Vivekananda The Great Spiritual Teacher નામના પુસ્તકમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ સ્વામી પ્રભાનંદજીના પ્રસિદ્ધ થયેલ Vivekananda and His ‘Only Mother’ નામના અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.

શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ વચ્ચેનો સંબંધ અનન્ય હતો. એક માતા અને બાળકના સામાન્ય પ્રેમ કરતાં એ ઘણો ઉચ્ચકક્ષાનો દિવ્ય પ્રેમસ્નેહ હતો. એ બંનેના વ્યક્તિત્વના અત્યંત ભિન્ન દેખાતાં પાસાં અને વર્તનવલણોમાં મોટો તફાવત હોવા છતાં શ્રીમાના અને સ્વામીજીના જીવનમાં કેટલાંય એવાં સામાન્ય પાસાં જોવા મળે છે. શ્રીરામકૃષ્ણદેવના જીવન અને વૈશ્વિક સંદેશ-આદર્શો એ બંનેના જીવનનું એક અંગ બની ગયા હતા. બીજું એમણે મેળવેલ સર્વોચ્ચ આધ્યાત્મિક અનુભૂતિઓએ એમને બંનેને માનવીય સંબંધો અને આધ્યાત્મિકતાની મૂળભૂત એકતા અર્પી છે. ત્રીજું, એમણે બંનેએ રામકૃષ્ણ ભાવધારાની નક્કર આધારશિલા પર પ્રસ્થાપના કરવામાં એક સંયુક્ત નેતૃત્વ પણ પૂરું પાડ્યું છે. વિવિધ ઘટના પ્રસંગોએ ભિન્ન ભિન્ન રીતે આ અગાધ આધ્યાત્મિક પ્રેમસંબંધ કેવી રીતે પ્રગટ્યો એ બતાવવાનો આ લેખનો મુખ્ય ઉદ્દેશ છે.

શ્રીમા શારદાદેવી એક વખત શ્મશાનની નજીક હાવરામાં આવેલા ભૂસુરીમાં એક ભાડાના મકાનમાં રહેતાં હતાં. એક દિવસ સ્વામી વિવેકાનંદ અને સ્વામી અખંડાનંદ એમની અનુજ્ઞા લેવા માટે ગયા. બારાનગર મઠના પોતાના ગુરુબંધુઓથી દૂર જઈને લાંબો સમય સુધી એકાકી રહેવાનો સ્વામીજીએ નિર્ણય કર્યો. આ ઘટનાને પાછળથી યાદ કરીને શ્રીમાએ કહ્યું: ‘‘નરેનનો કંઠ પણ ઘણો મધુર અને સૂરીલો છે. આ શહેર છોડતાં પહેલાં તે મને મળવા આવ્યો અને મારી સમક્ષ થોડાં ગીતભજન ગાયાં. મારી રજા લેતાં પહેલાં તેણે કહ્યું: ‘મા, જો હું સાચો માણસ બનીશ તો હું તમને ફરીથી મળવા આવીશ. નહિ તો હું આપને આજે જ ઝાઝા જુહાર કહી દઉં છું.’ હું બોલી ઊઠી: ‘બેટા, તું શું કહેવા માગે છે?’ ખુશ કરવા માટે નરેને મને પ્રત્યુત્તર આપતાં કહ્યું: ‘આપની કૃપાથી હું થોડા જ સમયમાં પાછો આવી જઈશ.’’ શ્રીમાએ સ્વામીજીને સૂચન કરતાં કહ્યું: ‘બેટા, તું કોલકાતા છોડે એ પહેલાં તારાં માને મળવા નહિ જા?’ સ્વામીજીએ તરત જ પ્રત્યુત્તર વાળ્યો: ‘તમે જ મારાં એકમાત્ર મા છો.’ શ્રીમાએ સ્વામીજીને અને એના સાથી સંન્યાસીને હૃદયપૂર્વકના આશિષ આપ્યા. ત્યાર પછી તેમણે સ્વામી અખંડાનંદને સંબોધતાં કહ્યું: ‘હું આપણું સર્વકંઈ તમારા હાથમાં સોંપું છું. તમે હિમાલયની વિષમ પરિસ્થિતિ વિશે જાણો જ છો. નરેનને અન્ન વિના રહેવું ન પડે, એટલું જો જો.’ 

