાય છે જે ‘સંપૂર્ણપણે ત્યાગ કરે તે’, અને પાછળ આનંદને બદલે પ્રાણા જેનો અર્થ થાય છે આત્મા, તે લગાવવવાનું સૂચવ્યું.
આમ, સ્વામીજી દ્વારા પરિકલ્પિત આધ્યાત્મિક ક્ષેત્રમાં નવું પ્રકરણ ખૂલ્યું. વર્તમાનમાં ભારતનાં લગભગ તમામ રાજ્યોમાં (૩૬) અને વિદેશોમાં (૨) તેની શાખાઓ છે, જે સ્ત્રીઓને વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક બંને ક્ષેત્રોમાં દિશા આપવાનું કાર્ય કરી રહી છે, અને સ્વામીજીના શબ્દોને સાર્થક કરવા માટે સખત મહેનત કરી રહી છે કે વીતેલી સદીઓ મજબૂત પુરુષોની હતી, પરંતુ આવનારી સદીઓ ‘આધ્યાત્મિક સ્ત્રીઓની’ હશે. ગુજરાતની એકમાત્ર શાખા, વલસાડમાં છેલ્લાં પચીસ વર્ષથી કાર્યરત છે, જ્યાં આજે ભવ્ય પ્રાર્થના-મંદિર તેમજ કાર્યાલયની ઇમારત આકાર લઈ રહ્યાં છે, જે પ્રત્યેક ગુજરાતી માટે એક ગૌરવ લેવા જેવી વાત છે.
તો ચાલો, આ લેખનું સમાપન સ્વામીજીની જ નવી સભ્યતા અંગેની ભવિષ્યવાણી સાથે કરું. સ્વામીજીએ કહ્યું છે, “રોમનની સંગઠન-શક્તિ, ગ્રીકનો સૌંદર્ય પ્રત્યેનો અદ્ભુત પ્રેમ, અને હિન્દુની ધર્મની કરોડરજ્જુ તેમજ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ. આ બધાંને એકઠાં કરીને નવી સભ્યતા લાવો. હું તમને કહી દઉં, આ સ્ત્રીઓ દ્વારા જ થવું જોઈએ. આપણાં કેટલાંક પુસ્તકો કહે છે કે આગામી અને છેલ્લો અવતાર (આપણે દસ અવતારમાં માનીએ છીએ), એક સ્ત્રીના રૂપમાં આવશે.”
Your Content Goes Here




