(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘સ્વામી બ્રહ્માનન્દ ચરિત’નો ગુજરાતી અનુવાદ શ્રી અમરશીભાઈ ગાંગાણીએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ -વિવેકાનંદ ભાવધારા સાથે વર્ષોથી જોડાયેલા છે. – સં.)
લીલામય પરમપુરુષ દક્ષિણેશ્વર તપોવનમાં રહીને ઘોષણા કરે છે, ‘જેમણે આંતરિકતાથી જપ-ધ્યાન કર્યાં છે, તેમણે અહીં આવવું જ પડશે.’ શ્રીરામકૃષ્ણની ઉક્તિ છે, “હું ભાવસમાધિમાં બોલું છું કે ‘મા, અહીંયાં જેઓ આંતરિક ખેંચાણથી આવે, તેઓ સિદ્ધ થાઓ!’” (કથામૃત, 33.5). દૂર અને નજીકના વિભિન્ન ભાષાના સાધકોનાં ટોળાં એકઠાં થાય છે દક્ષિણેશ્વર તપોવનમાં, અને ત્યાં અમૃતકુંડમાં અવગાહન કરીને જીવનના બધા પ્રયાસોની સાર્થકતા પ્રાપ્ત કરે છે. માત્ર સાધક-તપસ્વીઓ જ આવતા નથી, આવે છે દુઃખી-સંતપ્ત સાધારણ માણસો પણ. દક્ષિણેશ્વર કુંજમાં ‘પ્રેમના દરબારમાં આનંદનો મેળો’ લગાવીને બેઠેલા છે શ્રીરામકૃષ્ણ. ખીલેલા કમળની સુગંધથી દોડી આવે છે ભમરાઓ, એમની સાથે જ એ માખીઓનું ટોળું પણ આવે છે, જે શુદ્ધાશુદ્ધનો વિચાર ન કરીને આહાર-સંગ્રહને માટે ‘ફૂલ ઉપર પણ બેસે છે, વિષ્ટા ઉપર પણ બેસે છે.’ શાંતિસુધા મેળવવાને અગણિત નર-નારી દક્ષિણેશ્વરમાં એકત્રિત થાય છે. પરંતુ એ જોવામાં આવ્યું કે ઐહિક અને પારલૌકિક ભોગસુખને નિષ્કંટક બનાવવાના રસ્તાની ખોજને માટે જ અધિકાંશ લોકોની ભીડ છે. સાચા ધાર્મિક અથવા ધર્મોપદેશ ધારણ કરવામાં સમર્થ મનુષ્યોની સંખ્યા બહુ જ ઓછી છે. પુરુષોત્તમને પોતાની સમીપ વિષયાસક્ત લોકોની ભીડ અસહ્ય, પીડાદાયક લાગે છે. આનાથી તેઓ વ્યગ્ર થઈને શોધે છે, શુદ્ધસત્ત્વ ભક્તોને—પોતાના નિત્યસંગી, લીલા પાર્ષદોને. કાળક્રમે તેઓ દક્ષિણેશ્વરના લીલા-સ્થળમાં ઉપસ્થિત થવા લાગ્યા. અંગત પરિચય થયો, ઉપસ્થિત લીલા પાર્ષદો એ જાણવામાં સમર્થ બન્યા કે તેઓ કોણ છે અને લીલા કરનારા પ્રભુની સાથે એમનો સંબંધ શું છે. થોડા જ સમયમાં એ લોકોએ બાઉલ-દળના મુખ્ય ગાયકની સાથે સૂરમાં સૂર મિલાવીને, નૃત્યના તાલમાં તાલ મેળવીને, લીલા સ્થળને રસ-માધુર્ય-મંડિત કરી નાખ્યું.