૧૮૯૦ના જુલાઈની આ ઘટના છે. એના થોડા મહિના પહેલાં ૨૩મી એપ્રિલે બલરામબોઝના મૃત્યુ પછીના દસમા દિવસે રામકૃષ્ણના કેટલાક સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યો બલરામબોઝના ઘરે મળ્યા. એ વખતે એમણે શ્રીમા શારદાદેવી વિશે ચર્ચા કરી. સ્વામીજીએ એ વખતે કહ્યું: ‘શ્રીઠાકુરે મને ઘણીબધી વાતો કરી છે પણ મા વિશે કંઈ કહ્યું નથી.’ સ્વામી યોગાનંદે આ સાંભળીને તરત જ કહ્યું: ‘કેમ એમ! જો શ્રીઠાકુર ઈશ્વર હોય તો તે (શ્રીમા) ઈશ્વરી હોવાં જ જોઈએ.’ ત્યારબાદ કેટલી ઝડપથી શ્રીમાની મહત્તાએ સ્વામીજી પર પ્રભાવ પાડવાનું શરૂ કર્યું એ જોઈને આપણને આશ્ચર્ય થાય છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે સાચો ઝવેરી હીરાની સાચી કિંમત કરી શકે. ઉપર્યુક્ત ઘટના એ પણ પૂર્ણ રીતે પુરવાર કરે છે કે શ્રીરામકૃષ્ણદેવ સ્વામીજી પર શ્રીમાનો પૂજ્યભાવ લાદવા માગતા ન હતા. પોતાના ગુરુદેવનાં પવિત્ર સહધર્મિણી પ્રત્યેના આ પૂજ્યભાવને જાણવામાં અને શ્રીમાની દિવ્યતાની સાચી ઓળખાણ કરવામાં તેમજ આ પૃથ્વી પર શ્રીમાએ કરવાની દિવ્યલીલા વિશે સ્વામીજી ધીમે ધીમે સમય પાકતાં પરિપક્વતા પામતા ગયા. પરંતુ આટલું કહેવું સાચું છે કે શ્રીમાએ સ્વ-અધિકારથી સ્વામીજીના હૃદયમંદિરમાં પોતાને પ્રસ્થાપિત કરી દીધાં હતાં.

પોતાના આ પાર્થિવ જીવનના છેલ્લા દિવસે શ્રીરામકૃષ્ણે શ્રીમા શારદાદેવીને આમ કહીને ખાતરી કરાવી હતી: ‘તમારે ચિંતા કરવાની જરૂર નથી; તમે અત્યાર સુધી રહ્યાં છો તેવી જ રીતે રહી શકશો; અને તેઓ (સંન્યાસી ભક્તજન) તમારી સારસંભાળ લેશે અને મારા માટે તેમણે જે કંઈ પણ કર્યું છે એટલું જ તમારા માટે પણ તેઓ કરશે.’ શ્રીઠાકુરની મહાસમાધિ પછી દક્ષિણેશ્વરના કાલીમંદિરના સત્તાવાળાઓએ શ્રીમા શારદાદેવીને દર મહિને રૂ. ૭નું ભથ્થું બંધ કર્યું ત્યારે સ્વામીજીએ એમની સાથે ઘણી દૃઢતાથી દલીલો કરી પણ એ વ્યર્થ ગઈ અને મહેનતાણું ચાલુ ન થયું. વાસ્તવિક રીતે શ્રીમાના યોગક્ષેમની ચિંતા સ્વામીજીને હંમેશાં રહેતી.

આ પૂર્વે જ્યારે શ્રીમા દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં ત્યારે તેમણે નરેન્દ્રને જોયા હતા અને આ યુવાન છોકરાની આધ્યાત્મિક ઉચ્ચતા વિશે શ્રીઠાકુરને ઘણી પ્રશંસા કરતાં પણ સાંભળ્યા હતા. તેમણે નરેન્દ્રનું મંત્રમુગ્ધ કરી દેતું ભજનગાન પણ સાંભળ્યું હતું. તેઓ અવારનવાર નરેન્દ્ર માટે વિશેષ ભોજન રાંધતાં. એમાંય ખાસ કરીને જાડી રોટલી અને એને ભાવતું વટાણાવાળું સૂપ પણ બનાવતાં. આ સંદર્ભમાં આપણને એક રમૂજી ઘટના યાદ આવી જાય: એક દિવસ શ્રીરામકૃષ્ણે શ્રીમાને નરેન્દ્ર માટે કંઈક સારું ભોજન રાંધવાનું કહ્યું. તેમણે તો મગની દાળ અને રોટલી બનાવી. જમવાનું કેવું થયું એ પૂછતાં નરેન્દ્રે કહ્યું: ‘જમવાનું તો ઘણું સારું હતું પણ માંદાને માફક આવે એવું હતું.’ શ્રીરામકૃષ્ણે શ્રીમાને જાડી ચણાની દાળ અને રોટલી બનાવવાનું કહ્યું. તેમણે શ્રીઠાકુરની સૂચનાનું પાલન કર્યું અને નરેન્દ્રને ભોજન લેવામાં ખૂબ મજા આવી.

