(શ્રી રવિશંકર દવે—જેઓ સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવ્યા હતા—ના પ્રપૌત્ર શ્રી અવંતિનાથ દવેએ પોતાના દાદા પાસેથી સ્વામી વિવેકાનંદ વિશે જે સાંભળ્યું હતું તેનું વર્ણન અત્રે પ્રસ્તુત કર્યું છે. -સં.)

જ્યારે સ્વામી વિવેકાનંદ શ્રી શંકર પાંડુરંગ પંડિતને ત્યાં પોરબંદરમાં અતિથિરૂપે પધાર્યા હતા ત્યારે આચાર્યજી વિદ્યાર્થી હતા. તે પંડિતજીના પુત્રો સાથે અધ્યયન કરતા હતા અને તે કારણે તેઓ સ્વામીજીના સંપર્કમાં આવ્યા હતા.

સ્વામીજી જ્યાં નિવાસ કરી રહ્યા હતા તે ભોજેશ્વર બંગલોમાં ગવર્નમેન્ટ શાળામાંથી ચાર વિદ્યાર્થીઓને ચાર વેદોનો પાઠ કરવા માટે મોકલવાની શાસ્ત્રીજી શ્રી હરિશંકરને વિનંતી કરાઈ હતી. દરરોજ સવારે લગભગ એક કલાક માટે યજુર્વેદના પાઠ-ગાન માટે આચાર્યજીની પસંદગી કરાઈ હતી.

વિદ્યાર્થીઓ ધર્મને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરતા હતા. તેમાંના એકે પૂછ્યું કે આપણે શા માટે તુલસીવિવાહનું આયોજન કરીએ છીએ? સ્વામીજીએ સમજાવ્યું કે શાલિગ્રામ શિલા ભગવાન વિષ્ણુનું પ્રતિક છે. તે નિશ્ચેષ્ટ છે. તુલસી એક જાતની વનસ્પતિ છે. તે જીવંત છે. તુલસીવિવાહ એ તે બંનેના સંયોગનું પ્રતીક છે; સજીવનું નિર્જીવ સાથે સંયુક્તીકરણ.

અન્ય એક વિદ્યાર્થીએ પૂછ્યું, “સૌ પશુ-પંખીઓમાં કૂકડો શા માટે સવારમાં સૌથી પહેલાં બોલે છે?” સ્વામીજીએ સમજાવ્યું કે બધાં પક્ષીઓમાં માત્ર કૂકડા અને મોરને માથે કલગી છે. કૂકડો એ નરપક્ષી છે. તેથી સૂર્યોદય પૂર્વેની ઠંડી હવા સૌ પ્રથમ તેને અસર કરે છે અને તેને બીજા કરતાં સૌથી પહેલાં જગાડે છે.

મેં મારા દાદાને પૂછ્યું હતું કે જ્યારે તમે યજુર્વેદનો પાઠ કરતા હતા તે વખતનો સ્વામીજીનો ભાવનાત્મક પ્રતિભાવ કેવો હતો? તેમણે કહ્યું હતું કે તે ચારેય વિદ્યાર્થી તકિયા કે સાદડી વિના, લાકડાના પાટલા પર બેસતા. સૌ પ્રથમ તેઓ સ્વામીજીને દંડવત્‌ કરતા, ત્યાર બાદ આસન પર બેસતા. પાઠ પૂર્ણ થયા બાદ સ્વામીજી એમને પ્રેમપૂર્વક દૂધ પિવડાવતા.

શિંગાડાના મહંત વિદ્યાર્થી હતા, તેમને સ્વામીજી ઋગ્વેદની કંડિકાનો પાઠ કરવાનું કહેતા. પછી તેઓ નેત્રો બંધ કરીને સમાધિવત્‌ મુદ્રામાં, તેમનો પાઠ સાંભળતા. ત્યાર બાદ યજુર્વેદનો પાઠ કરવાનો વારો આવતો. ત્યાર પછી તેઓ વારાફરતી સામવેદ અને અથર્વવેદનો પાઠ સાંભળતા. આમ, ઘણા દિવસ ચાલ્યું હતું.