ભાવરાજ્યના સમ્રાટ શ્રીરામકૃષ્ણ પોતાના માનસપુત્રના આગમનની આશામાં અધીર થઈને પ્રતીક્ષા કરી રહ્યા હતા. એક સ્નિગ્ધ શાંત બપોરનો સમય, શ્રીરામકૃષ્ણ પંચવટીમાં બેઠેલા છે. એમના મનની નાવડીએ ભાવસાગરમાં સઢ ફેલાવ્યો. તરંગોથી ઉદ્વેલિત ગંગાના વક્ષ પર અચાનક એમણે ભાવચક્ષુઓ વડે એક અદ્ભુત સુંદર વિકસિત શતદલ કમળ જોયું. શતદલ ઉપર આનંદમૂર્તિ શ્યામલ -કોમલ બાલકૃષ્ણ અને એની પાછળ નૃત્ય કરતો એના જેવડી ઉંમરનો અદ્વિતીય સુંદર એક બાળક! આંખોને ગમી જાય તેવું હતું એ અલૌકિક દૃશ્ય. દિવ્ય શિશુઓની નૃત્યલહેરીએ ભાવોના રાજાને અભિભૂત કરી દીધા, આનંદની લહેરો શરીર-તટને તરબોળ કરવા લાગી. છોડી જ વારમાં દૃશ્ય બદલાયું. કોન્નગરથી ગંગા પાર કરીને ભક્ત મનોમોહન મિત્ર દક્ષિણેશ્વર મંદિરમાં આવ્યા છે, પોતાની સાથે પોતાના એક આત્મીય યુવકને લાવ્યા છે. બંનેએ ઠાકુરની ચરણરજ લીધી. યુવક ઉપર નજર પડતાં જ પરમપુરુષનો હૃદય-સિંધુ ફરીથી આંદોલિત થઈ ઊઠ્યો. એમણે જોયું કે એમની સન્મુખ હમણાં હમણાં જોવામાં આવેલ કમલદલ ઉપર નૃત્ય કરતા કૃષ્ણસખા ઊભેલા છે. આ પહેલાં વટવૃક્ષની નીચે જોવામાં આવેલ બાળક તથા જગન્માતા દ્વારા બતાવેલ માનસપુત્રને તેમણે સહેલાઈથી ઓળખી લીધા. પરંતુ ભાવનિધિ શ્રીરામકૃષ્ણના વ્યવહારમાં કોઈ પ્રકારનો આવેગ-ઉચ્છ્વાસ વ્યક્ત થયો નહીં. હસતાં હસતાં એમણે મનોમોહનને કહ્યું, ‘આ સુંદર આધાર છે.’ યુવકનું નામ ‘રાખાલચંદ્ર’ સાંભળીને શ્રીરામકૃષ્ણ ફરીથી ભાવાવિષ્ટ બની ગયા અને અસ્ફુટ શબ્દોમાં આટલું જ કહ્યું, ‘તે જ નામ. રાખાલ અર્થાત્ વ્રજનો બાળગોપ.’ ભાવનું શમન થતાં એમણે યુવક સાથે પ્રેમથી વાત કરી, જલદી ફરીથી એક વાર આવવા માટે કહ્યું. પુરુષોત્તમનાં દર્શન અને એમના સુમધુર વ્યવહારથી યુવકે નિવારી ન શકાય એવા આકર્ષણનો અનુભવ કર્યો, જેની એને પહેલાં ક્યારે અનુભૂતિ થઈ ન હતી; તે સમજી શકતો ન હતો કે ‘મન શા માટે ઉતાવળું થઈ રહ્યું છે?’ યુવક એ દિવસે ઘરે ભલે પાછો આવ્યો, પરંતુ એનું મન તો ત્યાં જ દક્ષિણેશ્વરના આનંદ-આવર્તમાં પડ્યું હતું.