શ્રીઠાકુર પછી શ્રીમા એવી પ્રથમ વ્યક્તિ હતી કે જે સ્વામીજીની સત્ત્વશીલ આધ્યાત્મિકતાની મહત્તાને જાણી ગયાં. જ્યારે શ્રીમા પોતાના પતિ શ્રીઠાકુરના જન્મસ્થાન કામારપુકુરમાં એકલાં રહેતાં હતાં ત્યારે સ્વામી વિવેકાનંદે પસંદ કરેલા સર્વ સેવાના દિવ્યપથનો સ્પષ્ટ અને પ્રથમ સંકેત એક અનન્ય દર્શન દ્વારા શ્રીમાને મળ્યો.

૧૮૯૩ના વર્ષમાં કોઈ એક સમયે બેલૂરમાં નીલાંબર મુખર્જીના ઘરે શ્રીમાને એક બીજું અત્યંત સૂચક અને મહત્ત્વનું દર્શન થયું. પૂર્ણિમાની રાત્રી હતી. શ્રીમા ગંગાના કિનારે આવેલાં પગથિયાં પર બેઠાં હતાં. એકાએક તેમણે શ્રીરામકૃષ્ણદેવને અચાનક ગંગાના પ્રવાહમાં ડૂબકી લેતાં જોયા, વળી પાછા ગંગા નદીના નીરમાં એકરૂપ બની જતાં પણ જોયાં. આ પ્રસંગની યાદ તાજી કરતાં પછીથી શ્રીમાએ કહ્યું હતું: ‘હું એ વિલક્ષણ દૃશ્યને આશ્ચર્યચકિત બનીને જોઈ રહી. કોણ જાણે ક્યાંકથી આવીને એકાએક નરેન્દ્ર પણ દેખાયો. ‘શ્રીરામકૃષ્ણનો જય હો, જય હો!’ એમ નરેન્દ્ર પોકારતો પણ હતો. ત્યારબાદ તેણે પાણીની અંજલિ ભરીને તેની આજુબાજુ રહેલા અસંખ્ય નરનારીઓ પર તેનાં અમીછાંટણાં કર્યાં. એ બધાંની તત્કાળ મુક્તિ થઈ ગઈ.’ આ વિલક્ષણ અને હૂબહૂ બનેલી ઘટનાની અસર શ્રીમાના મન પર એટલી બધી પડી હતી કે ઘણા દિવસો સુધી જ્યાં શ્રીઠાકુરનો દેહ પંચભૂતમાં ભળી ગયો એવા ગંગાના નીરમાં પગ બોળતાંય અચકાતાં રહ્યાં. શ્રીરામકૃષ્ણદેવના દૈહિક મૃત્યુ પછી તેમનું સૂક્ષ્મદર્શન બંધ ન થયું. સાથે ને સાથે નરેન્દ્ર શ્રીઠાકુરનું કાર્ય પોતાના ખભે ઉપાડી લેવાનો છે; એવી પાકી ખાતરી એમને થઈ. 

શ્રીરામકૃષ્ણદેવનાં જીવન-સંદેશના પ્રચાર-પ્રસાર માટે જે બે વ્યક્તિ પર વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો તે ‘શ્રીરામકૃષ્ણનું જીવંત વચનામૃત’ એવાં શ્રીમા શારદાદેવી  અને શ્રીરામકૃષ્ણના સંદેશના મુખ્ય વ્યાખ્યાતા અને એમના અગ્રદૂત સ્વામી વિવેકાનંદ – એ બંને  એકબીજા પર પૂર્ણપણે અવલંબિત રહ્યા વિના પોતપોતાની રીતે, પોતપોતાના પથે ચાલતાં રહ્યાં. પોતાના મહાન જીવનકાર્ય માટે પશ્ચિમમાં જવાનો અંતિમ નિર્ણય લેતાં પહેલાં સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુદેવની પ્રત્યક્ષ અનુજ્ઞા માટે ઝંખના કરી. પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણને સાગરના મોજાં પર ચાલતા અને સ્વામીજીને તેની પાછળ પાછળ આવવાનું કહેતા હોય એવું દર્શન એમણે અનેક દિવસો સુધી કર્યું. આથી સ્વામીજીને ખાતરી થઈ કે પોતે પશ્ચિમમાં જવું જોઈએ. ઉપર્યુક્ત ઘટનાની પાકી ખાતરી મેળવી લેવા પોતે જે મહાન પગલું ભરી રહ્યા છે, તે માટે આશીર્વાદ આપવા એમણે શ્રીમાને પત્ર લખ્યો. શ્રીમા નરેન્દ્રના અત્યંત ઉજ્જ્વળ ભાવિ વિશે બધું જાણતાં હતાં. આમ છતાં પણ આટલે દૂર આવેલા દેશમાં અને તે પણ અચોક્કસ પરિસ્થિતિઓ વચ્ચે એક મા તરીકે પોતે પોતાના પનોતા પુત્ર જેવા સ્વામીજીને કેવી રીતે મોકલે? એ માટે તેઓ ખચકાયાં પણ ખરાં. પરંતુ બીજી જ પળે આ મહાકાર્યમાં શ્રીઠાકુરની ઇચ્છાને જાણીને તેમણે પોતાની વ્યક્તિગત લાગણીઓને એકબાજુ રાખીને સ્વામીજીને પોતાના હૃદયના આશીર્વાદ આપ્યાં. સ્વામીજી જાણતા હતા કે તેમના આશીર્વાદ હંમેશાં તેમની સાથે જ હતા અને એ તેમનું રક્ષણ કરનારા અને પોતાના આત્મબળમાં વૃદ્ધિ કરનારા આશીર્વાદ હતા. આનો ઉલ્લેખ કરતાં સ્વામી શિવાનંદજીને લખેલા એક પત્રમાં તેમણે આમ લખ્યું હતું: ‘જો શ્રીમા આજ્ઞા કરે તો તેમનાં આ સંતાનો ગમે તે કાર્યો કરવા તૈયાર થઈ શકે. ભાઈ, અમેરિકા જતાં પહેલાં મેં શ્રીમાને મને આશીર્વાદ આપવા માટે લખ્યું હતું. એમનાં આશીર્વચન આવ્યાં અને હું એક જ કૂદકે આ મહાસાગર પાર કરી ગયો.’