એક વખત એક વિદ્યાર્થી લાંબા સમય સુધી ગેરહાજર હતો. જ્યારે તે આવ્યો ત્યારે સ્વામીજીએ તેની ગેરહાજરીનું કારણ પૂછ્યું. તેણે જવાબ આપ્યો કે તેને ‘કારેલા’ થયો હતો. સ્વામીજી હસ્યા અને તેની ભૂલ સુધારતાં કહ્યું, “તને કોલેરા થયો હતો, નહીં કે કારેલા!”

સ્વામીજીએ જ્યાં સુધી પોરબંદરમાં નિવાસ કર્યો ત્યાં સુધી તેમણે આવી રીતે જ્ઞાનગંગા વહેવડાવવાનું ચાલુ રાખ્યું.

રાજ આચાર્ય શ્રી રેવાશંકર અનુપરામ દવે

રાજ આચાર્ય શ્રી રેવાશંકર અનુપરામ દવેનો જન્મ ૯-૧૨-૧૮૭૫ના રોજ પોરબંદરમાં થયો હતો. જ્યારે તેઓ માત્ર દોઢ વર્ષની વયના હતા ત્યારે તેમનાં માતાનું મૃત્યુ થયું હતું. તેમની ૧૩ વર્ષની વયે પિતાનું અવસાન થયું હતું. તેથી તેમના ઉછેરની સંપૂર્ણ જવાબદારી તેમના કાકા લજ્જારામ જયશંકર દવે પર આવી પડી હતી.

તેમણે પ્રાથમિક શિક્ષણ પોરબંદર તાલુકા શાળા અને ગવર્નમેન્ટ સ્કૂલમાં મેળવ્યું હતું. પૂજ્ય શાસ્ત્રીજી હરિહર કાલિદાસ પાસે તેઓએ વ્યાકરણ અને સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. તે વખતે ગવર્નમેન્ટ સ્કૂલ શ્રી સુદામાજીના મંદિર પાસે આવેલી હતી. શ્રીરામઝરુખા મંદિર નામના માર્ગના વળાંક પર મંદિર આવેલું છે. મંદિરનો પહેલો માળ સંસ્કૃત અધ્યાપન માટે અલગ રખાયો હતો.

તેમણે વૈદિક શિક્ષણ તેમના કાકા લીલારામ દવે તથા નાગર બ્રાહ્મણ પ્રભાશંકર નરસિંહરામ પાઠક પાસે મેળવ્યું હતું. તેમણે ‘સત્પથ’નું અધ્યયન જામનગરના શ્રીમાળી બ્રાહ્મણ પ્રજ્ઞાચક્ષુ પૂજ્ય વેદિય ગગા દવે પાસેથી મેળવ્યું હતું.

આ વ્યક્તિઓ ઉપરાંત આ યુવાનના ચારિત્ર ઘડતરના સુકાર્યમાં અન્ય લોકોનું પણ પ્રદાન હતું. તેમાંના હતા—શ્રી લીલારામ અંબારામ દવે, પોરબંદરના પ્રસિદ્ધ રાજવૈદ્ય પુષ્કર બ્રાહ્મણ શ્રી નારાયણ ગોરધન શર્મા, ગૂગળી બ્રાહ્મણ શ્રી કેશવજી ઘેલા વાયદા, મોઢ બ્રાહ્મણ ત્રિવેદી કલ્યાણજી દેવચંદ. વિદ્વાન પુષ્કર બ્રાહ્મણ શ્રી જાદવજી ત્રિકમજી તેમના ઘનિષ્ઠ મિત્ર હતા.

૧૮૯૨-૯૩ની આસપાસ વિશ્વવિખ્યાત સ્વામીજી શ્રી વિવેકાનંદજી પોરબંદર સ્ટેટના એડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગજી પંડિતના અતિથિ હતા. પંડિતજીના પુત્ર આચાર્ય દવેના સહાધ્યાયીઓ હતા. તેથી તેઓ મિત્રો બન્યા હતા. આચાર્ય દવેને સ્વામીજીને મળવાનો સુયોગ સાંપડ્યો હતો. તેઓ સ્વામીજીના સંગમાં ઘણો બધો સમય વિતાવતા.

સ્વામીજી અને શાસ્ત્રીજી કાલિદાસની અનુમતિ મેળવીને તેઓ યજુર્વેદ સંહિતાના પાઠ-ગાન માટે ભોજેશ્વર બંગલો ગયા હતા.

