(સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેઓ રામકૃષ્ણ મઠ-મિશન તથા સારદા મઠ-મિશનની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. – સં.)
12મી જાન્યુઆરી ‘રાષ્ટ્રીય યુવા દિવસ’. કેન્દ્ર સરકાર દ્વારા ઈ.સ. 1985થી ઘોષિત થયેલ આ દિવસ તથા એ આખું સપ્તાહ ‘યુવા-સપ્તાહ’ તરીકે આપણે ઊજવતા આવ્યા છીએ. યુવાનો માટે શૈક્ષણિક સંસ્થાઓ કે સ્વામીજીના આદર્શોથી પ્રેરિત ખાનગી સંગઠનો વગેરે પણ અનેકવિધ કાર્યક્રમો યોજી, સ્વામીજીના વિચારો તેમનામાં સિંચિત કરવાના પ્રયત્નો કરતા હોય છે. આ વિચારોનું ભાથું તો 1500 વર્ષ ચાલે તેટલું છે, હજુ તો તેની શરૂઆત થઈ છે. વિશ્વની કોઈ પણ સમસ્યા એવી નથી, જેનું નિરાકરણ આપણને સ્વામીજીના વિચારોમાંથી ન મળે! આપણે તેનું અવગાહન કરવું પડે. આ વર્ષે 21 જાન્યુઆરી એ સ્વામીજીનો તિથિ પ્રમાણે જન્મદિવસ છે, જે સમગ્ર વિશ્વમાં ‘રામકૃષ્ણ-સંઘ’ તથા તેને સંલગ્ન સંગઠનોમાં ઉજવાય છે—12 જાન્યુઆરી ની મોટા પાયે ઉજવણી ઉપરાંત. તો ચાલો, આપણે પણ આ શુભ દિવસ નિમિત્તે ‘સ્વામીજી અને રાષ્ટ્રનિર્માણ’ વિશે થોડું ચિંતન કરીને યુવાનોને પ્રેરિત કરીએ. સ્વામીજી પોતાના રાષ્ટ્રને, ખાસ કરીને યુવાનોને અત્યંત પ્રેમ કરતા. રાષ્ટ્રના પુરાતન વારસાને સાચવી, સંભાળીને તેમાં ખૂટતી કડીઓ પાશ્ચાત્ય દેશોની લઈ, આધુનિક સમયમાં આગળ ધપાવવા ઇચ્છતા અને તે માટે યુવાનોને કાર્ય કરવા આહ્વાન કરતા.
સ્વામીજીના મતે ચરિત્રનિર્માણ દ્વારા માનવનિર્માણ અને માનવનિર્માણ દ્વારા જ રાષ્ટ્રનિર્માણ થાય. આ રાષ્ટ્રનિર્માણ કઈ રીતે થાય? કઈ રીતે આપણે કરી શકીએ? તેના પર થોડું વિચારીએ. સ્વામીજી કહેતા કે દરેક રાષ્ટ્રની એક જીવાદોરી-કરોડરજ્જુ હોય છે, જે તેને જીવંત રાખે છે. તો આપણા દેશની કરોડરજ્જુ છે ધર્મ. ધર્મ તેના સંકુચિત અર્થમાં નહીં, પણ વિશાળ અર્થમાં સમજવાનો છે. ધર્મ એટલે આધ્યાત્મિકતા, ફરજ પ્રત્યે સભાનતા. કોઈ વાડાબંધી કે સંપ્રદાયવાદ નહીં, અત્યારે ધર્મના જે ઝઘડાઓ જોવા મળે છે તે તો પંથવાદ—અધર્મ છે. બે ધર્મો વચ્ચે ક્યારેય ઝઘડા ન હોય. બે અધર્મ વચ્ચે હોઈ શકે. કોઈ કહે હું હિંદુધર્મનો કે ઇસ્લામ કે ખ્રિસ્તીધર્મનો; કોઈ કહે હું શૈવપંથી કે વૈષ્ણવ કે શાક્તપંથી, શિવ, કૃષ્ણ કે માતાને ભજ્યા વિના ઉદ્ધાર ન થાય કે સ્વર્ગે ન જવાય વગેરે… પરંતુ તે શબ્દમાં જ તેનો અર્થ સમન્વિત છે. પંથી એટલે પંથે ચાલનાર મુસાફર. આમ, આ બધા પંથો છે, જે ઈશ્વર તરફ લઈ જાય. તે ઈશ્વર કે ધર્મ નથી.
તો સ્વામીજીના મતે ધર્મની વ્યાખ્યા છે, ‘ધર્મ એટલે આત્મસાક્ષાત્કાર કરવો.’ અર્થાત્ જાણવું, સમજવું, અનુભવવું. શું જાણવું? શેનો સાક્ષાત્કાર કરવો? ‘નિજ’સ્વરૂપનો—પોતાની અંદર, બીજાની અંદર પડેલી તેમજ સર્વત્ર વિલસી રહેલી દિવ્યતાને જાણવી, પિછાણવી અને તેનું પ્રગટીકરણ કરવું; તે છે ધર્મ. તો તે કઈ રીતે કરી શકાય?
સ્વામીજીએ એક ‘રાજમાર્ગ’ બતાવ્યો છે. તે છે—ચાર યોગોના સમન્વય દ્વારા. ચાર યોગમાંથી એક અથવા એકથી વધુ કે બધાના સમન્વય દ્વારા તે શક્ય બનાવી શકાય. આ ચાર યોગ છે: જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, રાજયોગ.