સ્વામીજીએ અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનોનાં એક પછી એક બધાં શહેરો પર વિજયપતાકા ફરકાવી દીધી ત્યારે સ્વામીજીએ શ્રીમાનું કૃતજ્ઞતાપૂર્વક પૂર્ણ ભાવભક્તિથી સ્મરણ કર્યું હતું. એમની આ કૃતજ્ઞતાની લાગણીનો ઝરો એમના હૃદયમાંથી પ્રસ્ફુટિત થતો અને એની અભિવ્યક્તિ એમનાં વક્તવ્યોમાં અવારનવાર થતી રહેતી. ૧લી જુલાઈ ૧૮૯૫ના રોજ થાઉઝંડ આઈલેન્ડ પાર્કમાં આધ્યાત્મિક ઝંખનાવાળા કેટલાક ભક્તજનોના એક નાના સમૂહને સંબોધતાં સર્વ પ્રથમવાર સ્વામીજીએ જાહેરમાં શ્રીમા શારદાદેવીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું: ‘તેઓ – શ્રીમા શારદાદેવી એક મહાન આત્મા છે. તેઓ પવિત્ર અને નિર્મળ છે. તેઓ શ્રીરામકૃષ્ણનાં જીવનસંદેશના કાર્યને સહાયરૂપ થવાની એકમાત્ર ઇચ્છા ધરાવે છે. તેઓ એમને એક ગૃહસ્થની કક્ષાએ નીચે ઉતારવા માગતાં નથી.’ ૨૪ ફેબ્રુઆરી, ૧૮૯૬ના રોજ ન્યૂયોર્કમાં ‘મારા ગુરુદેવ’ પરના પોતાના વ્યાખ્યાનમાં સ્વામીજીએ ફરીથી શ્રીમા શારદાદેવીનો આ રીતે ઉલ્લેખ કર્યો હતો: ‘તેઓ નિર્મળ અને ઉમદા આત્મવાળાં છે અને પોતાના પતિની આશા-આકાંક્ષાઓને તેઓ સમજી શકે તેમ છે તેમજ એ આશા-આકાંક્ષાઓ પ્રત્યે સમભાવ પણ દાખવતાં રહે છે.’