રામકૃષ્ણાવતાર લીલામાં ‘પિતા-પુત્ર’નું આ મિલન એક મહત્ત્વપૂર્ણ ઘટના છે, મણિ-કાંચન સંયોગ છે. અવતાર-લીલામાં પિતા-પુત્રના સંબંધનું તાત્પર્ય સાંસારિક બુદ્ધિ વડે સમજી શકાતું નથી. ભક્ત-લેખક દેવેન્દ્રનાથ બસુએ લખ્યું છે, “શ્રીરામકૃષ્ણ કહેતા હતા કે, ‘રાખાલ મારો પુત્ર છે—માનસપુત્ર.’ આનો અર્થ સમજવાનું સામર્થ્ય મારામાં નથી. તોપણ એક અગ્નિશિખામાંથી સમાન અગ્નિશિખાનું સંચારણ, જો આ કથનનું તાત્પર્ય હોય તો પિતા-પુત્ર બંનેને જોવાનું અદ્ભુત સૌભાગ્ય જેમને મળ્યું છે, તેઓ જ એની કંઈક ઉપલબ્ધિ કરી શકે છે કે શ્રીરામકૃષ્ણ શા માટે કહેતા હતા કે રાખાલ મારો પુત્ર છે.”
મહાન જીવનશિલ્પીના સ્વહસ્તે ઘડાયેલું છે એમના માનસપુત્રનું જીવન. એમનું વૈચિત્ર્યપૂર્ણ સબળ સુષ્ઠ જીવન ધર્મજગતના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરોમાં ચિર ભાસ્વર છે. આ જીવન-સ્રોતની આધ્યાત્મિક ગહનતાનો નિર્ણય કરવો દુ:સાધ્ય છે, પરંતુ લીલાયિત છંદોમાં વહેતાં વહેતાં મનુષ્યની સાધનાના ઇતિહાસના ઘાટો-વાટો પર એણે જે સુખસ્મૃતિઓ પાછળ રાખેલી છે, એમનું ચયન કરીને શ્રીશ્રી જગન્માતા પ્રેરિત શુદ્ધસત્ત્વ બાળકની લીલાનું અનુધ્યાન કંઈક સંભવ છે. લીલાના અનુધ્યાનમાં ઉદ્દીપ્ત હૃદય અભ્યુદયના પથ ઉપર અગ્રસર થશે, લીલાસુધાનું રસાસ્વાદન કરીને પરમાનંદ લાભ કરશે, આ આકાંક્ષાથી ‘ભક્તોની સાથે ભક્તસખા’એ લીલાના સમયે જે કર્યું હતું, એના યથાસાધ્ય અનુસરણની ચેષ્ટા કરવામાં આવશે.
૨૪ પરગણા જિલ્લાના બસીરહાટ તાલુકામાં શિકડા એક વિકાસશીલ જૂનું ગામ છે. કલકત્તાથી ૩૬ માઈલ દૂર ઉત્તરમાં એ આવેલું છે. ગામના જમીનદાર પ્રસિદ્ધ ‘આક્ણાના ઘોષ’ (મકરંદ ઘોષથી નીચેની પેઢીમાં સાતમા પુરુષ સદાનંદ ઘોષે આક્ણાથી આવીને શિકડામાં નિવાસ કર્યો હતો. આથી આ પરિવાર ‘આક્ણાના ઘોષ’ નામથી પરિચિત છે. આક્ણા ગામ હુગલી જિલ્લામાં છે. પરંતુ રેલવે સ્ટેશન પર ઊતરીને જવું પડે છે.) પરિવારના આનંદમોહન ઘોષ આ પ્રદેશના એક યશસ્વી વ્યક્તિ હતા. આનંદમોહનના પ્રથમ સંતાનના રૂપમાં રાખાલચંદ્રનો આવિર્ભાવ થયો. સાધનભજનથી પ્રસન્ન થઈને વ્રજબિહારીએ અહૈતુકી કૃપાસ્વરૂપ આ દેવશિશુ ઉપહારરૂપે આપેલો છે, આ દૃઢ વિશ્વાસને કારણે માતા કૈલાસકામિની (બસીરહાટની નજીક ટેટરા ગામના ભવાનીચરણગણની પૌત્રી અને ક્ષીરોદરનાથ ગણની પ્રથમ પત્નીથી ઉત્પન્ન થયેલ કન્યા) એ પુત્રનું નામકરણ કર્યું—રાખાલચંદ્ર. સમૃદ્ધિવાન જમીનદાર પરિવારના પ્રથમ સંતાનના જન્મથી આનંદવિભોર થઈ ઊઠ્યા ગ્રામવાસીઓ! શંખ-ધ્વનિથી આત્મીય -પરિજનોએ શિશુના મંગલ આગમનનું સ્વાગત કર્યું. એ દિવસ હતો મંગળવાર, શુક્લ બીજ તિથિ, બંગલા ૧૨૬૯ સાલનો ૮ માઘ, ઈ.સ. ૧૮૬૩ની ૨૧ જાન્યુઆરી.