તેઓએ પોતાના ઘેર અનેક વિદ્યાર્થીઓને અધ્યયન કરાવ્યું હતું. તેઓએ તેમને વેદો, કર્મકાંડ, પુરાણો અને વ્યાકરણનું અધ્યયન કરાવ્યું હતું. જીવનનિર્વાહ અર્થે તેઓ યજ્ઞકાર્ય કરાવીને ધનોપાર્જન કરતા. પોરબંદર સ્ટેટમાં આયોજિત થતા યજ્ઞો તથા તત્સંબંધિત અનુષ્ઠાનોમાં તેઓ આચાર્યપદ શોભાવતા. વર્તમાન સોમનાથ મંદિરની બાજુમાં રામચંદ્ર મંદિર હતું. આચાર્ય દવેએ તેનો પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ કરાવ્યો હતો. તેમણે ઘણાં સ્થાનોનાં પ્રાણ-પ્રતિષ્ઠા અને વાસ્તુપૂજન કર્યાં હતાં, જેવાં કે શેઠ શ્રી ચતુર્ભુજ શિવાજી સંસ્કૃત પાઠશાળા, માણિકભાઈ વેદિક પાઠશાળા, શ્રી ભાવેશ્વર મહાદેવ મંદિર, ડાહ્યાભાઈનું રામચંદ્ર મંદિર, બિરલા સાગર કોલોનીમાં આવેલ લક્ષ્મીનારાયણ તથા સુદામા મંદિર.

તદુપરાંત તેમણે મહારાણા સાહેબ શ્રી ભાવસિંહજી બાપુ અને મહારાજા સાહેબ શ્રી નટવરસિંહજી બાપુના રાજ્યાભિષેક વિધિ કર્યા હતા. તેમણે યુવરાજ શ્રી માધવસિંહજી અને શ્રી ઉદયભાણસિંહજીનો યુવરાજાભિષેક પણ સંપન્ન કર્યો હતો. તદુપરાંત તેમણે મહંત શ્રી શિંગાડાગમ અને બિલેશ્વરગમના પટ્ટાભિષેક વિધિ કરાવ્યા હતા. તેઓએ પોરબંદરના ગુગળી અને પુષ્કર્ણ બ્રાહ્મણોના પુરોહિત તરીકે તથા નાગર જ્ઞાતિના જ્યોતિષી તરીકે કાર્ય કર્યું હતું.

૧૮૬૦માં તેમને દ્વારકા શારદા પીઠાધીશ્વર પરમ પૂજ્ય શંકરાચાર્યજી શ્રી અભિનવ સચ્ચિદાનંદ તીર્થજી મહારાજ સત્યર્થ માર્તંડની ઉપાધિ અપાઈ હતી. તેઓ પોરબંદર વૈષ્ણવ સંપ્રદાયની હવેલીના ગોસ્વામી મહારાજના સંપર્કમાં હતા.

તેમના સંસ્કૃત ક્ષેત્રે પ્રદાન તથા સંંસ્કૃત જ્ઞાનની કદર રૂપે ૧૯૭૬-૭૭માં ગુજરાત સરકારના તત્કાલીન માનનીય ગવર્નર શ્રી કે. કે. વિશ્વનાથનના વરદ હસ્તે તેમને ‘યજુર્વેદ પ્રવીણ’નો ખિતાબ એનાયત કરાયો હતો. તેઓ શ્રી પ્રભાશંકર પટણીના પુત્ર બટુકરાયના મિત્ર હતા. બંનેયે સાથે મળીને અનુષ્ઠાનો, પુરશ્ચરણો, જપ તથા મંત્રશક્તિ વિધિઓ કર્યાં હતાં. તેઓ નિયમિતપણે પ્રાણાયામ, ગાયત્રીમંત્ર, સ્તોત્ર અને કવચ પણ કરતા હતા. સાત્ત્વિક જીવનયાપન કેવી રીતે કરવું તે તેમણે લોકોને શીખવ્યું હતું. તેમણે ટોલ્સટોય, જી.બી.શો., મહર્ષિ અરવિંદ ઘોષ અને સ્વામી રામતીર્થનાં પુસ્તકોનું પણ અનુશીલન કર્યું હતું.

Total Views: 19

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.