શ્રીઠાકુરની મહાસમાધિ પછી તરત જ સ્વામીજીએ બીજા પ્રસંગે પણ જાહેરમાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે શ્રીમાએ રામકૃષ્ણ સંઘની સ્થાપનાના પ્રારંભિક કાળમાં ઘણો મોટો ભાગ ભજવ્યો હતો. સ્વામીજીએ ‘મારું જીવન અને કાર્ય’ નામના પોતાના વક્તવ્યમાં આમ કહ્યું હતું: ‘ત્યારબાદ વ્યક્તિગત રીતે મારા માટે અને બીજા બધા છોકરાઓ માટે પણ એક ભયંકર કાળ આવ્યો… એક છોકરાની પરિકલ્પના સાથે કોણ સમભાવ કે સમસંવેદન દાખવી શકે? કલ્પના પણ એવી કે જેણે બીજાને ઘણું સહેવાનું આપ્યું! મારા માટે કોણ સમભાવ કે સમસંવેદના અનુભવી શકે? એક સિવાય એવું કોઈ પણ ન હતું. એમનાં એકનાં સમભાવ અને સમસંવેદનાએ મારા માટે આશીર્વાદ અને આશા લાવી દીધાં. તેઓ એક નારી હતાં… વારુ, એ મહાનારી, તેમનાં (શ્રીરામકૃષ્ણનાં) સહધર્મિણી જ પેલા છોકરાઓના આદર્શ અને વિચારોને સમભાવથી, સમસંવેદનાથી અનુભવી શકતાં હતાં. પરંતુ તેઓ અસહાય હતાં. તેઓ તો અમારા કરતાં પણ વધારે અકિંચન હતાં.’ રામકૃષ્ણ સંઘના પ્રારંભકાળથી જ સ્વામીજીએ પોતાના હૃદયના ઊંડાણથી અનુભવ્યું હતું કે શ્રીમા જ એવાં નારી હતાં કે જેઓ આ રામકૃષ્ણ સંઘની પ્રગતિ અને વિકાસને અત્યંત ઉમળકા અને પ્રેમહોશથી નિહાળી રહ્યાં હતાં. શારદાનંદજીની દૃષ્ટિએ સ્વામીજી શ્રીમાને સંઘજનની રૂપે ગણતા. પોતાના પુત્ર નરેન્દ્રનાથ માટે શ્રીમાને અનન્ય સ્નેહભાવ હતો. તેઓ બરાબર જાણતાં હતાં કે શ્રીઠાકુરે વિશેષરૂપે પસંદ કરેલ નરેન્દ્રનાથ એક અદ્‌ભુત વ્યક્તિ છે. એક વખત સ્વામી વિવેકાનંદે શ્રીમાને લખેલ એક પત્ર ત્રિગુણાતીતાનંદજીએ એમની સમક્ષ વાંચ્યો ત્યારે તેમણે આવા ઉદ્‌ગારો કાઢ્યા: ‘નરેન્દ્ર એ ઠાકુરનું એક સાધન કે યંત્ર છે. ઠાકુર જ એમને પોતાનું કામ કરવા, પોતાના સંતાનો અને ભક્તજનોને પ્રેરવા અને આ જગતમાં સર્વનું કલ્યાણ કરવા માટે એમની પાસે આવા શબ્દો લખાવે છે. નરેન્દ્ર જે કંઈ પણ લખે છે એ સાચું છે અને હવે પછી એ બધું સાકાર બનશે જ.’  જોસેફાઈન મેક્લાઉડને શ્રીમાએ કહ્યું: ‘શ્રીઠાકુર કહેતા કે તેઓ એક દેહ છે અને નરેન્દ્ર તેનું મસ્તિષ્ક છે.’ સ્પષ્ટ છે કે આ જ કારણે શ્રીમા આમ કહેતાં: ‘શા માટે દરેક બાબતમાં નરેનને ઢસડો છો? એ એક અનન્ય અને વિલક્ષણ માનવ છે.’

સ્વામી વિવેકાનંદ પોતે પોતાની જાતને શ્રીમાના ‘શાશ્વત સેવક’ ગણતા, અને એ પણ શ્રીરામકૃષ્ણ કરતાં લેશમાત્ર પણ ઓછું નહિ. કાવ્યદેહે એમને આપણે આમ લખતાં જોઈએ છીએ: મા, હું છું સેવક તારો; હું છું વિનમ્ર સેવક તારી શક્તિનો. મા, કરું પ્રણામ તારાં શ્રીચરણકમલે. આપણે સ્વામીજીના મનને ઊંડાણથી નીરખીએ તો આપણને જોવા મળે છે કે તેઓ શ્રીમા શારદાદેવીને ‘જીવંત દુર્ગા’ માનતા. ૧૮૯૪માં સ્વામીજીએ પોતાના ગુરુભાઈ શિવાનંદજીને આમ લખ્યું હતું: ‘શક્તિ વિના વિશ્વનું પુનરુત્થાન થવાનું નથી. વિશ્વના બધા દેશોમાં આપણો દેશ સૌથી વધુ નિર્બળ અને પછાત કેમ છે? – કારણ કે અહીં શક્તિનો અનાદર થાય છે; ભારતમાં એ અદ્‌ભુત શક્તિનું પુનર્જાગરણ કરવા શ્રીમા અવતર્યાં છે; એમને જ કેન્દ્રસ્થાને રાખવાથી ફરી એકવાર ગાર્ગીઓ અને મૈત્રેયીઓ આ વિશ્વમાં જન્મશે. વહાલા બંધુ, અત્યારે ઘણું ઓછું જાણો છો. પરંતુ સમય જતાં તમે એ બધું સમજી જશો. એટલે એમનો મઠ (બને) એ મારી સૌ પ્રથમ ઇચ્છા છે.’ 