ગ્રામીણ પરિવેશની હરિયાળી પટભૂમિમાં માતા-પિતાનાં સ્નેહપીયૂષ અને સ્વજનનો-પરિજનોના લાડ-પ્યારમાં કોમળ શિશુના આરંભનાં થોડાક પદક્ષેપ. આનંદ-ઉત્સવનાં આ થોડાંક વર્ષો બહુ જ દ્રુતગામી રહ્યાં. પરંતુ કરાલ કાળના આઘાતથી ક્ષણભર જાણે તેઓ પણ સ્તબ્ધ બની ગયા. બાળકની ઉંમર હજુ ફક્ત પાંચ વર્ષની જ હતી કે માતા કૈલાસકામિનીએ અચાનક આ મર્ત્યલોકમાંથી વિદાય લઈ લીઘી. બાળકની જીવન-પત્રિકાના પહેલા પાના પર જ નશ્વર જગત પ્રપંચની વાસ્તવિકતાએ ઊંડી રેખા દોરી દીધી. સંસારી આનંદમોહને બીજી વાર લગ્ન કર્યાં. બીજી પત્ની હેમાંગિનીએ ઘરમાં આવતાં જ માતૃહીન બાળકને ખોળામાં લઈ લીધું. પોતાના અંતરના સ્નેહથી બાળકના મન ઉપર પડેલ આઘાતને મટાડવાનો પ્રયત્ન કર્યો. હેમાંગિનીદેવીને ગોપાલ, ભૂપાલ અને નેપાલ નામના ત્રણ પુત્રો અને ત્રણ કન્યાઓ જન્મી હતી. (અરુણ પ્રકાશ ઘોષ: સ્વામી બ્રહ્માનંદ ઓ શિકડા કુલીનગ્રામ (બં.), પાનાં ૧૯).
ઉંમર વધવાની સાથે સાથે બાળકના હૃદયમાં દેવ-બ્રાહ્મણ પ્રત્યે ભક્તિ પણ વિકસિત થતી ગઈ. પોતાના હાથે કાલીની મૂર્તિ બનાવીને મિત્રોની સાથે પૂજા-પૂજા રમવું બાળકને સારું લાગતું. ક્યારેક તે પુરોહિત બનતો, ક્યારેક લુહાર બનીને રમતના બકરાની બલિ આપતો. બાળકને ગાવાનું સારું લાગતું. ભિખારી, વૈરાગીઓ પાસેથી કીર્તન સાંભળીને સહેજમાં જ શીખી લેતો. બાળકના નેતૃત્વમાં ઘરના પ્રાંગણમાં કીર્તનો થતાં, ક્યારેક ગામના દક્ષિણમાં તાડ, ફણસ, ખજૂરનાં વૃક્ષોથી ઘેરાયેલ પીરની દરગાહમાં શ્યામા-સંગીતની મહેફિલ જામતી, ક્યારેક નિર્જનસ્થાનમાં ધ્યાનની રમતમાં બાળક સ્થિર નિશ્ચલ બનીને બેઠો રહેતો. પ્રાચીન દુર્ગામંડપમાં દર વર્ષે દુર્ગા ઉત્સવ થાય છે, આનંદથી ઉત્સાહિત થઈને બાળકો રમે છે. રાખાલ એ સમયે પૂજામંડપમાં બેસીને સ્થિર દૃષ્ટિથી પૂજા જુએ છે, આરતી જુએ છે. આ બાળકને પોતાની ઉંમરના બાળકો સાથે કીર્તન-ભજન કરવાનું તો સારું લાગે જ છે, સાથે સાથે ચૂકપાટી, નાદન જેવી (બંગાળના) ગામડાની પ્રિય રમતોને માટે પણ ઓછો ઉત્સાહ ન હતો. પરિચિત-અપરિચિત બધાના પ્રેમ અને સ્નેહમાં સુંદર બાળક આનંદ અને સ્ફૂર્તિથી ચંદ્રની કળાની માફક મોટો થતો રહ્યો.