આપણે સહુ તેના શાબ્દિક અર્થ તો જાણીએ જ છીએ. દુન્યવી શિક્ષણ લેવું, ધર્મ કે અધ્યાત્મ વિશેનાં પુસ્તકો વાંચી ચિંતન-મનન દ્વારા આપણી શંકાનું સમાધાન કરવું, ઇતર વાંચન કરી આપણા આ જ્ઞાનની ક્ષિતિજો વધારવી. શિક્ષાગુરુ કે દીક્ષાગુરુ પાસેથી જ્ઞાનોપાર્જન કરવું વગેરે, કે જેના દ્વારા ઈશ્વર કે આપણા અંતરતમ આત્માને જાણવા પ્રયત્ન કરવો. ભક્તિ એટલે ઈશ્વરના કોઈ સ્વરૂપના પૂજાપાઠ કરવા; વાંચન, પઠન, શ્રવણ, કીર્તન, ભજન કરવાં કે યાત્રા, વ્રત, ઉપવાસ કરવાં વગેરે… જેના દ્વારા મન ઈશ્વરમાં પરોવવું કે ચિત્તશુદ્ધિ કરવી, દુનિયા અને દુન્યવી ક્લેશસંઘર્ષને ભૂલવાં. કર્મ એટલે આપણને મળેલ 24 કલાકમાં આપણા પોતા માટે તથા આપણી આસપાના બીજા લોકો માટે કરવાનાં થતાં કાર્યો. વેદમાં વર્ણવેલ કર્મકાંડ પણ એક પ્રકારનાં કર્મ જ છે. ઉપરોક્ત બધી પ્રવૃત્તિઓમાં મનને કેળવવું જ પડે. તો મનની અગાધ શક્તિનો તાગ મેળવવા તેમજ તેને નિયંત્રિત કરવા માટેના પ્રયત્નો એટલે રાજયોગ.
તેના માટે પતંજલિ દ્વારા નિર્દિષ્ટ અષ્ટાંગ યોગ ઉપર તો જવું જ પડે અને તો જ પ્રથમ ત્રણેય યોગનો સમન્વય સંભવિત બને. હવે આ સમન્વિત યોગ એ સ્વામીજીનો યુગધર્મ હતો. આ યુગમાં કરવાનું કાર્ય હતું, જેને નામ આપ્યું ‘વ્યવહારુ વેદાંત’ એટલે કે જીવન વ્યવહારમાં, રોજબરોજના ક્રિયાકલાપમાં, પ્રવૃત્તિઓમાં વેદાંતને વણવું. વેદાંત એટલે આપણે ઉપર જોયું તેમ આપણી તથા અન્યની તેમજ સર્વત્ર વ્યાપ્ત દિવ્યતાને પિછાણવી, જે પહેલાંના યુગોમાં ઋષિમુનિઓ જંગલમાં જઈને કરતા. સ્વામીજી તેને આપણી વચ્ચે સમાજમાં લાવ્યા; અને આ યોગોને નવી રીતે સમજાવ્યા. જેમ કે જ્ઞાનયોગ એટલે આગળ જોયું તેમ નિજસ્વરૂપ કે પોતાની દિવ્યતાને જાણવી-અનુભવવી, બીજામાં પણ તેનાં દર્શન કરવાં. જાણવી તે જ્ઞાન. હવે આપણી વચ્ચે સમાજમાં જે ગરીબ, પીડિત, અભણ, રોગગ્રસ્ત, અશક્ત, અજ્ઞાની, વગેરે લોકોમાં પણ આ જ દિવ્યતા છે તે જાણી, તેને ફક્ત એક ‘જીવ’ નહીં પણ તેમાં ‘શિવ’ રહેલ છે, તેમ જાણી તેમનાં દુ:ખ, કષ્ટ, વિપત્તિઓને દૂર કરવાનો પ્રયત્ન કરવો, જે કહેવાય ભક્તિયુક્ત કર્મ.
એટલે જ સ્વામીજીએ પ્રયોજેલ ‘દરિદ્રનારાયણ’ શબ્દને મહાત્મા ગાંધીએ પ્રચલિત કર્યો. અર્થાત્ આ બધામાં એ જ નારાયણ, ઈશ્વર કે શિવ વસે છે; જેને આપણે ફક્ત વિગ્રહ કે મૂર્તિમાં જ જોઈએ છીએ. આમ, ‘માનવમાં માધવ’ કે ‘જીવમાં શિવ’ જોઈ સેવા કરવાની વાત થઈ. અને આ બધું જ કરવા મનનું જોશ કે જોર તો જોઈએ જ. તેના માટે યોગ—રાજયોગ, મનની કેળવણી. ફક્ત આસન, પ્રાણાયામ એ રાજયોગ નથી. પરંતુ અષ્ટાંગ યોગ, આઠ પગથિયાં, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિને અનુસરવાં પડે. અને આ યુગધર્મના અનુસરણથી જ સ્વામીજીના સ્વપ્નનો ‘નવો માનવ’ તૈયાર થાય. આ નવનિર્મિત માનવ, નવો સમાજ, નવો પ્રાંત, નવું રાષ્ટ્ર અને નવું વિશ્વ બનાવી શકે. આ થયું ચરિત્રનિર્માણ દ્વારા માનવનિર્માણ અને માનવનિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણ.
તો ચાલો, આપણે સ્વામીજીના સૂત્ર ‘બનો અને બનાવો’ પ્રમાણે કાર્યમાં લાગી, માનવ બની, બીજાને બનાવી, રાષ્ટ્રનિર્માણના સ્વામીજીના આહ્વાનમાં લાગી પડીએ. તો જ આ ઉજવણી સાર્થક ગણાય.
Your Content Goes Here