સ્વામી વિવેકાનંદ પોતાના આ વિચારને કાર્યરૂપ દેવા માગતા હતા. શ્રીમા શારદાદેવી કેન્દ્ર સ્થાને અને માર્ગદર્શક ચેતના રૂપે રહે તેવા સંન્યાસિનીઓ માટેના મઠની સ્થાપના કરવા તેઓ ઇચ્છતા હતા. તેઓ દૃઢપણે માનતા હતા કે શ્રીમાની નિર્મળતાનું અને ચારિત્ર્યનું તેજોજ્જ્વલ વૈયક્તિક દૃષ્ટાંત, તેમની આધ્યાત્મિક વાતો અને પોતાની અનુભૂતિ પર આધારિત તેમના ઉપદેશો, તેમનો વૈશ્વિક પ્રેમ અને સૌની સમાનભાવે સારસંભાળ એ આ સૂચિત મઠના અંતેવાસીઓને પ્રેરણા આપશે અને તેમનો ઉત્કર્ષ પણ કરશે. પરંતુ તેઓ આ કાર્યમાં આગળ વધી ન શક્યા. એ માટેનું આ એક કારણ હોઈ શકે. તેમના ગુરુબંધુ સ્વામી યોગાનંદે એક દિવસ ગિરિશચંદ્ર ઘોષની હાજરીમાં સ્વામીજીને કહ્યું: ‘તમને જે યોગ્ય લાગે તે બધું કરો અને એ મહદંશે સમાજને માટે કલ્યાણકારી નીવડશે; પરંતુ શ્રીમા શારદાદેવીને અત્યારે સવિશેષ પ્રખ્યાતિમાં ન લાવો. શ્રીઠાકુર આપણને કહેતા હતા કે જો આપણે તેમના ઉપદેશનો જાહેરમાં પ્રચાર કરીશું તો તેમનો દેહ નહિ ટકે; એ શબ્દો તમને શું યાદ નથી આવતા? આ જ વાત શ્રીમા વિશે પણ કહી શકાય..’ સ્વામીજીએ આ સુભગ સલાહને સ્વીકારી અને ટકોર કરતાં કહ્યું: ‘ભલે તેઓ જ પોતે પોતાની ઇચ્છા મુજબ અને પોતાની પસંદગીની રીતે પોતાનું ધર્મકાર્ય પૂર્ણ કરે. એમને દોરનારા આપણે કોણ? એનાથી વધારે સારું આપણે એમના આશીર્વાદથી આ બધું પૂર્ણ કરી શકીએ અને એ અદ્‌ભુત ચમત્કાર સર્જી શકે. વાસ્તવિક રીતે સ્વામીજીએ લગભગ એક દસકા પહેલાં કેળવેલા એમના એ વલણને જાળવી રાખ્યું. આ વિશે એમણે બલરામ બોઝને ૧૪મી ફેબ્રુઆરી, ૧૮૯૦ના પત્રમાં આ પ્રમાણે સલાહ આપી હતી: ‘શ્રીમાની ઇચ્છા પ્રમાણે ચાલજો. એમને વિશે કહેવાની હિંમત કરનારો હું વળી કોણ?’