એક શુભ દિવસે હાથમાં ખડિયો પકડાવીને બાળકનું વાંચવા-લખવાનું શરૂ થયું. જમીનદાર આનંદમોહનની ઇચ્છા મુજબ ઘરની નજીક જ એક પાઠશાળા સ્થાપિત થઈ. પ્રસન્ન સરકાર શિક્ષક તરીકે નિયુક્ત થયા; ત્યાં જ નિયમિત રૂપે બાળકના પ્રાથમિક શિક્ષણનો આરંભ થયો. શ્રુતિધર બાળક પાઠશાળાની પરીક્ષાઓમાં પ્રથમ નંબર મેળવતો રહ્યો. હર્ષિત આનંદમોહન પુત્રના ઉજ્જ્વળ ભવિષ્યનાં સ્વપ્નો જોતા રહ્યા. આ સમયની એક ઘટના ઉલ્લેખનીય છે.
પાઠશાળામાં સહપાઠીઓના અંગ ઉપર સોટીનો માર પડવાથી બાળકનું પ્રેમપૂર્ણ હૃદય રડી ઊઠતું, આંખમાંથી આંસુ ઝરવા લાગતાં. સ્નેહપરાયણ શિક્ષક મહોદયે બાળકના અશ્રુજળથી વ્યથિત થઈને પાઠશાળામાં સોટીથી શિક્ષા આપવાની મનાઈ કરી દીધી. બાળ રાખાલમાં નવરાશના સમયે ફળફૂલનો બગીચો બનાવવાનો શોખ જોવામાં આવતો. પછીના સમયમાં સંઘાધ્યક્ષના રૂપમાં જ્યારે એમને સંસાર-મરુદ્યાનમાં ઠેર ઠેર શાંતિ-આશ્રય, રામકૃષ્ણ-લીલાઉદ્યાનની રચના કરતા તથા સંસાર-સરોવરમાંથી શુદ્ધ પવિત્ર મુમુક્ષુઓને ગુરુશક્તિના આકર્ષણથી ખેંચતા જોઈએ છીએ, ત્યારે સ્વાભાવિક રૂપમાં બાળપણની એમની આ બે રુચિઓનું સ્મરણ થઈ આવે છે. આ રીતે શિકડા ગામના સ્નેહપ્રાંગણમાં કિશોરનાં આરંભિક 12 વર્ષ પસાર થયાં.