ઓક્ટોબર ૧૯૦૧માં બેલૂરમઠમાં સૌ પ્રથમવાર શ્રીમાના નામે દુર્ગાપૂજાનો ઉત્સવ ઉજવાયો. સ્વામીજીનું આ કાર્ય એ સૂચિત કરે છે કે શ્રીમા મઠનાં માર્ગદર્શક અને રખેવાળ હતાં. ક્યારેક ક્યારેક શ્રીમા શારદાદેવી સ્વામીજી સમક્ષ શ્રીરામકૃષ્ણના દિવ્ય સ્વરૂપની વિસ્તૃતિ રૂપે ઉપસ્થિત થતાં તો ક્યારેક પોતાનું વૈયક્તિક સ્વરૂપ શ્રીરામકૃષ્ણમાં ઓગળી જતું અને તેઓ સ્વામીજી માટે ‘શ્રીરામકૃષ્ણમયી’ પણ બન્યાં. શ્રીઠાકુર અને શ્રીમા શારદાદેવી વચ્ચે ગમે તે સંબંધ રહ્યો હોય પણ સ્વામીજી માટે તો તેઓ એક મુખ્ય આધાર હતાં. આપણા પ્રણાલીગત ભારતીય ભાવોદ્રેકનો ઉચ્ચસ્વરે પ્રતિઘોષ કરતી વાણી આપણને સ્વામીજીએ સ્વામી શિવાનંદજીને લખેલા આ ઉદ્‌ગારોમાંથી સાંપડે છે : ‘મારે મન ‘મા’ની કૃપા ‘પિતા’ની કૃપા કરતાં લાખો ગણી વધારે મૂલ્યવાન છે. માની અમીકૃપા, માના આશીર્વાદ સાર્વભૌમ બાબત છે… મને માફ કરજો, પણ હું શ્રીમાની બાબતમાં થોડો અંધશ્રદ્ધાળુ છું… બંધુઓ, શ્રદ્ધા મેળવવી ઘણી કઠિન છે. જીવંત દુર્ગાની કેવી રીતે સેવા પૂજા કરવી એ હું તમને બતાવીશ અને માત્ર ત્યારે જ મારું નામ સાર્થક બનશે… ભાઈઓ, જ્યારે જ્યારે મને માની યાદ આવે છે ત્યારે હું એકાએક ભાવપૂર્ણ સ્તુતિગાન કરું છું, ‘અંતે રામ એટલે શું છે?’ મારા ભાઈ, ત્યાં જ મારું આ ધર્મઝનૂન રહેલું છે, હું તમને સાચું કહું છું. મારા બંધુ, શ્રીરામકૃષ્ણ વિશે તમે ખાતરીપૂર્વક કહી શકો કે તેઓ એક અવતારપુરુષ હતા કે તમને બીજું સારું ગમે તે તેમના વિશે કહી શકો. પરંતુ ધૂળ પડી એમના જીવનમાં કે જેમને શ્રીમા પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ નથી!’ તેમણે કહ્યું છે કે તેઓ પોતાના ગુરુબંધુ સ્વામી નિરંજનાનંદની નાદાનિયતને મૂગે મોઢે વેઠી લેવા પણ તૈયાર છે, કારણ કે તેઓ શ્રીમા પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિને લીધે લશ્કરના એક જવાન જેવું દૃઢ મનોવલણ ધરાવતા હતા. ૧૮૯૦ના એક દિવસે ગંગાના કિનારે એક જમીનનો ટુકડો તત્કાળ ખરીદીને તેના પર શ્રીમા માટે નિવાસસ્થાન બાંધવાની યોજના સ્વામીજીએ વિચારી. આ વિશે તેમના ગુરુબંધુઓને પશ્ચિમના દેશોમાંથી લખેલા પત્રોમાં ઘણા ઉલ્લેખો જોવા મળે છે. એમાંથી એકને આપણે ઉદાહરણ રૂપે લઈએ છીએ. તેમણે ૯મી ફેબ્રુઆરી ૧૮૯૫ના રોજ આમ લખ્યું હતું : ‘જ્યારે શ્રીમાના નિવાસસ્થાન માટે થોડી જમીન ખરીદવામાં સફળ થઈશ ત્યારે હું પોતે વાસ્તવિક રીતે ઋણમુક્ત બનીશ. ત્યાર પછી મને કશાયની પડી નથી.’ દુર્ભાગ્યે તેમને સફળતા ન મળી. કદાચ એવુંય હોઈ શકે કે શ્રીમાની એવી આજ્ઞા પણ હોય કે જેથી તેમણે વિચાર પડતો મૂક્યો અને પોતાની બધી શક્તિઓને રામકૃષ્ણ મઠની સંરચના માટે યોગ્ય જમીનનો પ્લોટ ખરીદવા તરફ વાળી દીધી. એક દિવસ સ્વામીજીએ શ્રીમા પાસે જઈને આમ કહ્યું ત્યારે તેઓ ખૂબ રાજી થયાં : ‘હે મા! મઠ માટે યોગ્ય જમીન મળી રહે એવી પ્રાર્થના સાથે મેં શ્રીઠાકુરને ૧૦૮ બિલીપત્ર ચડાવ્યાં છે. આપ જાણો છો કે કોઈ પણ કર્મ ફળ વિનાનું નથી હોતું. એક દિવસ તમે જોશો કે આપણે (મઠ માટે) યોગ્ય જમીન મેળવીશું જ.’ જ્યારે હાવરા જિલ્લાના બેલૂરમાં આવી જમીન ખરીદવામાં આવી ત્યારે સ્વામીજી શ્રીમાને એક દિવસ ત્યાં લઈ ગયા અને આમ કહેતાં કહેતાં તેમને એ સમગ્ર ભૂમિ ફરીને બતાવી : ‘હે મા, આ આપનું જ સ્થળ છે. અહીં તમે તમારી રીતે સુખચેનથી હરીફરી શકો છો.’ બેલૂર ગામ માટે શ્રીમાને પ્રેમલાગણી હતાં. એ બાબત તેઓ બેલૂરમાં નીલાંબર મુખર્જીના ઘરમાં રહેતાં હતાં તેનાં સંસ્મરણોની વાત કરતાં એક દિવસ તેમણે આમ કહ્યું: ‘એ વખતે હું કેટલી ખુશ થઈ હતી! તે ઘણું શાંત સ્થળ છે. હું હંમેશાં ત્યાં ધ્યાનભાવમાં જ રહેતી. એટલે જ નરેન આવા સ્થળે મઠનું નિર્માણ કરવા ઇચ્છતો હતો.’

જો કે શ્રીમા શાંત, શરમાળ અને વિનમ્રપ્રકૃતિનાં હતાં. છતાંય એમના હૃદયમાં રહેલી ગહન પ્રેમસ્નેહની લાગણી તેઓ ક્યારેક વ્યક્ત કરતાં. આવા એક ઘટનાની વાત આ પ્રમાણે છે:

‘સ્વદેશી આંદોલનની ચળવળ માટે કોઆલપાડા આશ્રમ સંવેદનશીલ સ્થળ બન્યું. એક દિવસ કોઆલપાડા આશ્રમના અધ્યક્ષ કેદાર (સ્વામી કેશવાનંદ)ને શ્રીમાએ કહ્યું: ‘માત્ર સ્વદેશી ચળવળથી તમે શું મેળવી શકશો? આપણે જે કંઈ પણ કરી શકીએ કે મેળવી શકીએ તેનું સ્રોત શ્રીઠાકુર છે; તે આપણા આદર્શ છે. તમે ગમે તે કરો પરંતુ જો તમે એમને પકડી રાખશો તો તમે ક્યારેય અવળે માર્ગે નહિ જાઓ. શ્રીમાની આ વાતથી ખાતરી થતાં કેદારે દલીલ કરતાં કહ્યું: ‘પરંતુ સત્ય વાત તો એ છે કે અમે બધા દેશકલ્યાણ માટે કામ કરીએ એમ સ્વામીજી ઇચ્છતા હતા. દેશના યુવાનોને નિ:સ્વાર્થ સેવાની પ્રેરણા આપીને એમણે નિષ્કામ કાર્યની આધારશિલા રચી છે. જો તેઓ અત્યારે જીવંત હોત તો કેટલું બધું કાર્ય થઈ ચૂક્યું હોત.’ શ્રીમાએ પ્રત્યુત્તર આપતાં કહ્યું: ‘અરે બેટા, જો નરેન આજે હોત તો આ કંપની સરકારે એને એકલાને મુક્ત રહેવા દીધો હોત! એનેય જેલમાં પૂરી દીધો હોત. આવું દૃશ્ય જોવા હું સર્જાઈ નહિ હોઉં. નરેન તો મ્યાનમાંથી નીકળેલી ખુલ્લી તલવાર જેવો હતો. વિદેશી રાષ્ટ્રોની યાત્રા પછી દેશમાં પાછા ફરીને તેમણે કહ્યું: ‘હે મા, તમારી અમીકૃપાથી જ આ યુગમાં મારે મહાસાગરને કૂદકો મારીને ઓળંગવો ન પડ્યો, પરંતુ હું એ બધા દેશોમાં એમનાં વહાણોમાં બેસી ગયો અને ત્યાં પણ મેં જોયું કે આપણા ગુરુદેવ શ્રીઠાકુરની દિવ્યપ્રભા કેવી ભવ્ય છે; કેટકેટલા લોકોએ તેમના વિશે સાંભળ્યું અને મારા પાસેથી આશ્ચર્યચકિત કરી દેતી આતુરતાથી એ આદર્શને સ્વીકાર્યો પણ છે!’ એ બધાં પણ મારાં સંતાનો છે, તું મારી સાથે સહમત થાય છે ને?’ કેદાર શાંત રહ્યા. શ્રીમાની આ મનની વિશાળ ઉદારતાથી જાણે કે અવાક્‌ બની ગયા. વિવેકાનંદના પશ્ચિમના શિષ્યો પ્રત્યેના ઉદાર મનના પોતાના વલણ-વર્તનમાં શ્રીમા પોતાના યુગ કરતાં ઘણાં આગળ હતાં. જો કે તેઓ અત્યંત વેગળું અને રૂઢિચુસ્ત બ્રાહ્મણવિધવા જેવું જીવન જીવ્યાં, છતાં પણ શ્રીમાએ એ બધાંનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને ‘મારાં સંતાનો’ એમ કહીને એમને સંબોધ્યાં પણ ખરાં. આથી પ્રસન્ન થયેલા સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુબંધુ સ્વામી રામકૃષ્ણાનંદજીને આ પ્રમાણે લખ્યું હતું: ‘યુરોપ અને અમેરિકાની મહિલાઓ બીજે દિવસે તેમને મળવા ગઈ, અને તમે શું ધારો છો, શ્રીમાએ એમની સાથે ભોજન પણ લીધું! શું આ ભવ્ય (કાર્ય) નથી?’

(ક્રમશ:)

Total Views: 267

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.