ઉચ્ચતર શિક્ષણ મેળવવાને માટે પુત્રને આનંદમોહન ઈ.સ. ૧૮૭૫માં કલકત્તા લઈ આવ્યા. ઉત્તર કલકત્તાના બલરામ ઘોષ સ્ટ્રીટમાં આનંદમોહનના સસરા શ્યામલાલ સેનના ઘરે કિશોરના રહેવાની વ્યવસ્થા થઈ. ઘરની નજીકના વિદ્યાલય ટ્રેનિંગ એકેડેમીમાં રાખાલને દાખલ કરવામાં આવ્યા. ગામડાના ઉન્મુક્ત વાતાવરણના અભ્યાસુ રાખાલ કલકત્તા શહેરની બંધ હવામાં થોડાક સંકોચનો અનુભવ કરવા લાગ્યા. વિદ્યાલયના ઓરડાના બંધ વાતાવરણની સરખામણીમાં વિદ્યાલયની સાથે સંલગ્ન વ્યાયામશાળાએ કિશોરના મનને સહેલાઈથી આકર્ષિત કરી લીધું. આ જ વ્યાયામશાળામાં ‘મ્યાનમાંથી નીકળેલી તલવાર’ એવા નરેન્દ્રનાથની સાથે ધીર, ગંભીર રાખાલચંદ્રનું મિલન થયું. ઉંમરની દૃષ્ટિએ નરેન્દ્રનાથ રાખાલચંદ્રથી માત્ર નવ દિવસ મોટા હતા. નરેન્દ્રના પૌરુષ-સભર ચરિત્ર અને મધુર કંઠસ્વરે સ્વભાવથી કોમળ રાખાલને એમના ઘનિષ્ઠ બનાવી દીધા. અવતારના બે પાર્ષદો જાણે કે સ્વાભાવિક આકર્ષણથી કિશોર અવસ્થામાં જ ગહન પ્રેમબંધનમાં બંધાઈને હંમેશને માટે પરમ આત્મીય થઈ ઊઠ્યા!
એ સમયનું કલકત્તા મહાનગર બ્રાહ્મ-આંદોલનથી આંદોલિત હતું. મહાત્મા કેશવચંદ્રની વાણી અને વ્યક્તિત્વથી આકર્ષિત થઈને બધા કિશોર યુવાનો બ્રાહ્મસમાજમાં યોગદાન કરવાને માટે ઉત્સુક હતા. નરેન્દ્રનાથ સહજ ધર્માનુરાગની પ્રેરણાથી બ્રાહ્મસમાજમાં આવતા જતા હતા. ધર્માનુરાગથી તથા મિત્ર નરેન્દ્રનાથના ઉત્સાહથી રાખાલચંદ્ર પણ બ્રાહ્મ-આંદોલન પ્રત્યે આકર્ષિત થયા. બ્રાહ્મસમાજના ‘ૐ પિતા નોઽસિ’ પ્રાર્થનાના માધ્યમથી પરમ કરુણામય જગત-પિતાની આરાધનામાં એમનું વિકાસોન્મુખ મન સાંત્વના મેળવવાનો પ્રયાસ કરવા લાગ્યું. કેટલાંય વર્ષો પછી, લગભગ ઈ.સ. 1881ના પ્રથમ ભાગમાં એક દિવસ નરેન્દ્રનાથ અને રાખાલચંદ્રે બ્રાહ્મસમાજના પ્રતિજ્ઞાપત્ર પર હસ્તાક્ષર કર્યા. એ બન્નેએ પ્રતિજ્ઞા કરી કે તેઓ એકમાત્ર નિરાકાર અદ્વિતીય બ્રહ્મની ઉપાસના અને ધ્યાન-ધારણા કરશે. પ્રતિજ્ઞાપાલન માટે એમણે આંતરિક પ્રયત્ન પણ કર્યો. પરંતુ થોડા જ સમયમાં સ્વાભાવિકરૂપે આધ્યાત્મિક-વિકાસના ફળસ્વરૂપ પ્રતિજ્ઞાની અત્યંત સીમિત ધારણાથી રાખાલચંદ્રને બેચેનીનો અનુભવ થવા લાગ્યો. પ્રતિજ્ઞાની સીમારેખાનું અતિક્રમણ કરીને એમણે બૃહત્તર ભાવરાજ્યમાં પ્રવેશ કર્યો. એમના આ ધર્મ-જીવન-સંપ્રસારણની ઘટનાનું આપણે ક્રમશ: અધ્યયન કરીશું.
Your Content Goes Here





